Thursday, June 17, 2021

આતંકના અંતનો આખરી નિર્ણય : ડાકૂને પકડવાનું ATSનું 11 મહિનાનું ઓપરેશન

રાતના ૭:૩૦ વાગ્યા હતા. મે મહિનાનો તાપ વરસાવી સૂર્યનારાયણ હજુ ક્ષિતિજથી ઓઝલ જ થયા હતા. જંગલના નિશાચરો પણ આળસ મરડી રહ્યાં હતાં. એક સામાન્ય દિવસની સાંજ હતી, પણ ગુજરાત પોલીસની એક સર્વોચ્ચ એજન્સીમાં ઓપરેશન પાર પાડવાનો ભારે સળવળાટ હતો. વંથલી તાલુકાના જંગલમાં આવેલા રવની ગામ નજીકની એક વાડીમાં ATS (ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ) ના અધિકારીઓ એક ઓપરેશનની તૈયારી કરી રહ્યાં હતા. રવની ગામથી થોડે દૂર જંગલમાં આવેલી એક વાડીમાં કુખ્યાત આરોપી પોતાના ભાઇઓ સાથે કબાબની મિજબાની માણી રહ્યો હોવાની બાતમી હતી. આ કુખ્યાત ડાકુ જંગલના જનાવરો કરતા પણ વધુ વહેશી હતો. ગમે તે ભોગે તેના આતંકનો સફાયો કરવાનો હુકમ ખુદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આપી ચૂક્યા હતા. 

આ વાડીમાં એક ડીઆઈજીની અધ્યક્ષતામાં ૩૦થી વધુ પોલીસકર્મીઓ, જેમાં મહિલા પોલીસ અધિકારીઓ પણ જોડાયેલી હતી તે તમામ પોલીસકર્મીઓ બૂલેટપ્રૂફ જેકેટ પહેરી રહ્યાં હતા. પોતાના હથિયાર રાઉન્ડ (બૂલેટ)થી ભરી રહ્યાં હતા. એક ભેદી સન્નાટા વચ્ચે તમામ પોલીસકર્મીઓ પોતપોતાની જવાબદારી માટે સજ્જ થઇ રહ્યાં હતા. ઓપરેશનમાં કોઇ પણ ખામી ન રહે અને છેલ્લી ઘડીએ કોઇ વસ્તૂના અભાવે ઓપરેશન નિષ્ફળ ન જાય તે માટે પોલીસકર્મીઓએ ખીસામાં ટેસ્ટર પણ લીધા હતા. અનુભવી પોલીસકર્મીઓને ખ્યાલ હતો કે, જંગલમાં કેટલાક ખેડૂતો જનાવરોથી બચવા ઝટકા (તારમાં કરંટ) લગાવે છે. તો તારમાં કરંટ ચેક કરી શકાય. રસ્તામાં કૂતરાં ભસે તો તેમને શાંત કરવા ખીસામાં પારલે-જી બિસ્કિટના બે-બે પેકેટ પણ ભરાવ્યાં. ક્યાંક તારની વાડ આવે તો કાપવા કટર, પક્કડ અને બેટરીથી ચાલતી ડ્રેગન લાઇટ લીધી. હવે જે વાડીમાં આરોપીને પકડવાનું ઓપરેશન પાર પાડવાનું હતુ ત્યાં સુધી પહોંચવા પોલીસે સરકારી વાહનો નહીં પણ આસપાસના ગામમાંથી ટૂ વ્હીલર મંગાવ્યાં. કારણ જંગલના ઉબડખાબડ ઢોળાવ પર ગાડીથી પહોંચવું શક્ય ન હોતું. ડીઆઈજીનો હુકમ હતો કે, ‘કોઇ પણ રીતે પોલીસની હાજરીની આરોપીઓને ખબર ન પડવી જોઇએ માટે રસ્તામાં ટૂ વ્હીલરની લાઇટ પણ કરવાની નથી..!’ જંગલના જાણકારોને ખબર છે કે, રાતે જંગલમાં થતી લાઇટ પરથી સ્થાનિક લોકો અવર જવરને કળી જતા હોય છે. ઉપરાંત ૧૫થી વધુ ટૂ વ્હીલરની લાઇટ એક સાથે જંગલમાં દેખાય તો ચબરાક આરોપીઓ એલર્ટ થઇ જાય તે નક્કી હતું. આરોપીઓ એક બકરાને વધેરીને મિજબાની માણવાના છે એવી ચોક્કસ બાતમી હતી. માટે પોલીસ આ મિજબાની શરૂ થવાની રાહ જોઇ રહી હતી. રાત્રે ૯ વાગ્યે એક સાથે ત્રાટકવાનો નિર્ણય કરાયો. વાડીને પહેલાં ચારેય બાજુથી ઘેરી લઇ એક સાથે ડ્રેગન લાઇટની ફ્લેશ પાડીને માઇકમાં જાહેરાત કરવી કે, ‘પોલીસે તમને ચારેય બાજુથી ઘેરી લીધા છે’. ચારેય બાજુથી લાઇટો જોઇ આરોપીઓ સમજી જશે કે તે ઘેરાઇ ગયા છે અને તાબે થઇ જશે..! 

ફિલ્મી પ્લોટ જેવો લાગતો ફુલપ્રૂફ પ્લાન તૈયાર થયો અને ટૂ વ્હીલર પર પોલીસ નીકળી. ડીઆઈજી પણ એક ભરેલા હથિયાર સાથે ટૂ વ્હીલર પર ટીમને લીડ કરવા આગળ રહ્યાં. જુસબ અને તેના ભાઇ સલીમ સાન, અમીન સાન અને રહીમ જે વાડીમાં હતા ત્યાંથી દોઢ કિલોમીટર દૂર પોલીસે પોતાના ટૂ વ્હીલર મૂકી દીધા. હવે વાડીને ચારેય બાજુથી ઘેરી લેવા અલગ અલગ ગ્રૂપ બનાવાયા અને વાડી સુધી ચાલતા જવાનું નક્કી થયું. પોલીસે વાડીને ઘેરી લીધી અને લાઇટ કરતાની સાથે જ વાડીમાં હાજર જુસબ અને તેના ભાઇઓએ ફાયરિંગ કર્યા, નાસભાગ મચી ગઇ. અંધારામાં ચારેય બાજુ ગોઠવાયેલી પોલીસે પણ વળતા જવાબમાં હવામાં ફાયરિંગ શરૂ કર્યા અને જંગલ ધાણીફુટ ગોળીબારના ધડાકાઓથી ધણધણી ઊઠ્યુ. નાસભાગ વચ્ચે પોલીસે રહીમ અને સલીમને પકડી પાડ્યા. જો કે, પોલીસને આશ્ચર્ય અને આઘાતજનક આંચકો તો ત્યારે લાગ્યો જ્યારે જાણવા મળ્યું કે, જુસબ પોલીસના ‘ચક્રવ્યૂહ’ને ભેદીને ફરાર થઇ ગયો. 

ફુલપ્રૂફ પ્લાન હોવા છતાં ઓપરેશન નિષ્ફળ રહ્યું! આ ઓપરેશન હતુ જૂનાગઢના જંગલમાં આતંક મચાવતા કુખ્યાત જુસબ ઉર્ફ જુસો અલ્લારખા સંધીને પકડવાનું. ઓપરેશનને લીડ કરી રહ્યાં હતા ATSનાં ડીઆઈજી હિમાંશુ શુક્લા. તેમની ટીમમાં ઓપરેશન સમયે અનેક દમદાર અધિકારીઓ હતા જેણે ભૂતકાળમાં જીવના જોખમે માત્ર ગુજરાતમાં નહીં પણ ગુજરાતની બહાર પણ સ્થાનિક પોલીસની મદદ વગર અનેક ઓપરેશન સફળતાથી પાર પાડ્યા હતા. ઓપરેશન નિષ્ફળ રહેતા જ હિમાંશુ શુક્લા સમસમી ઊઠ્યા. જુસબ ફરાર હતો પણ તેના પકડાયેલા ભાઇઓની પોલીસકર્મીઓ હજુ જગ્યા પર જ ધોલધપાટ અને પટ્ટાના જોરે પૂછપરછ કરી રહ્યાં હતા. જુસબ ફરાર થતા પોલીસકર્મીઓમાં સર્જાયેલી હડબડાટની સ્થિતિ વચ્ચે પણ હિમાંશુ શુક્લા શાંત ઊભા હતા. બન્ને હાથ ખીસામાં નાખી તંદ્રામાં સરી પડેલા હિમાંશુ શુક્લાએ ઉંડો શ્વાસ ભર્યો અને નિર્ણય કર્યો…. ‘જબ તક તોડેગે નહીં…તબ તક છોડેગે નહીં…!’ 

સૌરાષ્ટ્ર, બહુ ઓછા લોકો જાણે છે કે વર્ષો પહેલા સૌરાષ્ટ્રને અલગ રાજ્યનો દરજ્જો આપવાની માગ પણ ઊઠી હતી. પણ એ માગને કોઇ વધુ સમર્થન મળ્યું નહીં. હા, પણ એટલું ચોક્કસ છે કે, સો-રાષ્ટ્રો જેટલી વિભિન્નતા અહીં એકલા સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. 

‘મીઠી ભાષા, માયાળુ લોકો, હાવજની ડણક ને દરિયાકાંઠો. માં ખોડિયારથી માંડીને સોમનાથ દાદો…જ્યાં રાજા બન્યો ‘તો મોરલીવાળો..! 

સૌરાષ્ટ્ર પોતાની અંદર એક વિશેષતા તો ધરાવે જ છે, પરંતુ તેમાં આવેલુ ગીરનું જંગલ પોતાની અંદર અનેક એવી વાર્તાઓ સંગ્રહ કરીને બેઠું છે કે જેની વાતો કરતા આજે પણ લોકસાહિત્યકારો થાકતા નથી. આ જ સૌરાષ્ટ્રના એવા કેટલાય બહારવટિયા થઇ ગયા જેની ખાનદાનીના દાખલા આજે પણ યાદ કરાય છે. પણ, ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’ જેવા કેટલાક એવા પણ ડાકુ થઇ ગયા જેમણે અહીંની ખમીરવંતી પ્રજા માટે નીચા જોણુ કર્યું. 

લગભગ ચાર દાયકા જૂની વાત છે, ગીર જંગલમાં આવેલા સેમરડી ગામની સીમમાંથી કેટલાક સિંહોના મૃતદેહ દાટી દીધેલા મળી આવ્યાં. તપાસમાં તમામ સિંહના શિકાર થયાનો ઘટસ્ફોટ થયો. જેના પગલે પ્રકૃતિપ્રેમીઓએ ઉહાપોહ મચાવેલો અને સમાચાર માધ્યમોએ ખૂબ લડાવી લડાવીને એ ઘટના જનતા સમક્ષ રજૂ કરેલી. આ ઘટનાએ એટલું ગંભીર રૂપ ધારણ કર્યું હતુ કે, બીબીસી લંડનના પત્રકારે તો જગ્યા પર જઇ વીડિયો સાથે સમાચાર લીધા અને પ્રસિધ્ધ કર્યા હતા. જેથી સમગ્ર વિશ્વમાં જબરદસ્ત પડઘા પડ્યા. એશિયાટિક લાયનના એકમાત્ર ઘર ગણાતા ગીરમાં સાવજના શિકારની ઘટનાએ ના માત્ર રાજ્ય સરકાર, પરંતુ કેન્દ્રની સરકારને પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધી હતી. 

સિંહના શિકાર માટે વનતંત્રની અણઆવડત અને બેદરકારી તો છતી થયેલી. પરંતુ આ સિંહનો શિકાર કરનાર મુખ્ય સુત્રધાર અને સેમરડી ગામના હમાલ હસનને પોલીસ પકડી નહીં શકવાના કારણે પોલીસ પર પણ માછલાં ધોવાવા લાગ્યા હતા. જેમ દક્ષિણ ભારતમાં તામિલનાડુ, કર્ણાટક અને કેરલના જંગલોમાં જે આંતરરાષ્ટ્રીય ચંદનચોર વિરપ્પનને તે સમયે ત્યાંની સરકારો પકડી શકતી નહતી તેમ ગુજરાતના ગીરના જંગલમાંથી શિકારી હમાલ હસનને અમરેલી અને જૂનાગઢ જિલ્લાનું વનતંત્ર પકડી શકતુ ન હતું. હમાલ હસન (જેને મીડિયાએ ‘ગીરનો વિરપ્પન’નું બીરૂદ આપ્યું હતુ) તે એકલો હથિયાર વગર ધારીના દલખાણીયા, ખાંભાના ગીદરડી, કોડીનારના ઘાટવડના જંગલોમાં તેમજ વિસાવદર, ગીરગઢડા, અને તાલાળાના જંગલોમાં છુપાતો ફરતો. (તે સમયે) ૪૫૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા ગીરનાં જંગલનો તે ભોમિયો હતો. વનતંત્ર તેને પકડવામાં વામણુ સાબિત થતુ હતું. રાજય સરકારે ગીરના જંગલને ફરતે આવેલા પોલીસમથકોને પણ ખાસ હુકમ કરીને હમાલ હસનને પકડવા માટે આદેશો આપેલા તેમ છતાં તે પકડાતો નહતો. તે સમયે રાજ્ય સરકારે તત્કાલીન રાજય પોલીસ વડા પી.કે દત્તાને આ શિકારીને પકડી પાડવા તાકીદ કરી હતી.

ડીજીપી દત્તાએ હમાલને પકડવા જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં સફળતાપૂર્વક ફરજ બજાવી ગયેલા અધિકારીઓને એકઠા કર્યા. દત્તાએ તે સમયે વનવિભાગના અધિકારીઓની આગેવાનીમાં દોઢ હજાર જેટલા પોલીસજવાનો જેમાં પોલીસ, એસ.આર.પી.નો પણ સમાવેશ થતો હતો તે બધાને એકઠા કર્યા. ઉપરાંત વનવિભાગના કર્મચારીઓને બોલાવી ‘ઓપરેશન હમાલ હસન’ શરૂ કર્યુ. દોઢ હજારથી વધુ સુરક્ષાકર્મીઓએ જંગલ વિભાગના કર્મચારીઓ સાથે મળીને જંગલ ફેંદવાનું શરૂ કર્યું. આ ઓપરેશનનું સુપરવિઝન જાતે પોલીસ દળના વડા દત્તા કરતા હતા. તે આ ઓપરેશન દરમિયાન એરફોર્સના હેલિકોપ્ટરમાં બેસીને જંગલના સર્ચમાં નીકળ્યા હતા. અફસોસ, શરૂઆતમાં આ ઓપરેશન પણ નિષ્ફળ રહ્યું હતુ. 

આ મહાઅભિયાન પૂરું થયા પછી થોડા જ દિવસમાં કોડીનારના એક પત્રકારે ગીરના જંગલમાં જઈ હમાલ હસનનો ઈન્ટરવ્યુ કર્યો. ઇન્ટર્વ્યુ પ્રસિધ્ધ થતાં જ વનતંત્ર તો ઠીક પણ પોલીસદળ ઉપર પણ માછલાં ધોવાવા લાગ્યા કે એક માત્ર પત્રકારને આ ગુનેગારની ભાળ મળતી હોય તો આવા હજારોની સંખ્યા વાળા તંત્રને કેમ નહીં? પરંતુ, પોલીસે તેને પકડી પાડવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. પોલીસે હમાલની એક પ્રેમિકાની પણ રેકી કરી હતી. જેના ઘરે હમાલ ક્યારેક આવતો હોવાની બાતમી હતી. મહિનાઓ બાદ એક દિવસ હમાલ હસન ખાંભાના ગીદરડીના જંગલમાંથી અમરેલી પોલીસના હાથે ‘ઊંઘતા’ ઝડપાઇ ગયો. ત્યારબાદ કોડીનાર પોલીસ હમાલને એક હત્યા કેસની તપાસમાં ટ્રાન્સફર વોરંટથી લઇ ગઇ હતી. જ્યાં કોડીનારના ઘાટવડના જંગલમાં હમાલે પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને અથડામણમાં ઠાર મરાયો હતો. આ સમયે ત્યાંના પોલીસ અધિકારી હતા જી.જી ઝાલા. 

વર્ષો બાદ હમાલને યાદ કરાવતો વધુ એક ડાકુ જુસબ અલ્લારખા ઊગી નીકળ્યો. જુસબ વિરુધ્ધ જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ જિલ્લા અને એટીએસ સહિત પોલીસ સ્ટેશનોમાં કુલ ૨૪ ગુના નોંધાયા હતા. જેમાં રાજકોટ ગ્રામ્યના ભાડલા પોલીસ સ્ટેશન, જુનાગઢ શહેરના ‘એ’ ડિવિઝન અને તાલુકા ઉપરાંત અમદાવાદ જિલ્લાના બાવળા અને રાજકોટ ગ્રામ્યના પાટણવાવ પોલીસ સ્ટેશન મળી કુલ પાંચ હત્યાના ગુના, જ્યારે એટીએસ સહિત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં હથિયારધારાના ૧૨ કેસ અને હત્યાના પ્રયાસ તથા મારામારી અને ધમકી આપવાના કુલ ૫ કેસ નોંધાયેલા હતા. જ્યારે ચોરી અને ધાડના પણ ગુના તેની વિરુધ્ધ હતા. જુસબની ક્રાઇમ કુંડળી આટલી મોટી થઇ ત્યાં સુધી પોલીસે તેના વિરુધ્ધ ભેદી સંજોગો કહો, કે પછી આળસ, તેને પકડવા કોઇ ખાસ લક્ષ્ય રાખ્યુ નહોતું. પરંતુ પાપનો ઘડો એક દિવસ તો ભરાવાનો હતો…! જુસબ ગંભીર ગુનાઓ આચરતો જતો હતો અને પોલીસને તેને પકડવામાં રસ નહોતો. આ વાતનો અંદાજ પણ તેને આવી ગયો હતો. જુસબ હવે વધુ ગંભીર ગુના આચરતા પણ ખચકાતો નહીં. જુસબ બંદૂક જેવા હથિયાર રાખતો અને પોલીસ પર હુમલા પણ કરી દેતો. તેના જ કારણે તેને પકડવા મસમોટા પોલીસ સ્ટાફ, કારતૂસ ભરેલા વેપન અને બૂલેટપ્રૂફ જેકેટની પોલીસને જરૂર પડી હતી. જુસબે હવે સોપારી લેવાની પણ શરૂ કરી દીધી હતી અને આ તેની જિંદગીની મોટી ભૂલ સાબિત થવાની હતી. 

વર્ષ ૨૦૧૮માં એક દિવસ ધોરાજી તાલુકાના ભાડેર ગામે જમીન વિવાદમાં પંદર દિવસમાં બે હત્યાથી સનસનાટી મચી ગઇ. વંથલી તાલુકાના રવની ગામના મુસા ઇબ્રાહીમની જમીન પ્રકરણમાં હત્યા થઇ હતી. મુસા ઇબ્રાહીમની હત્યાનો બદલો લેવા ભાડેરના જીવણભાઇ સાંગાણી નામના ૫૦ વર્ષના ખેડૂતનું અપહરણ કરી જુસબ અલ્લારખા અને તેની ગેંગે હત્યા કરી નાંખી. જીવણભાઇની હત્યા ગોળી મારીને કરાઇ હતી. આ હત્યાથી સમગ્ર ધોરાજી પંથકમાં તંગદિલી ફેલાઇ અને મૃતક જીવણભાઇના પરિવારે પોલીસ રક્ષણની માગણી કરવામાં આવી હોવા છતાં રક્ષણ આપવામાં આવ્યું ન હોવાથી હત્યા થયાના આક્ષેપ સાથે ધોરાજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તટસ્થ તપાસની માગ કરી હતી. આ સમયે જિલ્લા પોલીસ વડા અંતરીપ સૂદ હતા. તેમણે પાટણવાવના પી.એસ.આઇ. ગોહિલની તાત્કાલીક બદલી કરી તપાસ ધોરાજી સીપીઆઇ રાવતને સોપી દીધી. 

ભાડેરમાં જમીન વિવાદના કારણે પંદર દિવસમાં થયેલી બે હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડતા આરોપીઓને ઝડપી લેવા રાજકોટ રૂરલ અને જૂનાગઢ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ, પ્રજામાં ભારોભાર રોષ હતો. રાજકોટવાસીઓએ તેમના સ્થાનિક આગેવાન અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીને મળીને રજૂઆત કરી. વિજયભાઇએ પણ રાજકોટ જિલ્લામાં થયેલી બે હત્યા અંગે ગંભીરતાથી નોંધ લીધી અને તત્કાલીન રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાને જાણ કરી ‘જુસબને ઝેર’ કરવા સૂચના આપી. મુખ્યમંત્રીની ગંભીરતાને કળી ગયેલા રાજ્ય પોલીસ વડાએ સ્થાનિક પોલીસ કે રેન્જ આઈ.જીને જાણ કરવાની જગ્યાએ એક પત્ર ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડના ડીઆઈજી હિમાંશુ શુક્લાના નામે લખ્યો. આ પત્ર પોલીસકર્મીના હાથે તાત્કાલીક એટીએસ કચેરી પહોંચાડવા એક પોલીસ કોન્સ્ટેબલને રવાના કરાયો હતો.

હિમાંશુ શુક્લા છારોડી સ્થિત એટીએસ કચેરીમાં તેમની ચેમ્બરમાં બેઠા હતા ત્યાં તેમની ચેમ્બરના લાકડાના દરવાજા પર ટકોર થઇ. ટકોર સાંભળતા જ હિમાંશુ શુક્લાએ દરવાજા તરફ માથું ઊંચક્યું અને એક કોન્સ્ટેબલ સાદા કપડામાં પ્રવેશ્યો. તેણે બન્ને હાથની મુઠ્ઠીવાળી હાથ પાછળ ખેંચતા પગપછાડી સલામ કરી. (જ્યારે પોલીસકર્મીએ કેપ (ટોપી) ન પહેરી હોય ત્યારે તે પોતાના ઉપરી અધિકારીને હાથની બે મુઠ્ઠી વાળી બન્ને હાથ સીધા રાખી પાછળ ખેંચતા અને છાતી ફુલાવી સેલ્યુટ કરતા હોય છે) હિમાંશુ શુક્લા કાંઇ બોલે તે પહેલાં જ કોન્સ્ટેબલે એક બંધ કવર તેમના ટેબલ પર મૂક્યું અને પરત તે જ ઢબે સલામ કરતા પાછો ફર્યો. હિમાંશુ શુક્લાએ કવર ખોલ્યું તો અંદરથી ડીજીપીએ લખેલો પત્ર નીકળ્યો. જેમાં જુસબ અલ્લારખાની ભાડેરમાં થયેલી હત્યા કેસમાં ધરપકડ કરવા સૂચના આપવામાં આવી હતી. ક્ષણભર માટે તો હત્યા કેસમાં આરોપીને પકડવાની જવાબદારી એટીએસને કેમ સોંપાય છે? એવા અનેક સવાલ હિમાંશુ શુક્લાના મનમાં ફરી વળ્યાં. કારણ એટીએસ પાસે ગુજરાતને આતંકવાદથી મુક્ત રાખવાની વિશેષ જવાબદારીનું કામ હોય છે. ઉપરાંત, હત્યા જેવા ગુનામાં સ્થાનિક પોલીસ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ જેવી અલાયદી પોલીસ એજન્સીઓ પણ કામ કરતી હોય છે. પરંતુ, પત્ર ખુદ રાજ્ય પોલીસ વડાએ લખ્યો છે તો નક્કી કોઇ ગંભીર બાબત હશે તેમ માની લીધુ. પત્રમાં જુસબ મુદ્દે તેમને (ડીજીપીને) રૂબરૂ મળવા માટે પણ સૂચના અપાઇ હતી. બીજા જ દિવસે હિમાંશુ શુક્લા ડીજીપી શિવાનંદ ઝાને મળ્યા અને જાણવા મળ્યું કે, મુખ્યમંત્રી જુસબને લઇને ગંભીર છે અને તેના આતંકને નેસ્તનાબૂદ કરવા હુકમ કર્યો છે.

હિમાંશુ શુક્લા વાતની ગંભીરતા સમજી ગયા. તે ઓફિસ પરત આવતા હતા ત્યારે જ રસ્તામાં નક્કી કરી લીધુ હતુ કે, આ ઓપરેશનની જવાબદારી એટીએસ પી.આઈ જીગ્નેશ અગ્રાવતને આપવી. કારણ પી.આઈ અગ્રાવત એટીએસ આવ્યાં તે પહેલા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યા હતા. તેમના સૌરાષ્ટ્રના સ્થાનિક નેટવર્કથી ડીઆઈજી હિમાંશુ શુક્લા વાકેફ હતા. હિમાંશુ શુક્લાને નજીકથી ઓળખનારા લોકો માને છે કે, તેમનામાં કામ લેવાની ગજબની આવડત છે. એટલું જ નહીં, કયું કામ કોને સોંપવું અને કોણ કામને સફળતાથી પાર પાડી શકશે તેવી તેમની અદ્ભુત આકલન શક્તિ છે. બીજી તરફ અગ્રાવતને એટીએસમાં આવ્યાંને થોડો જ સમય થયો હતો. જો મહત્વની જવાબદારી તેમને સોંપાય તો પોતાની પૂરી તાકાતથી નિભાવી જશે તેવા વિચારે જુસબના ઓપરેશનની જવાબદારી પી.આઈ અગ્રાવતને સોંપાઇ. 

પી.આઈ. જીગ્નેશ અગ્રાવતે જુસબની શોધ શરૂ કરી તેના થોડા દિવસ પહેલાં જ નવી ક્રેટા કાર લીધી હતી. આ કાર માંડ ૫૦૦ કિલોમીટર પણ ફરી નહોતી. સતત ૧૧ મહિના સુધી અગ્રાવત લગભગ દર સપ્તાહે પોતાની ક્રેટા કાર લઇને એકલા ગીરના જંગલમાં જુસબની શોધ માટે જતા. બાતમીદારોને મળતા અને અલગ અલગ નેસમાં રોકાતા. સતત ૧૧ મહિનામાં તેમની કાર સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ફરીને ૧૧ હજાર કિલોમીટરે આંબી ગઇ હતી. 

પી.આઈ અગ્રાવતને જ્યારે બોટાદના જંગલમાં જુસબની અવર-જવરની બાતમી મળી ત્યારે તે દસ-દસ દિવસ સુધી જંગલમાં માલધારી કે ખેડૂત બનીને કોઇના ખેતરની ઓરડીઓમાં રોકાતા અને બાતમી મેળવતા. તેમની મહિનાઓની મહેનત રંગ લાવી અને અને તેમને જુસબની માહિતી મળી કે, ડૂંગરાળ વિસ્તારની એક વાડીમાં તે લગભગ અવર જવર કરે છે અને આવવા જવા માટે ઘોડો રાખે છે. અગ્રાવતે આ વાડી શોધી લીધી. હવે રેકી કરવા માટે તેમણે નજીકની એક વાડીમાં રહેતા ખેડૂતના ઘરે ગયા અને પોતાની ઓળખ પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે આપી. સરકારી કામથી આવ્યો હોવાનું કહી તે ખેડૂતની વાડીમાં રોકાયા. તેમની પાસે સામાનમાં એક પ્લાસ્ટિકની બેગ માત્ર હતી. ખેડૂતને મન તેમાં ‘માસ્તર’નો સામાન હતો પરંતુ હકીકતમાં તેમાં એક રિવોલ્વર અને બાયનોક્યૂલર હતા. જેનાથી સતત જુસબના ડંગા પર વોચ રખાતી હતી. ખેડૂતોએ શિક્ષક બનીને આવેલા મહેમાનની આગતા સ્વાગતા કરી અને તેમના ગંદા થઇ ગયેલા કપડાં જોઇ પોતાના દીકરાના કપડાં પહેરવા આપી દીધા હતા. પણ છુપા વેશમાં એક પોલીસ અધિકારી સતત પોતાના કામમાં અડગ હતા. તે વાડીમાં રાતોની રાતો જાગતા રહેતા અને સામેના ડંગા (વાડીમાં બનેલી એક નાની ઓરડી) પર નજર રાખતા. 

પી.આઈ અગ્રાવતની સાથે સાથે ડીવાયએસ.પી ભાવેશ રોજીયા અને પી.આઈ આર.આઇ જાડેજા પણ તપાસમાં જોડાયા હતાં. પહેલું ઓપરેશન નિષ્ફળ રહ્યું ત્યારે જુસબ ભાગીને ધ્રાંગધ્રા પાસે ગેડિયા ગામ નજીક રોકાયો હોવાની માહિતી પોલીસ ઇન્સ્પેક્ટર આર.આઈ જાડેજાને મળી હતી. પી.આઈ જાડેજાએ ગેડિયા ગામ નજીક પોતાના બાતમીદારોનું નેટવર્ક ઉભુ કર્યું ત્યારે જાણવા મળ્યુ કે, અકબર ડફેર જુસબની મદદ કરી રહ્યો છે. પોલીસે અકબર ડફેર પર વોચ રાખવાની શરૂ કરી. ઉપરાંત ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ ગોઠવ્યું. તેમાં નવો ઘટસ્ફોટ એ થયો કે, એક મહિલા સાથે જુસબને નજીકના સંબંધ છે. તે પણ મહિલા પણ ડફેરો સાથે જોડાયેલી છે. પોલીસે હવે જુસબ માટે આ ‘નબળી કડી’ની તપાસ શરૂ કરી. પી.આઈ જાડેજાને માહિતી મળી હતી કે, ઘણીવાર રાતે જુસબ આ મહિલાને મળવા આવે છે. જોગાનુંજોગ કહીએ તો ચાર દાયકા પહેલાં પકડાયેલો ડાકુ હમાલ હસન પણ એક મહિલાના કારણે જ પોલીસ રડારમાં આવ્યો હતો. 

બીજી તરફ પી.આઈ અગ્રાવતે પણ તેમનું સ્થાનિક નેટવર્ક ગોઠવી રાખ્યુ હતુ. ક્યાંક પોલીસ અધિકારી તરીકે બાતમીદારોને સક્રિય કર્યા હતા તો ક્યાંક શિક્ષક તરીકે ઓળખ આપી બનાવેલા સંબંધોથી જુસબની રહેવાની જગ્યાઓના સરનામાં મેળવી લીધા હતા. બીજી તરફ જુસબ એટલો ચબરાક હતો કે, તે પકડાઇ જવાના ડરે મોબાઇલ ફોન પણ રાખતો નહીં જેથી પોલીસ ટેક્નિકલ સર્વેલન્સમાં તો સફળ થાય તેવી કોઇ શક્યતા જ નહોતી. એટીએસની આબરૂ અને પોલીસવડાથી માંડીને મુખ્ય પ્રધાને મૂકેલા વિશ્વાસનો દારોમદાર હવે માત્ર પી.આઈ અગ્રાવત પર હોવાનું તે ખુદ અનુભવી રહ્યાં હતા. બીજી તરફ હિમાંશુ શુક્લાથી માંડીને ડીવાય એસ.પી કે.કે પટેલ અને ભાવેશ રોજીયાને પણ અગ્રાવતની મહેનત પર વિશ્વાસ આવી ગયો હતો. તે પી.આઈ અગ્રાવતને જ્યાં જોઇએ અને જેવી જોઇએ તેવી મદદ કરતા હતા. 

પી.આઈ આર.આઈ જાડેજા અને અગ્રાવતના નેટવર્કથી જ જુસબની ઘણી બધી વિગતો એટીએસને મળી હતી. પી.આઈ અગ્રાવત અનુભવથી એટલું જાણતા હતા કે, તે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવી ચૂક્યા છે. પરંતુ એટીએસમાં ઘણ અધિકારીઓ અને કર્મચારીઓ એવા છે કે, તે જંગલની ભૂગોળથી વાકેફ નથી. માટે તેમણે રેકી કરવાની સાથે સેટેલાઇટ ઇમેજથી એવા ડીજિટલ મેપ પણ બનાવ્યાં હતા કે, ગમે ત્યારે ઓપરેશન માટે ફોર્સ બોલાવાની થાય તો કોઇ પણ સુરક્ષાકર્મી જુસબનાં ડંગા સુધી આસાનીથી પહોંચી શકે. કહેવાય છે કે, સિનિયર પી.આઈ જાડેજા પાસે એટીએસના બીજા ઓપરેશનની પણ જવાબદારી રહેતી હતી. પરંતુ, પી.આઈ અગ્રાવતનું આ ૧૧ મહિનાનુ એક માત્ર લક્ષ્ય જુસબ જ હતો અને તે માટે તે સતત પ્રયત્નશીલ પણ હતા. છેલ્લે જ્યારે જુસબ અને તેના ભાઇઓ રવની ગામ નજીકની વાડીમાં બકરાની મીજબાની કરવાના છે તેવી પાક્કી બાતમી પણ તેમના જ નેટવર્કથી એટીએસ સુધી પહોંચી હતી. જો કે, તે દિવસે જુસબના નસીબ જોર કરી ગયા અને ઓપરેશન નિષ્ફળ રહ્યું હતું. 

નિષ્ફળ રહેલા ઓપરેશનથી પોલીસ ટીમ પરત આવી ગઇ હતી. આ ઓપરેશનની જાણ પોલીસવિભાગ અને ગૃહ વિભાગમાં બહુ ઓછા લોકોને ખબર હતી. એટલે બહુ હોબાળો કે ચર્ચા ક્યાંય થઇ નહીં. પણ સ્વભાવથી વિપરીત પરિસ્થિતિ સર્જાતા હિમાંશુ શુક્લા સમસમી ગયા હતા. તે હવે કોઇ પણ ભોગે જુસબને જેલના સળિયા પાછળ ધકેલવા માંગતા હતા. જો કે, તેમના મનમાં ચાલતી ગડમથલ ક્યારેય તેમના ચહેરા પર દેખાવા દેતા નહોતા. પરંતુ તેમના સ્વભાવથી વાકેફ તાબાના અધિકારીઓ પર તેમના મૌનનું દબાણ વધુ હતુ. સૌથી વધુ જવાબદારીનો ભાર અગ્રાવત અનુભવતા હતા. કારણ ૧૧ મહિના થઇ ગયા હતા, એક-બે ઓપરેશન નિષ્ફળ ગયા હતા. આખી એટીએસની આબરૂ હવે તેમના હાથમાં હતી. 

ઓપરેશન નિષ્ફળ ગયાને એકાદ અઠવાડિયું થયું હશે. શનિવારની રાત હતી અને એટીએસનો સ્ટાફ સાતેક વાગ્યે ઘરે જવા લાગ્યો. આઠ વાગ્યા સુધીમાં તો લગભગ સ્ટાફ રવાના થઇ ગયો હતો. દરવાજે માત્ર કમાન્ડો હાજર હતા જ્યારે કચેરીની અંદર ડીઆઈજી હિમાંશુ શુક્લા, ડીવાયએસ.પી ભાવેશ રોજીયા અને ડિવાયએસ.પી કે.કે પટેલ. એ પણ પોતપોતાની ચેમ્બરમાં પોતાનું બાકી કામ પતાવી રહ્યાં હતા. આ દિવસે પી.આઈ અગ્રાવત પણ વહેલા નીકળ્યા હતા. કારણ સવારે ઘરેથી નીકળતા પહેલા ૪ વર્ષની દીકરીને તેમણે પ્રોમિસ કર્યુ હતુ કે, તે સાંજે વહેલા ઘરે આવશે અને બહાર ફરવા લઇ જશે. પી.આઈ અગ્રાવત રાતે ૮.૩૦ વાગ્યે પત્ની અને દીકરીને લઇને વૈષ્ણવદેવી સર્કલ નજીક એક રેસ્ટોરન્ટમાં જમવા પહોંચ્યા હતા. એ રેસ્ટોરન્ટથી તેમની એટીએસ કચેરી વચ્ચેનું અંતર માંડ એક કિલોમીટર પણ નહોતું. હજુ પરિવારે જમવાનું માંડ શરૂ કર્યું હતુ ત્યાં તો પી.આઈ અગ્રાવતના મોબાઇલમાં રિંગ વાગી. અગ્રાવતે મોબાઇલનું કવર ખોલ્યું અને સ્ક્રીન પર બાતમીદારનું નામ જોયું. અગ્રાવતે હજુ તો બીજી રિંગ વાગે તે પહેલા ફોન ઉપાડી લીધો. સામે છેડેથી બોલતા બાતમીદારે કહ્યું, ‘સાહેબ લૂંગી આવી ગયો છે’. બાતમીદાર જુસબને લૂંગી કહેતો હતો. અગ્રાવતે પુછ્યું, ‘ક્યાં છે?’ બાતમીદારે કહ્યું, બે વાડી છોડીને એક ખેતરમાં સુતો છે. અગ્રાવતે ફરી ખાતરી કરી, ‘ખરેખર એ જ છે..?’ બાતમીદારે કહ્યું, ‘હા, સાહેબ પાક્કુ એ જ ખેતરમાં ખાટલો ઢાળીને આડો પડ્યો છે અને રાતે ત્યાં જ સુવાનો છે.’

બાતમીદાર વિશ્વાસુ હતો એટલે તેની બાતમી ખોટી તો નથી જ તેવો વિશ્વાસ અગ્રાવતને આવી ગયો. જુસબને પકડવાનું દબાણ એ હદે હતું કે, તેની બાતમી મળતા જ અગ્રાવતના શરીરમાંથી એક લખલખુ પસાર થઇ ગયું. તેમના હ્રદયના ધબકારા વધી ગયા હોય તેવું અનુભવી રહ્યાં હતાં. જ્યારે મન થનગનવા લાગ્યું અને એક વિચાર ફરી વળ્યો કે, ‘હવે નહીં છોડું..!’ તેમણે ફોન મૂકતા જ પત્ની સામે જોઇને કહ્યું, ‘થોડી ઉતાવળ રાખવી પડશે, મારે જવું પડશે’. પોલીસ પરિવારો આવી ઘટનાઓથી ટેવાઇ ગયા હોય છે. અગ્રાવતના પત્ની પણ સમજી ગયા કે કોઇ ઇમરજન્સી છે. પરિવાર ઉતાવળથી જમ્યો અને ગાડીમાં ગોઠવાયો. અગ્રાવત ફુલ સ્પીડમાં કાર પોતાના ઘર તરફ હંકારી ગયા અને પરિવારને ઘર બહાર જ ઉતારી ઓફિસ જવાનું કહી નીકળી ગયા.

૯.૨૦ થવા આવી હતી. હજુ પણ હિમાંશુ શુક્લા, ભાવેશ રોજીયા અને કે.કે પટેલ પોતાની ચેમ્બરમાં હાજર હતા. અગ્રાવત ઓફિસ પહોંચ્યા અને પ્રોટોકોલ પ્રમાણે સીધા ડીવાયએસ.પી રોજીયા પાસે પહોંચ્યા. ભારે વિશ્વાસ અને ઉત્સાહ સાથે ચેમ્બરમાં ઘૂસતા જ અગ્રાવત બોલ્યા, સાહેબ જુસબનું લોકેશન મળી ગયું છે. રોજીયા બોલ્યા, ક્યાં? અગ્રાવતે વિસ્તાર અને વાડી સમજાવ્યાં. રોજીયા પણ અનુભવી અધિકારી એટલે એક વખત ફરી તેમણે અગ્રાવત સામે શંકા માટે નહીં પણ વિશ્વાસ બેવડો કરવા પુછ્યું, બાતમી પાક્કી છે ને? અગ્રાવતે કહ્યું, સાહેબ સો ટકા. બન્ને ઉતાવળથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી હિમાંશુ શુક્લાની ઓફિસ તરફ નીકળ્યાં. શુક્લા કોમ્પ્યુટર પર કામ કરી રહ્યાં હતા. બન્ને અધિકારીને સાથે જોઇ તે પણ ક્ષણ વાર તેમની સામે જોઇ રહ્યાં. ડીવાયએસ.પી રોજીયા બોલ્યા, ‘સાહેબ જુસબનું લોકેશન મળ્યું છે’. આટલું કહેતા તેમણે અગ્રાવત તરફ ઇશારો કર્યો. શુક્લાએ પૂછ્યું ‘કેસે પતા ચલા?’ અગ્રાવત બોલ્યા, સાહેબ બાતમીદારનો ફોન હતો. શુક્લાએ પણ ખાતરી કરી..‘ઇન્ફર્મેશન પક્કી હૈ?’ અગ્રાવત જાણતા હતા બાતમી પાક્કી છે પણ સવારે સ્થળ પર પહોંચે તે પહેલાં જુસબ ભાગી જાય તો ભોંઠા પડવું પડે. ઉપરાંત થોડા દિવસ પહેલાં જ એક મોટું ઓપરેશન નિષ્ફળ રહ્યું હતું. એટલે અગ્રાવતે કહ્યું, સાહેબ બાતમી પાક્કી છે, પણ સવાર સુધી તે જતો રહે તો કહેવાય નહીં. હિમાંશુ શુક્લાનો એક પ્લસ પોઇન્ટ એ છે કે, તે પોતાના વિશ્વાસુ વ્યક્તિ પર ભરોસો પુરો કરે અને એટલે જ એ અધિકારીઓ પણ તેમનો ભરોસો તૂટે તેવી ભૂલ ભૂલથી પણ નથી કરતા. 

શુક્લાને લાગ્યું કે, બાતમી પાક્કી છે એટલે તાત્કાલીક કોઇ પણ વિચાર કર્યા વગર તેમણે બેલ માર્યો અને પ્યૂનને બોલાવ્યો. પ્યૂન આવતા જ તેમણે આદેશ આપ્યો કે, ‘એટીએસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલીક ઓફિસ બોલાવો…બને એટલા ઝડપી’. આ કામ એટીએસના પી.એસ.ઓ.ને સોંપાયુ અને બધાને ફોન થવા લાગ્યા. 

૧૦.૧૫ વાગ્યે એટીએસનો કોન્ફરન્સ રૂમ તમામ સ્ટાફથી ભરાઇ ગયો. ડીઆઈજી હિમાંશુ શુક્લાએ પી.આઈ અગ્રાવતને પ્રોજેક્ટર પર ગૂગલ મેપમાં લોકેશન અને રસ્તા સમજાવવા કહ્યું. કારણ, અગ્રાવત ૧૧ મહિના જુસબને પકડવા આ વિસ્તારના ડૂંગરા ખુંદ્યા હતા. જંગલના રસ્તા અને ખેતરો, નદી-નાળા તેમને ખબર હતી. બાતમીદારે કહેલી જગ્યા, ત્યાંથી નજીકનું સેન્ટર બધું જ પોલીસકર્મીઓને સમજાવતા પોણો કલાક થયો. ત્યાં સુધીમાં ઓપરેશનની બીજી તૈયારીઓ જેવી કે, તમામના હથિયાર, બૂલેટપ્રૂફ જેકેટ, ફરી એકવાર ટેસ્ટર, ડ્રેગન લાઇટ, પારલે-જી બિસ્કીટ અને તાર કાપવાના કટર સહિતની વસ્તુઓ ભેગી કરી લેવાઇ. એટીએસની લગભગ તમામ ૩૯ જેટલી ગાડીઓ જુસબના ઓપરેશનમાં સૌરાષ્ટ્ર તરફ નીકળવા લાગી. લગભગ પોણા બાર વાગ્યા સુધીમાં તો પોલીસની સરકારી અને ખાનગી ગાડીઓ બગોદરા હાઇવે પર પૂરપાટ ઝડપે ચડી ગઇ હતી. 

આ વાતના સાડા ત્રણ કલાક પછી પાળિયાદ નજીક તમામ ગાડીઓ એકઠી થઇ અને હવે પ્લાન બન્યો કે કેવી રીતે જુસબને ઘેરી લેવો. અગ્રાવત ટીમને લીડ કરી રહ્યાં હતા. માટે તેમની ટીમ સ્થળ સુધી આસાનીથી પહોંચી શકે તેમ હતી પરંતુ બીજી ટીમને રસ્તો બતાવનારૂં કોણ? આ એક પ્રશ્ન હતો. હિમાંશુ શુક્લાએ પુછ્યુ, ‘બાતમીદાર સાથ આયેગા?’. અગ્રાવતે કહ્યું, ‘સાહેબ છેક સુધી જોડે લઇ જવો શક્ય નથી. એ દૂર ઊભો રહેશે’. હિમાંશુ શુક્લાએ શંકા વ્યક્ત કરી કે આ જોખમ ન લેવાય. તેમણે અગ્રાવતને કહ્યું, બીજો કોઇ રસ્તો? અગ્રાવતે કહ્યું, ‘સાહેબ, હું જસદણમાં હતો ત્યારે મારો એક વિશ્વાસુ અને બાહોશ પોલીસકર્મી હતો જીતુ એની મદદ લેવાય, તે ટીમને લઇ જશે’. શુક્લાએ મંજૂરી આપતા જ અગ્રાવતે મધરાતે તેને ફોન કર્યો. અગ્રાવતે કહ્યુ, ‘તારા સિનિયર અધિકારીઓની ચિંતા ના કરતો, તેમને એટીએસના ડીઆઈજી જાણ કરી દેશે’. જીતુએ પણ ઓપરેશનમાં સાથે આવવા તાત્કાલીક હા પાડી દીધી. હવે, બે ટીમ તૈયાર કરી દેવાઇ. બીજી ટીમને કોન્સ્ટેબલ જીતુ પી.આઈ અગ્રાવતે સમજાવેલા ખેતર સુધી દોરી જવાનો હતો. જેને ડીવાયએસ.પી કે.કે પટેલ લીડ કરી રહ્યાં હતા. જ્યારે પહેલી ટીમ જેમાં ડીઆઈજી હિમાંશુ શુક્લા અને ડીવાયએસ.પી ભાવેશ રોજીયા પી.આઈ અગ્રાવત સાથે રહ્યાં. પાળિયાદથી કાફલો બોટાદ નજીક દેવગઢના ટેકરીઓવાળા વિસ્તાર તરફ આગળ વધ્યો. આ સમયે પી.આઈ અગ્રાવતની ક્રેટા કારમાં હિમાંશુ શુક્લા અને ભાવેશ રોજીયા સવાર હતા.

બાતમીદારે આપેલા લોકેશન સુધી પહોંચતા લગભગ પરોઢ થવા આવ્યું હતુ. પાળિયાદ પહોંચ્યા ત્યારે પણ પી.આઈ અગ્રાવતે બાતમીદારને ફોન કરી જુસબ ત્યાં જ છે કે કેમ? તેની એકવાર ખાતરી કરી લીધી હતી. બાતમીદાર પણ આખી રાત વોચમાં જાગતો રહ્યો હતો. બાતમીદારે રાતે હા પાડતા જ પોલીસ વધુ એલર્ટ સાથે આગળ વધવા લાગી. જે ખેતરમાં જુસબ સુતો હતો ત્યાંથી ચારેક ખેતર દૂર પોલીસે ગાડીઓ મૂકી દીધી અને ત્યાંથી આગળ ચાલીને જવાનું નક્કી થયું. તમામ પોલીસકર્મીઓએ બૂલેટપ્રૂફ જેકેટ પહેર્યા હતા અને હાથમાં ભરેલી બંદૂકો હતી. જુસબ દૂર એક ખાટલામાં સૂતો દેખાયો કે હિમાંશુ શુક્લા બન્ને હાથ પહોળા કરી છાના ડગલે આગળ વધી રહેલી પોલીસફોર્સને રોકી. સાહેબનો ઇશારો જોઇ સૌ કોઇ ઊભા રહી ગયા અને તેમની સામે જોવા લાગ્યા. હિમાંશુ શુક્લાએ જુસબના આતંકનો કાયમી અંત લાવવા એક ‘આખરી નિર્ણય’ કર્યો. તેમણે ટીમમાં સાથે આવેલી મહિલા પી.એસ.આઈ. સંતોક ઓડેદરા, શકુંતલા મલ, નિતમિકા ગોહિલ અને અરૂણા ગામેતીને આગળ કર્યા. સાથે સલાહ પણ આપી કે, ‘એના આતંકની સાથે એના મોભાને પણ ધૂળધાણી કરવાનો છે!’. ટીમ હવે બે ખેતર દૂર ખાટલામાં સૂતેલા જુસબ સુધી ઉતાવળે આગળ વધવા લાગી. અરૂણોદય થઇ ચુક્યો હતો અને જુસબ જે ખેતરમાં સૂતો હતો તેને અડીને આવેલા ખેતરમાં કેટલાક માલધારીઓ પોતાના ઢોર ચરાવવા પહોંચી ગયા હતા. ગોવાળીયાઓની નજર પોલીસ કાફલા પર પડી. પરંતુ એકેય પોલીસકર્મી ખાખી વર્દીમાં નહોતો, માટે તેમને આટલા લોકો સવાર સવારમાં આમ સંતાઇને તેમના ખેતર બાજુ કેમ આવે છે? તે વિચારથી તે સ્તબ્ધ બની ગયા. એક માલધારીની નજર પી.આઈ અગ્રાવત પર પડી. તે બોલી ઉઠ્યો, ‘અલા માસ્તર તમે…?’ ત્યાં તો પી.આઈ અગ્રાવત સ્થિતિ કળી ગયા અને માલધારીને રિવોલ્વર બતાવી કહ્યું, ‘સોરી ભાઇ ચૂપ, કાંઇ બોલતા નહીં, નહીંતર આ સગી નહીં થાય...ઓપરેશનનું ક્લાઇમેક્સ હતું અને હવે કોઇ ભૂલ થાય તો પોલીસનું નાક કપાય તેમ હતું. માટે પી.આઈ અગ્રાવતે માલધારીને માત્ર ડરાવવા માટે જ ગન બતાવી હતી. માલધારી જેને માસ્તર સમજતો હતો તેનું આવું વર્તન જોઇ હેબતાઇ ગયો અને બે-ત્રણ ગોવાળિયાઓને નજીકની એક ઓરડીમાં જતા રહેવા કહેવાયું. પોલીસકર્મીઓ બીલ્લી પગે આગળ વધ્યા અને જૂસબના ખાટલા સુધી પહોંચી ગયા. ભેદી હલચલથી જુસબની આંખ ખુલી ત્યાં તો તેની કલ્પના બહારનું દ્રશ્ય હતું. એ કાંઇ સમજે તે પહેલા બંદૂકના બટ (બંદૂકનો પાછળનો ભાગ) અને લાફા પડવા લાગ્યા. પુરૂષ પોલીસકર્મીઓને બસ ઊભા ઊભા દ્રશ્યો જોવાના હતા. મહિલાઓના હાથે લાફા પડતા જ જુસબ ગભરાઇને ખાટલામાં બેઠો તો થયો પણ માનસિક રીતે ભાંગી પડ્યો. આસપાસ પોલીસના કાફલાને જોઇ એ ચૂપ રહ્યો અને જમીન પર બેસાડી મહિલાઓના હાથે તેને હાથકડી પહેરાવડાવી. તેના આતંકનો અંત લાવવા મહિલા પોલીસના હાથે તેની સત્તાવાર ધરપકડના આખરી નિર્ણયે આખી ઘટનાને માત્ર જંગલ પુરતી સીમિત ન રહેવા દઇ દેશભરના મીડિયામાં સ્થાન અપાવ્યું. જુસબ ૧૧ મહિનાની મહેનત બાદ સાવ સામાન્ય રીતે ઝડપાઇ ગયો. સવારનો સમય હતો જુસબના પકડાઇ જવાથી પોલીસકર્મીઓ ખુશ હતા પણ હિમાંશુ શુક્લા તેમના અંદાજમાં બન્ને હાથ ખીસામાં નાંખીને સવારની એ સુખદ ઘટનાને માણી રહ્યાં હતા. તે જાણતા હતા કે, ભલે જુસબને પકડવામાં મહેનત કરવી પડી પણ તે આટલી જ આસાનીથી પકડાવાનો હતો. ‘સાધારણ બાબત જ સૌથી અસાધારણ હોય છે અને બુધ્ધિશાળી લોકો જ તેમને જોઇ શકે છે’(-પાઓલો કોએલોની ધી એલ્કેમિસ્ટ બૂકમાંથી). હિમાંશુ શુક્લાએ અગ્રાવતને ખભે હાથ મૂકીને અભિનંદન આપ્યાં. ડીઆઈજી શુક્લાએ પોલીસકર્મીઓની ભીડમાં જીતુ નામના તે કોન્સ્ટેબલને પણ શોધ્યો જે રાત્રે પોલીસ ટીમને બાતમીવાળી જગ્યા સુધી મૂકવા આવ્યો હતો. પરંતુ તેનુ કામ પોલીસટીમને સ્થળ સુધી મૂકી પાછા જતા રહેવાનું હતુ તેથી તે નીકળી ગયો હતો. હિમાંશુ શુક્લાએ પી.આઈ. અગ્રાવત પાસે તેનો નંબર માંગ્યો અને ત્યાંથી જ પોતાના ફોનથી જીતુને ફોન કરતા કહ્યું‘ડીઆઈજી એટીએસ હિમાંશુ શુક્લા બોલ રહા હું….જીતુ થેન્ક્યુ વેરી મચ…’એક કોન્સ્ટેબલના નાનામાં નાના કામની પણ કદર કરતા જોઇ હાજર પોલીસ સ્ટાફને પણ પોતાના લીડર પર માન થવું વ્યાજબી હતું. બીજી તરફ જુસબને જમીન પર બેસાડી ચારેય મહિલા પી.એસ.આઈઓએ તેની સામે ગન તાકી એક ફોટો પડાવ્યો હતો તે ફોટો જુસબના આતંકના અંત માટે ધાર્યુ કામ કરી ગયો અને મીડિયામાં પણ ચર્ચાસ્પદ રહ્યો હતો. 

આ સત્ય ઘટના પર આગામી દિવસમાં એક હિન્દી ફિલ્મ પણ બનવા જઇ રહી છે. 


Wednesday, April 29, 2020

મહેન્દ્રસિંહે કાકલૂદી કરી કે, બસ એક કલાકનો સમય આપો આજે મારી દીકરીનો જન્મ દિવસ છે પણ તેના ‘કર્મો’એ મંજૂરી ના આપી…


MIHIR BHTT

followme on Twitter @MihirBhatt99

ભાગ-૩

સુરત સ્થાયી થયા બાદ મહેન્દ્રસિંહનું ગુનાની દુનિયામાં એકચક્રી શાસન ચાલ્યું, અપહરણ, ખંડણી, હત્યા અને લમણે રિવોલ્વર મૂકીને લૂંટ જેવા અનેક ગુના તેણે આચર્યા. માત્ર સુરત જ નહીં, આસપાસના જિલ્લા અને છેક મુંબઇ સુધી તે ગુના આચરવા લાગ્યો હતો. જેનાથી સુરત અને આસપાસના વિસ્તારના વેપારીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા.

સુરતના ધનાઢ્ય એવા ઘોડદોડ રોડ પર એ સમયે મહેન્દ્ર શાહની રીચી-રીચ નામની ક્લબ ધમધમતી હતી. કહેવાય છે કે, અમદાવાદમાં ચાલતી કલગી ક્લબનુ નામ પણ અહીંથી જ આવ્યું હતું. જો કે, તે વાતને કોઇ ચોક્કસ સમર્થન નથી. મહેન્દ્રસિંહની એક ખુબી એ પણ હતી કે, તે જ્યાં જાય ત્યાં વર્ચસ્વ ધરાવતા લોકો જોડે સંબંધ બાંધી લેતો. સુરતમાં પણ તેણે મહેન્દ્ર શાહ સાથે મિત્રતા કરી લીધી હતી. મહેન્દ્ર શાહ પાક્કા વેપારી છતાં સંબંધ નિભાવાના હોય ત્યારે ક્યાંક ખોટ ખાઇ લેવી તે તેમનો સદગુણ હતો. કદાચ એટલે જ આવો ગુનેગાર મહિનાઓ સુધી તેમનો મિત્ર બની રહ્યો હશે. મહેન્દ્રસિંહ જાણતો હતો કે, રીચી-રીચ ક્લબમાં કરોડો રૂપિયાના દાવ લાગે છે.  એક દિવસ ક્લબ જુગારીઓથી ધમધમતી હતી. સાંજના સાતેક વાગ્યા હતા અને મહેન્દ્રસિંહ ક્લબમાં મશીનગન લઇને ઘૂસી ગયો અને મહેન્દ્ર શાહ પર ગોળીબાર કર્યો. આ ફાયરિંગમાં મહેન્દ્ર શાહ તો બચી ગયા પણ ક્લબમાં ભારે દોડધામ મચી ગઇ. મહેન્દ્રસિંહે કરોડો રૂપિયાની લૂંટ ચલાવી અને ભાગી ગયો. આ ઘટના પછી પોલીસ કેસ થયો અને ક્લબ થોડા સમય માટે બંધ થઇ ગઇ. ક્લબ થોડા મહિના પછી ફરી શરૂ થઇ પણ આ વખતે મહેન્દ્ર શાહે બિહારથી ખડતલ બોડીગાર્ડ બોલાવી તહેનાત કરી દીધા હતા. નીચે રેસ્ટોરન્ટ અને ત્યાંથી જ સીડી ચડીને ઉપર જતા ક્લબ આવે. બોડીગાર્ડ નીચે રોડ પરથી માંડીને સીડી અને ક્લબના ઉપરના માળના દરવાજા સુધી ગોઠવી દેવાયા હતા. કાળા સફારી શૂટમાં ગોઠવાયેલા બોડી ગાર્ડેસે પણ મહેન્દ્રસિંહના ફાયરિંગની વાત સાંભળી હતી તેથી તેઓ પણ સતત સતર્ક રહેતા હતા. એક દિવસ રાતે ૧૦ વાગ્યે ક્લબ ચાલુ હતી ત્યારે ક્લબની સીડી પાસે એક એમ્બેસેડર કાર આવીને ઊભી રહી. પાછળની સીટ પર બેઠેલો મહેન્દ્રસિંહ દરવાજો ખોલીને નીચે ઉતર્યો. તેના બન્ને હાથમાં બે ઓટોમેટિક પિસ્તોલ હતી. સફેદ પેન્ટ-શર્ટ, સફેદ બૂટ અને નીચે ચાલતી રેસ્ટોરન્ટ બહાર લાગેલી રંગીન લાઇટના ઝબકારા મહેન્દ્રસિંહ અને તેની ગાડી પર પડી રહ્યાં હતા. નીચે ઊભેલા બોડીગાર્ડ મહેન્દ્રસિંહના બન્ને હાથમાં વેપન જોતા જ તેના તાબે થઇ ગયા અને નજીક ધસી જઇ કહ્યું, ‘ભાઇ બાલ બચ્ચેવાલે હૈ હમે જાને દો’ મહેન્દ્રએ માત્ર હાથના ઇશારાથી તેમને ભાગી જવા કહ્યું. આ દિવસે પણ મહેન્દ્રસિંહ ક્લબમાં જઇ ધાણીફૂટ ગોળીબાર કરી ફરાર થઇ ગયો હતો.

૯૦ના દાયકામાં બનેલી આ ઘટનાએ સુરતમાં ખળભાળટ મચાવી દીધો. મહેન્દ્રસિંહે સુરતમાં માત્ર મહેન્દ્ર શાહ પાસેથી જ નહીં લગભગ બે ડઝનથી વધુ વેપારીઓ પાસેથી પણ કરોડો રૂપિયાની ખંડણી વસૂલી લીધી હતી. એક વેપારીની તો આલિશાન ગાડી પણ તેણે પડાવી લીધી હતી. હવે મહેન્દ્રસિંહનો આતંક માત્ર સુરત નહીં પણ મુંબઇ સુધી વ્યાપી ગયો હતો. તેણે ખંડણી અને લૂંટ માટે મુંબઇમાં દસ અને બેંગ્લોર જઇ ત્રણ હત્યા કરી હતી. આ સમય દરમિયાન તેણે કરોડો રૂપિયા વસૂલ્યા અને મુંબઇમાં એક આલીશાન બંગલો પણ ખરીદી લીધો હતો.

મહેન્દ્રસિંહના આતંકથી કંટાળીને એક દિવસ સુરતના વેપારીઓનું એક સંગઠન સરકારને મળ્યું અને મહેન્દ્રસિંહનો આતંક ખતમ કરવા રજૂઆત કરી. સરકાર પણ મહેન્દ્રસિંહના ઉપદ્રવથી ચિંતામાં હતી. અંતે મહેન્દ્રસિંહને પકડવાનું કામ સી.આઈ.ડી.ને સોંપાયું. આ સમયે સી.આઈ.ડી.ના વડા બિન્દ્રા અને ડીસીપી પી.પી પાન્ડેય હતા. કહેવાય છે કે, તે સમયે રાજ્યના એક સિનિયર આઈ.પી.એસ.ને બોલાવી સરકારે (ઓફ રેકોર્ડ) કહ્યું હતુ કે, મહેન્દ્રસિંહને જીવતો કે મરેલો ગમે તેમ પણ પકડી લાવો.

સી.આઈ.ડી.ને જ્યારે આ મહત્વની જવાબદારી સોંપાઇ ત્યારે સૌથી પહેલા નડિયાદ એલ.સી.બી.ના પી.આઈ કે.પી સ્વામીને ગાંધીનગરનું તેડું આવ્યું. કે.પી સ્વામી સી.આઈ.ડી.ની ઓફિસ પર પહોંચ્યા અને પી.પી પાન્ડેયના પી.એને જાણ કરી કે, ‘સાહેબે ખાસ કામથી બોલાવ્યો છે, કહેજો કે આવી ગયો છું’. સવારે ૧૧ વાગ્યાનો સમય હતો. પી.એ.એ એક પટાવાળાને મોકલ્યો અને પાન્ડેયને જાણ કરવા કહ્યું. પટાવાળો બહાર આવતા જ તેની સાથે ત્રણેક સામાન્ય લોકો પણ પાન્ડેયની કેબિનની બહાર આવી ગયા. હકીકતમાં પટાવાળાએ જ્યારે સ્વામી આવ્યાં છે એમ કહ્યું ત્યારે ત્રણ મુલાકાતીઓ પાન્ડેય સાથે વાત કરી રહ્યાં હતા. પણ સ્વામીનું નામ પડતા જ ત્રણેયને પાન્ડેયે માથુ ધુણાવતા કહી દીધું ‘પછી મળીશું, મારે જરૂરી કામ છે’. ત્રણેય સમજી ગયા અને પટાવાળાની પાછળ પાછળ બહાર નીકળી ગયા.
કે.પી સ્વામી પાન્ડેયની ચેમ્બરમાં પ્રવેશ્યા અને પગ પછાડતા સેલ્યુટ કરી. પાન્ડેયે કહ્યું, ‘આવો બેસો સ્વામી’. પાન્ડેયે સરકારની ઇચ્છા સ્વામીને કહી અને મહેન્દ્રસિંહને પકડવા એક સ્કવોડ બનાવવાની વાત કરી. જેમાં સ્વામીને પી.આઈ. તરીકે નિમણૂક કર્યા. પાન્ડેયે પુછ્યું કે, ‘ટીમમાં કોણ કોણ જોઇએ છે?’ ત્યારે સ્વામીએ તે સમયના સરખેજ, રાજકોટ અને આણંદના એમ ત્રણ પી.એસ.આઈ.ના નામ આપ્યા. સાથે નડિયાદમાં એલ.સી.બી.ના સ્ટાફમાંથી ચાર કોન્સ્ટેબલ અને સલીમ નામના એક ખાનગી માણસની નડિયાદથી માગણી કરી.

સી.આઈ.ડી.ના આ સ્કવોડનો પત્ર રાજ્ય પોલીસ વડાએ અમદાવાદ જિલ્લા (તે સમયે સરખેજ પોલીસ સ્ટેશન અમદાવાદ જિલ્લાની હદમાં હતું), રાજકોટ અને આણંદના એસ.પીને મોકલી અંદર લખેલા નામ વાળા કોન્સ્ટેબલ અને પી.એસ.આઈ.ને મોકલી આપવા સૂચના આપી.

મહેન્દ્રસિંહના નામનો ખોફ એટલો હતો કે, સરખેજના પી.એસ.આઇ આવીને સીધા સ્વામીના પગે પડી ગયા અને આજીજી કરી કે, ‘મને આ સ્કવોડમાં ના રાખો પ્લીઝ…’ સરખેજના પી.એસ.આઈને પડતા મૂકાયા, તો રાજકોટના જે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને બોલાવ્યા હતા તેણે કહ્યું કે, ‘મારે જીપીએસસીની પરીક્ષાની તૈયારી ચાલે છે, હું સ્કવોડમાં કામ નહીં કરી શકું’. જ્યારે ત્રીજા પી.એસ.આઇ.એ તો બહાનું કાઢ્યું કે, ‘મારી પત્ની ઘરે એકલી હોય છે, માટે ૫ વાગ્યે તો મારે ઘરે જતુ જ રહેવું પડે’. સ્વામીએ અંતે ત્રણેયને બદલી નાંખ્યા. હવે શરૂ થયું મહેન્દ્રસિંહને પકડી પાડવાનું ખરાખરીનું ઓપરેશન.

મહેન્દ્રસિંહે સુરતમાં ઉત્પાત મચાવ્યો હતો. માટે પી.આઈ. સ્વામીએ સ્કવોડ સાથે સુરતમાં જ ધામા નાંખ્યા. ખાનગી કપડામાં રોજ મહેન્દ્રસિંહની વોચ શરૂ થઇ. આ વોચ દરમિયાન સ્વામીને જાણવા મળ્યું કે, મહેન્દ્રસિંહના એક સાગરીત આયરની બારડોલી હાઇવે પર હોટલ છે. મહેન્દ્રસિંહ થોડા દિવસ પહેલા તેને ત્યાં રોકાયો હતો. સ્વામીએ તપાસ કરી તો જાણવા મળ્યું કે, તે આયર પાંચેક દિવસથી લાપતા છે. તેનો પરિવાર પણ તેને શોધે છે. પી.આઈ સ્વામી સીધા તે આયરના ઘરે પહોંચી ગયા અને તેની પત્નીને પુછ્યું કે ‘ક્યાં છે તારો પતિ?’ મહિલાએ કહ્યું, ‘મહેન્દ્રસિંહ આવ્યાં હતા. તેમના મિત્ર છે અને બન્ને જોડે ક્યાંક બહાર ગયા છે, પણ અઠવાડિયાથી પાછા આવ્યાં નથી’. સ્વામીને કુદરતી વિચાર આવ્યો કે, ‘નક્કી આ આયરની મહેન્દ્રસિંહે હત્યા કરી છે. કારણ કે તે પોતાના કોઇ સાગરીતને જીવતો નહોતો છોડતો કે જે તેની બાતમી કે નિશાની આપે. આ વાત કે.પી સ્વામી સારી રીતે જાણતા હતાં. સ્વામી ત્યાંથી નીકળ્યા પણ આયરની પત્નીને કશું કહ્યાં વગર સીધા નજીકના પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યાંના પી.આઈ.ને ઓળખ આપી જાણ કરી કે, નક્કી આ આયરની હત્યા થઇ છે, તેના પરિવારને કશું કહ્યું નથી પણ તપાસ કરજો. સ્વામીનો અંદાજ સાચો ઠર્યો, બે દિવસમાં બારડોલી નજીકથી આયરની કહોવાઇ ગયેલી લાશ મળી આવી.

લગભગ પાંચેક મહિનાની તપાસ બાદ સ્વામીને માહિતી મળી કે, મહેન્દ્રસિંહ હાલ સુરતમાં નહીં પણ મુંબઇ જતો રહ્યો છે અને બાન્દ્રા રોડ પર રહે છે. સ્વામીને માહિતી મળી કે, મહેન્દ્રસિંહને મધ્ય પ્રદેશની એક મુસ્લિમ મહિલા સાથે પ્રેમ થઇ ગયો હતો અને બન્નેએ લગ્ન કરી લીધા છે અને તેમને હાલ એક દીકરી પણ છે. જ્યારે કિરણને તો તે હજુ રખાતની જેમ જ રાખતો હતો.
સ્વામીએ મુંબઇના બાન્દ્રામાં પોતાના કોન્સ્ટેબલોને વોચ માટે મોકલ્યા ત્યારે માહિતી મળી કે, સુરતના એક વેપારીની મોંઘીદાટ ગાડી તેણે લૂંટી લીધી છે તે લઇને તે મુંબઇમાં ફરે છે. મહેન્દ્રસિંહ જે ગાડીમાં ફરે છે તેવી લક્ઝુરિયસ કાર હાલ મુંબઇમાં ગણતરીની જ છે.

એક દિવસ સવારે મહેન્દ્રસિંહનું લગભગ લોકેશન મળી ગયું અને તેને પકડવાનું ઓપરેશન શરૂ જ થવાનું હતુ. પણ સ્વામીના નસીબ થોડા નબળા પડ્યાં. તેમને ખેડા કોર્ટમાંથી એક મહત્વના કેસમાં જુબાની આપવાનું તેડું આવ્યું. તેમને તાત્કાલીક જવું પડ્યું. આ સમયે સુરતના પોલીસ કમિશનર હતા આર. સિબ્બલ. તેમને પણ પોતાની ક્રાઇમ બ્રાન્ચના અધિકારી યુ.ટી બ્રહ્મભટ્ટ (ઉદય બ્રહ્મભટ્ટ) દ્વારા માહિતી મળી હતી કે, મહેન્દ્રસિંહ બાન્દ્રા રોડ પર છે. સી.આઈ.ડી.ની સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ મહેન્દ્રસિંહની તપાસ કરતી હતી.

પોલીસ કમિશનર સિબ્બલે આદેશ કર્યો અને પી.આઈ બ્રહ્મભટ્ટ પોતાની ટીમ સાથે મુંબઇના બાન્દ્રા પહોંચી ગયા. ત્યાં પહેલા બાતમી પ્રમાણે મહેન્દ્રસિંહના ઘરે તપાસ કરી પણ કોઇ મળ્યું નહીં. પરંતુ પાછા ફરતી વેળા તેમનો સ્કવોડ મહેન્દ્રસિંહની કાર એક બેકરીની બહાર પાર્ક કરેલી જોઇ ગયો.
પોલીસ રોડ પર જ ખાનગી કપાડમાં વોચમાં ઉભી રહી ગઇ અને મહેન્દ્રસિંહના આવવાની રાહ જોવા લાગી. કોઇને ખબર નહોતી કે, મહેન્દ્રસિંહ આ ગાડી લેવા ક્યારે આવશે? બસ રાહ જોવી એક માત્ર રસ્તો હતો. પણ પોલીસની મહેનત રંગ લાવી અને પંદરેક મિનિટમાં જ મહેન્દ્રસિંહ હાથમાં એક પેકેટ લઇને બહાર નીકળ્યો. ગાડીનો દરવાજો ખોલીને અંદર બેસે તે પહેલા જ ખાનગી કપડામાં ઉભેલી ઉદય બ્રહ્મભટ્ટની ટીમ તેના પર તુટી પડી અને પકડી પાડ્યો. મહેન્દ્રસિંહને લાગ્યુ કે, કોઇ ગેંગ વાળાએ તેને પકડ્યો છે. કહેવાય છે કે, આ સમયે રોડ પર ઉભેલી મુંબઇ પોલીસના ત્રણેક કોન્સ્ટેબલ પણ આ દ્રશ્ય જોઇ આઘાપાછા થઇ ગયા. તેમને લાગ્યું ગેંગ વોર શરૂ થયું છે. મહેન્દ્રસિંહને હજુ ખ્યાલ જ નહોતો કે, આ પોલીસ છે! તેણે હિન્દીમાં કહ્યું, ‘તુમ્હારે બોસ સે બાત કરવા દોતુમ જો ભી હો..!’ પોલીસે તેને કમરના ભાગે પાછળ પેન્ટથી અને શર્ટનો કોલર ગરદનથી પકડી બળજબરીથી પોતાની ખાનગી ગાડીમાં બેસાડી દીધો. હજુ મહેન્દ્રસિંહના હાથમાં પેલુ પેકેટ તો હતુ જ તે લઇ પોલીસકર્મીઓએ જ્યારે તેને હાથકડી પહેરાવી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે, આ કોઇ ગેંગના સભ્યો નહીં પણ પોલીસ છે. તેણે પી.આઈ બ્રહ્મભટ્ટને કાકલૂદી કરતા કહ્યું, ‘સાહેબ આજે જવાદો નેમારી દીકરીનો જન્મ દિવસ છે અને તેની માટે કેક લેવા આવ્યો છું. બસ કેક કપાવીને પાછો આવી જઇશ’. બ્રહ્મભટ્ટ બોલ્યા, ‘હવે બહુ થયું મહેન્દ્રચાલ…’

પોલીસ મહેન્દ્રસિંહને લઇને સુરત આવી ગઇ. ત્રણેક દિવસના આ ઓપરેશનની જાણ કે.પી સ્વામીને થઇ ત્યારે તેમને મનોમન અફસોસ થયો કે, કદાચ જો કોર્ટનું કામ ના આવતુ તો મહેન્દ્રસિંહને હું પકડી પાડતો. પણ ખેર, મહેન્દ્રસિંહને પકડ્યો તો ગુજરાત પોલીસે જ હતો. સ્પેશિયલ સ્કવોડ બન્યું હોવાથી હવે કે.પી સ્વામી સાથે પી.પી પાન્ડેય પણ સુરત પહોંચ્યા અને મહેન્દ્રસિંહની ધરપકડની સાંજે જ તેની ક્રાઇમ બ્રાન્ચમાં જઇ પુછપરછ કરી.

કહેવાય છે કે, મહેન્દ્રસિંહની ધરપકડ થયાની વાત જાણવા મળતા જ સુરતના કેટલાક વેપારીઓ રાજ્યના એક ‘નામદાર’ આઈ.પી.એસ.ને મળ્યા અને કહ્યું કે, સાહેબ આનું એન્કાઉન્ટર કરી દોતમે જે કહેશો તે અમે કરવા તૈયાર છીએ..! અધિકારીએ કહ્યું, ના, જે થશે તે કાયદા મુજબ જ થશે. જો કે, મહેન્દ્રસિંહના નસીબે હવે તેનો સાથ છોડી દીધો હતો. મહેન્દ્રસિંહને જ્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચના લોકોઅપમાં પુરવામાં આવ્યો તે રાત્રે તેણે લોકઅપના સળીયા પકડીને બહાર પહેરામાં ઉભેલા એક કોન્સ્ટેબલને કહ્યું કે, ‘અહીંથી બહાર નીકળીને સૌથી પહેલી હત્યા હવે કોઇની કરીશ તો તે પી.આઈ. બ્રહ્મભટ્ટની જ હશે’. જો કે, મહેન્દ્રસિંહની આ શેખી કલાકો પુરતી જ હતી કારણ તેણે કરેલા કર્મોનો ઘડો ભરાઇ ગયો હતો.
બીજા દિવસે મહેન્દ્રસિંહના રિમાન્ડ મેળવીને પોલીસે તપાસ કરી. ત્યારે તેણે ઘટસ્ફોટ કર્યો કે, તે કામરેજ હાઇવેના એક ચાર રસ્તા નજીક મકાન ભાડે રાખીને રહેતો હતો. જ્યારે પણ કોઇ મોટા ગુનાને અંજામ આપે ત્યારે પોલીસ સુરત-મુંબઇ અને સુરત વડોદરાના હાઇ‌-વે પર નાકાબંધી કરી તપાસ કરતી પણ અધવચે ક્યારેય તપાસ કરતી નહીં અને તે પોલીસથી બચી જતો હતો. મહેન્દ્રસિંહે પોલીસના ટોર્ચર સામે એ પણ કબૂલાત કરી કે, તેણે એક ઓટોમેટીક વેપન ખરીદી રાખ્યું છે અને તે હજુ કામરેજના મકાનમાં બેડમાં ઓશીકા નીચે સંતાડી રાખ્યું છે. પોલીસ આ વેપન કબજે કરવા અને પંચનામુ કરવા મહેન્દ્રને સાથે રાખીને કામરેજ જે તે મકાન પર પહોંચી.

પી.આઈ ઉદય બ્રહ્મભટ્ટ અને તેમની સાથે મોટો એવો પોલીસ કાફલો પણ હતો. કહેવાય છે ને કે, વિનાશ કાળે વિપરીત બુધ્ધી. પોલીસને વેપન આપવાની જગ્યાએ મહેન્દ્રસિંહે ઓશીકું ઊંચુ કરીને નીચેથી રિવલ્વર કાઢી સીધુ પોલીસ પર ફાયરીંગ જ કર્યુ. જેમાં એક કોન્સ્ટેબલના ખભા પરથી ગોળી ઘસરકો મારતી નીકળી ગઇ. મહેન્દ્રસિંહ બીજુ ફાયર કરે તે પહેલા પી.આઈ. ઉદય બ્રહ્મભટ્ટે એક જ ગોળીના ભડાકે મહેન્દ્રસિંહને કાયમ માટે શાંત કરી દીધો..!
ઉત્તર ગુજરાતના વૃધ્ધ માં-બાપ છેલ્લી ઘડીએ તેમના દીકરાનું મોં નહોતા જોઇ શક્યા અને કર્મોની સજા મળતા મહેન્દ્રસિંહ છેલ્લી ઘડીએ તેની વ્હાલી દીકરીનું મોં ન જોઇ શક્યો!

સમાપ્ત.
(નોંધ- કહાનીમાં કેટલાક પાત્રોના નામ બદલવામાં આવ્યાં છે)

આ ક્રાઇમ કહાનીના આગળના બે ભાગ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો...

ભાગ-૨ 
https://mihirbhatt99.blogspot.com/2020/04/blog-post_27.html
ભાગ-૧ 
https://mihirbhatt99.blogspot.com/2020/04/blog-post.html


#CrimeKahani #GujaratPolice #Encounter #MahendrasinhRathod #SuratPolice #AhmedabadCrimeBranch #Ahmedabad #MihirBhat

Monday, April 27, 2020

અમદાવાદમાં ‘ભૈયા’ ગેંગ જોડે દુશ્મનાવટ પછી મહેન્દ્રસિંહના ટાર્ગેટ લતીફ, શરીફખાન અને ફઝલુ રહેમાન હતા

MIHIR BHATT

followme on Twitter @MihirBhatt99

ભાગ-૨

નડિયાદના ટેક્ષીડ્રાઇવરની હત્યામાં મહેન્દ્રસિંહ પકડાઇ ગયો. તેણે હિંમતનગર પાસે હત્યા કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. જોગાજી પરમારે તેને પકડીને તપાસ કરતા હાઇવેની એક હોટલના વૃધ્ધ વેઇટરે તેને ઓળખી લીધો હતો.

મહેન્દ્રસિંહનો કેસ નડિયાદની કોર્ટમાં ચાલ્યો. શરૂઆતના સાતેક મહિના તેને જેલમાં ધકેલી દેવાયો પણ તે દરમિયાન તેને જામીન મળી ગયા. ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો માટે સેન્ટ્રલ જેલ કે સબ જેલ કોઇ યુનિવર્સિટીથી કમ નથી હોતી. ત્યાં તેમના જેવા કે તેમનાથી પણ વધુ માથાભારે શખ્સોનો સામનો થાય છે, સંપર્ક થાય છે. ઘણા ગુનેગારો જેલમાં જઇ આવ્યાં બાદ વધુ તાકાતથી ગુના આચરવા લાગ્યાના દાખલા પણ છે. મહેન્દ્રસિંહના કેસમાં પણ આવું બન્યું. સાત મહિનાના જેલવાસ દરમિયાન તે ખેડા અને નડિયાદમાં જેમને નહોતો ઓળખતો તેવા માથાભારે શખ્સોને પણ ઓળખવા લાગ્યો. નડિયાદમાં આ સમયે પ્રતાપ નામના મોરેસલામ શખ્સનો દબદબો હતો. જેલમાંથી મળેલા પરિચયના કારણે મહેન્દ્ર અને પ્રતાપ એકબીજાને ઓળખવા લાગ્યા હતા.  પરંતુ, પ્રતાપ મહેન્દ્ર કરતા વધુ ચબરાક હતો. તે માત્ર ગુનાની દૂનિયામાં જ નહીં પણ સ્થાનિક રાજકારણમાં પણ વર્ચસ્વ ધરાવતો હતો. એક સમયે તો પ્રતાપ નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ ચૂંટાઇ આવ્યો હતો. આમ ધાક અને રાજનીતિના સંયોગના કારણે તે ખેડાના ઘણા ઉદ્યોગપતિઓના સંપર્કમાં પણ હતો.

વાત ૧૯૮૪ની છે. ખેડા રોડ પર આવેલી ધર્માત્મા નામની ઇન્ડસ્ટ્રીઝમાં કારીગરોના યુનિયને હડતાળ પાડી. ફેક્ટરીનું કામકાજ ઠપ્પ થઇ ગયું. ફેક્ટરી માલિકે સામ-દામ-દંડ-ભેદ જે રીતે માને તે રીતે કારીગરોને કામ પર ચડાવવાનું કામ પ્રતાપને આપ્યું. પ્રતાપ મહેન્દ્રને પણ ઓળખતો હતો. તેણે પહેલીવાર આ કામમાં મહેન્દ્રસિંહને સાથે લીધો. બન્નેને ફેક્ટરીના માલિક તરફથી કામ પૂરું થયે રૂપિયા મળવાના હતા. દસેક દિવસની બન્નેની મહેનત સફળ રહી. હડતાળ સમેટાઇ ગઇ. દરમિયાન ફેક્ટરીમાં રોજની અવરજવર કરવાના કારણે ત્યાં કામ કરતી કિરણ નામની યુવતી સાથે મહેન્દ્રસિંહને પ્રેમ થઇ ગયો. મૂળ ક્રિશ્ચિયન કિરણ મહેન્દ્રસિંહના પ્રેમમાં ઓળઘોળ થઇ ગઇ. બીજી તરફ મહેન્દ્ર અને પ્રતાપ વચ્ચે ફેક્ટરીના માલિકે આપેલા રૂપિયાને લઇને વિવાદ થયો. આ વિવાદ એટલો વકર્યો કે, બન્નેએ એક બીજાની હત્યા કરવા સુધીના પ્લાન ઘડી કાઢ્યા. બન્ને એક બીજાની કપટી નીતિઓથી પણ પરિચિત હતા માટે બન્ને જાત બચાવવા સતર્ક પણ રહેતા હતા. પ્રતાપ મહેન્દ્રસિંહ સુધી ન પહોંચી શક્યો તો તેણે તેના એક સાગરીત મહમદ અલીની હત્યા કરી નાંખી. સાગરીતની હત્યાથી મહેન્દ્રસિંહ અકળાઇ ઊઠ્યો. હવે તેને કોઇ પણ ભોગે પ્રતાપની હત્યા કરી બદલો લેવો હતો. તે રોજ પ્રતાપની અને તેની આસપાસના લોકોની રેકી કરવા લાગ્યો. એક બપોરે મહેન્દ્રસિંહ પોતાના ઘરે સુતો હતો ત્યારે તેની ગેંગના એક શખ્સે માહિતી આપી કે, ધર્માત્મા ઇન્ડસ્ટ્રી સામેના ગેસ્ટ હાઉસમાં પ્રતાપનો ભાણેજ રોકાયો છે.

મહેન્દ્રસિંહને તો કોઇ પણ રીતે બદલો લેવો જ હતો, બદલો લેવા માટે પ્રતાપ નહીં તો તેનો ભાણીયો. એમ નક્કી કરી તે સાગરીત સાથે હોટલ પર પહોંચી ગયો અને ગેસ્ટ હાઉસના રૂમમાં જ પ્રતાપના નિર્દોષ ભાણેજની હત્યા કરી નાંખી. આ વાત પ્રતાપ સુધી પહોંચતા તે હચમચી ઊઠ્યો. કારણ કે નડિયાદ પ્રતાપનો ગઢ હતો અને તેના પર આ વાર સહન થાય તેવો નહોતો. નડિયાદના ઇતિહાસની કદાચીત આ સૌથી પહેલી લોહિયાળ ગેંગ વોર હતી. પોલીસ એક તરફ મહમદ અલીની હત્યા માટે પ્રતાપને શોધતી હતી તો હવે પ્રતાપના ભાણેજની હત્યામાં મહેન્દ્ર પણ વોન્ટેડ થઇ ગયો. તે નડિયાદની આસપાસના ગામડાઓમાં જ છુપાઇને રહ્યો અને પ્રતાપની હત્યાનો સતત પ્લાન કરતો રહ્યો. મહેન્દ્રસિંહના માણસોએ પ્રતાપની રેકી કરી માહિતી આપી કે, પ્રતાપ રોજ સવારે પોતાની ગાડીમાં છાપું લેવા આવે છે અને શાકમાર્કેટની પાછળની ગલીમાં ગાડીમાં બેસીને છાપું વાંચે છે. એક સવારે મહેન્દ્રસિંહ તે ગલીમાં પહોંચી ગયો અને ગાડીમાં જ પ્રતાપને ગોળી ધરબી દીધી. આ સમયે નડિયાદના ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર હતા કાળુસિંહ ચૌહાણ.
પ્રતાપની હત્યાના સમાચારે ખેડા જિલ્લામાં હાહાકાર મચાવી દીધો. મહેન્દ્રસિંહ ભાગીને સુરત આવી ગયો. પી.આઈ કાળુસિંહ ચૌહાણ અને તેમની ટીમે થોડા મહિનાઓ બાદ મહેન્દ્રસિંહને સુરતથી પકડી પાડી જેલમાં ધકેલ્યો. કોર્ટ કાર્યવાહી થઇ અને સરકારી વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે, મહેન્દ્રસિંહ અગાઉ એક ટેક્સી ડ્રાઇવર વિનોદની હત્યામાં જામીન પર છે. તેણે જામીન લઇને બે-બે હત્યા કરી છે. માટે તેના જામીન રદ્દ કરવા. કોર્ટે મહેન્દ્રસિંહના અગાઉના જામીન રદ્દ કર્યા અને તેને પરત જુનાગઢ જેલમાં ધકેલવાનો આદેશ આપ્યો.

આ વાત છે ૧૯૮૬ની. કોર્ટે જ્યારે મહેન્દ્રસિંહને જેલમાં ધકેલવાનો આદેશ આપ્યો ત્યારે નિયમ પ્રમાણે તેને પોલીસ સ્ટેશનથી જાપ્તા પોલીસના હવાલે કરાયો. મહેન્દ્રસિંહનું એમ.સી.આર. (માસ્ટર ક્રિમિનલ રેકોર્ડ) કાર્ડ બનાવામાં આવ્યું. જેમાં તેની કરમ કુંડળી લખવાની હોવાથી તેને જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની કચેરી નડિયાદ લઇ જવાયો. આ સમયે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ હતા કે.પી સ્વામી.
કે.પી સ્વામી પણ અનુભવી અને બાહોશ અધિકારી. તેમને જાણ થઇ કે, મહેન્દ્રસિંહ નામના ગુનેગારને તેમની ઓફિસ લવાયો છે ત્યારે તેમણે તેમની ચેમ્બરમાં લઇને આવવા આદેશ કર્યો. ભરબપોરનો સમય હતો. સ્વામી પોતાની ચેમ્બરમાં રિવોલ્વિંગ ચેરમાં સાદા કપડામાં બેઠા હતા. જાપ્તા પોલીસના ત્રણેક કોન્સ્ટેબલ હાથમાં દોરડા બાંધીને સ્વામીની ચેમ્બરમાં પ્રવેશ્યા અને મહેન્દ્રસિંહને તેમની સામે ઊભો રાખી દીધો. મહેન્દ્રસિંહ માથું નીચું ઝુકાવીને ઊભો હતો. સ્વામી લગભગ બે મિનિટ સુધી એકી ટસે તેની સામે જોઇ રહ્યાં. અંતે જાપ્તા પોલીસના જવાનોને માત્ર એટલું જ કહ્યું,, ‘ધ્યાન રાખજો, આ બહાર જશે તો તમે અંદર જશો’. પી.આઈ સ્વામીનું આ વાક્ય સાંભળીને મહેન્દ્રસિંહે માથું થોડુ ઊંચુ કર્યુ અને સ્વામીની સામે જોવા આંખના ડોળા અધ્ધર ચડાવી તેમની સામે જોઇ રહ્યો.

આ પહેલીવાર બન્યું કે, પી.આઈ સ્વામી અને મહેન્દ્રસિંહનો સામનો થયો. ભવિષ્યમાં બન્નેનો સામનો અનેકવાર થવાનો બાકી હતો. મહેન્દ્રસિંહને જુનાગઢ જેલમાં ધકેલી દેવાયો. સાતેક મહિના પછી રાજ્યભરની પોલીસને જુનાગઢ જેલમાંથી મેસેજ અપાયો કે, નડિયાદ જિલ્લાના આરોપી મહેન્દ્રસિંહને ૧૪ દિવસની પેરોલ અપાઇ હતી અને તે પેરોલનો સમય પૂરો થયો છતાં જેલ પર પાછો આવ્યો નથી. આ મેસેજનો સીધો અર્થ હતો કે, મહેન્દ્રસિંહ પેરોલ જમ્પ કરીને ફરાર થઇ ગયો છે. આ મેસેજ કે.પી સ્વામીએ પણ વાંચ્યો અને નિસાસો નાંખ્યો કે આ અપેક્ષિત જ હતુ. બીજી તરફ રાજ્યભરની પોલીસને આ સંદેશો મળ્યો હતો તેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પણ આ મેસેજ અપાયો હતો. પહેલીવાર મહેન્દ્રસિંહને પકડનારા જોગાજી પરમારે આ મેસેજ ‌વાંચ્યો અને તાત્કાલીક પોતાના બાતમીદારોને સક્રિય કર્યા. બે દિવસમાં એક બાતમીદારે માહિતી આપી કે, મહેન્દ્રસિંહની તો ભાળ નથી મળી પણ તેની પ્રેમિકા કિરણ ઓઢવ ગીતા-ગૌરી સિનેમાં પાછળની વસાહતમાં એકલી રહે છે. શક્ય છે કે, મહેન્દ્રસિંહ ત્યાં આવે!. જોગાજી તાત્કાલિક પોતાના સ્ટાફ સાથે કિરણના ઘરે પહોંચી ગયા અને તપાસ કરી. કિરણ પણ ગુનેગારના પ્રેમમાં ગુનાહિત માનસિકતા ધરાવતી થઇ ગઇ હતી. તેણે પોલીસને ગોળગોળ જવાબ આપી રવાના કરી દીધી. પણ જોગાજીએ એક કોન્સ્ટેબલને તેના ઘર બહાર ગુપ્ત વોચમાં બેસાડી દીધો. નડિયાદમાં પણ જિલ્લા એલ.સી.બી.એ આખા જિલ્લામાં મહેન્દ્રસિંહની વોચ શરૂ કરી હતી. કિરણના માતા-પિતાને પણ પોલીસ મળી હતી. એક સાંજે કે.પી સ્વામી જ્યારે મહેન્દ્રસિંહની બાતમી લેવા તેની પ્રેમિકા કિરણના ઘરે ગયા ત્યારે ખબર પડી કે કિરણ પણ ઘર છોડીને ક્યારની જતી રહી છે. તેના વૃધ્ધ માતા-પિતા સ્વામીના પગે પડી ગયા અને કરગરવા લાગ્યા, ‘સાહેબ અમારી દીકરીને પાછી મનાવી લાવો…એની જિંદગી બરબાદ થઇ જશે..’ સ્વામી એક માતા-પિતાની પગે પડેલી લાચારી જોતા રહ્યાં પણ તે લાચાર હતા.

ઓઢવમાં ગીતા-ગૌરી સિનેમા પાછળની વસાહતમાં રહેતી કિરણના ઘર બહાર વોચમાં ગોઠવેલા કોન્સ્ટેબલે જોગાજીને બાતમી આપી કે, મહેન્દ્રસિંહ આવી ગયો છે..! પી.એસ.આઈ પરમાર ટીમ સાથે તૈયાર થયા અને સાંજે તેને પકડી લેવાનું ઓપરેશન ગોઠવાયું. પોલીસ ખાનગી કપડામાં કિરણના ઘરની આસપાસ ગોઠવાઇ ગઇ. કેટલાક પોલીસકર્મીઓ ગીતા-ગૌરી સિનેમા આગળના એક મોટા મેદાનના અંધારામાં ગોઠવાઇ ગયા. સાંજની વોચમાં ઊભેલી પોલીસને રાત્રે ૯ વાગ્યે એક એમ્બેસેડર કારની લાઇટ મેદાનમાંથી આવતા દેખાઇ. તમામ પોલીસકર્મીઓ સતર્ક થઇ ગયા. લાઇટ કિરણના ઘર બાજુ જ આગળ વધી રહી હતી માટે તેમાં મહેન્દ્રસિંહ હોવાની શક્યતાઓ પણ વધતી હતી. પોલીસકર્મીઓ ગંભીર બનીને ગાડી ઉભી રહે તેની રાહ જોઇ રહ્યાં હતા. બન્યું પણ એવું જ, કારમાં મહેન્દ્રસિંહ જ હતો. તે કારનો દરવાજો ખોલીને નીચે ઉતરે તે પહેલા જ પી.એસ.આઈ. જોગાજી તેની બારી પાસે આવી ગયા અને કહ્યું, ‘મહેન્દ્ર આવી જા, બહુ ભાગ્યો’. જોગાજીને આટલું બોલતા જ મહેન્દ્રસિંહના મોઢામાંથી ગંધ આવી ગઇ કે તેણે દારૂ પીધેલો છે. જોગાજીએ બહારથી એમ્બેસેડરનો દરવાજો ખોલ્યો પણ અંદરથી મહેન્દ્રસિંહ ફિલ્મી સ્ટાઇલે દેશી તમંચો લઇને જ ઊતર્યો અને જોગાજીના કપાળ પર તાકીને ઊભો રહી ગયો. જોગાજી પણ એટલા જ જીગરવાળા. તેમણે મહેન્દ્રસિંહના આંખના પલકારામાં જ પોતાની સરકારી રિવોલ્વર કાઢીને તેના કપાળ પર તાકી દીધી. કોઇ ફિલ્મી દ્રશ્ય હોય તેવો જ સીન સર્જાયો. બન્ને એક બીજાની એટલા નજીક હતા કે બન્નેની બંદૂકના નાળચા એક બીજાના કપાળે અડતા હતા. બન્નેમાંથી કોઇ પણ ગમે તે ઘડીએ ટ્રીગર દબાવી દે તેવી શક્યતા હતી. લગભગ દસેક સેકન્ડ બન્ને એક બીજા સામે બંદૂક તાણીને ઉભા રહ્યા, મામલો ગંભીર બની ગયો હતો. આ દ્રશ્ય જોનારી પોલીસ પણ સ્તબ્ધ બની ગઇ. ઓચિંતા જ જોગાજીએ મહેન્દ્રસિંહને લાત મારી પાડી દીધો. બન્ને હવે બથ્થમબથ્થી પર આવી ગયા. આસપાસમાં ઊભેલી પોલીસ પણ દોડી આવી અને મહેન્દ્રસિંહ પર તૂટી પડી. જમીન પર પડેલા મહેન્દ્રસિંહ પર પોલીસ જાણે ઢગલો થઇ ગઇ અને અંતે તેને હથિયાર સાથે પકડી લીધો.
મહેન્દ્રસિંહ પેરોલ જમ્પમાં પકડાયો અને ફરીથી જેલમાં ધકેલી દેવાયો. આ સમય દરમિયાન તેના પર કેસ ચાલ્યો અને સજા થઇ. થોડા સમય પછી હાઇકોર્ટમાંથી ફરી તેણે પરોલ મેળવી લીધા અને ફરી એકવાર તે પેરોલ જમ્પ કરીને ફરાર થઇ ગયો.

પોલીસને દિવસો સુધી મહેન્દ્રસિંહની ભાળ ન મળી. બીજી તરફ મહેન્દ્રસિંહ રાઠોડ પેરોલ પર છુટીને અમદાવાદ જ આવ્યો હતો પણ પોલીસથી બચતો રહ્યો હતો. મહેન્દ્રસિંહ અમદાવાદ આવીને તે સમયની ખુંખાર ‘ભૈયા’ ગેંગમાં જોડાઇ ગયો હતો. આ ગેંગના સરદાર ‘ભૈયા’ ઉપરાંત ગેંગના સભ્ય જીતુ કાણીયા અને મહેન્દ્રસિંહે મળીને નવરગંપુરાના વેપારી કમલેશભાઇનું અપહરણ કર્યું. આ અપહરણ દસ લાખની ખંડણી વસૂલવા કરાયું હતુ. આ ગેંગનો દબદબો તે સમયે એટલો હતો કે નામ સાંભળતા જ વેપારીઓ રૂપિયા પહોંચાડી દેતા. ગેંગ સફળ રહી અને દસ લાખની ખંડણી મળી જતા ભૈયાની ગેંગે કમલેશભાઇને મુક્ત કરી દીધા. જો કે, આ વાત મહેન્દ્રસિંહને ખટકી ગઇ. તેણે ગેંગમાં બળવો કર્યો. તેણે પોતાની ક્રુર ગુનાહિત માનસિકતાનો જાણે ચિતાર આપતો હોય તેમ ગેંગના સરદાર ભૈયાને કહ્યું,‘કમલેશ આપણને ઓળખે છે. ભલે રૂપિયા આવી ગયા હોય પણ તેને જીવતો ના છોડાય. તે ભવિષ્યમાં આપણી સામે સાક્ષી બનશે’. જો કે, ભૈયાની નીતિ અલગ હતી. તેણે કહ્યું, ‘ભલે ખોટું કામ કરીએ પણ તેમાં નીતિ રાખવી. આપણે વચન આપ્યું હતુ કે, રૂપિયા મળશે તો તેને છોડી દઇશું. રૂપિયા મળ્યા એટલે છોડ્યો છે. એકવાર વચન આપ્યા પછી નહીં ફરવાનું’.

ભૈયા અને મહેન્દ્રસિંહ વચ્ચે આ મુદ્દે ભારે શાબ્દિક ટપાટપી થઇ અને બન્ને છુટા પડી ગયા. ભૈયાની ગેંગ પ્રોફેશનલ હતી. તો મહેન્દ્રસિંહ એકલો જ ગુના આચરતો. મહેન્દ્રસિંહને ભૈયાની વાત ખટકી ગઇ હતી અને બદલો લેવાનું નક્કી કર્યુ હતુ. એક દિવસ ઓચિંતા ભૈયાનો ખાસ માણસ જીતુ કાણીયો ગુમ થઇ ગયો. લગભગ છ મહિને ખબર પડી કે, તેની લાશ મળી હતી અને તેને કોઇએ ચપ્પાના ઘા મારી રહેંસી નાંખ્યો હતો. આ હત્યા મહેન્દ્રસિંહે જ કરી હતી કે કેમ? તે આજે પણ પોલીસને ખબર નથી. આ સમયના પોલીસ અધિકારીઓ કહે  છે કે, જીતુની હત્યા મહેન્દ્રસિંહે જ કરી હતી પણ તેના વિરુધ્ધ પુરાવા નહીં હોવાથી પોલીસ ચોપડે તેનું નામ નથી આવ્યું.

આ ખુંખાર ગુનેગાર ભૈયા સાથે તકરાર કરીને દરિયાપુર વિસ્તારમાં એક બાવાને મળ્યો હતો. આ બાવો પણ માથાભારે. તેણે લતીફને મારી નાંખવાની નેમ લીધી હતી. બાવો અને મહેન્દ્રસિંહ બન્ને એક બીજાનો ઉપયોગ કરીને ગુનાની દૂનિયામાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માંગતા હતા. જો કે, આ વખતે મહેન્દ્રસિંહ કરતા બાવાનું પલ્લુ વધારે ભારે હતુ. બાવાએ મહેન્દ્રસિંહને મનાવી લીધો કે, જો તે લતીફની હત્યા કરે તો તેને રૂપિયા આપશે.

મહેન્દ્રસિંહે લતીફની હત્યાની સોપારી તો લીધી હતી પણ આ એ સમય હતો કે, જ્યારે લતીફનો અમદાવાદમાં દબદબો હતો. તે જેલમાં બેઠાબેઠા જ અનેક સીટ પરથી કોર્પોરેશનની ચૂંટણી જીત્યો હતો. એટલે કે, નસીબ અને પબ્લિક બન્ને તેની સાથે હતા. આવા સંજોગોમાં મહેન્દ્રસિંહે તેની સામે ટક્કર લીધી હતી. તે સમયના અધિકારીઓ કહે છે કે, લતીફને જ્યારે જાણ થઇ કે મહેન્દ્રસિંહે તેની સોપારી લીધી છે ત્યારે તે પણ સતર્ક થઇ ગયો હતો. તેને શંકા હતી કે, મહેન્દ્રસિંહ ગમે ત્યારે ગમે ત્યાંથી હુમલો કરી શકે છે. બીજી તરફ મહેન્દ્રસિંહે લતીફની હત્યા માટે એક વિદેશી ગન પણ વસાવી લીધી હતી. લતીફનું ગુપ્તચર નેટવર્ક મજબૂત હતુ. તેને મહેન્દ્રસિંહની તમામ વિગતો મળી જતી હતી. લતીફે પણ મહેન્દ્રસિંહને બરોબર જવાબ આપવા અને પોતાની પર હુમલો થાય તે પહેલાં આ દુશ્મનનો નાશ કરવાનું નક્કી કરી નાંખ્યું હતુ. પણ મહેન્દ્રસિંહ ન હણાય ત્યાં સુધી લતીફે બચવાનું હતુ. માટે લતીફ જ્યારે જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે ત્રણેક ગાડીઓના કાફલામાં નીકળતો. કઇ ગાડીમાં ક્યાં બેસવું તે લતીફ છેલ્લી ઘડીએ નક્કી કરતો. નિવૃત્ત અધિકારીઓ કહે છે કે, લતીફ જે પણ ગાડીમાં બેસે તેમાં પાછળની સીટમાં વચ્ચે જ બેસતો, આજુ-બાજુ પોતાની ગેંગના એક એક સાગરીતને રાખતો હતો. આમ લતીફના મનમાં પણ મહેન્દ્રસિંહનો ખોફ હતો. મહેન્દ્રસિંહે પોતાનો ખોફ ફેલાવવા આ સમયે શરિફ ખાન અને ફઝલુ રહેમાનને પણ વગર કારણે મારી નાંખવાની ફિરાકમાં ફરતો હતો. આ વાત તેણે એવા લોકોને કરી રાખી હતી જે તેની માહિતી લીક કરીને સામેની ગેંગમાં પહોંચાડી દે. એટલું જ નહીં, એવું પણ કહેવાય છે કે, મહેન્દ્રસિંહે લતીફના તે સમયના વિરોધી હંસરાજ સાથે પણ હાથ મિલાવ્યો હતો.

મહેન્દ્રસિંહે લતીફની હત્યા માટે ત્રણવાર પ્રયાસ પણ કર્યા હતા જો કે એકેયમાં તે સફળ નહોતો રહ્યો. લતીફ સાથેની દુશ્મનાવટ હવે સરાજાહેર થઇ ગઇ હતી. મહેન્દ્રસિંહને ખબર હતી કે, પોલીસ તેને શોધી રહી છે તેથી તેણે લતીફની હત્યાનું ઓપરેશન પડતુ મૂક્યું, પણ આ પહેલાં એક સરદારજી સહિત તેના બે સાગરીતોની તો હત્યા કરી જ નાંખી હતી.

અમદાવાદ છોડીને મહેન્દ્રસિંહ સુરત ભાગ્યો. ત્યાં જઇ તેણે લખલૂટ રૂપિયા કમાયા. માત્ર સુરત જ નહીં પછી તો તેણે મુંબઇ અને બેંગ્લોર સુધી ગુનાને અંજામ આપ્યો અને મુંઇમાં સપનુ સાકાર કરવા ઘર બનાવ્યું…

(ક્રમશ:)
#CrimeKahani #Gujarat #Ahmedabad #GujaratPolice #Don #Latif #Hanshraj #MahendrasinhRathod #Rajasthan  #MihirBhatt #SuratPolice #Encounter

Friday, April 24, 2020

ગુજરાતના એક એવા ડોનની કહાની, જેણે ૨૯ વર્ષની ઉમરમાં જ ૧૦૦થી વધુ લોકોની હત્યા કરી હતી..!

MIHIR BHATT
followme on Twitter @MihirBhatt99
ભાગ- ૧
દીકરાના વિયોગમાં રઘવાઇ ગયેલા વૃધ્ધ દંપતીએ અંતે તાંત્રિકનો સહારો લીધો. જ્યાં પોલીસ નિષ્ફળ નિવડી રહી છે ત્યાં તંત્ર-મંત્ર અને દૈવીશક્તિ સાથ આપશે તેવી આશા જિંદગીના છેલ્લા દિવસો ગણી રહેલા વૃધ્ધ દંપતીને હતી. કારણ કે, એક અઠવાડિયાથી જુવાનજોધ દીકરો ઘરે નહોતો આવ્યો, તેની પત્નીની રડમસ આંખો વારંવાર ઘરના ડેલે ડોકિયું કરતી હતી. સાસુ-સસરાની તાંત્રિકની મદદ લેવાની સલાહને પુત્રવધૂએ પણ એટલી જ ઉતાવળથી હા પાડી દીધી, જાણે કોઇ ડૂબતો માણસ તરણું પકડતો હોય. ઉત્તર ગુજરાતના સાબરમતી નદીના કાંઠે આવેલા એક નાનકડા ગામની આ વાત છે. સાંજ ઢળવા લાગી હતી, ખેતમજૂરીએથી ગ્રામવાસીઓ પોતાના માલઢોર સાથે ઘરે પાછા આવવા લાગ્યા હતા. સૂર્યનારાયણ પણ અસ્ત થવાની તૈયારીમાં હતા. ત્યાં સાઇકલ પર સફેદ લેંઘો અને સફેદ ઝભ્ભામાં, વધારેલા દાઢી-વાળ અને કપાળ પર લાંબા એવા કંકુના ચાંદલા સાથે આવેલા તાંત્રિકે ડેલી ખખડાવી.
દીકરો ગુમ થતા બચેલા ત્રણ સભ્યોના પરિવારનું ગામડાનું ઘર મોટું હતુ. ચારેક ઓરડા અને લગભગ અડધા વિઘાનું ફળિયું. વૃધ્ધે તાંત્રિક માટે ફળિયામાં ખાટલો પાથર્યો અને તાંત્રિકને બેસાડ્યો. ધીમેધીમે અંધારુ વધી રહ્યું હતુ. ઘરની ઓસરીમાં એક પીળા બલ્બના અજવાળાના સહારે વૃધ્ધ અને તાંત્રિક ખાટલા પર બેસીને વાતો કરતા હતા. તાંત્રિક શું કહે છે તે જાણવા વૃધ્ધ માતા પણ પતિની નજીક ખાટલા પાસે નીચે બેઠી. એટલામાં જુવાનજોધ પુત્રવધૂ ઘરમાંથી તાંત્રિક માટે લોટામાં ચા ભરી લાવી. તેણે તાંત્રિક અને તેના સાસુ-સસરા પાસે ચાની રકાબી ભરી. તાંત્રિકની નજર પુત્રવધૂ પર પડી. અત્યંત સ્વરૂપવાન અને જુવાનજોધ સ્ત્રીને જોઇ તાંત્રિક બે ઘડી તો જાણે તંદ્રામાં સરી પડ્યો. તેના મનમાં વાસનાના વમળોએ વાવાઝોડું સર્જી દીધુ હતુ. એક લાચાર પરિવારને તાંત્રિક પાસેથી પોતાના દીકરાની ભાળ મેળવવી હતી. જ્યારે તાંત્રિકની નજર તો ઘરની સ્વરૂપવાન સ્ત્રી પર પડી હતી. પરિણીતાની લાચારીમાં તાંત્રિકને જાણે ગેરલાભ લેવાનો રસ્તો દેખાઇ રહ્યો હતો.
તાંત્રિકે ચાના સબડકા બોલાવતા વૃદ્ધને કહ્યું, તમે પતિ-પત્ની અંદર જાવ, જેનો પતિ ગયો છે તે તમારી વહુને જ વિધિમાં બેસાડીશું તો સવાર સુધીમાં તમારો દીકરો આવી જશે! વૃધ્ધ દંપતીને આ વાત હાશકારો આપનારી હતી. બન્ને રકાબી જમીન પર મુકીને ઊભા થઇ ગયા અને સાસુએ બૂમ પાડી.સોનલ.ત્યાં તો સોનલ પણ માથે ઓઢેલો સાડીનો છેડો સરખો કરતા બહાર આવી. કહ્યું, હા બા, સાસુએ કહ્યું આ મહારાજ તને બેસાડીને વિધિ કરશે, એ શું કહે છે એ સાંભળી લે. તેમ કહીને સાસુ-સસરા બન્ને ત્રણેક પગથિયાં ચડીને ઘરના ઓરડામાં ગયા.
‘હા મહારાજ’ કહેતા સોનલ પણ ખાટલા નજીક જમીન પર બેસી ગઇ. તાંત્રિક હવે તેના અસ્સલ રંગમાં આવી ગયો હતો. તેણે સોનલને કહ્યું, તારા પતિને સવાર સુધીમાં પાછો લાવી આપીશ. મારી વિધિ ક્યારેય ફોક નથી જતી. હા, વિધિમાં જો કોઇ ભૂલ થઇ તો તારા પતિ સાથે કોઇ અનિષ્ટ પણ થઇ શકે છે. સોનલના મનમાં ગભરાટ ફેલાયો અને તેના મોઢા પરનો આ ડર તાંત્રિકને દેખાવા લાગ્યો. આમ તો તાંત્રિકને આ ડર જોઇતો જ હતો, જેથી સોનલ તેના તાબે થઇ જાય. તાંત્રિકે શરૂઆતમાં તો વિધિની વાત કરી અને વિધિ માટે શું લાવવું તે બધુ કહેવા લાગ્યો. સોનલ તેની તમામ વાતોમાં હા પુરાવા લાગી. તાંત્રિકને લાગ્યું કે, હવે સોનલ તાબે થઇ ગઇ છે ત્યારે તેણે કહ્યું, આ વિધિ એક બંધ રૂમમાં કરવી પડશે અને ત્યાં તારે સંપૂર્ણ નિર્વસ્ત્ર થઇને બેસવું પડશે. આ સાંભળીને સોનલના હોંશ ઊડી ગયા, માથે જાણે આભ તૂટી પડ્યું, તે અવાચક બની ગઇ. તેના ડોળા જાણે તાંત્રિક સામે ફાટી ગયા હોય તેમ એકીટસે તેને જોવા લાગી. તાંત્રિકે ભેદી સ્મિત આપતા કહ્યું, વિધિ છે, કોઇ ચૂક થઇ તો તારો પતિ સવાર નહીં જૂએસોનલને હજુ તો તાંત્રિકની વાતથી કળ નહોતી વળી ત્યાં તો તાંત્રિકે ફરી કહ્યું, રાતની વિધિ પત્યા પછી તારે મારી સાથે સવારે ૪ વાગ્યે નદીએ નાહવા આવવું પડશે!
સોનલ ત્યાંથી સફાળી ઊભી થઇ અને કાંઇ જ બોલ્યા વગર ઉતાવળે પગે ઘરમાં દોડી ગઇ. તેણે પોતાની સાસુ્ને એક રૂમમાં બોલાવી કહ્યું, આ તાંત્રિકની માગ યોગ્ય નથીહું તેની સામે નિર્વસ્ત્ર ના બેસી શકું. સાસુ પણ તાંત્રિકના ઇરાદા જાણી ગઇ, પણ તે એક માં હતી. પુત્રની લાલચ તેને આવેશમાં આવીને તાંત્રિકને ઘરની બહાર કાઢી મૂકતા રોકી રહી હતી. સોનલની સાસુએ તેની આખી વાત જાણી, પણ પુત્રને મેળવવાની લાલચમાં તે સોનલને તાંત્રિકના કહેવા પ્રમાણે કરવા સમજાવવા લાગી. રાતના ૮.૩૦ વાગી ગયા હતા. સોનલ ચોધાર આંસુએ રડતા તેની સાસુ સામે સતત કાકલૂદી કરી રહી હતી. તો સામે સાસુ પણ રડી રડીને તેને કમને પણ તાંત્રિક કહે છે તેમ કરવા સમજાવી રહી હતી.
નાનકડાં ગામના ખુશખુશાલ આ પરિવાર પર જાણે કુદરત રૂઠી હતી. તાંત્રિક પણ કાળ બનીને ફળિયામાં બેઠો હતો. એકાદ વર્ષ પહેલા જ પરણીને સાસરે આવેલી સોનલ પર બેવડી આફત આવી હતી, પતિને મેળવવા કોઇ પરપુરૂષ સામે નિર્વસ્ત્ર કેમ થવું? અને હવે તેની સાસુ પણ તેને તાંત્રિકની સલાહ મુજબ કરવા સમજાવી રહી હતી! અંતે સોનલનું હૈયુ ભરાઇ આવ્યું તેણે તેની સાસુને કહ્યું, જાવ એકવાર બાપુજી સાથે વાત કરો. તેમ કહી તેની સાસુને બાજુના રૂમમાં મોકલ્યાં. આ દરમિયાન સોનલે પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને શરીર પર ઘાસલેટ છાંટીને દિવાસળી ચાંપી દીધી. સોનલની મરણચીસો ગામડાના સન્નાટામાં આસપાસના ઘરોમાં પણ સંભળાઇ અને લોકો દોડી આવે તે પહેલા તાંત્રિક ઘરમાંથી ફરાર થઇ ગયો.
હકીકતમાં સોનલના પતિની તો એક સપ્તાહ પહેલાં જ હત્યા થઇ ગઇ હતી. પણ વૃધ્ધ દંપતી અને સોનલ આ વાતથી અજાણ હતા માટે મા-બાપ દીકરા માટે અને સોનલ પતિને પાછા મેળવવા વલખાં મારી રહ્યાં હતા. આમ તાંત્રિકના ચુંગાલમાં ફસાઇ એક પરિવાર વેરવિખેર થઇ ગયો. આ ઘરમાં હવે માત્ર એક વૃધ્ધ દંપતી જ રહ્યું.
પણ કહેવાય છે કે, સમય આવે કર્મોનો હિસાબ કુદરત લઇ જ લે છે..! ગામડામાં રહેતા આ પરિવારની આવી હાલત માટે જવાબદારનો હિસાબ પણ કુદરતે બરાબર લીધો. આ ઘટનાના બરાબર દસ વર્ષ પછી ગામડાના આ ઘરથી ૬૦૦ કિમી દૂર મુંબઇમાં આ પરિવારને બેહાલ કરનારો શખ્સ પોતાની એકની એક દીકરીનો જન્મદિવસ ઉજવવાની તડામાર તૈયારીમાં હતો. બાન્દ્રા રોડની એક બેકરીમાં કેક લેવા પહોંચેલા આ શખ્સને પોલીસે જોઇ લીધો અને કેક લઇને જેવો બેકરીની બહાર નીકળ્યો કે તેને ઘેરી લીધો. નામચીન ગુનેગાર પોલીસ પાસે એક કલાકના સમય માટે કરગર્યો. પણ પોલીસે તેની એક પણ વાત ના સાંભળી અને બીજા દિવસે સુરત નજીક કામરેજ હાઇવે પરના એક ઘરમાં તેનું એન્કાઉન્ટર થઇ ગયું. તે છેલ્લી ઘડીએ પોતાની દીકરીનું મોં પણ ન જોઇ શક્યો. ૨૯ વર્ષની વયે પોલીસના હાથે હણાઇ ગયેલા આ ગુનેગારે ગુજરાતનો એકેય એવો ડોન બાકી નહોતો રાખ્યો કે જેને ધમકી ના આપી હોય, અથવા તો તેની હત્યાનો પ્રયાસ કર્યો ન હોય. લતીફ, એસ.કે એટલે કે શરિફ ખાન, ફઝલ અર-રહેમાન ઉર્ફ ફઝલુ રહેમાન સામે તેણે સીધી દુશ્મનાવટ કરી હતી. કહેવાય છે કે, ૨૯ વર્ષની વયે તેનું એન્કાઉન્ટર થયું ત્યારે ગુજરાત પોલીસના ચોપડે તેની સામે ‘સત્તાવાર’ ૨૯ હત્યા હતી. પણ તે સમયના અધિકારીઓ કહે છે કે, આ ડોને હત્યાની સેન્ચ્યુરી મારેલી છે. તેના એન્કાઉન્ટર પહેલાં તેણે મુંબઇમાં જે બંગલો ખરીદ્યો હતો તે પણ કરોડોની કિંમતનો હતો. નોંધનીય છે કે, આ ગુનેગારનું એન્કાઉન્ટર ૧૯૯૧માં જ થઇ ગયું હતુ.
આ ‘ક્રાઇમ કહાની’ છે મૂળ રાજસ્થાનના પાલી નજીક આવેલા આસવણ ગામના વતની શતરામ ભોપારામ ઉર્ફ શેતાનરામ ભોપાલારામ ઉર્ફ મહેન્દ્રસિંહ ભોપાલસિંહ રાઠોડ ઉર્ફ મહેન્દ્ર રાયકાની. બહુનામધારી મહેન્દ્રસિંહ મૂળ રાજસ્થાનનો રબારી હતો. સમાજના રિતરીવાજ મુજબ નાનપણમાં જ તેને પરણાવી દેવાયો હતો. પરિવાર સમાજના રિતરીવાજને વળગી રહેનારો હતો પણ મહેન્દ્રસિંહને સમાજ કે શરમના કોઇ વાડા નડતા નહોતા. તેણે ૧૭ વર્ષની ઉંમરે પાડોશના ગામમાંથી બૂલેટની ચોરી કરી અને રાજસ્થાન-ગુજરાત બોર્ડરના ગામ બાખાસર પહોંચી ગયો. ત્યાં તે સમયના વગદાર બળવતસિંહ પાસે પહોંચી જઇ બૂલેટ વેચવાની વાત કરી. બળવંતસિંહ મૂળ દરબાર અને રણના ભોમિયા. તેમણે પાકિસ્તાન સાથેના યુધ્ધમાં બે વાર રણમાંથી ભારતીય સૈન્યને બોર્ડર સુધીનો રસ્તો બતાવ્યો હતો. બોર્ડરના ગામથી માંડીને છેક વડપ્રધાન ઓફિસ સુધી બળવંતસિંહનો દબદબો અને તેટલો જ તેમનો માન-મોભો પણ હતો.
બળવંતસિંહે મહેન્દ્રની વાત સાંભળી પગેથી માંડીને છેક મોઢા સુધી જોયો અને કહ્યું, ‘રવાના થઇ જા, બીજીવાર આ બાજુ આવતો પણ નહીં..!’, મહેન્દ્રસિંહના જતા જ બળવંતસિંહે તેના ગામના લોકોને ચેતવતા કહ્યું, ‘આ છોકરો બરોબર નથી લાગતો, તેને ગામથી દૂર રાખજો’. મહેન્દ્રસિંહે ગુનાની દૂનિયામાં બૂલેટ ચોરીથી પગ મૂક્યો હતો. ત્યાર પછી તો તેણે પાલીની આસપાસના અનેક ગામોમાં ચોરી-લૂંટ જેવા નાના મોટા ગુનાને અંજામ આપ્યો હતો. માત્ર ૨૦ વર્ષની ઉંમરે જ તે પાલીમાં કુખ્યાત ગુનેગાર તરીકે પંકાઇ ગયો હતો.
એક દિવસ તે પત્ની અને પરિવારને છોડીને અમદાવાદ ભાગી આવ્યો. છ ફૂટ ઊંચો, ગોરોવાન અને થોડા વધારેલા વાળ. દેખાવ પણ ફિલ્મના એક્ટરથી કમ નહોતો. ઉપરાંત તેણે મુંબઇના ડોન સુલતાન મિરઝાની વાતો પણ સાંભળી હતી, તેથી તેના જેવા જ ડોન બનવા તે પણ સફેદ શર્ટ અને સફેદ પેન્ટ પહેરતો. ૧૯૮૨માં અમદાવાદ આવીને સરસપુર વિસ્તારમાં રોકાયો. ગુનાની દુનિયામાં જ મોટું નામ કરવાના તે રાતદિવસ સપના જોયા કરતો. બમ્બૈયા ડોનની જેમ મોંઘીદાટ ગાડી અને આલીશાન બંગલામાં રહેવાના તેણે સપના પણ સેવી રાખ્યા હતા. નાના-મોટા ઘણા ગુનાને અંજામ આપીને તે અમદાવાદ આવ્યો હતો. આમ પણ ગુનાની દૂનિયા તેના માટે નવી નહોતી. તે સમયે સરસપુર-ગોમતીપુરની હદ વચ્ચે દારૂનો અડ્ડો ચલાવતા મંજૂરઅલી સાથે તેણે ઘરોબો કેળવી લીધો અને તેની સાથે જ કામ કરવાનું શરૂ કરી દીધુ. મહેન્દ્રસિંહને પોલીસનો નામ માત્રનો ડર નહોતો તેથી મંજૂરઅલીએ તેને શહેરના જાણીતા, પણ ખાનગીમાં દારૂ લઇ જતા ગ્રાહકોના ઘરે દારૂ સપ્લાય કરવાનું કામ સોંપ્યું હતુ. યામાહા એક્સ ૧૦૦ની ઘરેરાટી વચ્ચે મહેન્દ્રસિંહ આખા અમદાવાદમાં બેફિકર થઇ ગમે તેને દારૂ પહોંચાડી દેતો. નવો ખેપીયો હતો તેથી પોલીસને પણ હજુ તેના વિશે કોઇ માહિતી નહોતી. પણ, મહેન્દ્રસિંહને દારૂના ધંધામાં જે રૂપિયા મળતા હતા તેનાથી સંતોષ નહોતો. તેને તો કરોડપતિ બનવું હતુ. કોઇ સ્ટેન્ડ પર માત્ર બૂટલેગર બનીને ઠરીઠામ નહોતુ થવું.
આ એ સમય હતો જ્યારે અમદાવાદમાં ડોન લતીફનું નામ પણ મોટું હતુ. મહેન્દ્રસિંહ અને લતીફનો સામનો થવાને હજુ વાર હતી. મહેન્દ્રસિંહે હવે મોટા પાયે દારૂ સપ્લાય કરવાનું નક્કી કરી નાંખ્યું હતુ. આ સમયે ખેડા જિલ્લામાંથી મોટા પાયે અમદાવાદ શહેર અને આસપાસના જિલ્લાઓમાં દારૂ સપ્લાય થતો હતો. તેથી મહેન્દ્ર ૧૯૮૨માં જ અમદાવાદ છોડીને ખેડા જિલ્લાના નડિયાદમાં જતો રહ્યો.
મહેન્દ્રસિંહે જ્યારે પહેલાં દિવસે નડિયાદમાં પગ મૂક્યો ત્યારે ત્યાં તેને કોઇ ઓળખતુ નહોતું. પહેલી રાત ક્યાં કાઢવી તે વિચારમાં તે મોડી સાંજ સુધી ભટકતો રહ્યો. રાતના આઠેક વાગ્યા હતા. એક ઝાડના ઓટલા પાસે આવ્યો ત્યારે ત્યાં પાંચેક ટેક્ષીઓ ઊભી હતી અને તેના ડ્રાઇવરો પણ ત્યાં ઓટલા પર બેસીને ગપાટા મારતા હતા. મહેન્દ્રસિંહ માત્ર સપના જ નહોતો જોતો, તેને સાકાર કરવા તે પ્રયત્ન પણ કરતો, વળી ગુનાને અંજામ આપવા જરૂરી ચાલાકી પણ તેનામાં હતી. મહેન્દ્રસિંહે મનોમન નક્કી કર્યું કે, ‘ડ્રાઇવરો સાથે ઘરોબો કેળવી દારૂના ધંધાની વાત કઢાવીશ. ડ્રાઇવરો બધે ફરતા હોય છે ક્યાંકને ક્યાંક કોઇ રસ્તો મળી જશે’.
મહેન્દ્ર ડ્રાઇવરો જ્યાં વાત કરતા હતા તે ઓટલા પર આવીને બેસી ગયો. થોડીવાર તો તે અજાણ્યો બનીને ડ્રાઇવરની વાત સાંભળતો રહ્યો. ડ્રાઇવરો અલગ અલગ જગ્યાની વર્દીની વાત કરતા હતા. કોઇ રાજસ્થાનનાં ભાડાં માટેની વાત કરતો, તો કોઇ ડ્રાઇવર મધ્યપ્રદેશના રસ્તાઓની વાત કરતો. એક-બે ડ્રાઇવરોએ બીડી પણ હાથમાં સળગાવી રાખી હતી. મહેન્દ્રસિંહ પણ વિલ્સ સિગારેટ પીવાનો શોખીન હતો.
તેણે ડ્રાઇવરોની વાત સાંભળતા જ તાત્કાલિક પ્લાન બદલી નાંખ્યો અને નક્કી કર્યું કે, આમાંથી કોઇ ડ્રાઇવરને લઇ જઇને તેની ટેક્ષી લૂંટી લેવામાં આવે તો? મહેન્દ્રસિંહ તાત્કાલિક ઉભો થઇને ડ્રાઇવરોથી દૂર જતો રહ્યો. ઓટલા પર બેસવાથી ગંદા થયેલા સફેદ કપડા ખંખેર્યા, હાથેથી વાળ પણ સમારીને ફરીથી એક સજ્જન વ્યક્તિના દેખાવમાં આવી ગયો. ઉતાવળી ચાલે ટેક્ષી ડ્રાઇવરો વાત કરતા હતાં ત્યા આવ્યો અને પુછ્યું, રાજસ્થાનના પાલી જવું છે, આવશો? પાંચેય ડ્રાઈવરોએ એકબીજા સામે જોયું અને નક્કી કર્યું કે, સ્ટેન્ડ પર હવે કોની ટેક્ષીનો વારો છે? અંતે નક્કી થતા વિનોદ નામનો એક યુવાન ટેક્ષીડ્રાઇવર તૈયાર થયો. તેણે કહ્યું, ‘બેસી જાવ’ તેમ કહેતા ગાડીમાંથી એક જુનું કપડું કાઢી ગાડીનો આગળનો કાચ ઝાપટવા લાગ્યો. ડ્રાઇવર વિનોદ હજુ મહેન્દ્રસિંહને એક પેસેન્જર તરીકે જ જોતો હતો તેણે નામ પણ નહોતુ પુછ્યું. ટેક્ષી ચાલુ કરતા પહેલાં તેણે પુછ્યું કે પાછા આવવાનું છે કે, ત્યાં જ ઊતરી જવાનું છે? મહેન્દ્રએ કહ્યું, સવારે પહોંચવાનું છે ત્યાં જઇને નક્કી થશે. રાત્રે બે-ત્રણ કલાક કોઇ હોટલમાં ઊંઘ પણ કરી લઇશું. વિનોદે સાથી ટેક્ષી ડ્રાઇવરોને કહ્યું, ઘરે કહી દેજો, કાલે આવી જઇશ. ટેક્ષી ત્યાંથી ઉપડી અને વાયા કઠલાલ થઇ હિંમતનગર તરફ દોડવા લાગી. એમ્બેસેડર કારમાં પાછળની સીટ પર બેઠેલા મહેન્દ્રસિંહના મનમાં ડ્રાઇવરની હત્યા કરીને ટેક્ષીની લૂંટ કરવાનો સતત પ્લાન ચાલતો હતો. તેણે ટેક્ષીમાં જ કેવી રીતે હત્યા કરવી તેનું મનોમન રિહર્સલ પણ કર્યુ હતુ. મહેન્દ્રસિંહ તેની જિંદગીની પહેલી હત્યા કરવા જઇ રહ્યો હતો પરંતુ જાણે કોઇ રિઢો હત્યારો હોય તેમ તેણે ફુલપ્રુફ પ્લાન મનમાં ઘડી રાખ્યો હતો. હિંમતનગર પહેલા પ્રાંતિજ પાસે હાઇવે પરની એક હોટલ આગળ તેણે કાર ઊભી રખાવી. રાતના ૧૨ વાગવા આવ્યાં હતા. ચા-પાણીના નામે હાઇવે પર એક ખુલ્લી હોટલ પર ડ્રાઇવરથી થોડો અલગ થયો. હોટલના જ એક પાનના ગલ્લા પરથી તેણે નાઇલોનની દોરી ખરીદી લીધી.
થોડીવારમાં મહેન્દ્રસિંહ ફરી ટેક્ષીમાં ગોઠવાયો અને હવે ટેક્ષી હિંમતનગર હાઇવે તરફ દોડવા લાગી. મહેન્દ્રસિંહનો પ્લાન હતો કે હિંમતનગર પસાર થયા પછી ઇડરના રોડ પર ક્યાંક હત્યા કરવી જેથી કરીને જંગલ જેવા વિસ્તારમાં કોઇને લાશ પણ ન મળે. આજથી લગભગ ૩૮ વર્ષ પહેલાની આ વાત છે. ત્યારે સિંગલ પટ્ટીના સ્ટેટ હાઇવે અને રાતે તો ભાગ્યેજ કોઇ વાહન નીકળે. આમ છતાં મહેન્દ્રસિંહ હત્યામાં એક પણ ચૂક રાખવા માગતો નહોતો. તેણે એકાદ વાગ્યે ટેક્ષી હિંમતનગર પહોંચી ત્યારે ફરી હોટલ પર ગાડી ઊભી રાખવા કહ્યું. ડ્રાઇવર વિનોદને શંકા ગઇ કે હજુ કલાક પહેલા જ તો પ્રાંતિજ ઊભા રહ્યાં હતા. તેણે મહેન્દ્રસિંહને કહ્યું, શેઠ હમણા જ તો ચા પાણી કર્યા. હવે ઊભા રહીશું તો પાલી મોડા પહોંચીશું. મહેન્દ્રસિંહે કહ્યું, ‘આવ પહેલા થોડો નાસ્તો કરી લઇએ. આગળ નાસ્તો જોયો પણ સારો લાગ્યો નહીં એટલે નહોતો કર્યો’. આમ કહી તેણે ડ્રાઇવર વિનોદ સાથે એક જ ટેબલ પર બેસીને નાસ્તો પણ કર્યો. હોટલમાં તે બન્ને સિવાય કોઇ હતુ પણ નહીં. મહેન્દ્રસિંહ આ બહાને સમય પસાર કરવા માગતો હતો જેથી બે-ત્રણ વાગ્યે હાઇવે શાંત થઇ જાય, હાઇવે પોલીસ પણ લગભગ પેટ્રોલિંગમાં મળે નહીં. મહેન્દ્રસિંહ આ ચાલમાં સફળ રહ્યો. પોણો કલાક પસાર કરીને તે ફરી એમ્બેસેડરમાં બેઠો પણ આ વખતે તે બરોબર ડ્રાઇવર સીટની પાછળ બેઠો. વિનોદને તો સ્વપ્નેય ખ્યાલ નહોતો કે તેની સાથે આગળ શું થવાનું છે?. કાર ઇડર તરફ દોડવા લાગી. હિંમતનગરથી નીકળી આઠેક કિલોમીટર પસાર કર્યા હશે કે, મહેન્દ્રસિંહે નાયલોનની દોરી કાઢી અને ડ્રાઇવર વિનોદના ગળામાં ચાલુ ગાડીએ લપેટી નાંખી. મહેન્દ્રએ કહ્યું, ગાડી સાઇડમાં ઊભી રાખ નહીંતર મારી નાંખીશ. વિનોદ ઓચિંતા હુમલાથી ગભરાઇ ગયો. આમ પણ તેની સીટની પાછળથી મહેન્દ્રસિંહે તેને દબોચ્યો હતો એટલે તે પ્રતિકાર કરી શકે તેમ પણ નહોતો. વિનોદના બન્ને હાથ હવે સ્ટીયરિંગ પર નહીં પરંતુ ગળામાં લપેટાયેલી નાયલોન દોરી પર હતા. તે સતત દોરીને ગળામાંથી કાઢવા ખેંચી રહ્યો હતો. મહેન્દ્રસિંહની ધમકીથી વશ થઇ તેણે ગાડીની બ્રેક બરાબર રસ્તા વચ્ચે જ મારી દીધી. કારની પાછળ ઘોર અંધકાર હતો અને આગળની હેડલાઇટના અજવાળામાં દેખાતો રસ્તો સુમસામ હતો. ગાડી ઊભી રહેતા જ મહેન્દ્રસિંહે દોરીનો વધુ એક આંટો વિનોદના ગળામાં મારી દીધો અને પૂરી તાકાતથી દબાવી દીધો. વિનોદના ગળામાંથી અવાજ પણ ન નીકળ્યો અને ડ્રાઇવિંગ સીટ પર જ તરફડિયા મારતા તે નિશ્ચેતન થઇ ગયો. મહેન્દ્રસિંહ કોઇ આવે તે પહેલા જ ગાડીમાંથી ઊતર્યો અને વિનોદના મૃતદેહને બહાર કાઢી ઢસડીને રોડની સાઇડની ઝાડીઓમાં નાંખી દીધો. કાર હજુ પણ રસ્તામાં જ ઊભી હતી. ડ્રાઇવરનો દરવાજો ખુલ્લો હતો અને હેડ લાઇટના અજવાળામાં તેણે લાશનો નિકાલ કરી દીધો.
મહેન્દ્રસિંહે નાયલોનની દોરી પણ વિનોદના ગળામાંથી કાઢીને પોતાના ખિસ્સામાં મૂકી દીધી, જેથી કોઇ જ પુરાવો ન રહે. મહેન્દ્રસિંહ લાશને ઝાડીઓમાં નાંખીને દોડીને ગાડીમાં બેઠો અને ગાડી રાજસ્થાન તરફ હંકારી દીધી
ડ્રાઇવરની હત્યા અને એમ્બેસેડર કારની લૂંટ. આવી ઘટનાઓ તે સમયે ભાગ્યેજ બનતી હતી. તેથી માત્ર સાબરકાંઠા કે ખેડા જિલ્લાની પોલીસ જ નહીં પરંતુ રાજ્ય પોલીસ વડા તરફથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પણ તપાસમાં જોડે રહેવા આદેશ અપાયો. આ સમયે રાજ્ય પોલીસ વડાની ઓફિસ મેઘાણીનગર હતી. તે સમયે પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ રાજ્યમાં ગમે તે જિલ્લા કે શહેરમાં જઇ મોટા ઓપરેશન પાર પાડતા હતા. આ સમયે અમદાવાદમાં રાતે ઘરના તાળાં તોડીને ચોરીઓ પણ બહુ થતી હતી. તેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ઘરફોડ સ્કવોડ બનાવાયો હતો અને તેના પી.એસ.આઇ હતા જે.એન પરમાર (જોગાજી પરમાર), એન.પી રાયજાદા અને ભરત આયર.
હાલ આ ત્રણેય અધિકારીઓ નિવૃત્ત થઇ ગયા છે પરંતુ તે સમયે તેમનો પણ અમદાવાદ શહેરમાં દબદબો હતો. મોબાઇલ ફોન જ નહોતા એટલે મોબાઇલ સર્વેલન્સની વાત તો હતી જ નહીં. પણ, તે દિવસોમાં ક્રાઇમ બ્રાન્ચમાં આ ત્રણેય અધિકારીઓનું બાતમીદારનું નેટવર્ક મજબૂત હતુ. એક રાતે જોગાજી પરમાર પોતાના સ્કવોડ સાથે ફરતા ફરતા સરસપુર પહોંચ્યા ત્યારે દારૂના અડ્ડા પરથી જાણવા મળ્યું કે, તેમને ત્યાં કામ કરતો મહેન્દ્રસિંહ રાઠોડ મોટા પાયે દારૂ સપ્લાય કરવા નડીયાદ ગયો હતો અને હવે તે ત્યાં પણ નથી.
જોગાજીને યાદ આવ્યું કે, મહેન્દ્રસિંહ મૂળ રાજસ્થાનનો છે. ઇડર-હિંમતનગર હાઇવે વચ્ચે જે હત્યા થઇ હતી તે ડ્રાઇવર વિનોદ નડિયાદનો જ હતો. પાછો તે રસ્તેથી રાજસ્થાન પણ જવાય! આવા સંજોગોથી ઊભી થયેલી એક માત્ર શંકાના આધારે જોગાજીએ પોતાના બાતમીદારોને થોડા રૂપિયા આપી નડિયાદ મોકલ્યા. તપાસ કરવા કહ્યું કે, મહેન્દ્રસિંહ નડિયાદમાં ક્યાં છે. આ એ બાતમીદારો હતા જે અગાઉ મહેન્દ્રસિંહ સાથે સરસપુર દારૂના અડ્ડા પર કામ કરતા હતા. દસેક દિવસ પછી જોગાજીને મળવા એક બાતમીદાર આવ્યો અને કહ્યું કે મહેન્દ્રસિંહ નડિયાદમાં છે. તે કંઇ કામ નથી કરતો છતાં તેની પાસે રૂપિયા ઘણા છે. ચોક્કસ કંઇક કામ કર્યું છે. પોલીસ અને બાતમીદારોની ભાષામાં કંઇક કામ કર્યું છે તેનો મતલબ એમ થાય કે તે કોઇ ગુનાને અંજામ આપી રૂપિયા કમાયો છે.
જોગાજીએ તેનું પાક્કુ લોકેશન લીધુ અને પોતાના વિશ્વાસુ બાતમીદારો સાથે નડિયાદ પહોંચી ગયા. તેણે મહેન્દ્રસિંહને માત્ર શંકાના આધારે પકડીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઉઠાવી લાવ્યાં. પોલીસને માત્ર શંકા હતી, પણ મહેન્દ્રસિંહને લાગતુ હતુ કે તે હત્યા કેસમાં પકડાઇ ગયો છે. ક્રાઇમ બ્રાન્ચમાં તેની રીઢા ગુનેગારોની થાય તેવી જ ખાતેરદારી પણ થઇ. છતાં હજુ મહેન્દ્રસિંહે ગુનો નહોતો કબુલ્યો. પોલીસે ફરી દસ વાગ્યે તેને ફિલ્મોમાં દેખાડે છે તેમ ઊંધો લટકાવીને ઉઘાડા શરીરે ચામડાના પટ્ટાથી પુછવાનું શરૂ કર્યું. મહેન્દ્રસિંહથી માર સહન ન થયો. પોલીસની કલ્પના બહાર તેણે કબૂલાત કરી લીધી કે, હાડ્રાઇવરની હત્યા મેં જ કરી છે. મહેન્દ્રસિંહે કબૂલાતમાં કહ્યું કે, કેવી રીતે તેણે ટેક્ષી ભાડે કરી. ત્યાર બાદ હત્યા માટે રસ્તામાંથી તેણે નાયલોનની દોરી ખરીદી અને ઇડર પહેલાં ડ્રાઇવર સીટની પાછળ બેસીને વિનોદની હત્યા કરી નાંખી. આમ ક્રાઇમ બ્રાન્ચે નડિયાદની હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. હવે રાજ્ય પોલીસવડાએ આ તપાસ સત્તાવાર રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. જોગાજી પરમારને આપી દીધી. જોગાજી જગ્યાનું પંચનામુ કરવા અને રિકન્સ્ટ્રક્શન માટે મહેન્દ્રસિંહને પોલીસ જાપ્તામાં સ્થળ પર લઇ જવા નીકળ્યાં. જોગાનુંજોગ કહો કે હાઇવે પર ઓછી હોટલ હોવાથી પોલીસ કાફલો પણ હિંમતનગર પાસેની તે જ હોટલ પર રોકાયો જ્યાં હત્યાની રાતે મહેન્દ્રસિંહ અને ડ્રાઇવર વિનોદે નાસ્તો કર્યો હતો.
મોટી ઉંમરના એક વૃધ્ધ વેઇટર પોલીસ અને મહેન્દ્રસિંહને જોઇ રહ્યાં. પોલીસે ચા-પાણી કર્યા પછી વૃધ્ધ વેઇટરે ગભરાતા- ખચકાતા એક કોન્સ્ટેબલને પુછ્યું, ‘આને કેમ પકડ્યો છે? આ તો થોડા દિવસ પહેલા અહીં રાત્રે એક વ્યક્તિ જોડે નાસ્તો કરવા આવ્યો હતો’. આમ રસ્તામાં અચાનક વેઇટરના રૂપે મહેન્દ્રસિંહ વિરુધ્ધ પહેલો સાક્ષી પોલીસને મળી ગયો. મહેન્દ્રસિંહ સફેદ શર્ટ અને સફેદ પેન્ટ પહેરતો હોવાની ઓળખ અને તે રાત્રે મહેન્દ્રસિંહ અને ડ્રાઇવરને બાદ કરતા હોટલમાં કોઇ ગ્રાહક પણ નહોતુ માટે તે ઓળખાઇ ગયો હતો.
આ તો મહેન્દ્રસિંહે કરેલી પહેલી હત્યા હતી. હજુ તો ગુજરાતના ઘણા ડોનનો વારો આવવાનો બાકી હતો
(ક્રમશ:)
આવી બીજી ક્રાઇમ કહાનીઓ વાંચવા માટે ક્લિક કરો નીચે આપેલી લીંક...

#CrimeKahani #GujaratPolice #Encounter #MahendrasinhRathod #SuratPolice #AhmedabadCrimeBranch #Ahmedabad #MihirBhatt 

Wednesday, February 19, 2020

:: સજની મર્ડર કેસની ક્રાઇમ કહાની :: છ વર્ષ લાંબા ક્રાઇમ બ્રાન્ચના ગુપ્ત ઓપરેશનનો અંત અંતે વળેલી ‘અનામીકા’ જોઇ આવ્યો


MIHIR BHATT

રાતના દોઢ વાગ્યાનો સમય હતો. આઈ.ટી હબ ગણાતા બેંગ્લોરના રસ્તાઓ પર રાત્રી દરમિયાન કામ કરતા એકલ-દોકલ લોકોની અવર-જવર વચ્ચે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એક કોમર્શિયલ કોમ્પ્લેક્ષની લિફ્ટ પાસે પહોંચી. પી.આઈ કિરણ ચૌધરી અને ચારેક વિશ્વાસુ પોલીસ કોન્સ્ટેબલ લિફ્ટને બોલાવવા બટન દબાવી ઉભા રહ્યાં. પી.આઈ ચૌધરી સહિત પાંચેય પોલીસકર્મીઓના મોઢા પર એક ભેદી ગંભીરતા સાથે મૌન હતુ. મનમાં એક ભેદી ઉથલ-પાથલ પણ ચાલતી હતી. ટીમ લીડ કરી રહેલા પી.આઈ ચૌધરીના મનમાં ઉપર જઇને શું થશે? તે તરૂણ જ હશે કે નહીં? તેવા અનેક વિચારો વીજળી વેગે ફરી રહ્યાં હતા. વર્ષો પછી એક વિસરાયેલી ઘટના પરથી પડદો ઉંચકાવાનો હતો.

લિફ્ટ આવી અને પાંચેય જણા અંદર સવાર થયા. કોન્સ્ટેબલે બીજા નંબરની સ્વિચ દબાવી. લિફ્ટમાંથી બીજા માળે બહાર નીકળતા જ ચૌધરી સહિતના સ્ટાફે એક બોર્ડ વાંચ્યુ અને રિસેપ્શન પર પહોંચ્યા. મૂળ અમેરિકન કંપની હોય રાત્રે ઓફિસ ધમધમતી હતા. રિસેપ્શન પર એક પુરૂષ રિસેપ્શનિસ્ટ પણ હાજર હતો. પોલીસકર્મી તેની સામે ટેબલ પર હાથ ટેકવી ઉભા રહ્યાં અને ઓળખ આપ્યા વગર કહ્યું, પ્રવિણ ભોટેલેને મળવું છે..! રિસેપ્સનિસ્ટે ઇન્ટરકોમ પર કોઇને ફોન કર્યો અને કન્નડ ભાષામાં કંઇ કહ્યું. થોડીવારમાં એક યુવક રિસેપ્શન પર આવ્યો. બહાર કોણ મળવા આવ્યું છે? એ આશ્ચર્ય સાથે પહેલાં તેણે રિસેપ્શનિસ્ટ સામે જોયું, તો રિસેપ્શનિસ્ટે પણ પોલીસની ઓળખ આપ્યા વગર ઉભેલા કે.જી ચૌધરી અને તેમના સ્ટાફ સામે મોઢાથી ઇશારો કર્યો. આ દ્રશ્ય તમામ પોલીસકર્મીઓ પણ જોઇ રહ્યાં હતા. પ્રવિણે કહ્યું, ‘યસ..આઇ એમ પ્રવિણ’. પી.આઈ કિરણ ચૌધરીએ હાથ મિલાવવા હાથ આગળ વધાર્યો. પ્રવિણે પણ હાથ લંબાવી કિરણ ચૌધરીના હાથમાં પોતાનો હાથ પોરવ્યો પી.આઈ ચૌધરીને જાણે વર્ષોથી આ એક ક્ષણની રાહ હતી. હાથમાં હાથ મળતાની સાથે જ કિરણ ચૌધરીએ તરત જ તેનો પંજો ફેરવીને તેનો પહોંચો (હથેળીને પાછળનો ભાગ) જોયો. ચૌધરીએ હાથ જોતા જ એક ઉંડો શ્વાસ લીધો અને કહ્યું, ‘કેમ છે તરૂણ?’ તરૂણ.! આ નામ સાંભળતા જ પ્રવિણ પણ ધબકારો ચૂકી ગયો અને જોડે ઉભેલા પોલીસકર્મીઓ સતર્ક થઇ ગયા!

ચૌધરીએ પોતાની ઓળખ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આપતા કહ્યું ‘ચાલો’. તરૂણ પણ આખી ઘટના પળવારમાં સમજી ગયો કે તેને કેમ લઇ જવામાં આવી રહ્યો છે. તેને વર્ષોથી આ વાતનો જાણે અંદાજ હતો કે ક્યારેકને ક્યારેક પોલીસ તેને લેવા આવશે જતે  રિસેપ્શનિસ્ટ સામે પણ જોવા ન ઉભો રહ્યો અને ચાલવા લાગ્યો.

સામાન્ય રીતે પોલીસ કોઇ આરોપીની ધરપકડ કરે તો નિયમ પ્રમાણે તેના ઘરે તો જાણ કરતી જ હોય છે. આ કેસમાં પણ લિફ્ટમાંથી નીચે ઉતરતા પી.આઈ ચૌધરીએ તરૂણને કહ્યું, ‘તારા ઘરે જાણ કરી દે’. તરૂણ બોલ્યો, ‘ના અત્યારે છોકરાઓ અને મારી વાઇફ સુતા હશે. અત્યારે વાત નથી કરવી સવારે કહી દઇશ’. પી.આઈ ચૌધરી પણ તેની સામે જોઇ રહ્યાં. ચૌધરી વિચાર કરી રહ્યાં હતા કે, ‘આટલા વર્ષોના પોલીસીંગમાં આટલો ચબરાક આરોપી નથી જોયો’. લિફ્ટ નીચે પહોંચી અને રોડની સામેની બાજુ પાર્ક કરેલી ખાનગી કારમાં પોલીસકર્મીઓ તરૂણને લઇને બેસી ગયા. ગાડી અમદાવાદ આવવા નીકળી ગઇ.
આખી રાતની મુસાફરી દરમિયાન ગાડીમાં સૌ કોઇ લગભગ ચૂપ જ હતા. ગાડી સડસડાટ હાઇવે પર દોડી રહી હતી. સવારના સાત વાગવામાં થોડીવાર હતી. ચૌધરીએ કહ્યું, ‘ચા પાણી કરી લઇએ’. પોલીસની ખાનગી ગાડી હાઇવે પરની એક હોટલ આગળ ઉભી રહી. પોલીસકર્મીઓ તરૂણને લઇને ચા-પાણી કરવા નીચે ઉતર્યા. ચૌધરીએ ફરી તરૂણને કહ્યું, ‘તારા ઘરે જાણ કરી દે’. તરૂણ ગુમસૂમ હતો. ‘તેણે કહ્યું મારો ફોન આપો’. એક કોન્સ્ટેબલે તરૂણની અટકાયત સમયે કબજે કરેલો તેનો મોબાઇલ સ્વિચઓન કર્યો અને તેને આપ્યો. તરૂણને લઇને પોલીસકર્મીઓ હજુ હોટલ બહાર એક મોટા મેદાનમાં પાર્ક કરેલી ગાડી પાસે જ ઉભા હતા. ત્યાંથી જ તરૂણે ફોન લગાવ્યો. તરૂણની પત્ની નિશાએ ફોન ઉપાડતા કહ્યું, ‘ગૂડ મોર્નિગ પ્રવિણ’. પ્રવિણે કહ્યું, ‘મે તરૂણ બાત કર રહા હું’. સવાર-સવારમાં નિશા પતિની આ વિચિત્ર વાતથી થોડી અકળાઇ ગઇ. તેણે કહ્યું, ‘વોટ રબીશ યાર..’ તરૂણે કહ્યું, ‘હાં, મેરા સહી નામ તરૂણ હે. મુજે અહમદાબાદ પુલીસને પુરાને એક કેસમે ગીરફ્તાર કિયા હૈ. મુજે અહમદાબાદ લે જા રહે હે’. નિશાને હજુ તેના જીવનમાં આવનારી ઉથલપાથલનો અંદાજ નહોતો. તેની માટે આ સવાર જાણે પોતાના અને પરિવાર માટે સૂર્યાસ્ત સમાન બનવાની હતી. નિશાને ડૂમો ભરાઇ ગયો. તે પથારીમાં સુતી એક સાત વર્ષની દીકરી અને બીજા દસ વર્ષના દીકરા સામે જોઇ રહી. તેને સમજાઇ નહોતું રહ્યું કે તેનો પતિ આ શું કહી રહ્યો છે?. ફોનમાં વાત આગળ વધે તે પહેલાં તરૂણે ફોન કટ કરી નાંખ્યો અને કોન્સ્ટેબલને ફોન પાછો આપવા હાથ લંબાવ્યો.

પોલીસકર્મીઓ પણ આ દ્રશ્ય જોઇ રહ્યાં હતા. તેમને પણ પોતાની ફરજ બજાવાની હતી. તરૂણને ફોન કરતા જોઇ સ્તબ્ધ બનેલા પોલીસકર્મીઓએ હવે એક ઝાટકે લાગણીઓ ખંખેરી અને તરૂણને હાથ પકડી રેસ્ટોરન્ટ તરફ ચાલવા લાગ્યા.

આ ક્રાઇમ કહાનીમાં પ્રેમ છે, બેવફાઇ છે, ફિલ્મી કહાનીને પણ ધોબી પછડાટ આપે તેવા આરોપીના કાવાદાવા છે. એક તરફ પોલીસની ગંભીર ભૂલ છે, તો બીજી તરફ તે જ પોલીસના ધૈર્યની કસોટી છે. પત્રકારે યાદ કરાવેલી આ વિસરાયેલી મર્ડર મિસ્ટ્રીની ગજબની કહાની છે, જેમાં પોલીસે જાહેરમાં નહીં કબુલેલી તપાસની તે તમામ ખાનગી બાબતોનું વર્ણન છે જે પકડાયા પછી આજ સુધી ખુદ તરૂણ પણ નથી જાણી શક્યો કે તે કેવી રીતે પકડાયો..!

વાત, વર્ષ ૨૦૧૨ના ઉનાળાની એક બપોરની છે. સિનિયર પત્રકાર પ્રશાંત દયાળ, બંકીમ પટેલ અને ત્રીજો એક પત્રકાર અમદાવાદ ક્રાઇમબ્રાન્ચના ડીસીપી હિમાંશુ શુક્લાની ચેમ્બરમાં બેઠા હતાં. શહેરમાં એવી કોઇ મોટી ઘટના નહોતી પણ પત્રકારો અને પોલીસકર્મીઓને આ રીતે મળવાનો લગભગ રોજનો ક્રમ હોય છે. શહેરમાં બાકી રહી ગયેલા ગુનાઓની વાત ચાલતી હતી ત્યારે જ પેલા પત્રકારે કહ્યું, સાહેબ સજની મર્ડર કેસ જુવો ને! એનો આરોપી તરૂણ હજુ નથી પકડાયો.

ડીસીપી હિમાંશુ શુક્લા નોર્મલ ટોનમાં જ બોલ્યા, ‘કયો કેસ?’ પત્રકારે કહ્યું, ‘૧૪ ફેબ્રુઆરી ૨૦૦૩માં બોપલના હિરા-પન્ના ફ્લેટમાં હત્યા થઇ હતી. પ્રેમિકા સાથે લગ્ન કરવા પતિએ જ પત્નીની હત્યા કરી એ પણ પ્રેમિકાને બતાવવા વેલેન્ટાઇન ડે પર જ હત્યા કરી હતી’. હિમાંશુ શુક્લા બોલ્યા…‘અચ્છા, તરૂણ અભીતક નહીં પકડા ગયાં..યે બાત કો તો દસ સાલ હો ગયે!’ તેમણે ત્રણેય પત્રકારોની હાજરીમાં જ બેલ માર્યો અને તેમનો ગનમેન અંદર આવ્યો. શુક્લાએ ગનમેનને કહ્યું, ‘કે.જી ને બોલાવશો..’ ડીસીપીનો હુકમ થતા જ કિરણ ચૌધરી હાથમાં એક ડાયરી અને પેન સાથે તેમની ચેમ્બરમાં આવ્યાં. આગળની ખુરશીમાં ત્રણેય પત્રકારો બેઠા હતા માટે કે.જી ચૌધરી ત્રણેયની ખુરશી પાછળ જ ઉભા રહ્યાં અને કહ્યું, ‘જી સર’. હિમાંશુ શુક્લાએ તેમની સામે જોતા કહ્યું, ‘કિરણ આ કોઇ સજની મર્ડર કેસ છે એનો આરોપી હજુ નથી પકડાયો આપણે લઇ લઇશું..?’ હિમાંશુ શુક્લાના કહેવાનો અર્થ હતો કે, આ કેસ ભલે અમદાવાદ ગ્રામ્યની હદમાં હોય પણ આપણે ડિટેક્ટ કરી નાંખવો જોઇએ. કિરણ ચૌધરી તેમની વાત સાંભળતા જ કહ્યું, ‘સાહેબ,આપણે પહેલાં આ કેસની તપાસ કરી છે પણ કંઇ મળ્યું નથી.’ પોલીસ અધિકારીઓ ઘણીવાર કોઇ વાત પોતાને પહેલેથી ખબર છે એવો દેખાડો કરવા વિશ્વાસથી વાત કરતા હોય છે. પત્રકારને લાગ્યું આ વખતે પણ કદાચ આવું જ હશે. આ એ સમય હતો જ્યારે કિરણ ચૌધરી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા. બસ આ વાત જાણે અહીં પતી ગઇ. પી.એસ.આઈ ચૌધરીએ કડક હાથે મુઠ્ઠીવાળી બે હાથ પાછળ ખેંચતા હિમાંશુ શુક્લાને સલામ ભરીને તેમની કેબીન બહાર નીકળી ગયા. સજનીની વાત કરનારા પત્રકારને લાગ્યું કે અહીં પણ કશું નહીં થાય. જે પત્રકારે સજની મર્ડર કેસની વાત હિમાંશુ શુક્લા સામે માંડી હતી તે સ્ટોરી જ્યારે તેણે પહેલીવાર વર્ષ ૨૦૦૭માં કરી ત્યારે તે સજનીના માતા-પિતાને મળ્યો હતો. તેમને રડતા જોયા હતા. ત્યારે મનમાં વિચાર કર્યો હતો કે, સજનીનો આરોપી તો પકડાવવો જ જોઇએ.

પત્રકારે હિમાંશુ શુક્લાને વાત કરી તે પહેલા પાંચ વર્ષમાં ઘણા અધિકારીઓને વોન્ટેડ તરૂણને પકડવા વાત કરી હતી. કેટલાક અધિકારીઓએ દાવો પણ કર્યો હતો કે, તેમણે તપાસ કરી છે પણ કશું મળ્યુ નથી.

વર્ષ ૨૦૧૨ની આ ઘટના બાદ પત્રકારના મનમાં સજની કેસ ફરી વાગોળાવા લાગ્યો હતો. ડિસેમ્બર ૨૦૧૨માં નિર્લિપ્ત રાયની અમદાવાદ ગ્રામ્યના પોલીસ વડાં તરીકે નિમણૂક થઇ. એક દિવસ મોકો મળ્યો ત્યારે પત્રકારે નિર્લિપ્ત રાયને પણ સજની મર્ડર કેસની વાત કરી. નિર્લિપ્ત રાયે વાત સાંભળતા જ હત્યા કેસમાં રસ દાખવ્યો અને પુછ્યું ‘ક્યાંથા વો કેસ?’

પત્રકારે કહ્યું – ‘ઘટના ૧૪ ફેબ્રુઆરી ૨૦૦૩ની એક સાંજે બોપલના હિરાપન્ના ફ્લેટના ત્રીજા માળે કોઈના જોજોથી રડવાનો આવજ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. અવાજની દિશા સાંભળી તે તરફ દોડ્યા ત્યારે ઘરના દરવાજા પાસે ઉભેલો તરૂજીન્નરાજ રડી રહ્યો હતો, રૂમમાં ડબલ બેડ પર તેની પત્ની સજની નિશ્ચેતન થઈ પડી હતી. પાડોશીઓએ શું થયું? પુછતા તરૂણે કહ્યું, કોઈએ મારી પત્નીને મારી નાંખી છે!આ સાંભળતા જ પાડોશીઓતો જાણે ધબકારો ચૂકી ગયા.

ઘટનાની જાણ કરવા કોઇએ અમદાવાદ ગ્રામ્ય પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને કહ્યું, બોપલના હિરા-પન્ના ફ્લેટમાં એક મહિલાની કોઈએ હત્યા કરી છે અને ઉચ્ચ અધિકારીઓ સહિત સરખેજ પોલીસ દોડી આવી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે, મૃતક સજની એક ખાનગી બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતી હતી, જ્યારે તેનો પતિ તરૂજીન્નરાજ મેમનગરની ડી.પી.એસ સ્કૂલમાં પી.ટીનો શિક્ષક હતો. પોલીસે સ્થળનું પંચનામુ કર્યુ અને સજનીના મૃતદેહને પી.એમ માટે મોકલી આપ્યો. પોલીસને આ બધુ પતાવતા સાંજ પડી ગઇ.

ફેબ્રુઆરીની ઠંડી હતી અને સાંજ પણ વહેલી ઢળી ગઈ હતી. ઘરમાં રોકકળ ચાલતી હતી માટે પોલીસે સજનીના પતિ તરૂણની વધુ પુછપરછ ન કરી. પરંતુ એફ.એસ.એલ અને સ્નિફર ડોગની મદદથી પોલીસે હત્યારા સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કરી દીધા. કેટલાક પોલીસ કર્મીઓ ફ્લેટના એક ખુણામાં બેસીને તરૂના ભાઇ અરૂણની ફરિયાદ નોંધી રહ્યાં હતા અને પોલીસના સ્નિફર ડોગ સજનીનો મૃતદેહ જે રૂમમાંથી મળ્યો તે રૂમમાંથી બહાર નીકળીને જે જગ્યાએ ફરિયાદ નોંધાઈ રહી હતી તે તરફ આવી રહ્યાં હતા.

સજનીનો મૃતદેહ મળ્યો ત્યારથી પોલીસ ફરિયાદ નોંધાવાની શરૂઆત થઈ ત્યાં સુધી સજનીના પરિવારને હત્યા લૂંટના ઈરાદે થઈ હોવાની આશંકા હતી. બીજ તરફ બે પૈકી એક સ્નિફર ડોગ તરૂણ સામે ઉભુ રહી ગયુ અને ભસવા લાગ્યું. પોલીસ અધિકારીઓ દાળમાં કંઈક કાળુ હોવાનું સમજી ગયા. પરંતુ ઘરમાં ચાલતી રોકકળ અને મજબૂત પુરાવા વગર તરૂણની પુછપરછ કરવી શક્ય ન હતી. પોલીસે ભારે ધીરજ અને ચાલાકી પૂર્વક સ્નિફર ડોગને ત્યાંથી ખસેડાવી લીધા. બે કલાક બાદ ફરિયાદ નોંધાવાની કામગીરી પૂર્ણ થઈ અને તરૂણ નવરો પડ્યો. પોલીસ હજુ પણ હિરા-પન્ના ફ્લેટ નીચે હાજર હતી.
મોડી રાતે કેટલાક પોલીસકર્મીઓએ તરૂણને નિવેદન નોંધવાનું છે તેમ કહી સરખેજ પોલીસ સ્ટેશન સાથે લઇ ગયા. સ્નિફર ડોગ તરૂણ સામે ભસ્યો હોવાથી પોલીસને તેના પર શંકા હતી પરંતુ પુરાવા એકાઠા કરવાના હતાં. કારણ, હાઈ પ્રોફાઈલ અને એડ્યુકેટેડ ફેમિલિ વિરૂધ્ધ કોઇ અણવિચાર્યુ અને ઉતાવળ્યું પગલું પોલીસને ભરવું નહોતુ.

મોડી રાતે સરખેજ પોલીસ સ્ટેશનમાં તરૂણનું નિવેદન શરૂ થયું. રૂણે પોલીસને જણાવ્યું કે, અમારા લગ્ન બે વર્ષ અગાઉ થયા હતા. અમારે કોઈ સંતાન નથી. આજે વેલેન્ટાઈન ડે હોઈ હું સજની માટે ગીફ્ટ લેવા બપોરે વિજય ચાર રસ્તા ગયો હતો. ગીફ્ટ લઈને પરત આવ્યો ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને ડબલ બેડ પર સજની નિશ્ચેતન પડી હતી. નિવેદન સમયે પોલીસે તરૂણના કપડાં અને હાથ પણ સુંઘ્યાં હતા. રૂણ પણ ચબરાક હતો, તેને અંદાજ આવી ગયો  કે પહેલાં સ્નિફર ડોગ ભસ્યા છે અને હવે કપડાં અને હાથ સુંઘીને પોલીસ તપાસી રહી છે કે તે જ આરોપી છે કે કેમ?

બીજી તરફ પોલીસે તરૂણનું આ નિવેદન નોંધ્યું. નિવેદન સમયની તરૂણની બોડી લેંગ્વેજથી પોલીસને તરૂણ વિરૂધ્ધ શંકા વધુ મજબૂત બનવા લાગી હતી. બીજા દિવસે પી.એમનું પ્રાથમિક તારણ આવી ગયું અને સજનીની ગળુ ઘોંટીને હત્યા કરી હોવાનું ખુલ્યું. બસ પોલીસ માટે હવે હત્યારા સુધી પહોંચવા મજબૂત પુરાવાની જરૂર હતી. રૂણની બોડી લેંગ્વેજ સતત બદલાઈ રહી હતી, બીજી તરફ સ્નિફર ડોગ તેની સામે ભસ્યા હોઈ પોલીસને શંકા હતી જ ઉપરાંત તેના હાથમાંથી આવેલી પર્ફ્યુમની સુગંધ તરૂણ જ હત્યારો હોવાની ચાડી ખાતી હતી. પરંતુ પોલીસને જાણવું હતું કે,રૂણે હત્યા કેમ કરી? બીજા દિવસે તરૂણની થોડી કડક પુછપરછ અને મિત્રવર્તુળના નિવેદનમાં પોલીસને જાણવા મળ્યું કે, તેને એક રેડિયો સ્ટેશનની આર.જે સાથે પ્રેમ હતો. બન્ને લગ્ન કરવા માંગતા હતા.

તપાસ અધિકારીના મગજમાં વિજળી વેગે જાણે ચમકારો થયો કે, સજનીની હત્યા વેલેન્ટાઈન ડે પર જ થઈ છે. શું તરૂણે સજનીની હત્યા કરી તેની પ્રેમિકાને ગીફ્ટ તો નથી આપીને? રૂણને તાત્કલીક પોલીસ સ્ટેશન બોલાવાયો. બીજી તરફ ચબરાક તરૂણ પોલીસની કાર્યવાહી પર પણ નજર રાખી રહ્યો હતો. તે પોલીસ સ્ટેશન જવાને બદલે બોપલની એક હોસ્પિટલમાં બિમારીનું બહાનું કાઢી દાખલ થઈ ગયો. પોલીસ હવે લગભગ તરૂણની ધરપકડ કરવાની તૈયારીમાં જ હતી, પરંતુ તે હોસ્પિટલમાં ભર્તી થઈ ગયો હોવાનું જાણતા પોલીસે તેના પર વોચ ગોઠવી અને તત્કાલીન પી.એસ.આઈ એમ.એમ ઝાલાને સ્ટાફ સાથે હોસ્પિટલમાં તહેનાત કરાયા. પોલીસ પોતાના માટે જ ગોઠવાઈ હોવાનું જાણતો તરૂણ ધરપકડ થાય તે પહેલાં જ હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયો. પોલીસ વોર્ડની બહાર તહેનાત હતી તેમ છતાં તે ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસની તહેનાતી ભેદી હતી કે પોલીસની ભૂલ હતી તે બાબત આજે પણ રહસ્ય છે.

રૂણના ગુમ થતાંની સાથે જ પોલીસે આરોપી તરીકે ફરિયાદમાં તરૂણનું નામ નોંધી નાંખ્યું. તરૂણ બસ ત્યારથી ગુમ છે.’ પત્રકારે નિર્લિપ્ત રાયને એ પણ કહ્યું કે, સાહેબ, આ કેસમાં આરોપી તરૂણ વિરૂધ્ધ એલ..સી જાહેર કરાઇ છે. એટલું જ નહીં, સજનીના પિતા ઓ.પી ક્રિશ્નનને તો મૂળ કેરળનો તરૂણ પોતાના વતનમાં જ છુપાયો હોવાની શંકાથી તેની ખબર આપનારને એક લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. પરંતુ છેલ્લીવાર હોસ્પિટલમાં જાહેરમાં દેખાયેલા તરૂણને ત્યાર બાદ કોઈએ જોયો નથી. તેની પ્રેમિકા પણ મુંબઈ સ્થાયી થઈ ગઈ હોવાનું કહેવાય છે.

આ આખી ઘટના નિર્લિપ્ત રાય શાંતિથી સાંભળતા રહ્યાં અને કેસમાં તપાસ કરવાનું વચન આપ્યું.
નિર્લિપ્ત રાયે આ કેસમાં લગભગ એક વર્ષ સુધી તપાસ કરી અને આરોપી સુધી પહોંચવાના કરી શકાય એટલા પ્રયાસો કર્યા. પરંતુ તેમની પાસે આખા અમદાવાદ જિલ્લાના કાયદો અને વ્યવસ્થાનો ભાર હતો. માટે તે આ એક માત્ર કેસ પર ધ્યાન કેન્દ્રિત ન કરી શક્યા. છતાં તેમના પ્રયાસો ગ્રામ્ય પોલીસની સરખામણીએ મજબૂત હતા.

સમય વિતવા લાગ્યો. દેશમાં લોકસભાના ઇલેક્શન હતા. માટે સરકારી અમલો ઇલેક્શનની તૈયારીઓમાં લાગી ગયો હતો. આ તૈયારીઓમાં પોલીસ પણ બાકી ન રહી. આચાર સંહિતા લાગુ પડે તે પહેલા રાજ્યભરના પોલીસબેડામાં સાગમટે બદલીઓ આવી. ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. કિરણ ચૌધરની પણ સાબરકાંઠા બદલી થઇ ગઇ અને સજની મર્ડર કેસ જાણે વિસરાઇ ગયો.

સજની કેસ હવે બે વ્યક્તિના મનમાં જ જીવંત હતો. એક પત્રકાર અને બીજા કે.જી ચૌધરી. પત્રકારે સ્ટોરીના રીપોર્ટીંગ દરમિયાન સજનીના માતા-પિતાને રડતા જોયા હતા માટે આરોપી તરૂણ પકડાય તેવી તેની પ્રબળ ઇચ્છા હતી. જ્યારે કે.જી ચૌધરીએ મનોમન આ ચેલેન્જ સ્વિકારી લીધી હતી.

દેશમાં ઇલેક્શન પૂર્ણ થઇ ગયું, નરેન્દ્ર મોદીની સરકાર બની ગઇ. દેશભરમાં નવી સરકાર અને વડાપ્રધાન મોદીના ‘અચ્છેદીન આયેંગે’ના નારાની ચારેકોર ચર્ચા હતી ત્યારે તરૂણના ખરાબ દિવસોની શરૂઆત થવાની હતી. ફરી એકવાર રાજ્યના પોલીસબેડામાં બદલીઓનો ગંજીફો ચીપાયો અને કિરણ ચૌધરીની ફરી અમદાવાદમાં બદલી થઇ. પોલીસ કમિશનરે તેમના જુના અનુભવને જોતાં ફરી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં જ પોસ્ટીંગ આપ્યું. કિરણ ચૌધરી ફરી ક્રાઇમ બ્રાન્ચમાં આવ્યા ત્યારે તરૂણને પકડવાની નેમ લઇને આવ્યાં હતા.

ક્રાઇમ બ્રાન્ચમાં પણ ડીસીપી બદલાઇ ચુક્યા હતા. હિમાંશુ શુક્લાની જગ્યાએ દીપન ભદ્રન ક્રાઇમ બ્રાન્ચના ઓપરેશનમાં સક્સેસ રહેવાનો રેસીયો જાળવવામાં સફળ રહ્યાં હતાં. દીપન ભદ્રનના આવતા જ તેમની આગેવાનીમાં સૌથી મોટુ ઓપરેશન વિશાલ ગોસ્વામી જેવી ગેંગને પકડવાનું સફળ રહ્યું હતુ. કે.જે ચૌધરીએ દીપન ભદ્રનને સજની મર્ડર કેસના આરોપીને પકડવાના ઓપરેશનની વાત કરી અને શરૂ થયું એક ગુપ્ત ઓપરેશન.

કિરણ ચૌધરીએ સૌથી પહેલાં તરૂણને પકડવા તેની વિગતો એકઠી કરવા લાગ્યા. તેમણે આ કેસને યાદ કરાવનારા પત્રકાર પાસેથી તેણે લખેલી સ્ટોરી અને બીજી વિગતો માંગી. સજનીના પરિવારના સભ્યોની વિગતો અને જે તે સમયે પોલીસે બનાવેલા તરૂણના અલગ અલગ ચહેરાના ફોટો પણ પત્રકારે મેઇલ કરી આપ્યાં.

તરૂણને પકડવાનું ઓપરેશન શરૂ થયું છે તે વાત હવે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી દીપન ભદ્રન, કે.જી ચૌધરી અને તેમના કેટલાક નક્કી કરેલા પોલીસકર્મી તથા એક પત્રકાર જાણતા હતા.

કિરણ ચૌધરીએ પરિવારની વિગતો તો એકઠી કરી લીધી. આ તમામ લોકોના ફોન કોલ્સ ટ્રેસીંગ ઉપરાંત તેમના સીડીઆર પણ તપાસવાનું શરૂ કર્યું. ફોન કોલ્સમાંથી જે નંબર અને નામ શકમંદ લાગે તે નંબર વાળી વ્યક્તિની ખાનીગ રાહે તપાસ થવા લાગી. જે તે વ્યક્તિના કોલ ટ્રેસ કરવા ઉપરાંત તેમના સીડીઆર અને તે વ્યક્તિ જે ત્રાહિત વ્યક્તિ સાથે વાત કરે તેમની મોબાઇલ સર્વેલન્સથી તપાસ થવા લાગી. તરૂણ ક્યાંક કોઇકના સંપર્કમાં તો હોવો જ જોઇએ તેવી આશાએ આ ફોન કોલ્સની તપાસ થવા લાગી અને તપાસના આ પહેલાં જ પગથિયે એક હજારથી વધુ લોકોને તપાસાયા. જ્યાં જરૂર પડી ત્યાં પોલીસ પહોંચીને જે તે વ્યક્તિની ખાનગીમાં તપાસ કરી પણ તરૂણ ન મળ્યો.

પોલીસનું ફોન ટ્રેસીંગનું આ પહેલું ઓપરેશન ફેઇલ રહ્યું. સામાન્ય સંજોગોમાં પોલીસ આટલી મહેનત પછી તો આરોપી સુધી પહોંચી જ જતી હોય છે. પણ હજુ તરૂણ પોલીસથી બે ડગલા આગળ ચાલી રહ્યો હતો. ફોન ટ્રેસીંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે દેશના તમામ એરપોર્ટ અને પોર્ટ પરથી તપાસ કરાવી લીધી હતી કે, ૧૫ ડિસેમ્બર ૨૦૦૩ પછી તરૂણ વિદેશ તો નથી ભાગી ગયો ને! પોલીસે આ તપાસ દરમિયાન જાણી લીધુ હતુ કે, તરૂણ ભારતમાં જ છે. પરંતુ, સવાસો કરોડની વસ્તી વાળા દેશમાં તરૂણને શોધવો કેવી રીતે? તે પોલીસ માટે લોઢાના ચણા ચાવવા જેવું સાબીત થઇ રહ્યું હતુ.

જો કે, પોલીસકર્મીઓમાં ધીરજ સાથે તરૂણને પકડવાની મક્કમતા પણ હતી. કિરણ ચૌધરી અને ડીસીપી ભદ્રને આ મુદ્દે અનેકવાર મિટિંગ કરતા અને તરૂણ સુધી પહોંચવાની શક્યતાઓ તપાસતા. તેમની એક બેઠક દરમિયાન નક્કી થયું કે, તરૂણ જીવતો હશે અને ભારતમાં જ હશે તો તેના માતા-પિતાને તો મળવા આવશે જ. માટે તેના પરિવારની રોજે રોજની દિનચર્યા પર નજર રાખવી.

પોલીસ હવે તરૂણના માતા-પિતાના ફોનનું સર્વેલન્સ ગોઠવ્યું. તરૂણની માતા અન્નમાચાકો અને પિતા જીન્નરાજ કરૂણાકર એક દિવસ કેરળ ગયા હતા. સજનીના પરિવારે અગાઉ એવી ફરિયાદ પણ કરી હતી કે, તરૂણ તેમના મૂળ નેટીવ કેરળમાં ક્યાંય છુપાયો હોવો જોઇએ. પોલીસને અન્નમાચાકો અને કરૂણાકરના આ પ્રવાસથી પોલીસ એલર્ટ બની. વૃધ્ધ દંપતિ કેરળ પહોંચ્યું ત્યારે પણ પોલીસે તેમના ફોન સતત ટ્રેસ કર્યા. શંકા હતી કે, ત્યાં તે તરૂણને મળશે. પોલીસ કેરળમાં આ વૃધ્ધ દંપતિના સંપર્કમાં આવનારા લોકોના ફોન ટ્રેસ કરવા લાગી. આ દરમિયાન પોલીસને બે ફોનકોલ્સ એવા મળ્યા કે, જે અગાઉ અન્નમાચાકો મનસોર (મધ્યપ્રદેશ) તેમના ઘરે હોય ત્યારે પણ વાત કરતા હતા. આ બન્ને ફોન કોલ કરનારા પ્રવીણ ભોટેલે અને રાજશેખર (નામ બદલ્યં છે)ની અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી લીધી હતી. બન્ને અન્નમાચાકોના પરિવારથી પરિચીત હતા. આ તપાસ માત્ર કોલ ટ્રેસીંગથી થઇ હતી જે પોલીસની એક મોટી ભૂલ પણ સાબીત થવાની હતી અને ભવિષ્યના ઓપરેશન માટે બોધપાઠ પણ બનવાની હતી.

કેરળમાં પણ આ બન્ને વ્યક્તિના ફોનકોલ્સ અન્નમાચાકો પર આવતા હતા. દરમિયાન કોલ ટ્રેસીંગમાં ક્રાઇમ બ્રાન્ચને જાણવા મળ્યું કે, તરૂણના માતા-પિતા કેરળના એક રીટ્રીટ સેન્ટરમાં રોકાયા હતા ત્યાં કરૂણાકરની તબિયત લથડી છે. કરૂણાકરને કેરળની જ એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. પોલીસને લાગ્યું કે, પિતાના મોતના સમાચાર સાંભળીને તરૂણ ચોક્કસ અંતિમ વિધિમાં તો આવશે જ. કારણ તે કેરળમાં છુપાયાની આશંકા પણ પોલીસને હતી. પોલીસની થિયરી હતી કે, એમ પણ આટલા વર્ષે તેને અંદાજ નહીં હોય કે, પોલીસ તેને હવે શોધતી હશે.

પી.આઇ ચૌધરીએ આ વાતની જાણ તાત્કાલીક ડીસીપી ભદ્રનને કરી અને કેરળ જવાની મંજુરી માંગવામાં આવી. પી.આઈ ચૌધરી સહિત પાંચેક પોલીસકર્મીઓ તેજ દિવસે ફ્લાઇટમાં કેરળ પહોંચ્યા અને સફેદ કપડામાં ‘ડાઘુ’ બનીને તરૂણના પિતાની અંતિમ વિધિમાં જોડાયાં. ખાનગીવેશમાં પહોંચેલી પોલીસે ત્યાં આવનારા તમામ લોકો પર નજર રાખવાનું શરૂ કર્યું. પોલીસને શંકા હતી કે, તરૂણે વેશ પલ્ટો કર્યો હશે માટે તેના જેવા લાગતા વ્યક્તિની વિશેષ તપાસ કરવી. અંતીમક્રિયા પૂર્ણ થઇ પણ પોલીસના આ ગુપ્ત ઓપરેશનનો અંત ન આવ્યો. પોલીસનું આ ઓપરેશન પણ નિષ્ફળ રહ્યું. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને ચાણક્યએ કહેલી વાત સમજાઇ ગઇ કે, ‘શિક્ષક સાધારણ નહીં હોતા’. આ શિક્ષક પણ કોઇ સામાન્ય આરોપી નથી.

સ્મશાન યાત્રામાં તરૂણને ઓળખીને પકડી પાડવાનું ઓપરેશન નિષ્ફળ રહેતા કે.જી ચૌધરીએ ફરી ડીસીપી દીપન ભદ્રન સાથે બેઠક કરી. બન્નેની ચર્ચા મોડી રાત સુધી ચાલી. નક્કી થયું કે, હવે તરૂણને પકડવા તેનાથી વધુ સ્માર્ટ રીતે તપાસ કરવી પડશે. બન્નેની વાતનો સાર નિકળ્યો કે, હવે આ કેસમાં તરૂણની પૂર્વ પ્રેમિકાનો સહારો લેવો પડશે. તેને વિશ્વાસમાં લઇને તરૂણની તપાસ કરવી પડશે. તરૂણની પૂર્વ પ્રેમિકાનો સંપર્ક કરવાનું નક્કી કર્યું. પરંતુ, પોલીસને એ પણ ડર હતો કે, તેની પાસે તરૂણની વાત કઢાવવી સરળ નથી. કારણ એ પણ હતુ કે, કદાચ તે આજે પણ તેના સંપર્કમાં હોય તો? વાત તરૂણ સુધી પહોંચતા વાર નહીં લાગે અને તે સતર્ક થઇ જશે. એ વાતે પોલીસને અટકાવી. પોલીસે તરૂણની પૂર્વ પ્રેમિકાની વોચ શરૂ કરી. તેના ફોનકોલ્સની તપાસ કરી લીધી પરંતુ તેમાં ક્યાંય તરૂણનો કોઇ પતો ન લાગ્યો. આ બધી તપાસ એક-એક બે-બે મહિનાની ચાલતી. પોલીસ ભારે ધીરજથી આગળ વધી રહી હતી. કારણ હવે તરૂણને શોધવો તે અધિકારીઓને મન પ્રતિષ્ઠાનો સવાલ હતો. તરૂણની પૂર્વ પ્રેમિકા હવે આ આખી બાબતથી અલગ હોવાની નિશ્ચિત થતા પોલીસે તરૂણના જૂના મિત્રોની શોધ શરૂ કરી. પોલીસને જાણવા મળ્યું કે, તરૂણનો એક નરેન્દ્ર નામનો મિત્ર છે. પોલીસે તેને શોધી કાઢ્યો અને તરૂણની પુછપરછ શરૂ કરી. નરેન્દ્ર પાસેથી પોલીસને તરૂણની ખાસ કોઇ વિગત તો ન મળી પણ હાં, તેના શોખ, દેખાવ, વાત કરવાની સ્ટાઇલ તે ક્યાં હોઇ શકે છે? કોના સંપર્કમાં હોઇ શકે છે? કેવો દેખાતો હશે? તેને ઓળખવા માટેને કોઇ વિશેષ નિશાની? આવા અનેક મુદ્દે નરેન્દ્રની પુછપરછ કરાઇ. ત્યારે પોલીસને જાણવા મળ્યુ કે, તરૂણની અનામીકા કોઇ અકસ્માતના કારણે વળેલી છે. તેની તમામ આંગળીઓ સીધી કરે ત્યારે માત્ર અનામીકા જ વળેલી રહે છે. તરૂણ એક દાયકા પછી જેવો લાગતો હોય તેવો પણ તેની અનામીકાથી તેને ચોક્કસ ઓળખી લેવાશે.

ઇન્વેસ્ટિગેશનમાં સ્માર્ટ અધિકારીઓ ઘણીવાર નાની ક્લૂમાંથી મોટી સફળતા મેળવી લેતા હોય છે. દિલ્હીના પૂર્વ પોલીસ કમિશનર નિરજકુમારે પોતાની બૂક ‘ડાયલ ડી ફોર ડોન’માં ઉલ્લેખ કર્યો છે કે, અમદાવાદમાં વર્ષો પહેલા લતીફનો દબદબો હતો ત્યારે તેને દિલ્હીથી પકડવાનું ઓપરેશન સફળ રહ્યું હતુ. લતીફ જ્યારે પકડાયો ત્યારે તત્કાલીની ડીસીપી એ.કે. જાડેજા તેનો ફોન ટ્રેસ કરીને સાંભળી રહ્યાં હતા. દિલ્હીના કોનટ પ્લેસ નજીક એક એસ.ટી.ડી બૂથમાંથી કરાયેલા આ ફોનમાં લતીફ અને સામે વાળી વ્યક્તિ બન્ને એક બીજાના નામ વગર વાત કરી રહ્યાં હતા. પરંતુ જાડેજાને લતીફની વાત કરવાની સ્ટાઇલ ખબર હતી. લતીફ વાત કરતો હોય ત્યારે વારંવાર ‘એસા ક્યાં?’ બોલતો હતો. આ ફોન ટ્રેસીંગમાં પણ લતીફ એકવાર બોલ્યો કે ‘ઐસા ક્યાં?’ અને તે ઓળખાઇ ગયો.

ક્રાઇમ બ્રાન્ચ માટે પણ આ વળેલી અનામીકા જેવી નાની ક્લૂ જ સફળતા અપાવાની હતી પરંતુ તે માટે સવાસો કરડોની જનતા વળા દેશમાં એક કાવાદાવા ભરેલુ ગુપ્ત ઓપરેશન ચલાવાનું હજુ બાકી હતુ.
ક્રાઇમ બ્રાન્ચે તમામ નાની-નાની વિગતોની નોંધ સાથે તરૂણની ફાઇલ તૈયાર કરવાનું શરૂ કર્યું. ક્રાઇમ બ્રાન્ચે નક્કી કર્યું કે, હવે તરૂણને પકડવા તેના ઘરમાં ઘુસવું પડશે. કોઇ આરોપીને ઘરમાં ઘુસીને પકડવા જેટલું આ કામ સહેલું ન હતુ. ઘરમાં ઘુસવાનું ઓપરેશન પાર પાડવા તત્કાલીન પી.એસ.આઈ કે.આઈ જાડેજા અને વાયરલેસ પી.એસ.આઈ કે.પી પટેલ મનસોર પહોંચ્યા. બન્નેએ થોડા દિવસ રોકાણ કર્યું અને વિગતો એકઠી કરી કે, અન્નમાચાકો એકલા જ રહે છે અને તેમના ઘરનો ઉપરનો માળ ભાડે આપવાનો છે. આ વિગતો મળતા જ કિરણ ચૌધરીએ પોતાના વિશ્વાસુ ચારેક કોન્સ્ટેબલને તૈયાર કર્યા. આ ચારેય કોન્સ્ટેબલ ઉમરમાં નાના દેખાતા હોવા જરૂરી હતી. માટે એવા જ કોન્સ્ટેબલની પસંદગી કરાઇ. ચારેય મનસોર પહોંચ્યા અને અન્નમાચાકો રહેતી હતી તે વિસ્તારમાં જાણી જોઇને મકાન ભાડે લેવાનું નાટક શરૂ કર્યું. સ્થાનિક દલાલોને મળ્યાં અને સોસાયટીઓમાં જઇને ભાડાંના મકાન માટે પૃચ્છા કરવા લાગ્યા. પોલીસની આ ચાલ સફળ રહી. અન્નમાચાકો જે ઘરમાં રહતી હતી તે જ ઘર સોસાયટીના એક આગેવાને બતાવ્યું. પોલીસકર્મીઓએ પોતાની ઓળખ સેલ્સમેન તરીકેની આપી અને માર્કેટીંગના કામથી બહારગામ આવવા જવાનું રહેતું હોવાનું કહી મકાન ભાડે લીધુ. હવે પોલીસકર્મીઓ તરૂણની માતાના ઘરે જ ઉપરના માળે ભાડે રહેવા પહોંચી ગયા.

મહિનાઓ સુધી બહાર રહેવું પોલીસકર્મીઓ માટે શક્ય ન હતુ. ઉપરાંત રાજ્ય સરકારનો ગૃહવિભાગ પણ મહિનાઓ સુધી કોન્સ્ટેબલોને બીજા રાજ્યમાં રહેવાની પરવાનગી આપે તેમ ન હતો. માટે બે-ત્રણ દિવસ કોન્સ્ટેબલ રોકાય અને તે પાછા આવી જાય. તેમની જગ્યાએ બીજા કોન્સ્ટેબલ જતા રહે. આમ કોન્સ્ટેબલોએ અન્નમાચાકો સાથે ઘરોબો વધાર્યો.

પોલીસની આ ચાલ સફળ રહી પણ સંપૂર્ણ નહીં. પોલીસકર્મીઓ તરૂણની માતા અન્નમાચાકો સાથે ઘરોબો કેળવવા અવારનવાર તેમની સાથે વાત કરતા. તેમના કોઇ કામ હોય તો પણ કરી આપતા.  એકવાર અન્નમાચાકોએ એક કોન્સ્ટેબલ સાથે વાત કરતા કહ્યું કે, તેમને બે દિકરા છે. એક અમદાવાદ રહે છે, બીજો દક્ષીણ ભારતમાં રહે છે. પોલીસને અમદાવાદ વાળા દિકરાની ખબર હતી પહેલીવાર એક દાયકા પછી તરૂણ જીવતો હોવાનું અને તે દક્ષીણ ભારતમાં હોવાનું પોલીસને આડકતરી રીતે જાણવા મળ્યું. પોલીસે હવે દક્ષીણ ભારતમાંથી અન્નમાચાકો સાથે ફોન પર વાત કરનારા લોકોની ફરીથી તપાસ શરૂ કરી.

પોલીસના આ તમામ પ્રયાસોને છ વર્ષ વિતી ગયા હતા. અત્યાર સુધીમાં પોલીસ માત્ર તરૂણને પકડવા એક લાખથી વધુ ફોનકોલ્સના સીડીઆર તપાસી ચુકી હતી. આ એક લાખ કોલ ડિેટેઇલ્સમાંથી સૌથી વધુ ડિટેઇલ્સ પી.એસ.આઈ કૃપેશ પટેલે તપાસી હતી.  

ચારેક મહિના પોલીસ કોન્સ્ટેબલ અન્નમાચાકોના ઘરે ભાડે રહ્યાં. તેમને ત્યાંથી માત્ર બીજો દિકરો દક્ષીણમાં હોવાનું જાણવા મળ્યું તે સીવાય કોઇ કડી હાથ ન લાગી. હાં, પોલીસને ત્યાં સુધી અંદાજ આવી ગયો હતો કે, અન્નમાચાકો હવે ક્રિશ્ચિયન ધર્મમાં વધુ શ્રધ્ધા ધરાવા લાગી છે. અવારનવાર ચર્ચમાં જતી અને પાદરીઓના પ્રવચન સાંભળતી હતી.

પોલીસે હજુ વધુ એક ‘અખતરો’ કરવાનો હતો. કારણ આટલા વર્ષોની મહેનતથી બીજો દીકરો દક્ષીણ ભારતમાં હોવાનું જાણી ચુક્યા બાદ ક્રાઇમ બ્રાન્ચને પાછી પાની નહોતી કરવી. ક્રાઈમ બ્રાન્ચમાં ફરી એક પ્લાન ઘડાયો. કે.જી ચૌધરી અને બે પી.એસ.આઈ મનસોર પહોંચ્યા. ત્યાં તેમણે અન્નમાચાકો જતી હતી તે ચર્ચના પાદરીનો સંપર્ક કર્યો અને પોતાની ઓળખ આપી. પોલીસે કહ્યું કે, તે એક એવા આરોપીને શોધી રહી છે જેણે પોતાની પત્નીની હત્યા કરી છે. માનવતા ખાતર તેમને મદદ કરવામાં આવે. પાદરીએ માનવતાની વાત આવતા જ પોલીસને શક્ય મદદ કરવા તૈયાર થયા. પાદરીને કહેવામાં આવ્યું કે, આગામી રવિવારે ચર્ચામાં એક કાર્યક્રમ ગોઠવવામાં આવે અને ચર્ચામાં રેગ્યુલર આવતા લોકોને કહેવામાં આવે કે તે પોતાના સહપરિવાર આવે. જો કોઇ બહારગામ રહેતું હોય તો ત્યાંથી પણ પોતાના પરિવારના સભ્યોને બોલાવીને કાર્યક્રમમાં હાજર રહે. પાદરીએ પણ સત્યનો સાથ આપવા કાર્યક્રમનું આયોજન કર્યું. પોલીસકર્મીઓ પણ તે કાર્યક્રમમાં હાજર રહ્યાં. એક આરોપીને પકડવા પોલીસ હવે ધર્મના આશરે હતી

આ કાર્યક્રમમાં અન્નમાચાકો આવી પણ તેનો દીકરો તરૂણ સાથે નહોતો. પોલીસનો આ પ્લાન પણ નિષ્ફળ રહ્યો. પોલીસ સતત નિષ્ફળ સાબીત થઇ રહી હતી. જાણે કુદરત પોલીસની વિરૂધ્ધમાં હોય. પણ પોલીસ નિષ્ફળતાઓથી થાકીને આ ઓપરેશન છોડવા કોઇ પણ ભોગે તૈયાર નહોતી. ખાસ કરીને કિરણ ચૌધરી તરૂણને પકડવાનું ઓપરેશન અધુરુ છોડવા તૈયાર નહોતા. કહેવાય છે ને કે, અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો

આટઆટલા પ્રયાસો પછી પણ પોલીસ થાકી નહોતી. પોલીસે હજુ પણ દરરોજ અન્નમાચાકોના ફોન કોલ્સની ડિટેઇલ્સ તપાસવાનું ચાલુ રાખ્યુ હતુ. એક દિવસ મળસકે અન્નમાચાકો પર બેંગ્લોરથી એક ફોન આવ્યો. આ ફોન લગભગ પંદરેક મિનિટ ચાલ્યો. સવારે જ્યારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ઓફિસ પહોંચ્યા અને અન્નમાચાકોની ડિટેઇલ્સ જોઇ ત્યારે આ ઇનકમિંગ ફોન પર તેમની નજર પડી. કિરણ ચૌધરીને શંકા ગઇ કે, આટલી સવારે અન્નમાચાકોએ કોની સાથે વાત કરી? ફોન જે નંબર પરથી આવ્યો હતો તે નંબરની વિગતો કાઢી તો બેંગ્લોરની એક આઇટી કંપનીનો લેન્ડ લાઇન નંબર હતો. કિરણ ચૌધરીને શંકા ગઇ કે, એક આઈટી કંપનીમાંથી કોણ ફોન કરે? રોંગ નંબર હોય તો આટલી લાંબી વાત ન થાય. તાત્કાલીક તે આઈટી કંપનીમાં તપાસ કરાવી અને જે લેન્ડ લાઇનથી ફોન આવ્યો હતો તે અંગે પોલીસે તપાસ કરી. કંપની દ્વારા જવાબ આવ્યો કે, તેમની કંપનીમાં ૪૦૦ લોકો કામ કરે છે માટે લેન્ડલાઇન ફોન કોણે વાપર્યો હોય તે નક્કી ન કરી શકાય.

આ તપાસ શરૂઆતમાં એક તુક્કો હતી. એમ પણ આટલા પ્રયાસ પછી આ તપાસ ખુબ નાની હતી પણ તે તક પણ કિરણ ચૌધરીને છોડવી નહોતી. અમેરિકન બેઝ કંપની હોવાથી ક્રાઇમ બ્રાન્ચે તે કંપનીના અમેરિકા સ્થિત હેડ ક્વાર્ટરમાં મેઇલ કરીને વિગત માંગી કે, બેંગ્લોરમાં તેમની ઓફિસમાં કામ કરતા તમામ કર્મચારીઓની વિગતો આપો. અમેરિકી કંપનીએ બે દિવસમાં તમામ કર્મચારીઓનો નામ, ઉંમર, સરનામાં સહિતની વિગતો આપી. આ ૪૦૦ કર્મચારીઓમાંથી એક નામ પોલીસને મળ્યું ‘પ્રવિણ ભોટેલે’. જે અગાઉ પણ પોલીસની તપાસમાં સામે આવ્યું હતુ. અગાઉની તપાસમાં જ્યારે પ્રવિણ ભોટેલેની તપાસ કરી ત્યારે તે માત્ર પારિવારીક મિત્ર હોવાનું જ ક્રાઇમ બ્રાન્ચ જાણી શકી હતી. પણ એક પારિવારીક મિત્ર વહેલી સવારે ફોન કરે અને તે પણ આટલી લાંબી વાતચીત ચાલે તે વાત હવે ગળે નહોતી ઉતરતી. માટે પ્રવિણ ભોટેલેની તપાસ કરવી મહત્વની બની હતી. પ્રવિણનો મોબાઇલ નંબર અગાઉની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ પાસે હતો જ. હવે ક્રાઇમ બ્રાન્ચે પ્રવિણના નંબરથી તેના પરિવારની વિગતો એકઠી કરી. પોલીસને ખબર પડી કે, તે પરણિત છે અને નિશા નામની તેને પત્ની છે અને પરિવારમાં બે સંતાન પણ છે. પોલીસે પ્રવિણનો ફોટો ક્યારેય જોયો ન હતો. માટે હવે તેની સોસિયલ મીડિયા થકી પ્રોફાઇલ શોધવાનું શરૂ કર્યું.

પોલીસને આ તપાસમાં આશ્ચર્ય થયું કે, પ્રવિણે ક્યારેય સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કર્યો. તેની પત્નીની ફેસબૂક પ્રોફાઇલમાં પણ ક્યાંય પ્રવિણ સાથે તેનો ફોટો નથી. આવું કેવી રીતે બને..? હવે તો પ્રવિણને રૂબરૂ જ મળવું પડે! આવા મનોમન નિર્ધારથી કિરણ ચૌધરીએ ડીસીપી ભદ્રન પાસે બેંગ્લોર જવાની પરવાનગી લીધી. એક સામાન્ય વ્યક્તિની આટલી બધી ગુપ્તતાજોઇ કિરણ ચૌધરી મનોમન માની ચુક્યા હતા કે, માનો ન માનો આ જ તરૂણ છે. કિરણ ચૌધરી પોતાના ચાર કોન્સ્ટેબલ સાથે ખાનગી કારમાં બેંગ્લોર જવા નિકળ્યા ત્યારે તેમણે અમદાવાદ છોડતા પહેલા પેલા પત્રકારને પણ સવારે ફોન કર્યો.

હેલ્લોઉઠી ગયો? પત્રકારે કહ્યું ‘હા, બસ ત્રણ દિવસની રજા લીધી છે અને પરિવાર સાથે બહારગામ ફરવા નિકળું છું. ચૌધરીએ કહ્યું, ‘બે-ત્રણ દિવસમાં એક સારા સમાચાર આપીશ. બીજાની તો ખબર નથી પણ તું ખુશ થઇ જઇશ’. પત્રકારને તેમની આ વાત સાંભળતા જ જાણે મોઢા પર કુદરતી રીતે આવી ગયું…‘સજની કેસ ડિટેક્ટ?’ એક ભેદી હાસ્ય સાથે ચૌધરીએ કહ્યું, બે-ત્રણ દિવસ રાહ જો..’ પત્રકારે કહ્યું, ‘જો સજની મર્ડર કેસ ડિટેક્ટ હોય તો કહેજોપ્રેસ કોન્ફરન્સ ન કરી નાંખતા. નહીંતર હું બહાર જવાનું કેન્સલ કરી નાંખુ. તરૂણ પકડાયાનું બ્રેકિંગ મારે જ કરવું છે’. ચૌધરીએ કહ્યું, ના..ના તું ફરી આવ..તારી ગેરહાજરીમાં પ્રેસ કોન્ફરન્સ નહીં થાય. આખી વાતમાં ચૌધીરીએ ક્યાંય સજની કેસ કે તરૂણનો ઉલ્લેખ નહોતો કર્યો. પણ, જેમ ચૌધરીને વિશ્વાસ હતો કે, પ્રવિણ જ તરૂણ છે તેમ પત્રકારને પણ વિશ્વાસ હતો કે, કે.જી ચૌધરી તરૂણની જ વાત કરે છે. પત્રકાર માટે આ ખુશીના સમચાર હતા. તેણે તાત્કાલીક ડીસીપી ભદ્રનને ફોન કર્યો.

બીજી રીંગ વાગી અને ભદ્રને ફોન ઉપાડી લીધો. પત્રકારે કહ્યું, ‘સર, બડા ડિટેક્શન કરને જા રહે હો..’ ભદ્રન સમજી ગયા કે પત્રકાર શું કહેવા માંગે છે. તેમણે કહ્યું, ‘નહીં અભી દેર લગેગી’. પત્રકારે કહ્યું, ‘સર, ફેમિલી કે સાથ બહાર જા રહાં હું. અગર બરસો પુરાના કેસ ડિટેક્ટ કર રહે હો તો ટૂર કેન્સલ કરદુ’. ભદ્રન પણ જાણતા હતા કે, આ કેસ ડિટેક્ટ કરવાનું પ્રોત્સાહન અને વિગતો આ જ પત્રકારે આપી છે. માટે તેમણે પણ બંધમાં રમતા પુછ્યું ‘કિતને દીન બહાર હો?’ પત્રકારે કહ્યું, ‘તીન દીન’. ભદ્રને કહ્યું, ઠીક હે ઘુમ કર આ જાઓ..’

ચાર દિવસ પછી ફરી એક સવારે ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીનો ફોન આવ્યો..અધિકારીએ કહ્યું, સાહેબ પુછાવે છે કે, આવી ગયાં અમદાવાદ? પત્રકાર સમજી ગયો કે, સાહેબ એટલે દીપન ભદ્રનની વાત છે. પત્રકારે કહ્યું, હા, કાલે રાતે જ આવી ગયો. અધિકારીએ કહ્યું તો આવો ને ક્રાઇમ બ્રાન્ચ સાહેબ યાદ કરે છે. આ ફોન સવારે ૮ વાગ્યે આવ્યો હતો. સવાર સવારમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ વિશેષ કામ હોય તો જ બોલાવતા હોય તે જાણી પત્રકાર તાત્કાલીક તૈયાર થયો અને ક્રાઇમ બ્રાન્ચ નિકળવાની તૈયારી કરી રહ્યો હતો. દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ ચૌધરીનો ફોન આવ્યો અને કહ્યું, ‘તરૂણ અરેસ્ટેડ

૧૫ વર્ષ જૂના કેસમાં સજનીનો હત્યારો પકડાઇ ગયો હતો. પોલીસને જેટલી ખુશી હતી તેટલી જ ખુશી તે પત્રકારને પણ હતી. તે ૯ વાગતા પહેલાં ક્રાઇમ  બ્રાન્ચ પહોંચી ગયો. ક્રાઇમ બ્રાન્ચ ગાયકવાડ હવેલીમાં આવેલી છે. ત્યાં અંદર પ્રવેશ કરવા માટે બહાર પીઆરઓમાંથી અંદર કોને મળવાનું છે તે અધિકારી સાથે ફોન કરાવી મંજૂરી લેવાની હોય છે. પણ પત્રકાર જ્યારે ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યો ત્યારે તેના નામથી પહેલેથી જ સૂચના આપી દેવાઇ હતી. પોલીસકર્મીઓ પણ રોજની અવરજવરથી પત્રકારને ઓળખતા હતા. પીઆરઓ કેબીન સુધી પહોંચતા જ અંદર બેઠેલા પોલીસકર્મીએ કહ્યું, જાવ સાહેબ તમારી જ રાહ જોવે છે, સીધા ચૌધરી સાહેબની કેબીનમાં જ જજો.

પત્રકાર કે.જી ચૌધરીની કેબીનમાં પહોંચ્યો ત્યારે ત્યાં એક ફ્રેન્ચકટ દાઢી વાળો શખ્સ અદબવાળી ઉભો હતો. ચૌધરીએ બેસવાનું કહેતાની સાથે પત્રકારને કહ્યું, આ તરૂણ

પત્રકાર તેની સામે જોઇ રહ્યો. ચૌધરીએ કહ્યું તારા મનમાં કોઇ સવાલ હોય તો પુછી લે. પત્રકારને આખા રિપોર્ટીંગ દરમિયાન તે હોસ્પિટલમાંથી કેવી રીતે ભાગ્યો તે સવાલનો જવાબ તરૂણ પાસેથી જ જાણવો હતો. તરૂણે કહ્યું, ‘નાં હું હોસ્પિટલમાંથી નહીં, હોસ્પિટલથી રજા લઇને ઘરો ગયો પછી જતો રહ્યો હતો’. તરૂણ હવે પોલીસ કસ્ટડીમાં હતો અને તે સાચુ બોલે છે તેનો કોઇ ભરોસો નહતો.

ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભદ્રને પત્રકાર જે અખબારમાં નોકરી કરતો હતો તેના તંત્રી ને પણ ફોન કર્યો અને કહ્યું, ‘તમારા પત્રકારે અમારૂ ફોલોઅપ ના લીધુ હોત તો તરૂણ જિન્નરાજ ન પકડાયો હોત’. તે દિવસે તરૂણની ધરપકડ મીડિયા માટે હોટ ખબર હતી.

પણ હવે, પત્રકારોને એ જાણવું હતુ કે, તરૂણ આટલા સમય પોલીસથી કેવી રીતે છુપાતો રહ્યો?
આ એ સમય હતો જ્યારે જે.કે ભટ્ટ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર હતા. તેમણે તરૂણ પકડાયાની જ્યારે જાણ થઇ તે જ બપોરે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. જે.સી.પી જે.કે ભટ્ટ, ડી.સી.પી. દીપન ભદ્રન સહિત ક્રાઇમ બ્રાન્ચના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યાં. પ્રેસ રૂમ પણ પત્રકારો અને કેમેરામેનથી હકડેઠઠ ભરાઇ ગયો. પત્રકારોના જવાબ આપતા જે.કે ભટ્ટે કહ્યું, કે, તરૂણે કબૂલાત કરી છે કે, તેણે પત્નીની હત્યામાં પોતાની સંડોવણી છુપાવવા માંગતો હતો. માટે વિજય ચાર રસ્તા કેક લેવા જવાનું બહાનુ કર્યુ હતુ. તરૂણ કેક લેવાનું તરકટ કર્યુ તે પહેલાં તેણે સજનીની ગળુ દબાવી હત્યા કરી નાંખી હતી. તે કેક લેવાનું કહીને નિકળ્યો અને પાછો આવ્યો ત્યારે કોઇએ સજનીની હત્યા કરી હોવાનું કહી બૂમારાડ કરી હતી. ત્યાર  બાદ પોલીસને શંકા જતા તે બે દિવસ પછી ભાગ્યો હતો.

અમદાવાદથી ભાગીને તે પહેલાં કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યો. ત્યાંથી સુરત જતી ટ્રેનમાં ચડી ગયો. રાત્રે સુરત પહોંચીને તેણે પહેલો ફોન તેની પ્રેમિકાને કર્યો. જો કે, એક ફન્કશનમાં હતી. આ દરમિયાન તરૂણે તેને કહ્યું કે, ‘સજીની હવે આપણી વચ્ચે નહીં આવે’. તેની પ્રેમિકાને શંકા જતા જ તે સ્તબ્ધ બની. તેણે કહ્યું, તરૂણ આ તે કર્યું છે? તેમ કહી તેણે ફોન કાપી નાંખ્યો. તરૂણ અને તેની પ્રેમિકા વચ્ચેનો આ છેલ્લો ફોન કોલ્સ હતો. અને આ વાત એક લાખ ફોનની તપાસ દરમિયાન પોલીસ પણ જાણી ચુકી હતી.

તરૂણને હવે પત્ની પણ નહોતી અને પ્રેમિકા પણ જતી રહી. તેને હવે પોલીસ અને સમાજ બન્નેથી ભાગવાનું હતુ. તરૂણ સુરત રેલવે સ્ટેશનથી ફરી એક ટ્રેનમાં બેસીને બેંગ્લોર પહોંચી ગયો. બેંગ્લોર ઉતર્યા પછી ક્યાં જવું અને શું કરવું તેને સમજાતુ નહોતુ. તે અમદાવાદથી ભાગ્યો ત્યારે જ તેણે પત્ની સજનીના એટીએમથી રૂપિયા ઉપાડી લીધા હતા. માટે રૂપિયાની ખોટ નહતી. તે બંગ્લોર એરપોર્ટ પર ચા પીવા બેઠો અને અમદાવાદમાં તેની પત્નીની હત્યાના કોઇ સમાચાર છપાયાં હોય તો જાણવા એક અંગ્રેજી અખબાર ખરીદ્યું. તેના મનમાં સતત વિચારો ઘુમરીઓ ખાઈ રહ્યાં હતા. એક હાથમાં ચાનો કપ અને બીજા હાથે પકડેલા છાપા સાથે તે તંદ્રામાં સરી પડ્યો. તંદ્રા તુટી ત્યારે અંગ્રેજી છાપામાં છપાયેલી એક જાહેરખબરમાં તેનું ધ્યાન ગયુ. દિલ્હીના એક કોલ સેન્ટર માટે સારુ અંગ્રેજી જાણતા લોકોની જરૂર હતી. તરૂણ આ નોકરી મેળવવા માટે દિલ્હી પહોંચી ગયો. દિલ્હીની એક હોટલમાં રોકાઇને તૈયાર થયો અને જાહેરખબરમાં વાંચેલી જગ્યા પર ઇન્ટર્વ્યુ આપવા પહોંચ્યો. ઇન્ટર્વ્યુવરે જ્યારે તેનું નામ પુછ્યું ત્યારે તરૂણે એક જ ઝાટકે તેને પોતાનું નામ પ્રવિણ આપ્યું. હકિકતમાં પ્રવિણ ભોટેલે તેનો નાનપણનો મિત્ર હતો અને તે સાથે સ્કૂલમાં ભણ્યા હતા. પ્રવિણ હવે મધ્ય પ્રદેશમાં ખાનગી નોકરી કરતો હતો.

તરૂણે નાનપણના મિત્રના નામે ઇન્ટર્વ્યુ આપ્યુ અને ફાંકડા અંગ્રેજીના કારણે તે પાસ પણ થઇ ગયો. પણ, હવે તેની એક મુશ્કેલી એ હતી કે, તેણે જે કંપનીમાં ઇન્ટર્વ્યુ આપ્યું તે ઈન્ટરનેશનલ કંપની હતી. કંપનીએ તેને પાસ કર્યો પણ નોકરી આપતા પહેલાં તેના જરૂરી ડોક્યુમેન્ટ્સ માંગ્યા. તરૂણે હવે પ્રવિણ બની ગયો હતો. તેણે કહ્યું કે, તેના તમામ ડોક્યુમેન્ટ્સ તેના વતનમાં પડ્યાં છે. થોડા સમયમાં લાવીને જમા કરાવી દેશે. પ્રવિણ નામ ધારણ કરી ચુકેલા તરૂણને નોકરી મળી ગઇ પરંતુ બે મહિના થવા છતા તેણે ડોક્યુમેન્ટ જમા નહીં કરાવતા કંપનીએ તેને અલ્ટીમેટમ આપી દીધુ. તરૂણે તે નોકરી છોડી દીધી. પણ આ દરમિયાન તેને કંપનીમાંથી મળેલુ ફોટા સાથેનું પ્રવિણ ભોટેલે નામનું આઇકાર્ડ પોતાની પાસે રાખી લીધુ. તરૂણમાંથી પ્રવિણ બનેલા તરૂણનું આ સૌથી પહેલું ફોટાવાળુ ઓળખ કાર્ડ હતુ.

તરૂણે નોકરી છોડ્યા પછી પોતાના મિત્ર પ્રવિણ ભોટેલેનો ફોન કર્યો. તેને ડર હતો કે, પ્રવિણને કદાચ તેના કરતૂતોની જાણ થઇ ગઇ હશે, પણ એવું નહોતુ. પ્રવિણ સાથે વાત કરતા તરૂણને વિશ્વાસ આવી ગયો કે, મિત્ર પ્રવિણ સજનીના મોત અને પોતે કરેલી હત્યાથી વાકેફ નથી. તેણે ફોનમાં જ પ્રવિણને પોતે મળવા તેની પાસે આવી રહ્યો હોવાની વાત કરી. તરૂણ ભોપાલ ગયો અને ત્યાં પ્રવિણને મળ્યો. તરૂણે ભોપાલમાં જ રોકાઇને પ્રવિણને ધંધો કરવાનું દિવાસ્વપ્ન બતાવ્યું. તરૂણનો કન્વિન્સ પાવર મજબૂત હતો. પ્રવિણ તેની વાતોમાં આવી ગયો અને એક જ સપ્તાહમાં આઈટીનો નવો ધંધો શરૂ કરવાનું કામ ચાલુ થયું. પ્રવિણે રૂપિયાનું રોકાણ કર્યું હોય તેના જ નામે કંપની બનાવા તરૂણે તેને મનાવી લીધો, જ્યારે ધંધાનું હેન્ડલીંગ પોતે કરશે તેમ તેને સમજાવ્યું. કંપની બનાવાના નામે તરૂણે પ્રવિણના જન્મના દાખલાથી માંડીને ગ્રેજ્યુએટની ડીગ્રી સુધીના દસ્તાવેજો મેળવી લીધા. બે મહિના દરમિયન પ્રવિણના નામની ઓળખ ઉભી થાય તેવા તમામ દસ્તાવેજો મેળવીને તરૂણે ધંધામાં નુકશાની બતાવી.

તરૂણ ચબરાક હતો. તેને આશંકા હતી કે, અહીં આ રીતે રોકાઇ રહેવું હિતવાહ નથી. તેણે અત્યાર સુધીમાં પ્રવિણના તમામ ડોક્યુમેન્ટને સ્કેન કરી મેળવી લીધા હતા. આ ડોક્યુમેન્ટ લઇને તે પહેલા પૂણે ગયો. જ્યાં પ્રવિણ ભોટેલે નામની ઓળખ અને તેના ડોક્યુમેન્ટથી એક આઈટી કંપનીમાં નોકરી મેળવી. ત્રણ-ચાર વર્ષ દરમિયાન તેનું કામ જોઇ કંપનીએ તેને પ્રમોશન આપ્યું અને તે જ કંપનીમાં તે મેનેજર બની ગયો. બીજી તરફ તરૂણે આ સમયગાળા દરમિયાન પોતાના નામના તમામ દસ્તાવેજો ખરા બનાવી લીધા હતા. રેશનીંગ કાર્ડથી માંડીને ઇલેક્શન કાર્ડ અને પાસપોર્ટ પણ પ્રવિણના નામથી બનાવી લીધો હતો.

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને જ્યારે તરૂણે કહ્યું કે, તે પાસપોર્ટ બનાવીને બે વાર કંપનીના કામે અમેરિકા પણ જઇ આવ્યો છે ત્યારે ખુદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ આંચકો ખાઇ ગયા હતા.
તરૂણે પોલીસ સમક્ષ પોતાની કબૂલાત આગળ વધારતા કહ્યું કે, તેને પૂણેની કંપનીમાં સાથે નોકરી કરતી નિશા સાથે પ્રેમ થઇ ગયો. તેણે નિશાને કહ્યું હતુ કે, તે નાનો હતો ત્યારે એક રોડ અકસ્માતમાં તેણે આખો પરિવાર ગુમાવ્યો છે. મનસોરમાં તેના એક માસી રહે છે તેણે જ તેને મોટો કર્યો છે. નિશાએ પ્રવિણની વાત પોતાના પરિવારને કરી અને તેની સાથે પરિવારની મંજૂરીથી પ્રેમ લગ્ન પણ કર્યા. હવે બન્નેને પરિવાર આગળ વધારવાનો હતો. નિશા મૂળ કર્ણાટકની હોય બન્ને પૂણેની નોકરી છોડીને બેંગ્લોર સ્થાયી થયાં. ત્યાં તેમને સંતાનમાં એક દીકરી અને એક દીકરો પણ હતા. નિશાના માતા-પિતા પણ સાથે રહેતા હતા.

તરૂણે એ પણ કબૂલાત કરી કે, નિશા કે તેના પરિવારને ક્યારેય ખબર ન પડી કે તે પ્રવિણ નહીં તરૂણ છે. આ દરમિયાન ક્યારેક ક્યારેક તે નોકરીના કામે બહાર જવાનું છે કહીને તેની માતાને મળતો હતો. પરંતુ ક્યારેય તેના પિતાને મળ્યો નહોતો.

તરૂણે હવે જે કબૂલાત કરી તેનાથી પોલીસે પણ નિસાસો નાંખી ગઇ. તરૂણે કહ્યું કે, થોડા સમય પહેલાં તેની માતા અન્નમાચાકો તેના પિતા સાથે તેની મુલાકાત કરાવા માંગતી હતી. માટે તે કેરળના રીટ્રીટ સેન્ટર પહોંચી હતી. તેણે માતા સાથે મળીને પ્લાન કર્યો હતો કે, રીટ્રીટ સેન્ટરમાં ઓચીંતા જ તરૂણે તેના પિતા સામે આવી જવાનો પ્લાન હતો. જેથી બન્નેનો ભેટો થઇ જાય. તરૂણ કેરળ પહોંચ્યો અને પિતાને મળવાનો હતો ત્યાં જ તેના પિતાની તબિયત લથડી અને તેમને હોસ્પિટલ ખસેડાયા. માટે તે સજીનીના મોત બાદ ભાગ્યા પછી પહેલીવાર તેના પિતાને હોસ્પિટલમાં મળ્યો. તે આખી રાત પોતાના પિતા સાથે બેઠો અને વાતો કરી. પરોઢિયે તેના પિતાને આઇસ્ક્રિમ ખાવાની ઇચ્છા થઇ ત્યારે તેણે એક આઈસ્ક્રિમ પાર્લર ખોલાવીને તેમને આઇસ્ક્રિમ ખવડાવ્યો હતો. જો કે, સવારનો સૂરજ ઉગતા જ તેના પિતાની આંખો કાયમ માટે મીંચાઇ ગઇ. તે સમજી ગયો કે, પિતાના મોતના સમાચાર સાંભળીને પરિચિતો આવશે અને શક્ય છે કે તેને શોધતા પોલીસ પણ આવી જશે અને તે ઓળખાઇ જશે. માટે તે ત્યાંથી પણ ફરાર થઇ ગયો. આ એજ સમય હતો જ્યારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ડાઘુ બનીને અંતિમયાત્રામાં ગયા હતા. હકિકતમાં તરૂણ અને પોલીસ વચ્ચે માત્ર કલાકોનું જ અંતર રહ્યું હતુ.

આ કેસને સતત છ વર્ષ સુધી એક ઉપાસના માનીને તપાસ કરનારા કિરણ ચૌધરીએ પણ આ પ્રેસ કોન્ફરન્સ પછી કબુલ્યુ કે, તે જ્યારે તરૂણને રાતે લેવા તેની ઓફિસ પહોંચ્યા ત્યાં સુધી તેમને વિશ્વાસ નહતો કે, ત્યાં તરૂણ જ મળશે. પણ તેના મિત્રએ નિશાની આપી હતી કે, તરૂણની અનામીકા વળેલી છે. તેને જ્યારે મળીને હાથ મિલાવ્યો અને તેનો પહોંચો જોયો ત્યારે તેની અનામિકા વળેલી જોઇ અને નક્કી થઇ ગયું કે, આ જ તરૂણ છે, અને સજની હત્યા કેસ દોઢ દાયકા પછી ઉકેલાઇ ગયો.
-        સમાપ્ત.

-      #Gujarat #Ahmadabad #Mihirbhatt #Crimestory #Crimekahani #Suspense #Sajni #Murdercase #IPS #JKBhatt #Himanshusukla #Deepanbhadran #Nirliptrai #kiranchaudhary #Ahmedabadcrimebranch



આતંકના અંતનો આખરી નિર્ણય : ડાકૂને પકડવાનું ATSનું 11 મહિનાનું ઓપરેશન

રાતના ૭:૩૦ વાગ્યા હતા. મે મહિનાનો તાપ વરસાવી સૂર્યનારાયણ હજુ ક્ષિતિજથી ઓઝલ જ થયા હતા. જંગલના નિશાચરો પણ આળસ મરડી રહ્યાં હતાં. એક સામાન્ય દિવ...