Wednesday, February 19, 2020

:: સજની મર્ડર કેસની ક્રાઇમ કહાની :: છ વર્ષ લાંબા ક્રાઇમ બ્રાન્ચના ગુપ્ત ઓપરેશનનો અંત અંતે વળેલી ‘અનામીકા’ જોઇ આવ્યો


MIHIR BHATT

રાતના દોઢ વાગ્યાનો સમય હતો. આઈ.ટી હબ ગણાતા બેંગ્લોરના રસ્તાઓ પર રાત્રી દરમિયાન કામ કરતા એકલ-દોકલ લોકોની અવર-જવર વચ્ચે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એક કોમર્શિયલ કોમ્પ્લેક્ષની લિફ્ટ પાસે પહોંચી. પી.આઈ કિરણ ચૌધરી અને ચારેક વિશ્વાસુ પોલીસ કોન્સ્ટેબલ લિફ્ટને બોલાવવા બટન દબાવી ઉભા રહ્યાં. પી.આઈ ચૌધરી સહિત પાંચેય પોલીસકર્મીઓના મોઢા પર એક ભેદી ગંભીરતા સાથે મૌન હતુ. મનમાં એક ભેદી ઉથલ-પાથલ પણ ચાલતી હતી. ટીમ લીડ કરી રહેલા પી.આઈ ચૌધરીના મનમાં ઉપર જઇને શું થશે? તે તરૂણ જ હશે કે નહીં? તેવા અનેક વિચારો વીજળી વેગે ફરી રહ્યાં હતા. વર્ષો પછી એક વિસરાયેલી ઘટના પરથી પડદો ઉંચકાવાનો હતો.

લિફ્ટ આવી અને પાંચેય જણા અંદર સવાર થયા. કોન્સ્ટેબલે બીજા નંબરની સ્વિચ દબાવી. લિફ્ટમાંથી બીજા માળે બહાર નીકળતા જ ચૌધરી સહિતના સ્ટાફે એક બોર્ડ વાંચ્યુ અને રિસેપ્શન પર પહોંચ્યા. મૂળ અમેરિકન કંપની હોય રાત્રે ઓફિસ ધમધમતી હતા. રિસેપ્શન પર એક પુરૂષ રિસેપ્શનિસ્ટ પણ હાજર હતો. પોલીસકર્મી તેની સામે ટેબલ પર હાથ ટેકવી ઉભા રહ્યાં અને ઓળખ આપ્યા વગર કહ્યું, પ્રવિણ ભોટેલેને મળવું છે..! રિસેપ્સનિસ્ટે ઇન્ટરકોમ પર કોઇને ફોન કર્યો અને કન્નડ ભાષામાં કંઇ કહ્યું. થોડીવારમાં એક યુવક રિસેપ્શન પર આવ્યો. બહાર કોણ મળવા આવ્યું છે? એ આશ્ચર્ય સાથે પહેલાં તેણે રિસેપ્શનિસ્ટ સામે જોયું, તો રિસેપ્શનિસ્ટે પણ પોલીસની ઓળખ આપ્યા વગર ઉભેલા કે.જી ચૌધરી અને તેમના સ્ટાફ સામે મોઢાથી ઇશારો કર્યો. આ દ્રશ્ય તમામ પોલીસકર્મીઓ પણ જોઇ રહ્યાં હતા. પ્રવિણે કહ્યું, ‘યસ..આઇ એમ પ્રવિણ’. પી.આઈ કિરણ ચૌધરીએ હાથ મિલાવવા હાથ આગળ વધાર્યો. પ્રવિણે પણ હાથ લંબાવી કિરણ ચૌધરીના હાથમાં પોતાનો હાથ પોરવ્યો પી.આઈ ચૌધરીને જાણે વર્ષોથી આ એક ક્ષણની રાહ હતી. હાથમાં હાથ મળતાની સાથે જ કિરણ ચૌધરીએ તરત જ તેનો પંજો ફેરવીને તેનો પહોંચો (હથેળીને પાછળનો ભાગ) જોયો. ચૌધરીએ હાથ જોતા જ એક ઉંડો શ્વાસ લીધો અને કહ્યું, ‘કેમ છે તરૂણ?’ તરૂણ.! આ નામ સાંભળતા જ પ્રવિણ પણ ધબકારો ચૂકી ગયો અને જોડે ઉભેલા પોલીસકર્મીઓ સતર્ક થઇ ગયા!

ચૌધરીએ પોતાની ઓળખ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આપતા કહ્યું ‘ચાલો’. તરૂણ પણ આખી ઘટના પળવારમાં સમજી ગયો કે તેને કેમ લઇ જવામાં આવી રહ્યો છે. તેને વર્ષોથી આ વાતનો જાણે અંદાજ હતો કે ક્યારેકને ક્યારેક પોલીસ તેને લેવા આવશે જતે  રિસેપ્શનિસ્ટ સામે પણ જોવા ન ઉભો રહ્યો અને ચાલવા લાગ્યો.

સામાન્ય રીતે પોલીસ કોઇ આરોપીની ધરપકડ કરે તો નિયમ પ્રમાણે તેના ઘરે તો જાણ કરતી જ હોય છે. આ કેસમાં પણ લિફ્ટમાંથી નીચે ઉતરતા પી.આઈ ચૌધરીએ તરૂણને કહ્યું, ‘તારા ઘરે જાણ કરી દે’. તરૂણ બોલ્યો, ‘ના અત્યારે છોકરાઓ અને મારી વાઇફ સુતા હશે. અત્યારે વાત નથી કરવી સવારે કહી દઇશ’. પી.આઈ ચૌધરી પણ તેની સામે જોઇ રહ્યાં. ચૌધરી વિચાર કરી રહ્યાં હતા કે, ‘આટલા વર્ષોના પોલીસીંગમાં આટલો ચબરાક આરોપી નથી જોયો’. લિફ્ટ નીચે પહોંચી અને રોડની સામેની બાજુ પાર્ક કરેલી ખાનગી કારમાં પોલીસકર્મીઓ તરૂણને લઇને બેસી ગયા. ગાડી અમદાવાદ આવવા નીકળી ગઇ.
આખી રાતની મુસાફરી દરમિયાન ગાડીમાં સૌ કોઇ લગભગ ચૂપ જ હતા. ગાડી સડસડાટ હાઇવે પર દોડી રહી હતી. સવારના સાત વાગવામાં થોડીવાર હતી. ચૌધરીએ કહ્યું, ‘ચા પાણી કરી લઇએ’. પોલીસની ખાનગી ગાડી હાઇવે પરની એક હોટલ આગળ ઉભી રહી. પોલીસકર્મીઓ તરૂણને લઇને ચા-પાણી કરવા નીચે ઉતર્યા. ચૌધરીએ ફરી તરૂણને કહ્યું, ‘તારા ઘરે જાણ કરી દે’. તરૂણ ગુમસૂમ હતો. ‘તેણે કહ્યું મારો ફોન આપો’. એક કોન્સ્ટેબલે તરૂણની અટકાયત સમયે કબજે કરેલો તેનો મોબાઇલ સ્વિચઓન કર્યો અને તેને આપ્યો. તરૂણને લઇને પોલીસકર્મીઓ હજુ હોટલ બહાર એક મોટા મેદાનમાં પાર્ક કરેલી ગાડી પાસે જ ઉભા હતા. ત્યાંથી જ તરૂણે ફોન લગાવ્યો. તરૂણની પત્ની નિશાએ ફોન ઉપાડતા કહ્યું, ‘ગૂડ મોર્નિગ પ્રવિણ’. પ્રવિણે કહ્યું, ‘મે તરૂણ બાત કર રહા હું’. સવાર-સવારમાં નિશા પતિની આ વિચિત્ર વાતથી થોડી અકળાઇ ગઇ. તેણે કહ્યું, ‘વોટ રબીશ યાર..’ તરૂણે કહ્યું, ‘હાં, મેરા સહી નામ તરૂણ હે. મુજે અહમદાબાદ પુલીસને પુરાને એક કેસમે ગીરફ્તાર કિયા હૈ. મુજે અહમદાબાદ લે જા રહે હે’. નિશાને હજુ તેના જીવનમાં આવનારી ઉથલપાથલનો અંદાજ નહોતો. તેની માટે આ સવાર જાણે પોતાના અને પરિવાર માટે સૂર્યાસ્ત સમાન બનવાની હતી. નિશાને ડૂમો ભરાઇ ગયો. તે પથારીમાં સુતી એક સાત વર્ષની દીકરી અને બીજા દસ વર્ષના દીકરા સામે જોઇ રહી. તેને સમજાઇ નહોતું રહ્યું કે તેનો પતિ આ શું કહી રહ્યો છે?. ફોનમાં વાત આગળ વધે તે પહેલાં તરૂણે ફોન કટ કરી નાંખ્યો અને કોન્સ્ટેબલને ફોન પાછો આપવા હાથ લંબાવ્યો.

પોલીસકર્મીઓ પણ આ દ્રશ્ય જોઇ રહ્યાં હતા. તેમને પણ પોતાની ફરજ બજાવાની હતી. તરૂણને ફોન કરતા જોઇ સ્તબ્ધ બનેલા પોલીસકર્મીઓએ હવે એક ઝાટકે લાગણીઓ ખંખેરી અને તરૂણને હાથ પકડી રેસ્ટોરન્ટ તરફ ચાલવા લાગ્યા.

આ ક્રાઇમ કહાનીમાં પ્રેમ છે, બેવફાઇ છે, ફિલ્મી કહાનીને પણ ધોબી પછડાટ આપે તેવા આરોપીના કાવાદાવા છે. એક તરફ પોલીસની ગંભીર ભૂલ છે, તો બીજી તરફ તે જ પોલીસના ધૈર્યની કસોટી છે. પત્રકારે યાદ કરાવેલી આ વિસરાયેલી મર્ડર મિસ્ટ્રીની ગજબની કહાની છે, જેમાં પોલીસે જાહેરમાં નહીં કબુલેલી તપાસની તે તમામ ખાનગી બાબતોનું વર્ણન છે જે પકડાયા પછી આજ સુધી ખુદ તરૂણ પણ નથી જાણી શક્યો કે તે કેવી રીતે પકડાયો..!

વાત, વર્ષ ૨૦૧૨ના ઉનાળાની એક બપોરની છે. સિનિયર પત્રકાર પ્રશાંત દયાળ, બંકીમ પટેલ અને ત્રીજો એક પત્રકાર અમદાવાદ ક્રાઇમબ્રાન્ચના ડીસીપી હિમાંશુ શુક્લાની ચેમ્બરમાં બેઠા હતાં. શહેરમાં એવી કોઇ મોટી ઘટના નહોતી પણ પત્રકારો અને પોલીસકર્મીઓને આ રીતે મળવાનો લગભગ રોજનો ક્રમ હોય છે. શહેરમાં બાકી રહી ગયેલા ગુનાઓની વાત ચાલતી હતી ત્યારે જ પેલા પત્રકારે કહ્યું, સાહેબ સજની મર્ડર કેસ જુવો ને! એનો આરોપી તરૂણ હજુ નથી પકડાયો.

ડીસીપી હિમાંશુ શુક્લા નોર્મલ ટોનમાં જ બોલ્યા, ‘કયો કેસ?’ પત્રકારે કહ્યું, ‘૧૪ ફેબ્રુઆરી ૨૦૦૩માં બોપલના હિરા-પન્ના ફ્લેટમાં હત્યા થઇ હતી. પ્રેમિકા સાથે લગ્ન કરવા પતિએ જ પત્નીની હત્યા કરી એ પણ પ્રેમિકાને બતાવવા વેલેન્ટાઇન ડે પર જ હત્યા કરી હતી’. હિમાંશુ શુક્લા બોલ્યા…‘અચ્છા, તરૂણ અભીતક નહીં પકડા ગયાં..યે બાત કો તો દસ સાલ હો ગયે!’ તેમણે ત્રણેય પત્રકારોની હાજરીમાં જ બેલ માર્યો અને તેમનો ગનમેન અંદર આવ્યો. શુક્લાએ ગનમેનને કહ્યું, ‘કે.જી ને બોલાવશો..’ ડીસીપીનો હુકમ થતા જ કિરણ ચૌધરી હાથમાં એક ડાયરી અને પેન સાથે તેમની ચેમ્બરમાં આવ્યાં. આગળની ખુરશીમાં ત્રણેય પત્રકારો બેઠા હતા માટે કે.જી ચૌધરી ત્રણેયની ખુરશી પાછળ જ ઉભા રહ્યાં અને કહ્યું, ‘જી સર’. હિમાંશુ શુક્લાએ તેમની સામે જોતા કહ્યું, ‘કિરણ આ કોઇ સજની મર્ડર કેસ છે એનો આરોપી હજુ નથી પકડાયો આપણે લઇ લઇશું..?’ હિમાંશુ શુક્લાના કહેવાનો અર્થ હતો કે, આ કેસ ભલે અમદાવાદ ગ્રામ્યની હદમાં હોય પણ આપણે ડિટેક્ટ કરી નાંખવો જોઇએ. કિરણ ચૌધરી તેમની વાત સાંભળતા જ કહ્યું, ‘સાહેબ,આપણે પહેલાં આ કેસની તપાસ કરી છે પણ કંઇ મળ્યું નથી.’ પોલીસ અધિકારીઓ ઘણીવાર કોઇ વાત પોતાને પહેલેથી ખબર છે એવો દેખાડો કરવા વિશ્વાસથી વાત કરતા હોય છે. પત્રકારને લાગ્યું આ વખતે પણ કદાચ આવું જ હશે. આ એ સમય હતો જ્યારે કિરણ ચૌધરી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા. બસ આ વાત જાણે અહીં પતી ગઇ. પી.એસ.આઈ ચૌધરીએ કડક હાથે મુઠ્ઠીવાળી બે હાથ પાછળ ખેંચતા હિમાંશુ શુક્લાને સલામ ભરીને તેમની કેબીન બહાર નીકળી ગયા. સજનીની વાત કરનારા પત્રકારને લાગ્યું કે અહીં પણ કશું નહીં થાય. જે પત્રકારે સજની મર્ડર કેસની વાત હિમાંશુ શુક્લા સામે માંડી હતી તે સ્ટોરી જ્યારે તેણે પહેલીવાર વર્ષ ૨૦૦૭માં કરી ત્યારે તે સજનીના માતા-પિતાને મળ્યો હતો. તેમને રડતા જોયા હતા. ત્યારે મનમાં વિચાર કર્યો હતો કે, સજનીનો આરોપી તો પકડાવવો જ જોઇએ.

પત્રકારે હિમાંશુ શુક્લાને વાત કરી તે પહેલા પાંચ વર્ષમાં ઘણા અધિકારીઓને વોન્ટેડ તરૂણને પકડવા વાત કરી હતી. કેટલાક અધિકારીઓએ દાવો પણ કર્યો હતો કે, તેમણે તપાસ કરી છે પણ કશું મળ્યુ નથી.

વર્ષ ૨૦૧૨ની આ ઘટના બાદ પત્રકારના મનમાં સજની કેસ ફરી વાગોળાવા લાગ્યો હતો. ડિસેમ્બર ૨૦૧૨માં નિર્લિપ્ત રાયની અમદાવાદ ગ્રામ્યના પોલીસ વડાં તરીકે નિમણૂક થઇ. એક દિવસ મોકો મળ્યો ત્યારે પત્રકારે નિર્લિપ્ત રાયને પણ સજની મર્ડર કેસની વાત કરી. નિર્લિપ્ત રાયે વાત સાંભળતા જ હત્યા કેસમાં રસ દાખવ્યો અને પુછ્યું ‘ક્યાંથા વો કેસ?’

પત્રકારે કહ્યું – ‘ઘટના ૧૪ ફેબ્રુઆરી ૨૦૦૩ની એક સાંજે બોપલના હિરાપન્ના ફ્લેટના ત્રીજા માળે કોઈના જોજોથી રડવાનો આવજ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. અવાજની દિશા સાંભળી તે તરફ દોડ્યા ત્યારે ઘરના દરવાજા પાસે ઉભેલો તરૂજીન્નરાજ રડી રહ્યો હતો, રૂમમાં ડબલ બેડ પર તેની પત્ની સજની નિશ્ચેતન થઈ પડી હતી. પાડોશીઓએ શું થયું? પુછતા તરૂણે કહ્યું, કોઈએ મારી પત્નીને મારી નાંખી છે!આ સાંભળતા જ પાડોશીઓતો જાણે ધબકારો ચૂકી ગયા.

ઘટનાની જાણ કરવા કોઇએ અમદાવાદ ગ્રામ્ય પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને કહ્યું, બોપલના હિરા-પન્ના ફ્લેટમાં એક મહિલાની કોઈએ હત્યા કરી છે અને ઉચ્ચ અધિકારીઓ સહિત સરખેજ પોલીસ દોડી આવી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે, મૃતક સજની એક ખાનગી બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતી હતી, જ્યારે તેનો પતિ તરૂજીન્નરાજ મેમનગરની ડી.પી.એસ સ્કૂલમાં પી.ટીનો શિક્ષક હતો. પોલીસે સ્થળનું પંચનામુ કર્યુ અને સજનીના મૃતદેહને પી.એમ માટે મોકલી આપ્યો. પોલીસને આ બધુ પતાવતા સાંજ પડી ગઇ.

ફેબ્રુઆરીની ઠંડી હતી અને સાંજ પણ વહેલી ઢળી ગઈ હતી. ઘરમાં રોકકળ ચાલતી હતી માટે પોલીસે સજનીના પતિ તરૂણની વધુ પુછપરછ ન કરી. પરંતુ એફ.એસ.એલ અને સ્નિફર ડોગની મદદથી પોલીસે હત્યારા સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કરી દીધા. કેટલાક પોલીસ કર્મીઓ ફ્લેટના એક ખુણામાં બેસીને તરૂના ભાઇ અરૂણની ફરિયાદ નોંધી રહ્યાં હતા અને પોલીસના સ્નિફર ડોગ સજનીનો મૃતદેહ જે રૂમમાંથી મળ્યો તે રૂમમાંથી બહાર નીકળીને જે જગ્યાએ ફરિયાદ નોંધાઈ રહી હતી તે તરફ આવી રહ્યાં હતા.

સજનીનો મૃતદેહ મળ્યો ત્યારથી પોલીસ ફરિયાદ નોંધાવાની શરૂઆત થઈ ત્યાં સુધી સજનીના પરિવારને હત્યા લૂંટના ઈરાદે થઈ હોવાની આશંકા હતી. બીજ તરફ બે પૈકી એક સ્નિફર ડોગ તરૂણ સામે ઉભુ રહી ગયુ અને ભસવા લાગ્યું. પોલીસ અધિકારીઓ દાળમાં કંઈક કાળુ હોવાનું સમજી ગયા. પરંતુ ઘરમાં ચાલતી રોકકળ અને મજબૂત પુરાવા વગર તરૂણની પુછપરછ કરવી શક્ય ન હતી. પોલીસે ભારે ધીરજ અને ચાલાકી પૂર્વક સ્નિફર ડોગને ત્યાંથી ખસેડાવી લીધા. બે કલાક બાદ ફરિયાદ નોંધાવાની કામગીરી પૂર્ણ થઈ અને તરૂણ નવરો પડ્યો. પોલીસ હજુ પણ હિરા-પન્ના ફ્લેટ નીચે હાજર હતી.
મોડી રાતે કેટલાક પોલીસકર્મીઓએ તરૂણને નિવેદન નોંધવાનું છે તેમ કહી સરખેજ પોલીસ સ્ટેશન સાથે લઇ ગયા. સ્નિફર ડોગ તરૂણ સામે ભસ્યો હોવાથી પોલીસને તેના પર શંકા હતી પરંતુ પુરાવા એકાઠા કરવાના હતાં. કારણ, હાઈ પ્રોફાઈલ અને એડ્યુકેટેડ ફેમિલિ વિરૂધ્ધ કોઇ અણવિચાર્યુ અને ઉતાવળ્યું પગલું પોલીસને ભરવું નહોતુ.

મોડી રાતે સરખેજ પોલીસ સ્ટેશનમાં તરૂણનું નિવેદન શરૂ થયું. રૂણે પોલીસને જણાવ્યું કે, અમારા લગ્ન બે વર્ષ અગાઉ થયા હતા. અમારે કોઈ સંતાન નથી. આજે વેલેન્ટાઈન ડે હોઈ હું સજની માટે ગીફ્ટ લેવા બપોરે વિજય ચાર રસ્તા ગયો હતો. ગીફ્ટ લઈને પરત આવ્યો ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને ડબલ બેડ પર સજની નિશ્ચેતન પડી હતી. નિવેદન સમયે પોલીસે તરૂણના કપડાં અને હાથ પણ સુંઘ્યાં હતા. રૂણ પણ ચબરાક હતો, તેને અંદાજ આવી ગયો  કે પહેલાં સ્નિફર ડોગ ભસ્યા છે અને હવે કપડાં અને હાથ સુંઘીને પોલીસ તપાસી રહી છે કે તે જ આરોપી છે કે કેમ?

બીજી તરફ પોલીસે તરૂણનું આ નિવેદન નોંધ્યું. નિવેદન સમયની તરૂણની બોડી લેંગ્વેજથી પોલીસને તરૂણ વિરૂધ્ધ શંકા વધુ મજબૂત બનવા લાગી હતી. બીજા દિવસે પી.એમનું પ્રાથમિક તારણ આવી ગયું અને સજનીની ગળુ ઘોંટીને હત્યા કરી હોવાનું ખુલ્યું. બસ પોલીસ માટે હવે હત્યારા સુધી પહોંચવા મજબૂત પુરાવાની જરૂર હતી. રૂણની બોડી લેંગ્વેજ સતત બદલાઈ રહી હતી, બીજી તરફ સ્નિફર ડોગ તેની સામે ભસ્યા હોઈ પોલીસને શંકા હતી જ ઉપરાંત તેના હાથમાંથી આવેલી પર્ફ્યુમની સુગંધ તરૂણ જ હત્યારો હોવાની ચાડી ખાતી હતી. પરંતુ પોલીસને જાણવું હતું કે,રૂણે હત્યા કેમ કરી? બીજા દિવસે તરૂણની થોડી કડક પુછપરછ અને મિત્રવર્તુળના નિવેદનમાં પોલીસને જાણવા મળ્યું કે, તેને એક રેડિયો સ્ટેશનની આર.જે સાથે પ્રેમ હતો. બન્ને લગ્ન કરવા માંગતા હતા.

તપાસ અધિકારીના મગજમાં વિજળી વેગે જાણે ચમકારો થયો કે, સજનીની હત્યા વેલેન્ટાઈન ડે પર જ થઈ છે. શું તરૂણે સજનીની હત્યા કરી તેની પ્રેમિકાને ગીફ્ટ તો નથી આપીને? રૂણને તાત્કલીક પોલીસ સ્ટેશન બોલાવાયો. બીજી તરફ ચબરાક તરૂણ પોલીસની કાર્યવાહી પર પણ નજર રાખી રહ્યો હતો. તે પોલીસ સ્ટેશન જવાને બદલે બોપલની એક હોસ્પિટલમાં બિમારીનું બહાનું કાઢી દાખલ થઈ ગયો. પોલીસ હવે લગભગ તરૂણની ધરપકડ કરવાની તૈયારીમાં જ હતી, પરંતુ તે હોસ્પિટલમાં ભર્તી થઈ ગયો હોવાનું જાણતા પોલીસે તેના પર વોચ ગોઠવી અને તત્કાલીન પી.એસ.આઈ એમ.એમ ઝાલાને સ્ટાફ સાથે હોસ્પિટલમાં તહેનાત કરાયા. પોલીસ પોતાના માટે જ ગોઠવાઈ હોવાનું જાણતો તરૂણ ધરપકડ થાય તે પહેલાં જ હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયો. પોલીસ વોર્ડની બહાર તહેનાત હતી તેમ છતાં તે ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસની તહેનાતી ભેદી હતી કે પોલીસની ભૂલ હતી તે બાબત આજે પણ રહસ્ય છે.

રૂણના ગુમ થતાંની સાથે જ પોલીસે આરોપી તરીકે ફરિયાદમાં તરૂણનું નામ નોંધી નાંખ્યું. તરૂણ બસ ત્યારથી ગુમ છે.’ પત્રકારે નિર્લિપ્ત રાયને એ પણ કહ્યું કે, સાહેબ, આ કેસમાં આરોપી તરૂણ વિરૂધ્ધ એલ..સી જાહેર કરાઇ છે. એટલું જ નહીં, સજનીના પિતા ઓ.પી ક્રિશ્નનને તો મૂળ કેરળનો તરૂણ પોતાના વતનમાં જ છુપાયો હોવાની શંકાથી તેની ખબર આપનારને એક લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. પરંતુ છેલ્લીવાર હોસ્પિટલમાં જાહેરમાં દેખાયેલા તરૂણને ત્યાર બાદ કોઈએ જોયો નથી. તેની પ્રેમિકા પણ મુંબઈ સ્થાયી થઈ ગઈ હોવાનું કહેવાય છે.

આ આખી ઘટના નિર્લિપ્ત રાય શાંતિથી સાંભળતા રહ્યાં અને કેસમાં તપાસ કરવાનું વચન આપ્યું.
નિર્લિપ્ત રાયે આ કેસમાં લગભગ એક વર્ષ સુધી તપાસ કરી અને આરોપી સુધી પહોંચવાના કરી શકાય એટલા પ્રયાસો કર્યા. પરંતુ તેમની પાસે આખા અમદાવાદ જિલ્લાના કાયદો અને વ્યવસ્થાનો ભાર હતો. માટે તે આ એક માત્ર કેસ પર ધ્યાન કેન્દ્રિત ન કરી શક્યા. છતાં તેમના પ્રયાસો ગ્રામ્ય પોલીસની સરખામણીએ મજબૂત હતા.

સમય વિતવા લાગ્યો. દેશમાં લોકસભાના ઇલેક્શન હતા. માટે સરકારી અમલો ઇલેક્શનની તૈયારીઓમાં લાગી ગયો હતો. આ તૈયારીઓમાં પોલીસ પણ બાકી ન રહી. આચાર સંહિતા લાગુ પડે તે પહેલા રાજ્યભરના પોલીસબેડામાં સાગમટે બદલીઓ આવી. ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. કિરણ ચૌધરની પણ સાબરકાંઠા બદલી થઇ ગઇ અને સજની મર્ડર કેસ જાણે વિસરાઇ ગયો.

સજની કેસ હવે બે વ્યક્તિના મનમાં જ જીવંત હતો. એક પત્રકાર અને બીજા કે.જી ચૌધરી. પત્રકારે સ્ટોરીના રીપોર્ટીંગ દરમિયાન સજનીના માતા-પિતાને રડતા જોયા હતા માટે આરોપી તરૂણ પકડાય તેવી તેની પ્રબળ ઇચ્છા હતી. જ્યારે કે.જી ચૌધરીએ મનોમન આ ચેલેન્જ સ્વિકારી લીધી હતી.

દેશમાં ઇલેક્શન પૂર્ણ થઇ ગયું, નરેન્દ્ર મોદીની સરકાર બની ગઇ. દેશભરમાં નવી સરકાર અને વડાપ્રધાન મોદીના ‘અચ્છેદીન આયેંગે’ના નારાની ચારેકોર ચર્ચા હતી ત્યારે તરૂણના ખરાબ દિવસોની શરૂઆત થવાની હતી. ફરી એકવાર રાજ્યના પોલીસબેડામાં બદલીઓનો ગંજીફો ચીપાયો અને કિરણ ચૌધરીની ફરી અમદાવાદમાં બદલી થઇ. પોલીસ કમિશનરે તેમના જુના અનુભવને જોતાં ફરી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં જ પોસ્ટીંગ આપ્યું. કિરણ ચૌધરી ફરી ક્રાઇમ બ્રાન્ચમાં આવ્યા ત્યારે તરૂણને પકડવાની નેમ લઇને આવ્યાં હતા.

ક્રાઇમ બ્રાન્ચમાં પણ ડીસીપી બદલાઇ ચુક્યા હતા. હિમાંશુ શુક્લાની જગ્યાએ દીપન ભદ્રન ક્રાઇમ બ્રાન્ચના ઓપરેશનમાં સક્સેસ રહેવાનો રેસીયો જાળવવામાં સફળ રહ્યાં હતાં. દીપન ભદ્રનના આવતા જ તેમની આગેવાનીમાં સૌથી મોટુ ઓપરેશન વિશાલ ગોસ્વામી જેવી ગેંગને પકડવાનું સફળ રહ્યું હતુ. કે.જે ચૌધરીએ દીપન ભદ્રનને સજની મર્ડર કેસના આરોપીને પકડવાના ઓપરેશનની વાત કરી અને શરૂ થયું એક ગુપ્ત ઓપરેશન.

કિરણ ચૌધરીએ સૌથી પહેલાં તરૂણને પકડવા તેની વિગતો એકઠી કરવા લાગ્યા. તેમણે આ કેસને યાદ કરાવનારા પત્રકાર પાસેથી તેણે લખેલી સ્ટોરી અને બીજી વિગતો માંગી. સજનીના પરિવારના સભ્યોની વિગતો અને જે તે સમયે પોલીસે બનાવેલા તરૂણના અલગ અલગ ચહેરાના ફોટો પણ પત્રકારે મેઇલ કરી આપ્યાં.

તરૂણને પકડવાનું ઓપરેશન શરૂ થયું છે તે વાત હવે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી દીપન ભદ્રન, કે.જી ચૌધરી અને તેમના કેટલાક નક્કી કરેલા પોલીસકર્મી તથા એક પત્રકાર જાણતા હતા.

કિરણ ચૌધરીએ પરિવારની વિગતો તો એકઠી કરી લીધી. આ તમામ લોકોના ફોન કોલ્સ ટ્રેસીંગ ઉપરાંત તેમના સીડીઆર પણ તપાસવાનું શરૂ કર્યું. ફોન કોલ્સમાંથી જે નંબર અને નામ શકમંદ લાગે તે નંબર વાળી વ્યક્તિની ખાનીગ રાહે તપાસ થવા લાગી. જે તે વ્યક્તિના કોલ ટ્રેસ કરવા ઉપરાંત તેમના સીડીઆર અને તે વ્યક્તિ જે ત્રાહિત વ્યક્તિ સાથે વાત કરે તેમની મોબાઇલ સર્વેલન્સથી તપાસ થવા લાગી. તરૂણ ક્યાંક કોઇકના સંપર્કમાં તો હોવો જ જોઇએ તેવી આશાએ આ ફોન કોલ્સની તપાસ થવા લાગી અને તપાસના આ પહેલાં જ પગથિયે એક હજારથી વધુ લોકોને તપાસાયા. જ્યાં જરૂર પડી ત્યાં પોલીસ પહોંચીને જે તે વ્યક્તિની ખાનગીમાં તપાસ કરી પણ તરૂણ ન મળ્યો.

પોલીસનું ફોન ટ્રેસીંગનું આ પહેલું ઓપરેશન ફેઇલ રહ્યું. સામાન્ય સંજોગોમાં પોલીસ આટલી મહેનત પછી તો આરોપી સુધી પહોંચી જ જતી હોય છે. પણ હજુ તરૂણ પોલીસથી બે ડગલા આગળ ચાલી રહ્યો હતો. ફોન ટ્રેસીંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે દેશના તમામ એરપોર્ટ અને પોર્ટ પરથી તપાસ કરાવી લીધી હતી કે, ૧૫ ડિસેમ્બર ૨૦૦૩ પછી તરૂણ વિદેશ તો નથી ભાગી ગયો ને! પોલીસે આ તપાસ દરમિયાન જાણી લીધુ હતુ કે, તરૂણ ભારતમાં જ છે. પરંતુ, સવાસો કરોડની વસ્તી વાળા દેશમાં તરૂણને શોધવો કેવી રીતે? તે પોલીસ માટે લોઢાના ચણા ચાવવા જેવું સાબીત થઇ રહ્યું હતુ.

જો કે, પોલીસકર્મીઓમાં ધીરજ સાથે તરૂણને પકડવાની મક્કમતા પણ હતી. કિરણ ચૌધરી અને ડીસીપી ભદ્રને આ મુદ્દે અનેકવાર મિટિંગ કરતા અને તરૂણ સુધી પહોંચવાની શક્યતાઓ તપાસતા. તેમની એક બેઠક દરમિયાન નક્કી થયું કે, તરૂણ જીવતો હશે અને ભારતમાં જ હશે તો તેના માતા-પિતાને તો મળવા આવશે જ. માટે તેના પરિવારની રોજે રોજની દિનચર્યા પર નજર રાખવી.

પોલીસ હવે તરૂણના માતા-પિતાના ફોનનું સર્વેલન્સ ગોઠવ્યું. તરૂણની માતા અન્નમાચાકો અને પિતા જીન્નરાજ કરૂણાકર એક દિવસ કેરળ ગયા હતા. સજનીના પરિવારે અગાઉ એવી ફરિયાદ પણ કરી હતી કે, તરૂણ તેમના મૂળ નેટીવ કેરળમાં ક્યાંય છુપાયો હોવો જોઇએ. પોલીસને અન્નમાચાકો અને કરૂણાકરના આ પ્રવાસથી પોલીસ એલર્ટ બની. વૃધ્ધ દંપતિ કેરળ પહોંચ્યું ત્યારે પણ પોલીસે તેમના ફોન સતત ટ્રેસ કર્યા. શંકા હતી કે, ત્યાં તે તરૂણને મળશે. પોલીસ કેરળમાં આ વૃધ્ધ દંપતિના સંપર્કમાં આવનારા લોકોના ફોન ટ્રેસ કરવા લાગી. આ દરમિયાન પોલીસને બે ફોનકોલ્સ એવા મળ્યા કે, જે અગાઉ અન્નમાચાકો મનસોર (મધ્યપ્રદેશ) તેમના ઘરે હોય ત્યારે પણ વાત કરતા હતા. આ બન્ને ફોન કોલ કરનારા પ્રવીણ ભોટેલે અને રાજશેખર (નામ બદલ્યં છે)ની અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી લીધી હતી. બન્ને અન્નમાચાકોના પરિવારથી પરિચીત હતા. આ તપાસ માત્ર કોલ ટ્રેસીંગથી થઇ હતી જે પોલીસની એક મોટી ભૂલ પણ સાબીત થવાની હતી અને ભવિષ્યના ઓપરેશન માટે બોધપાઠ પણ બનવાની હતી.

કેરળમાં પણ આ બન્ને વ્યક્તિના ફોનકોલ્સ અન્નમાચાકો પર આવતા હતા. દરમિયાન કોલ ટ્રેસીંગમાં ક્રાઇમ બ્રાન્ચને જાણવા મળ્યું કે, તરૂણના માતા-પિતા કેરળના એક રીટ્રીટ સેન્ટરમાં રોકાયા હતા ત્યાં કરૂણાકરની તબિયત લથડી છે. કરૂણાકરને કેરળની જ એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. પોલીસને લાગ્યું કે, પિતાના મોતના સમાચાર સાંભળીને તરૂણ ચોક્કસ અંતિમ વિધિમાં તો આવશે જ. કારણ તે કેરળમાં છુપાયાની આશંકા પણ પોલીસને હતી. પોલીસની થિયરી હતી કે, એમ પણ આટલા વર્ષે તેને અંદાજ નહીં હોય કે, પોલીસ તેને હવે શોધતી હશે.

પી.આઇ ચૌધરીએ આ વાતની જાણ તાત્કાલીક ડીસીપી ભદ્રનને કરી અને કેરળ જવાની મંજુરી માંગવામાં આવી. પી.આઈ ચૌધરી સહિત પાંચેક પોલીસકર્મીઓ તેજ દિવસે ફ્લાઇટમાં કેરળ પહોંચ્યા અને સફેદ કપડામાં ‘ડાઘુ’ બનીને તરૂણના પિતાની અંતિમ વિધિમાં જોડાયાં. ખાનગીવેશમાં પહોંચેલી પોલીસે ત્યાં આવનારા તમામ લોકો પર નજર રાખવાનું શરૂ કર્યું. પોલીસને શંકા હતી કે, તરૂણે વેશ પલ્ટો કર્યો હશે માટે તેના જેવા લાગતા વ્યક્તિની વિશેષ તપાસ કરવી. અંતીમક્રિયા પૂર્ણ થઇ પણ પોલીસના આ ગુપ્ત ઓપરેશનનો અંત ન આવ્યો. પોલીસનું આ ઓપરેશન પણ નિષ્ફળ રહ્યું. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને ચાણક્યએ કહેલી વાત સમજાઇ ગઇ કે, ‘શિક્ષક સાધારણ નહીં હોતા’. આ શિક્ષક પણ કોઇ સામાન્ય આરોપી નથી.

સ્મશાન યાત્રામાં તરૂણને ઓળખીને પકડી પાડવાનું ઓપરેશન નિષ્ફળ રહેતા કે.જી ચૌધરીએ ફરી ડીસીપી દીપન ભદ્રન સાથે બેઠક કરી. બન્નેની ચર્ચા મોડી રાત સુધી ચાલી. નક્કી થયું કે, હવે તરૂણને પકડવા તેનાથી વધુ સ્માર્ટ રીતે તપાસ કરવી પડશે. બન્નેની વાતનો સાર નિકળ્યો કે, હવે આ કેસમાં તરૂણની પૂર્વ પ્રેમિકાનો સહારો લેવો પડશે. તેને વિશ્વાસમાં લઇને તરૂણની તપાસ કરવી પડશે. તરૂણની પૂર્વ પ્રેમિકાનો સંપર્ક કરવાનું નક્કી કર્યું. પરંતુ, પોલીસને એ પણ ડર હતો કે, તેની પાસે તરૂણની વાત કઢાવવી સરળ નથી. કારણ એ પણ હતુ કે, કદાચ તે આજે પણ તેના સંપર્કમાં હોય તો? વાત તરૂણ સુધી પહોંચતા વાર નહીં લાગે અને તે સતર્ક થઇ જશે. એ વાતે પોલીસને અટકાવી. પોલીસે તરૂણની પૂર્વ પ્રેમિકાની વોચ શરૂ કરી. તેના ફોનકોલ્સની તપાસ કરી લીધી પરંતુ તેમાં ક્યાંય તરૂણનો કોઇ પતો ન લાગ્યો. આ બધી તપાસ એક-એક બે-બે મહિનાની ચાલતી. પોલીસ ભારે ધીરજથી આગળ વધી રહી હતી. કારણ હવે તરૂણને શોધવો તે અધિકારીઓને મન પ્રતિષ્ઠાનો સવાલ હતો. તરૂણની પૂર્વ પ્રેમિકા હવે આ આખી બાબતથી અલગ હોવાની નિશ્ચિત થતા પોલીસે તરૂણના જૂના મિત્રોની શોધ શરૂ કરી. પોલીસને જાણવા મળ્યું કે, તરૂણનો એક નરેન્દ્ર નામનો મિત્ર છે. પોલીસે તેને શોધી કાઢ્યો અને તરૂણની પુછપરછ શરૂ કરી. નરેન્દ્ર પાસેથી પોલીસને તરૂણની ખાસ કોઇ વિગત તો ન મળી પણ હાં, તેના શોખ, દેખાવ, વાત કરવાની સ્ટાઇલ તે ક્યાં હોઇ શકે છે? કોના સંપર્કમાં હોઇ શકે છે? કેવો દેખાતો હશે? તેને ઓળખવા માટેને કોઇ વિશેષ નિશાની? આવા અનેક મુદ્દે નરેન્દ્રની પુછપરછ કરાઇ. ત્યારે પોલીસને જાણવા મળ્યુ કે, તરૂણની અનામીકા કોઇ અકસ્માતના કારણે વળેલી છે. તેની તમામ આંગળીઓ સીધી કરે ત્યારે માત્ર અનામીકા જ વળેલી રહે છે. તરૂણ એક દાયકા પછી જેવો લાગતો હોય તેવો પણ તેની અનામીકાથી તેને ચોક્કસ ઓળખી લેવાશે.

ઇન્વેસ્ટિગેશનમાં સ્માર્ટ અધિકારીઓ ઘણીવાર નાની ક્લૂમાંથી મોટી સફળતા મેળવી લેતા હોય છે. દિલ્હીના પૂર્વ પોલીસ કમિશનર નિરજકુમારે પોતાની બૂક ‘ડાયલ ડી ફોર ડોન’માં ઉલ્લેખ કર્યો છે કે, અમદાવાદમાં વર્ષો પહેલા લતીફનો દબદબો હતો ત્યારે તેને દિલ્હીથી પકડવાનું ઓપરેશન સફળ રહ્યું હતુ. લતીફ જ્યારે પકડાયો ત્યારે તત્કાલીની ડીસીપી એ.કે. જાડેજા તેનો ફોન ટ્રેસ કરીને સાંભળી રહ્યાં હતા. દિલ્હીના કોનટ પ્લેસ નજીક એક એસ.ટી.ડી બૂથમાંથી કરાયેલા આ ફોનમાં લતીફ અને સામે વાળી વ્યક્તિ બન્ને એક બીજાના નામ વગર વાત કરી રહ્યાં હતા. પરંતુ જાડેજાને લતીફની વાત કરવાની સ્ટાઇલ ખબર હતી. લતીફ વાત કરતો હોય ત્યારે વારંવાર ‘એસા ક્યાં?’ બોલતો હતો. આ ફોન ટ્રેસીંગમાં પણ લતીફ એકવાર બોલ્યો કે ‘ઐસા ક્યાં?’ અને તે ઓળખાઇ ગયો.

ક્રાઇમ બ્રાન્ચ માટે પણ આ વળેલી અનામીકા જેવી નાની ક્લૂ જ સફળતા અપાવાની હતી પરંતુ તે માટે સવાસો કરડોની જનતા વળા દેશમાં એક કાવાદાવા ભરેલુ ગુપ્ત ઓપરેશન ચલાવાનું હજુ બાકી હતુ.
ક્રાઇમ બ્રાન્ચે તમામ નાની-નાની વિગતોની નોંધ સાથે તરૂણની ફાઇલ તૈયાર કરવાનું શરૂ કર્યું. ક્રાઇમ બ્રાન્ચે નક્કી કર્યું કે, હવે તરૂણને પકડવા તેના ઘરમાં ઘુસવું પડશે. કોઇ આરોપીને ઘરમાં ઘુસીને પકડવા જેટલું આ કામ સહેલું ન હતુ. ઘરમાં ઘુસવાનું ઓપરેશન પાર પાડવા તત્કાલીન પી.એસ.આઈ કે.આઈ જાડેજા અને વાયરલેસ પી.એસ.આઈ કે.પી પટેલ મનસોર પહોંચ્યા. બન્નેએ થોડા દિવસ રોકાણ કર્યું અને વિગતો એકઠી કરી કે, અન્નમાચાકો એકલા જ રહે છે અને તેમના ઘરનો ઉપરનો માળ ભાડે આપવાનો છે. આ વિગતો મળતા જ કિરણ ચૌધરીએ પોતાના વિશ્વાસુ ચારેક કોન્સ્ટેબલને તૈયાર કર્યા. આ ચારેય કોન્સ્ટેબલ ઉમરમાં નાના દેખાતા હોવા જરૂરી હતી. માટે એવા જ કોન્સ્ટેબલની પસંદગી કરાઇ. ચારેય મનસોર પહોંચ્યા અને અન્નમાચાકો રહેતી હતી તે વિસ્તારમાં જાણી જોઇને મકાન ભાડે લેવાનું નાટક શરૂ કર્યું. સ્થાનિક દલાલોને મળ્યાં અને સોસાયટીઓમાં જઇને ભાડાંના મકાન માટે પૃચ્છા કરવા લાગ્યા. પોલીસની આ ચાલ સફળ રહી. અન્નમાચાકો જે ઘરમાં રહતી હતી તે જ ઘર સોસાયટીના એક આગેવાને બતાવ્યું. પોલીસકર્મીઓએ પોતાની ઓળખ સેલ્સમેન તરીકેની આપી અને માર્કેટીંગના કામથી બહારગામ આવવા જવાનું રહેતું હોવાનું કહી મકાન ભાડે લીધુ. હવે પોલીસકર્મીઓ તરૂણની માતાના ઘરે જ ઉપરના માળે ભાડે રહેવા પહોંચી ગયા.

મહિનાઓ સુધી બહાર રહેવું પોલીસકર્મીઓ માટે શક્ય ન હતુ. ઉપરાંત રાજ્ય સરકારનો ગૃહવિભાગ પણ મહિનાઓ સુધી કોન્સ્ટેબલોને બીજા રાજ્યમાં રહેવાની પરવાનગી આપે તેમ ન હતો. માટે બે-ત્રણ દિવસ કોન્સ્ટેબલ રોકાય અને તે પાછા આવી જાય. તેમની જગ્યાએ બીજા કોન્સ્ટેબલ જતા રહે. આમ કોન્સ્ટેબલોએ અન્નમાચાકો સાથે ઘરોબો વધાર્યો.

પોલીસની આ ચાલ સફળ રહી પણ સંપૂર્ણ નહીં. પોલીસકર્મીઓ તરૂણની માતા અન્નમાચાકો સાથે ઘરોબો કેળવવા અવારનવાર તેમની સાથે વાત કરતા. તેમના કોઇ કામ હોય તો પણ કરી આપતા.  એકવાર અન્નમાચાકોએ એક કોન્સ્ટેબલ સાથે વાત કરતા કહ્યું કે, તેમને બે દિકરા છે. એક અમદાવાદ રહે છે, બીજો દક્ષીણ ભારતમાં રહે છે. પોલીસને અમદાવાદ વાળા દિકરાની ખબર હતી પહેલીવાર એક દાયકા પછી તરૂણ જીવતો હોવાનું અને તે દક્ષીણ ભારતમાં હોવાનું પોલીસને આડકતરી રીતે જાણવા મળ્યું. પોલીસે હવે દક્ષીણ ભારતમાંથી અન્નમાચાકો સાથે ફોન પર વાત કરનારા લોકોની ફરીથી તપાસ શરૂ કરી.

પોલીસના આ તમામ પ્રયાસોને છ વર્ષ વિતી ગયા હતા. અત્યાર સુધીમાં પોલીસ માત્ર તરૂણને પકડવા એક લાખથી વધુ ફોનકોલ્સના સીડીઆર તપાસી ચુકી હતી. આ એક લાખ કોલ ડિેટેઇલ્સમાંથી સૌથી વધુ ડિટેઇલ્સ પી.એસ.આઈ કૃપેશ પટેલે તપાસી હતી.  

ચારેક મહિના પોલીસ કોન્સ્ટેબલ અન્નમાચાકોના ઘરે ભાડે રહ્યાં. તેમને ત્યાંથી માત્ર બીજો દિકરો દક્ષીણમાં હોવાનું જાણવા મળ્યું તે સીવાય કોઇ કડી હાથ ન લાગી. હાં, પોલીસને ત્યાં સુધી અંદાજ આવી ગયો હતો કે, અન્નમાચાકો હવે ક્રિશ્ચિયન ધર્મમાં વધુ શ્રધ્ધા ધરાવા લાગી છે. અવારનવાર ચર્ચમાં જતી અને પાદરીઓના પ્રવચન સાંભળતી હતી.

પોલીસે હજુ વધુ એક ‘અખતરો’ કરવાનો હતો. કારણ આટલા વર્ષોની મહેનતથી બીજો દીકરો દક્ષીણ ભારતમાં હોવાનું જાણી ચુક્યા બાદ ક્રાઇમ બ્રાન્ચને પાછી પાની નહોતી કરવી. ક્રાઈમ બ્રાન્ચમાં ફરી એક પ્લાન ઘડાયો. કે.જી ચૌધરી અને બે પી.એસ.આઈ મનસોર પહોંચ્યા. ત્યાં તેમણે અન્નમાચાકો જતી હતી તે ચર્ચના પાદરીનો સંપર્ક કર્યો અને પોતાની ઓળખ આપી. પોલીસે કહ્યું કે, તે એક એવા આરોપીને શોધી રહી છે જેણે પોતાની પત્નીની હત્યા કરી છે. માનવતા ખાતર તેમને મદદ કરવામાં આવે. પાદરીએ માનવતાની વાત આવતા જ પોલીસને શક્ય મદદ કરવા તૈયાર થયા. પાદરીને કહેવામાં આવ્યું કે, આગામી રવિવારે ચર્ચામાં એક કાર્યક્રમ ગોઠવવામાં આવે અને ચર્ચામાં રેગ્યુલર આવતા લોકોને કહેવામાં આવે કે તે પોતાના સહપરિવાર આવે. જો કોઇ બહારગામ રહેતું હોય તો ત્યાંથી પણ પોતાના પરિવારના સભ્યોને બોલાવીને કાર્યક્રમમાં હાજર રહે. પાદરીએ પણ સત્યનો સાથ આપવા કાર્યક્રમનું આયોજન કર્યું. પોલીસકર્મીઓ પણ તે કાર્યક્રમમાં હાજર રહ્યાં. એક આરોપીને પકડવા પોલીસ હવે ધર્મના આશરે હતી

આ કાર્યક્રમમાં અન્નમાચાકો આવી પણ તેનો દીકરો તરૂણ સાથે નહોતો. પોલીસનો આ પ્લાન પણ નિષ્ફળ રહ્યો. પોલીસ સતત નિષ્ફળ સાબીત થઇ રહી હતી. જાણે કુદરત પોલીસની વિરૂધ્ધમાં હોય. પણ પોલીસ નિષ્ફળતાઓથી થાકીને આ ઓપરેશન છોડવા કોઇ પણ ભોગે તૈયાર નહોતી. ખાસ કરીને કિરણ ચૌધરી તરૂણને પકડવાનું ઓપરેશન અધુરુ છોડવા તૈયાર નહોતા. કહેવાય છે ને કે, અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો

આટઆટલા પ્રયાસો પછી પણ પોલીસ થાકી નહોતી. પોલીસે હજુ પણ દરરોજ અન્નમાચાકોના ફોન કોલ્સની ડિટેઇલ્સ તપાસવાનું ચાલુ રાખ્યુ હતુ. એક દિવસ મળસકે અન્નમાચાકો પર બેંગ્લોરથી એક ફોન આવ્યો. આ ફોન લગભગ પંદરેક મિનિટ ચાલ્યો. સવારે જ્યારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ઓફિસ પહોંચ્યા અને અન્નમાચાકોની ડિટેઇલ્સ જોઇ ત્યારે આ ઇનકમિંગ ફોન પર તેમની નજર પડી. કિરણ ચૌધરીને શંકા ગઇ કે, આટલી સવારે અન્નમાચાકોએ કોની સાથે વાત કરી? ફોન જે નંબર પરથી આવ્યો હતો તે નંબરની વિગતો કાઢી તો બેંગ્લોરની એક આઇટી કંપનીનો લેન્ડ લાઇન નંબર હતો. કિરણ ચૌધરીને શંકા ગઇ કે, એક આઈટી કંપનીમાંથી કોણ ફોન કરે? રોંગ નંબર હોય તો આટલી લાંબી વાત ન થાય. તાત્કાલીક તે આઈટી કંપનીમાં તપાસ કરાવી અને જે લેન્ડ લાઇનથી ફોન આવ્યો હતો તે અંગે પોલીસે તપાસ કરી. કંપની દ્વારા જવાબ આવ્યો કે, તેમની કંપનીમાં ૪૦૦ લોકો કામ કરે છે માટે લેન્ડલાઇન ફોન કોણે વાપર્યો હોય તે નક્કી ન કરી શકાય.

આ તપાસ શરૂઆતમાં એક તુક્કો હતી. એમ પણ આટલા પ્રયાસ પછી આ તપાસ ખુબ નાની હતી પણ તે તક પણ કિરણ ચૌધરીને છોડવી નહોતી. અમેરિકન બેઝ કંપની હોવાથી ક્રાઇમ બ્રાન્ચે તે કંપનીના અમેરિકા સ્થિત હેડ ક્વાર્ટરમાં મેઇલ કરીને વિગત માંગી કે, બેંગ્લોરમાં તેમની ઓફિસમાં કામ કરતા તમામ કર્મચારીઓની વિગતો આપો. અમેરિકી કંપનીએ બે દિવસમાં તમામ કર્મચારીઓનો નામ, ઉંમર, સરનામાં સહિતની વિગતો આપી. આ ૪૦૦ કર્મચારીઓમાંથી એક નામ પોલીસને મળ્યું ‘પ્રવિણ ભોટેલે’. જે અગાઉ પણ પોલીસની તપાસમાં સામે આવ્યું હતુ. અગાઉની તપાસમાં જ્યારે પ્રવિણ ભોટેલેની તપાસ કરી ત્યારે તે માત્ર પારિવારીક મિત્ર હોવાનું જ ક્રાઇમ બ્રાન્ચ જાણી શકી હતી. પણ એક પારિવારીક મિત્ર વહેલી સવારે ફોન કરે અને તે પણ આટલી લાંબી વાતચીત ચાલે તે વાત હવે ગળે નહોતી ઉતરતી. માટે પ્રવિણ ભોટેલેની તપાસ કરવી મહત્વની બની હતી. પ્રવિણનો મોબાઇલ નંબર અગાઉની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ પાસે હતો જ. હવે ક્રાઇમ બ્રાન્ચે પ્રવિણના નંબરથી તેના પરિવારની વિગતો એકઠી કરી. પોલીસને ખબર પડી કે, તે પરણિત છે અને નિશા નામની તેને પત્ની છે અને પરિવારમાં બે સંતાન પણ છે. પોલીસે પ્રવિણનો ફોટો ક્યારેય જોયો ન હતો. માટે હવે તેની સોસિયલ મીડિયા થકી પ્રોફાઇલ શોધવાનું શરૂ કર્યું.

પોલીસને આ તપાસમાં આશ્ચર્ય થયું કે, પ્રવિણે ક્યારેય સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કર્યો. તેની પત્નીની ફેસબૂક પ્રોફાઇલમાં પણ ક્યાંય પ્રવિણ સાથે તેનો ફોટો નથી. આવું કેવી રીતે બને..? હવે તો પ્રવિણને રૂબરૂ જ મળવું પડે! આવા મનોમન નિર્ધારથી કિરણ ચૌધરીએ ડીસીપી ભદ્રન પાસે બેંગ્લોર જવાની પરવાનગી લીધી. એક સામાન્ય વ્યક્તિની આટલી બધી ગુપ્તતાજોઇ કિરણ ચૌધરી મનોમન માની ચુક્યા હતા કે, માનો ન માનો આ જ તરૂણ છે. કિરણ ચૌધરી પોતાના ચાર કોન્સ્ટેબલ સાથે ખાનગી કારમાં બેંગ્લોર જવા નિકળ્યા ત્યારે તેમણે અમદાવાદ છોડતા પહેલા પેલા પત્રકારને પણ સવારે ફોન કર્યો.

હેલ્લોઉઠી ગયો? પત્રકારે કહ્યું ‘હા, બસ ત્રણ દિવસની રજા લીધી છે અને પરિવાર સાથે બહારગામ ફરવા નિકળું છું. ચૌધરીએ કહ્યું, ‘બે-ત્રણ દિવસમાં એક સારા સમાચાર આપીશ. બીજાની તો ખબર નથી પણ તું ખુશ થઇ જઇશ’. પત્રકારને તેમની આ વાત સાંભળતા જ જાણે મોઢા પર કુદરતી રીતે આવી ગયું…‘સજની કેસ ડિટેક્ટ?’ એક ભેદી હાસ્ય સાથે ચૌધરીએ કહ્યું, બે-ત્રણ દિવસ રાહ જો..’ પત્રકારે કહ્યું, ‘જો સજની મર્ડર કેસ ડિટેક્ટ હોય તો કહેજોપ્રેસ કોન્ફરન્સ ન કરી નાંખતા. નહીંતર હું બહાર જવાનું કેન્સલ કરી નાંખુ. તરૂણ પકડાયાનું બ્રેકિંગ મારે જ કરવું છે’. ચૌધરીએ કહ્યું, ના..ના તું ફરી આવ..તારી ગેરહાજરીમાં પ્રેસ કોન્ફરન્સ નહીં થાય. આખી વાતમાં ચૌધીરીએ ક્યાંય સજની કેસ કે તરૂણનો ઉલ્લેખ નહોતો કર્યો. પણ, જેમ ચૌધરીને વિશ્વાસ હતો કે, પ્રવિણ જ તરૂણ છે તેમ પત્રકારને પણ વિશ્વાસ હતો કે, કે.જી ચૌધરી તરૂણની જ વાત કરે છે. પત્રકાર માટે આ ખુશીના સમચાર હતા. તેણે તાત્કાલીક ડીસીપી ભદ્રનને ફોન કર્યો.

બીજી રીંગ વાગી અને ભદ્રને ફોન ઉપાડી લીધો. પત્રકારે કહ્યું, ‘સર, બડા ડિટેક્શન કરને જા રહે હો..’ ભદ્રન સમજી ગયા કે પત્રકાર શું કહેવા માંગે છે. તેમણે કહ્યું, ‘નહીં અભી દેર લગેગી’. પત્રકારે કહ્યું, ‘સર, ફેમિલી કે સાથ બહાર જા રહાં હું. અગર બરસો પુરાના કેસ ડિટેક્ટ કર રહે હો તો ટૂર કેન્સલ કરદુ’. ભદ્રન પણ જાણતા હતા કે, આ કેસ ડિટેક્ટ કરવાનું પ્રોત્સાહન અને વિગતો આ જ પત્રકારે આપી છે. માટે તેમણે પણ બંધમાં રમતા પુછ્યું ‘કિતને દીન બહાર હો?’ પત્રકારે કહ્યું, ‘તીન દીન’. ભદ્રને કહ્યું, ઠીક હે ઘુમ કર આ જાઓ..’

ચાર દિવસ પછી ફરી એક સવારે ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીનો ફોન આવ્યો..અધિકારીએ કહ્યું, સાહેબ પુછાવે છે કે, આવી ગયાં અમદાવાદ? પત્રકાર સમજી ગયો કે, સાહેબ એટલે દીપન ભદ્રનની વાત છે. પત્રકારે કહ્યું, હા, કાલે રાતે જ આવી ગયો. અધિકારીએ કહ્યું તો આવો ને ક્રાઇમ બ્રાન્ચ સાહેબ યાદ કરે છે. આ ફોન સવારે ૮ વાગ્યે આવ્યો હતો. સવાર સવારમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ વિશેષ કામ હોય તો જ બોલાવતા હોય તે જાણી પત્રકાર તાત્કાલીક તૈયાર થયો અને ક્રાઇમ બ્રાન્ચ નિકળવાની તૈયારી કરી રહ્યો હતો. દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ ચૌધરીનો ફોન આવ્યો અને કહ્યું, ‘તરૂણ અરેસ્ટેડ

૧૫ વર્ષ જૂના કેસમાં સજનીનો હત્યારો પકડાઇ ગયો હતો. પોલીસને જેટલી ખુશી હતી તેટલી જ ખુશી તે પત્રકારને પણ હતી. તે ૯ વાગતા પહેલાં ક્રાઇમ  બ્રાન્ચ પહોંચી ગયો. ક્રાઇમ બ્રાન્ચ ગાયકવાડ હવેલીમાં આવેલી છે. ત્યાં અંદર પ્રવેશ કરવા માટે બહાર પીઆરઓમાંથી અંદર કોને મળવાનું છે તે અધિકારી સાથે ફોન કરાવી મંજૂરી લેવાની હોય છે. પણ પત્રકાર જ્યારે ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યો ત્યારે તેના નામથી પહેલેથી જ સૂચના આપી દેવાઇ હતી. પોલીસકર્મીઓ પણ રોજની અવરજવરથી પત્રકારને ઓળખતા હતા. પીઆરઓ કેબીન સુધી પહોંચતા જ અંદર બેઠેલા પોલીસકર્મીએ કહ્યું, જાવ સાહેબ તમારી જ રાહ જોવે છે, સીધા ચૌધરી સાહેબની કેબીનમાં જ જજો.

પત્રકાર કે.જી ચૌધરીની કેબીનમાં પહોંચ્યો ત્યારે ત્યાં એક ફ્રેન્ચકટ દાઢી વાળો શખ્સ અદબવાળી ઉભો હતો. ચૌધરીએ બેસવાનું કહેતાની સાથે પત્રકારને કહ્યું, આ તરૂણ

પત્રકાર તેની સામે જોઇ રહ્યો. ચૌધરીએ કહ્યું તારા મનમાં કોઇ સવાલ હોય તો પુછી લે. પત્રકારને આખા રિપોર્ટીંગ દરમિયાન તે હોસ્પિટલમાંથી કેવી રીતે ભાગ્યો તે સવાલનો જવાબ તરૂણ પાસેથી જ જાણવો હતો. તરૂણે કહ્યું, ‘નાં હું હોસ્પિટલમાંથી નહીં, હોસ્પિટલથી રજા લઇને ઘરો ગયો પછી જતો રહ્યો હતો’. તરૂણ હવે પોલીસ કસ્ટડીમાં હતો અને તે સાચુ બોલે છે તેનો કોઇ ભરોસો નહતો.

ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભદ્રને પત્રકાર જે અખબારમાં નોકરી કરતો હતો તેના તંત્રી ને પણ ફોન કર્યો અને કહ્યું, ‘તમારા પત્રકારે અમારૂ ફોલોઅપ ના લીધુ હોત તો તરૂણ જિન્નરાજ ન પકડાયો હોત’. તે દિવસે તરૂણની ધરપકડ મીડિયા માટે હોટ ખબર હતી.

પણ હવે, પત્રકારોને એ જાણવું હતુ કે, તરૂણ આટલા સમય પોલીસથી કેવી રીતે છુપાતો રહ્યો?
આ એ સમય હતો જ્યારે જે.કે ભટ્ટ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર હતા. તેમણે તરૂણ પકડાયાની જ્યારે જાણ થઇ તે જ બપોરે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. જે.સી.પી જે.કે ભટ્ટ, ડી.સી.પી. દીપન ભદ્રન સહિત ક્રાઇમ બ્રાન્ચના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યાં. પ્રેસ રૂમ પણ પત્રકારો અને કેમેરામેનથી હકડેઠઠ ભરાઇ ગયો. પત્રકારોના જવાબ આપતા જે.કે ભટ્ટે કહ્યું, કે, તરૂણે કબૂલાત કરી છે કે, તેણે પત્નીની હત્યામાં પોતાની સંડોવણી છુપાવવા માંગતો હતો. માટે વિજય ચાર રસ્તા કેક લેવા જવાનું બહાનુ કર્યુ હતુ. તરૂણ કેક લેવાનું તરકટ કર્યુ તે પહેલાં તેણે સજનીની ગળુ દબાવી હત્યા કરી નાંખી હતી. તે કેક લેવાનું કહીને નિકળ્યો અને પાછો આવ્યો ત્યારે કોઇએ સજનીની હત્યા કરી હોવાનું કહી બૂમારાડ કરી હતી. ત્યાર  બાદ પોલીસને શંકા જતા તે બે દિવસ પછી ભાગ્યો હતો.

અમદાવાદથી ભાગીને તે પહેલાં કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યો. ત્યાંથી સુરત જતી ટ્રેનમાં ચડી ગયો. રાત્રે સુરત પહોંચીને તેણે પહેલો ફોન તેની પ્રેમિકાને કર્યો. જો કે, એક ફન્કશનમાં હતી. આ દરમિયાન તરૂણે તેને કહ્યું કે, ‘સજીની હવે આપણી વચ્ચે નહીં આવે’. તેની પ્રેમિકાને શંકા જતા જ તે સ્તબ્ધ બની. તેણે કહ્યું, તરૂણ આ તે કર્યું છે? તેમ કહી તેણે ફોન કાપી નાંખ્યો. તરૂણ અને તેની પ્રેમિકા વચ્ચેનો આ છેલ્લો ફોન કોલ્સ હતો. અને આ વાત એક લાખ ફોનની તપાસ દરમિયાન પોલીસ પણ જાણી ચુકી હતી.

તરૂણને હવે પત્ની પણ નહોતી અને પ્રેમિકા પણ જતી રહી. તેને હવે પોલીસ અને સમાજ બન્નેથી ભાગવાનું હતુ. તરૂણ સુરત રેલવે સ્ટેશનથી ફરી એક ટ્રેનમાં બેસીને બેંગ્લોર પહોંચી ગયો. બેંગ્લોર ઉતર્યા પછી ક્યાં જવું અને શું કરવું તેને સમજાતુ નહોતુ. તે અમદાવાદથી ભાગ્યો ત્યારે જ તેણે પત્ની સજનીના એટીએમથી રૂપિયા ઉપાડી લીધા હતા. માટે રૂપિયાની ખોટ નહતી. તે બંગ્લોર એરપોર્ટ પર ચા પીવા બેઠો અને અમદાવાદમાં તેની પત્નીની હત્યાના કોઇ સમાચાર છપાયાં હોય તો જાણવા એક અંગ્રેજી અખબાર ખરીદ્યું. તેના મનમાં સતત વિચારો ઘુમરીઓ ખાઈ રહ્યાં હતા. એક હાથમાં ચાનો કપ અને બીજા હાથે પકડેલા છાપા સાથે તે તંદ્રામાં સરી પડ્યો. તંદ્રા તુટી ત્યારે અંગ્રેજી છાપામાં છપાયેલી એક જાહેરખબરમાં તેનું ધ્યાન ગયુ. દિલ્હીના એક કોલ સેન્ટર માટે સારુ અંગ્રેજી જાણતા લોકોની જરૂર હતી. તરૂણ આ નોકરી મેળવવા માટે દિલ્હી પહોંચી ગયો. દિલ્હીની એક હોટલમાં રોકાઇને તૈયાર થયો અને જાહેરખબરમાં વાંચેલી જગ્યા પર ઇન્ટર્વ્યુ આપવા પહોંચ્યો. ઇન્ટર્વ્યુવરે જ્યારે તેનું નામ પુછ્યું ત્યારે તરૂણે એક જ ઝાટકે તેને પોતાનું નામ પ્રવિણ આપ્યું. હકિકતમાં પ્રવિણ ભોટેલે તેનો નાનપણનો મિત્ર હતો અને તે સાથે સ્કૂલમાં ભણ્યા હતા. પ્રવિણ હવે મધ્ય પ્રદેશમાં ખાનગી નોકરી કરતો હતો.

તરૂણે નાનપણના મિત્રના નામે ઇન્ટર્વ્યુ આપ્યુ અને ફાંકડા અંગ્રેજીના કારણે તે પાસ પણ થઇ ગયો. પણ, હવે તેની એક મુશ્કેલી એ હતી કે, તેણે જે કંપનીમાં ઇન્ટર્વ્યુ આપ્યું તે ઈન્ટરનેશનલ કંપની હતી. કંપનીએ તેને પાસ કર્યો પણ નોકરી આપતા પહેલાં તેના જરૂરી ડોક્યુમેન્ટ્સ માંગ્યા. તરૂણે હવે પ્રવિણ બની ગયો હતો. તેણે કહ્યું કે, તેના તમામ ડોક્યુમેન્ટ્સ તેના વતનમાં પડ્યાં છે. થોડા સમયમાં લાવીને જમા કરાવી દેશે. પ્રવિણ નામ ધારણ કરી ચુકેલા તરૂણને નોકરી મળી ગઇ પરંતુ બે મહિના થવા છતા તેણે ડોક્યુમેન્ટ જમા નહીં કરાવતા કંપનીએ તેને અલ્ટીમેટમ આપી દીધુ. તરૂણે તે નોકરી છોડી દીધી. પણ આ દરમિયાન તેને કંપનીમાંથી મળેલુ ફોટા સાથેનું પ્રવિણ ભોટેલે નામનું આઇકાર્ડ પોતાની પાસે રાખી લીધુ. તરૂણમાંથી પ્રવિણ બનેલા તરૂણનું આ સૌથી પહેલું ફોટાવાળુ ઓળખ કાર્ડ હતુ.

તરૂણે નોકરી છોડ્યા પછી પોતાના મિત્ર પ્રવિણ ભોટેલેનો ફોન કર્યો. તેને ડર હતો કે, પ્રવિણને કદાચ તેના કરતૂતોની જાણ થઇ ગઇ હશે, પણ એવું નહોતુ. પ્રવિણ સાથે વાત કરતા તરૂણને વિશ્વાસ આવી ગયો કે, મિત્ર પ્રવિણ સજનીના મોત અને પોતે કરેલી હત્યાથી વાકેફ નથી. તેણે ફોનમાં જ પ્રવિણને પોતે મળવા તેની પાસે આવી રહ્યો હોવાની વાત કરી. તરૂણ ભોપાલ ગયો અને ત્યાં પ્રવિણને મળ્યો. તરૂણે ભોપાલમાં જ રોકાઇને પ્રવિણને ધંધો કરવાનું દિવાસ્વપ્ન બતાવ્યું. તરૂણનો કન્વિન્સ પાવર મજબૂત હતો. પ્રવિણ તેની વાતોમાં આવી ગયો અને એક જ સપ્તાહમાં આઈટીનો નવો ધંધો શરૂ કરવાનું કામ ચાલુ થયું. પ્રવિણે રૂપિયાનું રોકાણ કર્યું હોય તેના જ નામે કંપની બનાવા તરૂણે તેને મનાવી લીધો, જ્યારે ધંધાનું હેન્ડલીંગ પોતે કરશે તેમ તેને સમજાવ્યું. કંપની બનાવાના નામે તરૂણે પ્રવિણના જન્મના દાખલાથી માંડીને ગ્રેજ્યુએટની ડીગ્રી સુધીના દસ્તાવેજો મેળવી લીધા. બે મહિના દરમિયન પ્રવિણના નામની ઓળખ ઉભી થાય તેવા તમામ દસ્તાવેજો મેળવીને તરૂણે ધંધામાં નુકશાની બતાવી.

તરૂણ ચબરાક હતો. તેને આશંકા હતી કે, અહીં આ રીતે રોકાઇ રહેવું હિતવાહ નથી. તેણે અત્યાર સુધીમાં પ્રવિણના તમામ ડોક્યુમેન્ટને સ્કેન કરી મેળવી લીધા હતા. આ ડોક્યુમેન્ટ લઇને તે પહેલા પૂણે ગયો. જ્યાં પ્રવિણ ભોટેલે નામની ઓળખ અને તેના ડોક્યુમેન્ટથી એક આઈટી કંપનીમાં નોકરી મેળવી. ત્રણ-ચાર વર્ષ દરમિયાન તેનું કામ જોઇ કંપનીએ તેને પ્રમોશન આપ્યું અને તે જ કંપનીમાં તે મેનેજર બની ગયો. બીજી તરફ તરૂણે આ સમયગાળા દરમિયાન પોતાના નામના તમામ દસ્તાવેજો ખરા બનાવી લીધા હતા. રેશનીંગ કાર્ડથી માંડીને ઇલેક્શન કાર્ડ અને પાસપોર્ટ પણ પ્રવિણના નામથી બનાવી લીધો હતો.

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને જ્યારે તરૂણે કહ્યું કે, તે પાસપોર્ટ બનાવીને બે વાર કંપનીના કામે અમેરિકા પણ જઇ આવ્યો છે ત્યારે ખુદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ આંચકો ખાઇ ગયા હતા.
તરૂણે પોલીસ સમક્ષ પોતાની કબૂલાત આગળ વધારતા કહ્યું કે, તેને પૂણેની કંપનીમાં સાથે નોકરી કરતી નિશા સાથે પ્રેમ થઇ ગયો. તેણે નિશાને કહ્યું હતુ કે, તે નાનો હતો ત્યારે એક રોડ અકસ્માતમાં તેણે આખો પરિવાર ગુમાવ્યો છે. મનસોરમાં તેના એક માસી રહે છે તેણે જ તેને મોટો કર્યો છે. નિશાએ પ્રવિણની વાત પોતાના પરિવારને કરી અને તેની સાથે પરિવારની મંજૂરીથી પ્રેમ લગ્ન પણ કર્યા. હવે બન્નેને પરિવાર આગળ વધારવાનો હતો. નિશા મૂળ કર્ણાટકની હોય બન્ને પૂણેની નોકરી છોડીને બેંગ્લોર સ્થાયી થયાં. ત્યાં તેમને સંતાનમાં એક દીકરી અને એક દીકરો પણ હતા. નિશાના માતા-પિતા પણ સાથે રહેતા હતા.

તરૂણે એ પણ કબૂલાત કરી કે, નિશા કે તેના પરિવારને ક્યારેય ખબર ન પડી કે તે પ્રવિણ નહીં તરૂણ છે. આ દરમિયાન ક્યારેક ક્યારેક તે નોકરીના કામે બહાર જવાનું છે કહીને તેની માતાને મળતો હતો. પરંતુ ક્યારેય તેના પિતાને મળ્યો નહોતો.

તરૂણે હવે જે કબૂલાત કરી તેનાથી પોલીસે પણ નિસાસો નાંખી ગઇ. તરૂણે કહ્યું કે, થોડા સમય પહેલાં તેની માતા અન્નમાચાકો તેના પિતા સાથે તેની મુલાકાત કરાવા માંગતી હતી. માટે તે કેરળના રીટ્રીટ સેન્ટર પહોંચી હતી. તેણે માતા સાથે મળીને પ્લાન કર્યો હતો કે, રીટ્રીટ સેન્ટરમાં ઓચીંતા જ તરૂણે તેના પિતા સામે આવી જવાનો પ્લાન હતો. જેથી બન્નેનો ભેટો થઇ જાય. તરૂણ કેરળ પહોંચ્યો અને પિતાને મળવાનો હતો ત્યાં જ તેના પિતાની તબિયત લથડી અને તેમને હોસ્પિટલ ખસેડાયા. માટે તે સજીનીના મોત બાદ ભાગ્યા પછી પહેલીવાર તેના પિતાને હોસ્પિટલમાં મળ્યો. તે આખી રાત પોતાના પિતા સાથે બેઠો અને વાતો કરી. પરોઢિયે તેના પિતાને આઇસ્ક્રિમ ખાવાની ઇચ્છા થઇ ત્યારે તેણે એક આઈસ્ક્રિમ પાર્લર ખોલાવીને તેમને આઇસ્ક્રિમ ખવડાવ્યો હતો. જો કે, સવારનો સૂરજ ઉગતા જ તેના પિતાની આંખો કાયમ માટે મીંચાઇ ગઇ. તે સમજી ગયો કે, પિતાના મોતના સમાચાર સાંભળીને પરિચિતો આવશે અને શક્ય છે કે તેને શોધતા પોલીસ પણ આવી જશે અને તે ઓળખાઇ જશે. માટે તે ત્યાંથી પણ ફરાર થઇ ગયો. આ એજ સમય હતો જ્યારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ડાઘુ બનીને અંતિમયાત્રામાં ગયા હતા. હકિકતમાં તરૂણ અને પોલીસ વચ્ચે માત્ર કલાકોનું જ અંતર રહ્યું હતુ.

આ કેસને સતત છ વર્ષ સુધી એક ઉપાસના માનીને તપાસ કરનારા કિરણ ચૌધરીએ પણ આ પ્રેસ કોન્ફરન્સ પછી કબુલ્યુ કે, તે જ્યારે તરૂણને રાતે લેવા તેની ઓફિસ પહોંચ્યા ત્યાં સુધી તેમને વિશ્વાસ નહતો કે, ત્યાં તરૂણ જ મળશે. પણ તેના મિત્રએ નિશાની આપી હતી કે, તરૂણની અનામીકા વળેલી છે. તેને જ્યારે મળીને હાથ મિલાવ્યો અને તેનો પહોંચો જોયો ત્યારે તેની અનામિકા વળેલી જોઇ અને નક્કી થઇ ગયું કે, આ જ તરૂણ છે, અને સજની હત્યા કેસ દોઢ દાયકા પછી ઉકેલાઇ ગયો.
-        સમાપ્ત.

-      #Gujarat #Ahmadabad #Mihirbhatt #Crimestory #Crimekahani #Suspense #Sajni #Murdercase #IPS #JKBhatt #Himanshusukla #Deepanbhadran #Nirliptrai #kiranchaudhary #Ahmedabadcrimebranch



આતંકના અંતનો આખરી નિર્ણય : ડાકૂને પકડવાનું ATSનું 11 મહિનાનું ઓપરેશન

રાતના ૭:૩૦ વાગ્યા હતા. મે મહિનાનો તાપ વરસાવી સૂર્યનારાયણ હજુ ક્ષિતિજથી ઓઝલ જ થયા હતા. જંગલના નિશાચરો પણ આળસ મરડી રહ્યાં હતાં. એક સામાન્ય દિવ...