Tuesday, November 26, 2019

કબરમાં દફન નવવધૂનો મૃતદેહ ન્યાય માટે તરફડિયાં મારતો હતો...

Mihir Bhatt

ક્રાઇમ કહાની (ભાગ-1)

આજની આ કહાની લગભગ ત્રણ દાયકા જૂની છે. જેતે સમયે ઇતિહાસના ભૂગર્ભમાં ગરક થયેલી આ ઘટના આજે પણ જે સાંભળે છે તે પળવાર માટે તો હચમચી જાય છે. આ ‘સત્ય ઘટના’માં થ્રીલ છે, માતા-પુત્રના પવિત્ર સંબંધનો વિચ્છેદ છે, પોલીસના અનુભવની પરીક્ષા છે તો કાયદાની મર્યાદા પણ છે. જમીનમાં બે ફૂટ નીચે દટાઇ ગયેલી એક દુલ્હનના સપનાઓની હત્યા અને નણંદનું આજે પણ અકબંધ રહેલુ રહસ્ય. એક ખુશખુશહાલ પરિવારને વેરવિખેર કરતી ઘટનાની તે સમયે તપાસ કરનારા એક પોલીસ અધિકારી આજે પણ માત્ર એક કડી નહીં શોધી શકવાનો અફસોસ વ્યક્ત કરે છે.

અમરેલી જિલ્લાના દરિયાકાંઠે વસેલા જાફરાબાદ તાલુકાના એક નાનકડા ગામની આ ઘટના છે. ગામમાં અબ્દુલ ગફારનો પરવાર રહેતો હતો. માછીમારીનો વ્યવસાય કરતા અબ્દુલની કેટલીક બોટ દરિયામાં ફરતી. પરિવારમાં પત્ની આસ્ફાબાનુ, મોટો દીકરો સાજીદ અને દીકરી સબાના. ચાર સભ્યોના સુખી પરિવાર ગામમાં આર્થિક રીતે પણ ઘણો સમૃધ્ધ હતો. સાજીદ અને સબાના હજુ જુવાનીના ઉંમરે પગ મુકી રહ્યાં હત્યા ત્યાં તેની માતા આસ્ફાબાનુને એક ગંભીર બિમારીએ ભરડામાં લીધી. અમરેલીથી માંડીને અમદાવાદ સધીની છ-આઠ મહિનાની સારવાર છતા આસ્ફાબાનું બચી ન શકી. તે જન્નતનશીન થઈ. દીકરા-દીકરીને પરણાવાની ઉંમર હતી પણ અબ્દુલના કેટલાક સંબંધીઓનો આગ્રહ હતો અબ્દુલે બીજા લગ્ન કરી લેવા જોઇએ. કાલે દીકરી પરણિને સાસરે જતી રહેશે. દીકરો વહુ આવ્યા બાદ એકલા બાપને ન રાખે તો?

અબ્દુલના લગ્ન પણ નાની ઉંમરે થયા હતા. હાલ તેનો દીકરો ૨૦ અને દીકરી ૧૮ની હતી અને અબ્દુલ ૪૦ વર્ષનો. અબ્દુલના લગ્ન માટે ફરી વાત શરૂ કરાઈ. જાફરાબાદથી ૧૨૦ કિમી દૂર ખારવા પરિવારની જ એક દીકરી સાથે અંતે અબ્દુલના લગ્નની વાત નક્કી કરાઇ. પણ જે કોઈ આ સંબંધ વિશે સાંભળતુ તે આશ્ચર્ય પામતુ. કારણ, અબ્દુલના આ બીજા લગ્ન જેની સાથે થવા જઇ રહ્યાં હતા તે તેનાથી ૧૬ વર્ષ નાની હતી. એટલે કે તેના દીકરા-દીકરી જેવડી. અબ્દુલ આર્થિક રીતે સંપન્ન હતો માટે યુવતીના મા-બાપ તેના લગ્ન કરાવા રાજી હશે તેવી વાતો ચર્ચાવા લાગી. જે લોકોએ અબ્દુલને બીજા લગ્ન માટે રાજી કર્યો હતો તે જ હવે આ સંબંધ પર શંકા વ્યક્ત કરવા લાગ્યા હતા. લોકોની ચર્ચાઓ વચ્ચે અબ્દુલ અને હમીદાના નિકાહ થઇ ગયા.

સાજીદ અને સબાનાને તેનાથી ચાર-પાંચ વર્ષ મોટી અમ્મી મળી હતી. નિકાહ હજુ નવા હતા માટે શરૂઆતમાં તો બધુ બરોબર ચાલ્યું પરંતુ ઉંમર અને દુનિયાદારીનો ફર્ક અબ્દુલ અને હમીદાના દાંપત્ય જીવન પર દેખાવા લાગ્યો. નાની-નાની બાબતોમાં બન્ને વચ્ચે ખટરાગ શરૂ થયો જેના કારણે અબ્દુલે શક્ય હોય તેટલુ ધંધાના કામે બહાર રહેવાનું શરૂ કર્યું. તે મોટા ભાગે રાતે પણ કામના બહાને બહાર રહેવા લાગ્યો હતો. તેની આ ભૂલ તેના પરિવારને બરબાદ કરી નાંખવાની હતી.

કુદરત પણ બંધબારણે ખેલાયેલા ખૂની ખેલના આરોપીઓને જેલના સળિયા પાછળ જોવા માંગતી હતી...

હમીદા પણ યુવાન હતી, તેના મનમાં પણ જવાનીના તરંગો હિલોળા લહેતા હતા. તેણે વાસનાના તરંગોને કિનારે પહોંચાડવા હવે આસપાસ નજર દોડાવાનું શરૂ કર્યુ. સાવકી માતા હમીદાની નજર Iઘરમાં જ રહેતા અને યુવાનીના ઉંમરે આવીને ઉભેલા સાજીદ પર પડી.  સાજીદ ઉંમરના કારણે ક્યારેય હમીદાને માતા માની જ શક્યો ન હતો. પણ કુટુમ્બ અને પિતાની મનમાની આગળ બન્ને ભાઈ-બહેન ચુપ હતા. હમીદાએ સાજીદ સાથે સંબંધ વધારવાનું શરૂ કર્યું. પિતાની ગેરહાજરીમાં સાવકી માતાના ‘નખરા’એ તેના સંયંમનો બાંધ તોડી નાંખ્યો.

ઘરમાંજ રહેતી બહેન સબાનાની જાણ બહાર સાજીદ અને હમીદા વચ્ચેના સંબંધો શરૂ થયા. ઘરની ચાર દિવાલો વચ્ચે ન માન્યામાં આવે તેવા સંબંધની શરૂઆત થઈ હતી. સમય વિતવા લાગ્યો અને સાજીદની ઉંમર વધતી હતી. અબ્દુલે હવે સાજીદને પણ પરણાવી દેવાનું નક્કી કર્યું. આ વાત જાણે હમીદાનું કાળજુ વીંધી ગઇ. તેણે જાહેરમાં સાજીદના લગ્નનો વિરોધ ન કર્યો પરંતુ એક રાતે સાજીદને રૂમમાં ધમકી આપી, "જો તું બીજા લગ્ન કરીશ તો હું તને બરબાદ કરી નાંખીશ, તારા લગ્ન ટકવા જ નહીં દઉ". સાજીદ સવાકી માતા સાથે બંધાયેલા સંબંધથી કંટાળી ગયો હતો. તે સમજતો હતો કે તેની સાવકી માતા તેના પિતા જોડે બેવફાઈ કરી રહી છે.

સાજીદ આ ધમકીઓની પરવાહ કર્યા વગર લગ્ન કરવા માટે તૈયાર થયો. સાજીદ માટે છોકરી શોધવાનું શરૂ થયું. જોગાનુંજોગ તેના માટે પણ વેરાવળ નજીકના એક નાનકડા ગામની યુવતી પસંદ કરાઈ. તેમના જ સમાજની દેખાવડી હિનાનું સગપણ સાજીદ સાથે નક્કી થયું. વાજતેગાજતે બન્નેના નિકાહ પણ થયા. આ તમામ વાતનો વિરોધ માત્ર હમીદા એકલી ખાનગીમાં સાજીદ આગળ કરી રહી હતી. જો કે, જાહેરમાં તે સતત પોતાના દીકરાના નિકાહથી ખુશ હોવાનો કોઇ ફિલ્મી એક્ટર જેવો ડોળ કરતી હતી. આ વાતથી સાજીદની બહેન સબાના હજુ પણ અજાણ હતી.

સાજીદના નિકાહ થયા અને નવી દુલ્હન ઘરે આવી. હવે પરિવારમાં અબ્દુલ અને તેની પત્ની હમીદા ઉપરાંત દીકરા સાજીદીની પત્ની હિના અને નણંદ સબાના એમ પાંચ સભ્યો હતા. ગામડાના બે માળના મકાનમાં સાજીદ અને તેની પત્ની હિના માટે ઉપરના રૂમમાં સુવા-બેસવાની વ્યવસ્થા કરાઈ હતી. સાજીદ જ્યારે જ્યારે પત્ની હિનાને મળવા એકલો રૂમમાં ઉપર જતો તે હમીદાથી સહન થતુ ન હતુ. તે કોઇના કોઇ બહાને રૂમનો દરવાજો ખટખટાવી ત્યાં પહોંચી જતી. લગ્ન થયાને હજુ ચારેક દિવસ થયા હતા. હમીદાએ આ સાજીદ અને હિનાનાં સંબંધોને પુરા કરી નાંખવાનો એક ખતરનાક પ્લાન ઘડી કાઢ્યો. એક સવારે અબ્દુલ ગફાર કામથી બહાર હતો, સાજીદ પણ સવારથી નોકરી પર ગયો હતો. હમીદાના મનમાં સવારથી એક ઘાતકી પ્લાન રમી રહ્યો હતો. જેને તે ગમે તે ઘડીએ અંજામ આપવા પ્રયાસ કરી રહી હતી. સાંજ ઢળવા આવી હતી. નવી વહૂ હિના પોતાના ઉપરના રૂમમાં થાક ઉતારવા ખાટલામાં આડી પડીને હજુ આંખો મીચી હતી. નણંદ સબાના શાકભાજી લેવા બહાર નીકળી અને હમીદાને જે તક જોઇતી હતી તે આવી ગઇ. હમીદા ઘરમાં પડેલા માછલી કાપવાના ધારદાર છરા સાથે હિનાના રૂમમાં ધસી ગઇ. તેના પર જાણે કાળ સવાર થયો હતો, આગળ શું થશે તેની પરવાહ કર્યા વગર જ તેણે જાણે કોઇ માછલી કાપતી હોય તેમ ધારધાર છરાને હિનાના ગળા પર ફેરવી દીદો. હજુ તો માંડ આંખ મીચનારી હિના ઓચિંતા ચીરાયેલા ગળાથી જબકીને જાગી, આંખ સામે સાવકી માતા હમીદા લોહીલૂહાણ છરા સાથે ઉભી હતી. પળવાર માટે તો હિના પણ ન સમજી કે શું થયું, સાસુ હમીદા આવું કેમ કરી રહીં છે? હિના કાંઇ સમજે તે પહેલા હમીદાએ બીજો ઘા મારવા હાથ ઉગામ્યો અને હિના તેને ધક્કો મારી જીવ બચાવા ભાગી. ગામડાના મકાનની લાકડાની સાંકડી સીડીઓમાંથી ગભરામણના કારણે પગથીયા ભૂલી અને ગોથું ખાઇને લોહીલૂહાણ હાલતમાં નીચે ગબડી પડી. હમીદાના ઘા કરતા તે સીડીમાંથી પટકાઇ તે માર હિના માટે ગંભીર હતો. આ લોહિયાળ જંગ ચાલી રહ્યો હતો કે, ત્યાંજ સબાના બકાલું (શાકભાજી) લઇને પાછી આવી. તે ભાભી હિનાને જોઇ સ્તબ્ધ બની ગઇ. હમીદાએ પણ સબાના આવી ગઇ હોવાની જાણ થતા જ છરો સંતાડી દીધો. જો કે, સબાનાને ઉપર ખેલાયેલા ખૂની ખેલનો અંદાજ ન આવ્યો. ભાભીને પડતા જોઇ સબાનાની ચીસ નીકળી ગઇ અને અવાજ સાંભળતા આસપડોશના લોકો દોડી. શ્વાસના ડચકા ભરી રહેલી હિનાને લોકો હોસ્પિટલ લઇ દોડી ગયાં. ગામડાના નાનકડા હોસ્પિટલમાં હિનાને લઇ જવાઇ. ડોક્ટરોએ લોહી તો બંધ કર્યું સાથે કહ્યું, આ પોલીસ કેસ છે. પોલીસ બોલાવવી પડશે. હમીદા પોલીસનું નામ પડતા જ ગભરાઈ ગઇ. તેણે હિનાને મોટા દવાખાને લઇ જવી છે તેવી જીદ પકડીને એક શાકભાજીની લારીનો એમ્બ્યુલન્સની જેમ ઉપયોગ કરી ગામની ગલીઓમાંથી ઘરે લઇ આવી. આ તમાશો ગામના લોકો જોતો રહ્યાં અને હિનાની જીંદગીનો સૂરજ તે સાંજે આથમી ગયો. 

હિનાની હત્યા પાછળ હમીદાનો હાથ છે તે વાત કહેનારૂ કોઇ ન રહ્યું. સબાનાએ માતા હમીદાને સીડી આગળ હિના પાસે જ જોઇ હતી. અને હિના આ સમયે સીડી પરથી પડી હોવાથી સીડી પણ લોહીલૂહાણ હતી. લોકોને હમીદાની વાત પર વિશ્વાસ કરવો પડ્યો કે, હિના સીડી ઉતરતા પડી અને માથામાં ઇજા થવાથી તેનું મોત થયું છે.

લોકો આ હત્યાકાંડને એક આકસ્મિક ઘટના માનવા લાગ્યા. હિનાના પિયરીયાથી માંડીને અબ્દુલ, સાજીદ અને સબાના સૌ કોઈ માનતુ હતુ કે, હિના પડી ગઇ અને મોતને ભેટી છે. હિનાની દફન વીધી પણ થઇ ગઇ અને જિયારત (બેસણું) પણ થઇ ગયુ. કોઇને આ હત્યાકાંડની કાનોકાન ખબર ન પડી. હમીદા માનવા લાગી કે તેના આ કરતૂત હવે ક્યારેય પોલીસ સુધી નહીં પહોંચે. કારણ કોઇને હત્યાની શંકા જ નથી.

આ એ સમયનો હત્યાકાંડ છે જ્યારે આર.ડી ઝાલા ધારીના ડિવાય એસ.પી હતા. આર.ડી ઝાલા એટલે કે, રઘુરાજસિંહ ઝાલા. કહેવાય છે કે, પોલીસ અધકારીઓ કહે છે, કે પોલીસ ખાતામાં કોઇ આર.ડી ઝાલાની ખોટી સોગંદ આજે પણ નથી ખાતુ. તેમની ઇમાનદારીની વાતો તેમના નિવૃત્તીના દોઢ દાયકા બાદ પણ લોકો વાગોળી રહ્યાં છે. રઘુરાજસિંહ ઝાલા આજે અમરેલીના જંગલોમાં પોતાની એક નાનકડી જગ્યામાં જીંદગી વિતાવી રહ્યાં છે. હમીદાના આ કારસ્તાન અને હિનાની હત્યાની ઘટના તેમના જ વિસ્તારમાં બની હતી. આ સમયે જાફરાબાદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ તરીકે બી.સી સોલંકી ફરજ બજાવતા હતા. આ ઘટના હજુ સુધી કાનોકાન પોલીસ સુધી પણ પહોંચી ન હતી.

પણ, જમીનમાં દફન હિનાની અધૂરી ઇચ્છાઓ આમ કાંઇ ચૂપ રહે તેમ ન હતી. એ નવવધૂનો મૃતદેહ કબરમાં પણ ન્યાય માટે તરફડિયાં મારતો હતો. હમીદાનું પાપ પોકારવાનું બાકી હતું. હિનાની નણંદ સબાનાના માથે પણ એક રહસ્યમય ઘટના ઘેરાઈ રહી હતી…

(ક્રમશ:)

#Mystery #Murder #Amreli #CrimeStory #CrimeKahani #GujaratPolice #IPS #RDZala #BCSolanki

Wednesday, November 20, 2019

રંજને કહ્યું, ‘તારામાં હવે કશું રહ્યું નથી’ અને ભવાને એક ઝાટકે ગળું વેતરી નાંખ્યું...

Mihir Bhatt


(ભાગ-૩)

રાજકોટ-મોરબી હાઇવે પર વહેલી સવારે કોથળામાંથી માનવઅંગો મળ્યાં હતા. પોલીસે કચ્છમાં તપાસ કરી પરંતુ સફળતા નહીં મળતા રાજ્યભરમાં લાપતા મહિલા અને બે બાળકોની તપાસ કરાઇ હતી. જો કે, તેમાં પણ પોલીસને સફળતા મળી નહોતી. પી.એસ.આઇ પરમારના કોથળા પર શું લખ્યું છે? તેવા વિચારે જે કોથળામાંથી માનવઅંગો મળ્યાં હતા તે કોથળાની તપાસ કરાઇ. અંતે કોથળા પર ‘જામનગર મેરીટાઇમ બોર્ડ’નું લખાણ મળતા તપાસની સોય જામનગર તરફ વળી હતી. જામનગર પોલીસની તપાસ દરમિયાન એક બાતમીદારે શ્રી નિવાસમાં હત્યાની વાત કરી હતી. આ કડીથી સ્થાનિક પોલીસ ‘શ્રી નિવાસ’ બંગલામાં પહોંચી ગઇ હતી. અને પાડોશીઓની પુછપરછમાં ભવાન સોઢાનું નામ મળી ગયું હતુ. પોલીસ ભવાનને પુછપરછ કરવા ઉઠાવી લાવી હતી. ભવાને પોલીસની પ્રાથમિક તપાસમાં અશોક ઉર્ફ ચપ્પાનું નામ આપ્યું. અને ટ્રીપલ મર્ડર કેસમાં નવો વળાંક આપવાનો પ્રયાસ કર્યો...પણ...

ભવાનની વાત સાંભળી પોલીસ આશ્ચર્યમાં પડી. જો કે, અધિકારીઓ જાણતા હતા કે અશોક ઉર્ફ ચપ્પા ભવાનનો જુનો દુશ્મન છે અને તે ત્રણેક મહિનાથી તો જેલમાં છે. તો પછી તે હત્યા કેવી રીતે કરે? હવે વર્માનો હાથ ભવાનના ગાલ સુધી પહોંચવાની તૈયારીમાં જ હતો. ભવાન જાણી ગયો કે, પોલીસ હવે મારની ભાષામાં જ પૂછશે. વર્માનો હાથ ઉપડે તે પહેલાં તેણે કહ્યું, ‘મારતા નહીં સાહેબ બધુ કહું છું’.
બપોરના બે વાગી ગયા હતા. પોલીસ સ્ટેશનનો માહોલ બપોરની ગરમીને બમણી કરતો હતો. ખરા તાપમાં એક પંખા નીચે પલોઠી વાળીને બેઠેલા ભવાને હવે જે કબૂલાત કરી તેણે પોલીસકર્મીઓને સ્તબ્ધ કરી દીધા. ભવાને કબૂલાત કરી કે, ‘વકિલ કે.પી શુક્લા મારો કેસ લડતા હતા. કેસના ચક્કરમાં તેમના ઘરે આવવા જવાનું થતુ હતુ. ત્યારે રંજન સાથે આંખ મળી ગઇ. એક દિવસ ઓચિંતા કે.પી શુક્લાનું અવસાન થયું અને તેને રંજન સાથે મળવાનો જાણે પરવાનો મળી ગયો. કે.પી શુક્લા પાસે બંગલા ઉપરાંત ખેતી લાયક જમીન પણ હતી. મારી નજર રંજનના આ રૂપિયા અને તેની જવાની પર હતી. જ્યારે રંજન મારા પ્રેમમાં ઓળઘોળ હતી. મેં તેની પાસેથી જરૂર પડે રૂપિયા લેવાનું શરૂ કર્યું. રંજનને તેની ફિકર નહોતી. ભીમ અગિયારસના બે દિવસ પહેલા હું તેની સાથે અગાસી પર સુતો હતો. મારે શરીર સુખ માણવું હતુ, મેં રંજનને કહ્યું તો તેણે કહ્યું, તારામાં હવે કશું રહ્યું નથી. મને ગુસ્સો આવી ગયો. અશોક ચપ્પા સાથેની દુશ્મનાવટ હોય કાયમ સાથે તલવાર કે ગુપ્તી રાખતો હતો. તે રાત્રે પણ ગુપ્તી સાથે જ હતી. ગુસ્સામાં ગુપ્તી કાઢતા જ રંજન ગભરાઇ ગઇ અને બૂમો પાડતા અગાસીની સીડી પરથી નીચે ભાગી. હું પણ તેની પાછળ દોડ્યો. રંજનની બૂમો સાંભળીને તેનો દીકરો દેવદત્ત અને અવની સીડીમાં સામે દોડી આવ્યાં. રંજન તો સીડી ઉતરી ગઇ પણ બન્ને બાળકોએ મને પકડી લીધો. અવનીએ મારા પગ પકડ્યાં તો દેવદત્તે ગુપ્તી આંચકવાનો પ્રયાસ કર્યો. મારો ગુસ્સો એટલો હતો કે મેં ગુપ્તી અવનીની પીઠમાંથી સોંસરવી કાઢી દીધી. અવનીની પકડ ઢીલી પડી અને મારા પગ છોડી તે ઢળી પડી. રાતનો સમય હતો અને બંગલાની લાઇટો પણ બંધ હતી. અંધારામાં દેવદત્ત હજુ મને પકડવા પોતાનું બધુ જ જોર લગાવી રહ્યો માટે એ જ ગુપ્તીથી મેં તરત દેવદત્તનું ગળુ કાપી નાંખ્યું અને રૂમમાં દોડી ગયેલી રંજન પાછળ દોડ્યો. રૂમમાં લાલ રંગની એક ડીમ લાઇટના આછા અજવાળામાં રંજનને પકડીને પછી તેનું ગળુ પણ એક જ ઝટકે કાપી નાંખ્યું…!’

ભવાનની આ કબૂલાત પોલીસ માટે પણ કોઇ ફિલ્મીથી ઓછી નહોતી. વર્માં બેચેન થઇ ઉઠ્યા, વર્મા વિચારવા લાગ્યા કે આ કેવો રાક્ષસ છે કે તેણે બાળકોને મારતા પણ વિચાર ન કર્યો. પણ પોતે વર્દીમાં હતા. તે ભાવુક થઇને કોઇ કામ કરવા નહોતા માંગતા. તેમણે કોન્સ્ટેબલને ઇશારો કરી પોતાની માટે પાણીનો ગ્લાસ મંગાવ્યો. હકીકતમાં વર્મા ભવાનની કબૂલાતથી થયેલી બેચેની દુર કરવા બે ઘડીનો સમય લેવા માંગતા હતા.
ભવાન જમીન પર બેઠાબેઠા વર્મા સામે જોઇ રહ્યો હતો. તેણે કહ્યું, સાહેબ મને પણ પીવડાવોને. વર્માએ એક કોન્સ્ટેબલની સામે જોયુ ત્યાં જ કોન્સ્ટેબલ લોટામાં પાણી ભરી લાવ્યો અને ભવાનને આપ્યો.
વર્માએ હવે આગળ પૂછપરછ શરૂ કરી. પુછ્યું ‘હત્યા કર્યા પછી શું કર્યું?’
ભવાને લોટો નીચે મુકતા ફરી બોલવાનું શરૂ કર્યું. ‘હત્યા કર્યા પછી આખી રાત બંગલામાં જ રહ્યો અને લાશોના નિકાલની યોજના ઘડતો રહ્યો. બીજા દિવસે દીકરા પાસે એસીડ મંગાવ્યું. બંગલામાં પડેલી કરવત વડે લાશના ટુકડા કર્યા અને પાણીની ટાંકીમાં નાંખી અંદર એસીડ નાંખ્યું. દેવદત્ત અને અવનીના કાપેલા માથા ફ્રીજમાં મુક્યા જેથી ગંધ ના ફેલાય. આમ છતાં કેટલાક અંગો બાકી હતા. ત્રીજા દિવસે મેરીટાઇમ બોર્ડમાં નોકરી કરતા ભત્રીજા પાસે કોથળા મંગાવ્યાં અને એક પરિચિત પાસે કચ્છ દર્શન કરવાના બહાને ગાડી માંગી.

ભીમ અગીયારસનો દિવસ હતો. સૌરાષ્ટ્રભરમાં તહેવાર જેવો માહોલ હતો. પોતે કોથળામાં કપાયેલા માનવ અંગો ભરીને કચ્છ તરફ રવાના થયો. માળીયા ઓળંગતી વેળા આગળ પોલીસ ચેકીંગ જોયું. એટલે ગાડી પાછી વાળી અને પુલ ક્રોસ કરીને કોથળા ઝાડીઓમાં ફેંકી દીધા. તે પાછો આવી રહ્યો હતો ત્યારે જોડીયા પોલીસ સ્ટેશનનો એક કોન્સ્ટેબલ રસ્તામાં મળ્યો. તેણે ભવાન પાસે લીફ્ટ માંગી. ભવાને તેને બેસાડ્યો ત્યારે કોન્સ્ટેબલે કહ્યું, ગાડીમાં આવી ગંદી વાસ કેમ આવે છે...? ભવાને એક હાથે સ્ટેરીંગ પકડ્યું અને બીજા હાથે કારના ડ્રોવરમાં પહેલેથી ખરીદી રાખેલુ સ્પ્રે કાઢી કારમાં પાછળની સીટ તરફ છાંટતા કહ્યું, ગાડીમાં મચ્છી લાવ્યાં હતા. એની વાસ હજુ જતી નથી. કોન્સ્ટેબલ રસ્તામાં ઉતરી ગયો અને ભવાન પણ પોતાના ઘરે જતો રહ્યો’.

પોલીસ પાસે હવે હત્યા કાંડ અને પુરાવાના નાશની તમામ વિગતો હતી. પણ બાતમીદારને મળેલા વ્યંઢળને શ્રી નિવાસ બંગલામાં હત્યા થઇ તે કેવી રીતે ખબર પડી તે વાત હજુ વિષ્ણુદાન ગઢવીને ખુંચી રહી હતી. પુછપરછ કરી નિવેદન લખતા રાત પડી ગઇ. તે રાતે જ ભવાન અને એસીડ લાવવામાં મદદ કરનારા તેના દીકરા પંકજની ધરપકડ કરી લેવાઇ હતી. વિષ્ણુદાન પોતાનું પોલીસ સ્ટેશન ન હોવા છતાં ત્યાં હાજર રહ્યાં અને ભવાનને પુછ્યું કે વ્યંઢળને તું ત્યાં કેમ લઇ ગયો હતો? ભવાને કહ્યું કે, તે પોતે પણ નશાનો બંધાણી છે. હત્યાના વીસેક દિવસ પછી તે શ્રી નિવાસ બંગલામાં નશો કરવા જતો હતો ત્યારે રસ્તામાં તેને ઓળખીતો વ્યંઢળ મળ્યો. તેને પણ નશો કરવો હતો. વ્યંઢળે રસ્તામાં મને જોઇ પુછ્યું ‘માલ પડ્યો છે?’. મને નશો કર્યા પછી વાસના સંતોષવી હતી. માટે વ્યંઢળને સાથે લીધો. તેને પણ શ્રી નિવાસમાં લઇ ગયો અને નશો કરાવ્યો. નશો કર્યા પછી વ્યંઢળે શરીરભૂખ સંતોષી આપવાની ના પાડી. તો તેને ઉપરના રૂમમાં લઇ જઇ ફ્રીજમાં બાળકોના માથા દેખાડી ધમકી આપતા કહ્યું, ‘તારા પણ આવા જ હાલ થશે…!’

પી.એસ.આઈ ગઢવી સમજી ગયા વ્યંઢળે શ્રી નિવાસની ઘટના જોઇને જ બાતમીદારને માહિતી આપી હતી. આ કેસ કોર્ટમાં ચાલી ગયો અને કોર્ટે ભવાન સોઢાને ફાંસીની સજા તથા તેના દીકરા પંકજને સાત વર્ષની સજા આપી. ભવાન સોઢાને ફાંસી થાય તે પહેલા તે કેન્સરનો શિકાર બન્યો. કુદરતે પણ જાણે ન્યાય કરી નાંખ્યો. ભવાને કોર્ટમાં દયાની અરજી કરી તો કોર્ટે ફાંસીની સજા રદ્દ કરી છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવા હુકમ કર્યો. આજે પણ ભવાન ભીખુભાઇ સોઢા જેલમાં કેન્સરની બિમારીથી પીડાઇ રહ્યો છે અને છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે.


https://tv9gujarati.in/crime-story-of-jamnagar-bhavan-sodha-triple-murder-case-tara-ma-kashu-rahyu-nathi-aem-khine-rajannu-glu-vetri-nakhyu/



ક્રાઇમ કહાનીનાં આગળના ભાગ વાંચવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો....

ભાગ- ૧ વાંચવા માટે અહીં ક્લિક કરો
https://mihirbhatt99.blogspot.com/2019/11/200.html

ભાગ-૨ વાંચવા માટે અહીં ક્લિક કરો
https://mihirbhatt99.blogspot.com/2019/11/blog-post.html




#mihirbhatt #CrimeKahani #IPSAjaytomar #IPSSatishVarma #Gujarat #GujaratPolice #CrimeStory
#BhavanSodha #BestDetection




Sunday, November 17, 2019

આલીશાન ‘શ્રી નિવાસ’ સ્મશાન બની ગયો હતો અને ‘ચપ્પા’ જેલમાં બંધ હતો...

Mihir Bhatt 

(ભાગ-૨)

રાજકોટ-મોરબી હાઇવે પર કોથળામાંથી મળેલા માનવઅંગો અંગે રાજકોટ પોલીસની તપાસ કચ્છ સુધી પહોંચી હતી. કચ્છમાંથી લાપતા મહિલા  અને બે બાળકોની તપાસ ચાલી રહી હતી. બીજી તરફ લોહી નીતરતી ભીંત પોલીસની રાહ જોતી હતી... પોલીસની કચ્છમાં લાપતા મહિલા અને બાળકોની તપાસ નિષ્ફળ રહી. પોલીસને શંકા હતી કે,  રાજ્યમાં  ક્યાંક કોઇ લાપતા થયેલા વ્યક્તિની નોંધ થઇ હશે તેથી ભેદ ઉકાલેશે. પોલીસે  હવે આખા રાજ્યમાં આ અંગે જાણ કરી પણ, કોઇ લાપતા મહિલા કે બાળકની વિગતો ન મળી. જ્યાં સુધી મૃતક કોણ છે? તે ઓળખ ન થાય ત્યાં સુધી તેના હત્યારા  સુધી પહોંચવું લગભગ પોલીસ માટે અશક્ય હોય છે. આ કિસ્સામાં પણ પોલીસ આ વાત જાણતી હતી. રેન્જ આઈ.જી. પી.એલ જાનીએ તાત્કાલીક બેઠક બોલાવી. આ બેઠકમાં જિલ્લા એસ.પી અજય તોમર જિલ્લાના ચુનંદા અધિકારીઓ સાથે પહોંચ્યા. આ બેઠકમાં સૂચના અપાઇ કે, પહેલાં મૃતકની ઓળખ કરી લેવામાં આવે. આ સમયે ટેકનિકલ સર્વેલન્સ પોલીસ માટે ઝાંઝવાનું જળ હતુ, પરંતુ હ્યુમન ઇન્ટેલીજન્સ એટલે કે, બાતમીદારોનું નેટવર્ક કારગત હતુ.

પોલીસ દિવસો સુધી નિષ્ફળ રહી. રાજકોટ જિલ્લા પોલીસની હદમાં માળીયા પહેલાં પુલ  નજીકથી  જ્યાંથી  માનવઅંગો  ભરેલો કોથળો મળ્યો હતો, તે વિસ્તાર પી.એસ.આઈ ડી.એચ પરમારની હદમાં આવતો હતો. સિનિયર અધિકારીઓના દબાણથી પોલીસ પણ રાતોની રાત ઉજાગરા કરી આ ભેદ ઉકેલવામાં લાગી પડી હતી. એક દિવસ ડી.એચ પરમારને વિચાર આવ્યો કે, જ્યાંથી કોથળો મળ્યો ત્યાં જઇને તપાસ કરવામાં આવે! કદાચ જગ્યા પરથી કોઇ પુરાવો મળી જાય? પોલીસ કાફલો પાછો જ્યાંથી કપાયેલા માનવ અંગો મળ્યા હતા તે જગ્યા પર પહોંચ્યો. આસપાસના લારી-  ગલ્લા  વાળાની  પુછપરછ  કરાઇ, રોડ નજીકના ઝાડી-ઝાંખરામાં પોલીસ કોન્સ્ટેબલો લાઠીથી કચરો આઘો-પાછો કરી પુરાવાની શોધ કરવા લાગ્યા. લગભગ  દોઢ-બે કલાકની જહેમત બાદ પોલીસ ફરી એકવાર નિષ્ફળ રહી.

પોલીસ અધિકારીએ વીલાં મોઢે  ગાડીમાં બેસતા નિ:સાશો નાંખ્યો કે, ‘આવું કેવી રીતે બને? ટ્રેનિંગ દરમિયાન શીખવાડવામાં આવ્યું હતુ કે, ગુનેગાર કોઇ પુરાવો તો છોડી જ જાય છે, બસ તેને ઓળખવાનો હોય છે. આમાં ક્યાં ચૂક રહે છે કે તે પુરાવો નથી મળતો!’ મનમાં  ચાલતી  આ  ગડમથલ  સાથે  પોલીસ ગાડીઓ પોલીસ સ્ટેશન તરફ રવાના થઇ. હત્યાકાંડની કડીઓ શોધવાના વિચારોની ગડમથલમાંપી.એસ.આઈ પરમાર ગાડીમાં બેઠાબેઠા તંદ્રામાં સરી પડ્યા. દરમિયાન પરમા ના મગજમાં વીજળી વેગે વિચાર ફરી વળ્યો, કોથળામાં માનવ અંગ હતા તે કોથળો શેનો હતો? તે તો જોયું જ નહીં! આ વિચારે તેમની  તંદ્રા  તોડી,  ગાડી  હજુ  રસ્તામાં  જ  હતી. પરમારે  ડ્રાઇવરને કહ્યું,  થોડી  ઝડપ  રાખો  ફટાફટ  પોલીસ  સ્ટેશન  પહોંચવું  છે.  ગાડીએ  ઝડપ  પકડી.  કાચા  રસ્તા  પર  પાછળ  ધૂળની  ડમરીઓ ઉડાડતી  દરવાજા  વગરની  એ  જૂની  પોલીસ  જીપ  પોલીસ  સ્ટેશન  આવી  પહોંચી.  પીએઆઇ  પરમારે   ચેમ્બરમાં  પ્રવેશતા જ   તાબાના  કોન્સ્ટેબલને  બોલાવી હુકમ કર્યો કે, જેમાં લાશ મળી હતી તે કોથળો જોવો છે. પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાં કોથળો ખોલવામાં આવ્યો. લોહીથી ખરડાયેલા કંતાનના કોથળા પર લાલ રંગથી લખ્યુ હતુ…‘જામનગર મેરીટાઇમ બોર્ડ’. પાંચ દિવસમાં પહેલીવાર પોલીસને કોઇ નક્કર દિશા મળી હતી. પહેલીવાર આ હત્યાકાંડમાં તપાસની સોય હવે જામનગર તરફ વળી હતી. આ સમયે જામનગરના પોલીસ વડા સતિષ વર્મા હતા. તેમને આ અંગે જાણ  કરાઇ.  વર્માં  પોતે  પણ  બ્લાઇન્ડ કેસ ડિટેક્શનના માસ્ટર. તેમની  પોલીસ  અધિકારી  તરીકેની  ઘણી  વાતો  આજે  પણ  જુના  અધિકારીઓ  માનભેર કરે છે.

રાજકોટ જિલ્લા પોલીસે જામનગર પોલીસ કંટ્રોલ રૂમને અરજન્ટ મેસેજ આપ્યો અને જિલ્લામાંથી લાપતા લોકોની માહિતી આપવા કહ્યું. બીજી  તરફ  સતિષ  વર્માને  પણ  આ  મુદ્દે  જાણ  કરાઇ  હતી.  વર્માએ  જિલ્લાભરની  પોલીસને  મેસેજ આપી માળીયા પાસેથી મળેલા માનવ અંગના કેસમાં તપાસ કરવા હુકમ કર્યો. બીજી તરફ રાજકોટ  કંટ્રોલ  રૂમનો  રિપ્લાય બે કલાકની તપાસ બાદ જામનગર પોલીસે પરત આપ્યો. જામનગર કંટ્રોલે જણાવ્યું કે, તેમના જિલ્લાના એક પણ  પોલીસ  સ્ટેશન વિસ્તારમાંથી કોઇ ગુમ નથી થયું. આ આખરી કડી હતી મૃતકોને ઓળખવાની અને હત્યારાઓ સુધી પહોંચવાની તે પણ તુટી ગઇ હતી. કોથળા પર જામનગરનું એડ્રેસ પીએસઆઈ પરમારને બેચેન કરી રહ્યું હતુ.


વર્માએ પગપછાડતાં હાંકોટો કર્યો અને ભવાન સોઢા બોલ્યો, સાહેબ ‘અશોક’એ હત્યા કર્યાની શકાં છે….


બીજી તરફ જિલ્લા એસ.પી. સતિષ વર્માનો હુકમ હોય જામનગરના પોલીસ અધિકારીઓ ટ્રીપલ મર્ડર કેસની તપાસમાં જોતરાઇ ગયા. આ સમયે જામનગર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનની દરબારગઢ ચોકીમાં પી.એસ.આઈ તરીકે વિષ્ણુદાન ગઢવી તહેનાત હતા. તેમણે પણ બાતમીદારોને બોલાવી ટ્રીપલ મર્ડર અંગે તપાસ શરૂ કરી હતી. તપાસનો  દૌર  રાજકોટથી  હવે  જામનગર પહોંચ્યો હતો. ઘટનાને  પણ  લગભગ  એક  મહિનો  થવા  આવ્યો  હતો.  દરમિયાન  એક  ઢળી ગયેલી  સાંજે  પીએસઆઈ  વી.જે  ગઢવી  પોતાના  એક  જમાદાર  સાથે  ચોકીમાં  હાજર  હતા.  ત્યારે  તેમનો  વિશ્વાસુ  બાતમીદાર ચોકીમાં ધસી આવ્યો. બાતમીદાર પણ દિવસ આથમી ગયો હોય અંધારાનો લાભ લેવા આ સમય પસંદ કર્યો હતો.  ચોકીની એક ટ્યૂબલાઇટના અંજવાળામાં બાતમીદારે પીએસઆઈ ગઢવી અને જમાદારને જોયા. ચોકીની સાઇઝ માંડ દસ બાય દસની હતી છતાં જાણે અંદર બીજુ કોઇ નથીને? તેવી  ખાતરી  કરવા  બાતમીદારે  આમતેમ  જોયું  અને  ગઢવીના  ટેબલ નજીક આવ્યો.  બે  હાથ  ટેબલ  ટેકવીને  મોંઢુ  પીએસઆઈ  ગઢવીની  નજીક  લઇ  જવાનો  પ્રયાસ  કર્યો.  બીજી  તરફ ગઢવી પણ બાતમીદારની તરફ  ઝુંક્યા. બાતમીદારે એ બે સિવાય કોઇ ન સાંભળી શકે એટલા ધીમા અવાજે કાનમાં  કહ્યું, શ્રી સદનમાં  ત્રણ  જણની  હત્યા  થઇ છે…!  ગઢવીએ હવે  બાતમીદારના  મોંઢા  નજકથી  કાન  હટાવ્યો  અને  એની  સામે ડોળા કાઢી જોઇ રહ્યાં. બાતમીદારે ફરી કંઇક કહેવાનો પ્રયાસ કરતા ગઢવીએ કાન ધર્યો..! બાતમીદારે કહ્યું, એક વ્યંઢળ મળ્યો હતો. 

ગઢવી ખુરસીમાંથી ઉભા થઇ ગયા. તેમણે બાતમીદારને હાથનો ઇશારો કરતા પુછ્યું કઇં જોઇએ છે? ગઢવીનો મતલબ હતો બાતમી આપી છે તો રૂપિયાની જરૂર છે. બાતમીદાર પણ ઉતાવળમાં હતો તેણે કહ્યું પછી મળીશ. બસ આટલુ બોલીને તે ઝડપથી ચોકીમાંથી નીકળી ગયો. સાંજ ઢળી ગઇ હતી, બાતમીદાર વિશ્વાસુ હતો અને માળીયા વાળો ટ્રીપલ મર્ડર કેસ તાજો હતો. ગઢવીએ ચોકીમાં બેઠેલા જમાદારને કહ્યું બેટરી  લઇ  લો  આપણે  આવીએ.  ગઢવી  કોન્સ્ટેબલને  લઇને  શ્રી નિવાસ  બંગલો પહોંચ્યા. બંગલાની બહાર તાળું લટકતુ  હતુ.  પોલીસને  જોઇને આસપાસના  લોકો  એકઠા  થઇ  ગયા  હતા.  તેમની  તરફ  જોઇ  ગઢવીએ  પુછ્યું  ઘર  ક્યારથી  બંધ  છે?  અંધારામાં  એકઠી  થયેલી  ભીડમાંથી અવાજ આવ્યો, ‘સાહેબ  એકાદ  મહિનો  થઇ  ગયો.  તાળું જ છે’. ગઢવીએ પુછ્યું કોણ રહે છે? ફરી ટોળામાંથી એક મહિલાએ કહ્યું, ‘રંજનબેન એમના દીકરા- દીકરી જોડે.  એ ક્યાં  ગયા છે એ પણ નથી ખબર’. ગઢવીએ જમાદારને કહ્યું તાળું તોડી નાંખો.  જમાદારે ભીડમાં કોઇને કહીને હથોડો મંગાવ્યો અને તાળું તોડી નાંખ્યું. શ્રી નિવાસ તે સમયે જામનગરનો આલીશાન ત્રણ  માળનો બંગલો હતો. ગઢવી કોન્સ્ટેબલ સાથે ઘરમાં પ્રવેશ્યા…ઘરનું લાઇટ બોર્ડ મળ્યું નહીં તો કોન્સ્ટેબલે સાથે લીધેલી ટોર્ચ  ચાલુ કરી. નીચેના રૂમમાં તો કંઇ ના મળ્યું. બધુ બરાબર હતુ. પણ હાં, ઘર અસ્તવ્યસ્ત હતુ. કોઇએ નશો કર્યો હોય તેવા પુરાવા હતા. બન્ને બંગલામાંથી જ ઉપરના રૂમમાં જતી સીડી ચડ્યા. બહાર ભીડ જમા હતી અને ટોળામાં પોલીસ શું કરી રહી છે તેનું કુતૂહલ હતુ.

બીજા માળે ચડતા જ લાદી પર થીજી ગયેલા લોહીના ડાઘા દેખાયા. ગંધ પણ વધવા લાગી. દિવાલો પર  ઉડેલા  લોહીનાં  છાટાં  શ્રી  નિવાસમાં ખુની  ખેલ  ખેલાયાની  ચાડી  ખાઈ  રહ્યાં  હતા.  પણ  લાશ  ક્યાં? ટોર્ચના અજવાળામાં રસોડા સુધી પહોંચેલા જમાદારની નજર ફ્રીજ નીચે લોહીના થીજેલા ખાબોચીયામાં પડી. ફ્રીજના દરવાજા પણ લોહીથી ખરડાયેલા હતા. જમાદારે ખીસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને ફ્રીજનો દરવાજો ખોલ્યો. ઘરમાં લાઇટ નહોતી પણ જમાદારે ટોર્ચ જેવી ફ્રીજ તરફ કરી કે તેના મોઢામાંથી  રાડ  નીકળી  ગઇ  અને  વીજળીનો  ઝટકો  લાગ્યો  હોય  તેમ  પાછો  ફેંકાઇ  ગયો.  ગઢવી  રાડ  સાંભળી તેમની નજીક પહોંચ્યા તો ફ્રીજમાં બે બાળકોના  કપાયેલા માથા પડ્યા હતા. બન્ને  તાત્કાલીક  બંગલાની  બહાર નીકળી ગયા. બાજુના એક ઘરના લેન્ડ લાઇન ફોનથી ઘટનાની જાણ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને અને સતિષ વર્માના બંગલે કરાઇ. કારણ રાત પડી ગઇ હતી અને ડીએસપી ઘરે પહોંચી ગયા હતા. 

કંટ્રોલ રૂમને સંદેશો મળતા જ ગણતરીના સમયમાં જામનગરની ‘બી’ ડિવિઝનની પોલીસની ગાડીઓ શ્રી નિવાસ બંગલા પર ધસી આવી. પોલીસકર્મીઓ બંગલામાં ઘુસ્યા અને હવે શ્રી નિવાસની લાઇટો ચાલુ કરી તપાસ કરવામાં આવી. નીચેના રૂમમાંથી દેશી દારૂ ગાળવાના સાધનો મળ્યાં. નશો કરવાની વસ્તુઓ મળી. ઉપરના રૂમમાં લોહીનાં ડાઘ છેક અભેરાઇ સુધી  ઉડેલા જોવા મળ્યાં. હવે પોલીસ શ્રી નિવાસ બંગલાના ત્રીજા માળે પહોંચી. ત્યાં પણ આવા જ દ્રશ્યો. શ્રી નિવાસ એક આલીશાન બંગલામાંથી સ્મશાન બની ગયો હતો. પોલીસ હવે સીડીમાં લોહીના ડાઘ જોઇ છેક ધાબા પર પહોંચી. ત્યાં માસના સુકાઇ ગયેલા ટુકડા છેક પાણીની ટાંકી સુધી ફેલાયેલા પડ્યા  હતા. પોલીસકર્મીઓએ રાતના અંધારામાં ટોર્ચથી પાણીની ટાંકીમાં લાઇટ કરી. પાણી લાલ હતુ અને માનવ અંગો તરતા હતા. પોલીસ  સમજી  ગઇ  કે  અહીં  મોટો  હત્યાકાંડ થયો છે. ડીએસપી સતિષ વર્મા પણ દોડી આવ્યાં. બીજા દિવસે સવારે એફ.એસ.એલની પ્રાથમિક તપાસમાં કેટલાકમાનવ અંગો લાપતા હોવાનું ખુલ્યું. રાજકોટ પોલીસને જાણ કરાઇ અને માળીયા પાસે કોથળામાંથી મળેલા માનવ અંગોના એફ.એસ.એલ રિપોર્ટ સાથે લઇ આવવા કહેવાયું. એફ.એસ.એલની તપાસમાં જાણવા  મળ્યું  કે, માળીયાના  પુલ  નજીક મળેલા માનવ અંગો શ્રી નિવાસ બંગલોમાં હત્યા કરાયેલી  રંજનબેન  શુકલા  તેમના  દીકરા  દેવદત્ત  અને  દીકરી અવનીનાં જ છે.

પોલીસે આસપડોશના લોકોની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, જામનગરના જાણીતા વકિલ કે.પી શુક્લા શ્રી નિવાસમાં  રહેતા હતા. તેમની પત્ની રંજનબેન એક સ્કૂલમાં શિક્ષક હતા. બે સંતાન સાથેનો ચાર લોકોનો પરિવાર ખુશખુશાલ હતો. પરંતુ કે.પી શુક્લાના આકસ્મિક અવસાન બાદ રંજનબેન જામનગરના કુખ્યાત અને પૂર્વ કોર્પોરેટર ભવાન સોઢાના સંપર્કમાં આવ્યાં હતા. ભવાન કે.પી શુક્લાના મોત બાદ લગભગ અહીં જ રહેતો હતો. પોલીસ કળી ગઇ કે નક્કી આ હત્યાકાંડમાં ભવાન સોઢાનો હાથ છે કારણ તે અગાઉ પણ અનેક ગુનામાં પકડાઇ ચુક્યો હતો. ગુનાહિત મનોવૃત્તિ ધરાવતા ભવાનને  બપોર  સુધીમાં જામનગરમાંથી જ શોધી કઢાયો. ‘એ’  ડિવિઝન  પોલીસ  સ્ટેશનમાં  લઇ  જવાયો  ત્યાં  ખુદ  સતિષ વર્મા  તેની પુછપરછ કરવા માટે પહોંચ્યા હતા.

જામનગર જેવા શહેરમાં ટ્રીપલ મર્ડર કેસની ઘટનાએ માત્ર જામનગર જ નહીં સૌરાષ્ટ્રને હચમચાવી મુક્યું. માળીયાથી શરૂ થયેલી ઘટના  ‘શ્રી નિવાસ’ બંગલા  સુધી  પહોંચી  હતી. શંકાના  આધારે  ઉઠાવી  લવાયેલા  ભવાન  સોઢાને  પોલીસ  સ્ટેશનમાં નીચે પલાંઠી વાળીને  બેસાડાયો.  સામે  ખુરશીમાં  સતિષ  વર્મા  બેઠા.  આસપાસ  પોલીસ  અધિકારીઓ  હાજર હતા. ભવાનની શ્રી નિવાસમાં રંજન અને તેના બે સંતાનોની હત્યા અંગે પુછપરછ શરૂ કરાઇ. ભવાને કહ્યું,‘હું પણ સાહેબ તેને એકમહિનાથી શોધતો હતો પણ ઘરની બહાર તાળું લટકતુ જોઇ રોજ પાછો જતો હતો…!’ ભવાનની આ વાત સાંભળી પોલીસને  એક તબક્કે તો તેની વાત માનવા પર મજબૂર કરતી હતી પરંતુ તેનોભૂતકાળ તે જ હત્યારો હોવાની ચાડી ખાતો હતો.

ભવાનની વાત સાંભળીને વર્મા  રોષે  ભરાઇ  ગયા.  ખુરશીમાં  બેઠાબેઠા  જોરથી  જમીન  પર  પગ  પછાડ્યો  અને  બૂમ પાડતો છણકો કર્યો, સાચું બોલ. પોલીસ સ્ટેશનમાં વર્માના પગના પછડાટે  સન્નાટો  પ્રસરાવી  દીધો.  ભવાન  ગભરાઇ ગયો.  તેણે કહ્યું, ‘સાહેબ અશોક ઉર્ફ ચપ્પાએ હત્યા કરી હોય એવી શંકા છે’.  

અશોક ઉર્ફ ચપ્પા પણ જામનગરનો નામચીન આરોપી. હવે આ હત્યા કેસમાં નવું એક પાત્ર જોડાયું અશોક ઉર્ફ ચપ્પા. પણ, અશોક ઉર્ફ ચપ્પા તો જેલમાં હતો...તો પછી...

(ક્રમશ:)

https://tv9gujarati.in/crime-story-part-2-shriniwas-was-cremation-and-chappa-was-locke-in-jail/


#mihirbhatt #Ahmedabad #Gujarat #Bhavansodha #jamnagar #gujaratpolice #police #CrimeKahani #part2




Friday, November 15, 2019

લોહી નીતરતી ભીંત પોલીસની રાહ જોતી હતી અને 200 કિલોમીટર દૂર કોથળામાંથી માનવ અંગો રોડ પર વેરાઈ પડ્યા!

Mihir Bhatt

ભરજવાનીમાં વિધવા થયેલી એ બે સંતાનની માતાને સહવાસ જોઈતો હતો. જ્યારે તેના પ્રેમીને વાસનાની ભૂખ હતી. મહિલા પ્રેમની તો પ્રેમી પૈસાનો ભૂખ્યો હતો. એક તરફ પ્રેમ તો બીજી તરફ સ્વાર્થના આ સંબંધના કરૂણ અંજામની ઘટનાએ ગુજરાતીઓને હચમચાવી મુક્યા. ગુજરાતમાં ક્યારેય આવી ઘટના ન તો ઘટી હતી કે ન કોઇએ જોઇ હતી…! 19 વર્ષ પહેલા જાહેર રોડ પર કોથળામાંથી મળેલા ત્રણ વ્યક્તિના માનવ અંગો નિર્દય હત્યાકાંડની ચાડી ખાતા હતા. પોલીસે એક એક અંગ ગોઠવ્યાં તો પુરા પણ નહોતા એટલે કે બીજા અંગો ક્યાંક બીજે હતા…! પણ ક્યાં? હત્યાકાંડની ઘટના ક્યાં ઘટી? મરનાર કોણ એ જાણવું પોલીસ માટે લોઢાના ચણા ચાવવા જેવી બાબત હતી. ગુજરાત પોલીસ પર નિષ્ફળતાનો બટ્ટો ન લાગે માટે પોલીસે તપાસમાં એડીચોટીનું જોર લગાવ્યું. અંતે લોહીથી ખરડાયેલા એક લખાણે મૃતક અને તેના આરોપીઓ એમ બન્નેની ઓળખ કરી આપી. એસીડમાં ઓગાળેલા અંગો અને લોહીથી ખરડાયેલી ‘શ્રી નિવાસ’ની દિવાલોની છે આ કહાની.

19 વર્ષ પહેલા એટલે કે બે દાયકા પહેલાંના એક સામાન્ય દિવસની સવાર હતી. હજુ સૂરજના કિરણો રાજકોટ-મોરબી હાઇવેના આસ્ફાલ્ટના રોડ પર પથરાયાં નહોતા. મોરબીથી સિરામિકનો માલ ભરી આવતી કેટલીક ટ્રકો રોડની સાઇડમાં આવેલી ચાની કીટલીઓ પર રોકાઇ હતી, ખુશનુમાં સવાર એક વિચિત્ર ગંધથી લોકોના ભંવા ચડાવતી હતી. હાઇવે પર કોઇ જનાવર ટ્રક નીચે આવીને મરી ગયું હશે..! એવી શંકાએ કોઇ વધુ ધ્યાન આપતું નહોતું પણ થોડીવારમાં જ રસ્તે રખડતા કૂતરા લોહીથી લથબથ કોથળાઓને ચીરફાડ કરવા આમતેમ ખેંચવા લાગ્યા. આ ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું. લોહીથી ખરડાયેલો અને મોંઢેથી બાંધેલા કોથળાને જોઇ લોકોને શંકા ગઇ નક્કી અંદર કોઇ મૃતદેહ છે. વાત આગની જેમ વિસ્તારમાં ફેલાઇ! કૂતરાઓની ખેંચતાણથી લોહીના લીસોટા રોડની ધૂળ સાથે જાણે રેલાવા લાગ્યા હતા. કહેવાય છે કે, તમાશાને તેડું ન હોય! પોલીસ આવે તે પહેલા તો લોકો કોથળાની આસપાસ નિશ્ચિત અંતરે અંદર શું છે? તે જોવા ઉભા રહી ગયા. થોડીવારમાં જ રાજકોટ ગ્રામ્ય પોલીસની એક ગાડી આવી પહોંચી. અંદરથી ઉતરેલા બે-ત્રણ કોન્સ્ટેબલ પણ નાક રૂમાલથી ઢાંકતા કોથળા સુધી પહોંચ્યા. તીવ્ર દુર્ગંધ અને લોહીથી ભીના થઈને માટીવાળા થયેલા કોથળાને પોલીસકર્મીઓ પણ અડવા નહોતા માંગતા. તેણે ટોળામાંથી એક મજૂર જેવા દેખાતા યુવકને બોલાવ્યો અને કડક અવાજે સૂચના આપી ‘ખોલ આને..!’

શરીરે દુબળો એવો શરીરે માત્ર ગંજી અને પેન્ટ પહેરેલો કોઇ ટ્રકનો ક્લિનર પોલીસ અને સેંકડો લોકોની ભીડ વચ્ચે ધીમા પગે આગળ આવ્યો અને કોથળાને બાંધેલી કાથી ખોલવા લાગ્યો. કોથળો ખુલતા જ જાણે વીજ કરંટનો જાટકો લાગ્યો હોય તેટલી ઝડપે તે મજૂર ચાર ડગલા પાછો ખસી ગયો. કાથી ખુલતા જ કોથળો ઢળી પડ્યો અને અંદરથી કપાયેલા માનવ અંગો કોથળામાંથી રીતસર ઢોળાઇને રોડ પર પડ્યાં. સવારનો સન્નાટો વિચિત્ર હતો. બે ઘડી તો જોનારા પણ ધ્રુજી ઉઠ્યા ને હવે માહોલ વધુ ગંભીર બની ગયો. એક કોન્સ્ટેબલે ભીડને દૂર ખસેડવાનું શરૂ કર્યું. બીજાએ પોતાની ગાડીમાં લાગેલા વાયરલેસ સેટ પરથી પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ આપ્યો. હાઇવે પરનો ટ્રાફિક પણ સિંગલ રોડ પર ડાઇવર્ટ કરાયો અને એક તરફનો રસ્તો પોલીસ જીપ અને ખાલી પીપની આડશ મુકી બંધ કરી દેવાયો. જેથી પુરાવાને કોઇ નુકશાન ન થાય.
એટલામાં પોલીસ અધિકારીઓની ગાડીઓ સ્થળ પર આવવા લાગી. રાજકોટ ગ્રામ્યના ડીએસપી અજય તોમરથી માંડીને સ્થાનિક અધિકારીઓ દોડી આવ્યાં. FSLની ટીમ પણ બોલાવી અને આસપાસના રોડને કોર્ડન કરી લેવાયો. સવારના લગભગ દસેક વાગી ગયા હતા. FSLની ટીમને સાથે રાખી પોલીસે પંચનામુ શરૂ કર્યું. કોથળામાંથી કપાયેલા જે માનવ અંગ નિકળ્યાં તે એક મહિલા અને બે બાળકોના હતા. એટલે કે, આ “ટ્રીપલ મર્ડર” કેસની ઘટના હતી. ત્રણ-ત્રણ વ્યક્તિના માનવ અંગ કોથળામાં હાઇવે પર ફેંકાયાની ઘટના બીજા દિવસે રાજકોટ સહિત રાજ્યભરના અખબારોમાં પ્રસિદ્ધ થઈ. પોલીસે જે દિશામાં તપાસ શરૂ કરી તે અંગે અખબારોએ પહેલેથી જ સવાલો ઉઠાવ્યાં હતા. મૃતકો કોણ છે? હત્યા ક્યાં થઈ? શરીરના બીજા અંગો ક્યાં? આ જ બધા સવાલોના જવાબ પોલીસને પણ શોધવાનાં હતા.
બે દાયકા પહેલા મોબાઇલ ફોનનું એ ચલણ નહોંતુ કે ન તો સીસીટીવી ફૂટેજ હતા. ત્યારની પોલીસ માટે માત્ર હ્યુમન ઇન્ટેલીજન્સ એક માત્ર રસ્તો હતો. હાઇવે પર માનવઅંગો ફેંકતા જોનાર કોણ? અહીં બાતમીદાર શોધવો પણ પોલીસ માટે મુંઝવણ ભર્યું કામ હતુ. બીજી તરફ દિવસો વિતવા લાગ્યા હતા. રોજે રોજ અખબારોમાં પોલીસ પર નિષ્ફળતાના નામે માછલા ધોવાવા લાગ્યા.

રાજકોટ- મોરબી હાઇવે પરથી માનવ અંગ ભરેલો કોથળો મળ્યો હોય પોલીસે હવે તપાસ છેક કચ્છ સુધી લંબાવી. આ જિલ્લાઓમાંથી લાપતા થયેલી મહિલા અને બાળકોના મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો. પોલીસને આશંકા હતી કે, કચ્છમાં હત્યા કરીને ટ્રકમાંથી કોથળો ફેંકાયો છે. આખા ક્ચ્છમાં લાપતા મહિલા અને બાળકની શોધખોળ શરૂ કરાઈ પણ પોલીસ જે માની રહી હતી તેનાથી આ ઘટના વધુ ગંભીર અને દિશા પણ અલગ હતી. આ ઘટના હજુ  આખા ગુજરાતમાં હાહાકાર મચવાનો બાકી હતો. એક ખૌફનાક હત્યાકાંડ અને લોહી નીતરતી દિવાલો પણ આરોપી જેલમાં રીબાઈને મરે તે માટે સુકાઇ નહોતી.

(ક્રમશ:)

https://tv9gujarati.in/crime-story-part-1-lohi-nitrati-bhit-police-ni-raah-joii-rhi-hti-ane-200-kilometer-dur-manav-ango-verai-padya/

આતંકના અંતનો આખરી નિર્ણય : ડાકૂને પકડવાનું ATSનું 11 મહિનાનું ઓપરેશન

રાતના ૭:૩૦ વાગ્યા હતા. મે મહિનાનો તાપ વરસાવી સૂર્યનારાયણ હજુ ક્ષિતિજથી ઓઝલ જ થયા હતા. જંગલના નિશાચરો પણ આળસ મરડી રહ્યાં હતાં. એક સામાન્ય દિવ...