Thursday, June 17, 2021

આતંકના અંતનો આખરી નિર્ણય : ડાકૂને પકડવાનું ATSનું 11 મહિનાનું ઓપરેશન

રાતના ૭:૩૦ વાગ્યા હતા. મે મહિનાનો તાપ વરસાવી સૂર્યનારાયણ હજુ ક્ષિતિજથી ઓઝલ જ થયા હતા. જંગલના નિશાચરો પણ આળસ મરડી રહ્યાં હતાં. એક સામાન્ય દિવસની સાંજ હતી, પણ ગુજરાત પોલીસની એક સર્વોચ્ચ એજન્સીમાં ઓપરેશન પાર પાડવાનો ભારે સળવળાટ હતો. વંથલી તાલુકાના જંગલમાં આવેલા રવની ગામ નજીકની એક વાડીમાં ATS (ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ) ના અધિકારીઓ એક ઓપરેશનની તૈયારી કરી રહ્યાં હતા. રવની ગામથી થોડે દૂર જંગલમાં આવેલી એક વાડીમાં કુખ્યાત આરોપી પોતાના ભાઇઓ સાથે કબાબની મિજબાની માણી રહ્યો હોવાની બાતમી હતી. આ કુખ્યાત ડાકુ જંગલના જનાવરો કરતા પણ વધુ વહેશી હતો. ગમે તે ભોગે તેના આતંકનો સફાયો કરવાનો હુકમ ખુદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આપી ચૂક્યા હતા. 

આ વાડીમાં એક ડીઆઈજીની અધ્યક્ષતામાં ૩૦થી વધુ પોલીસકર્મીઓ, જેમાં મહિલા પોલીસ અધિકારીઓ પણ જોડાયેલી હતી તે તમામ પોલીસકર્મીઓ બૂલેટપ્રૂફ જેકેટ પહેરી રહ્યાં હતા. પોતાના હથિયાર રાઉન્ડ (બૂલેટ)થી ભરી રહ્યાં હતા. એક ભેદી સન્નાટા વચ્ચે તમામ પોલીસકર્મીઓ પોતપોતાની જવાબદારી માટે સજ્જ થઇ રહ્યાં હતા. ઓપરેશનમાં કોઇ પણ ખામી ન રહે અને છેલ્લી ઘડીએ કોઇ વસ્તૂના અભાવે ઓપરેશન નિષ્ફળ ન જાય તે માટે પોલીસકર્મીઓએ ખીસામાં ટેસ્ટર પણ લીધા હતા. અનુભવી પોલીસકર્મીઓને ખ્યાલ હતો કે, જંગલમાં કેટલાક ખેડૂતો જનાવરોથી બચવા ઝટકા (તારમાં કરંટ) લગાવે છે. તો તારમાં કરંટ ચેક કરી શકાય. રસ્તામાં કૂતરાં ભસે તો તેમને શાંત કરવા ખીસામાં પારલે-જી બિસ્કિટના બે-બે પેકેટ પણ ભરાવ્યાં. ક્યાંક તારની વાડ આવે તો કાપવા કટર, પક્કડ અને બેટરીથી ચાલતી ડ્રેગન લાઇટ લીધી. હવે જે વાડીમાં આરોપીને પકડવાનું ઓપરેશન પાર પાડવાનું હતુ ત્યાં સુધી પહોંચવા પોલીસે સરકારી વાહનો નહીં પણ આસપાસના ગામમાંથી ટૂ વ્હીલર મંગાવ્યાં. કારણ જંગલના ઉબડખાબડ ઢોળાવ પર ગાડીથી પહોંચવું શક્ય ન હોતું. ડીઆઈજીનો હુકમ હતો કે, ‘કોઇ પણ રીતે પોલીસની હાજરીની આરોપીઓને ખબર ન પડવી જોઇએ માટે રસ્તામાં ટૂ વ્હીલરની લાઇટ પણ કરવાની નથી..!’ જંગલના જાણકારોને ખબર છે કે, રાતે જંગલમાં થતી લાઇટ પરથી સ્થાનિક લોકો અવર જવરને કળી જતા હોય છે. ઉપરાંત ૧૫થી વધુ ટૂ વ્હીલરની લાઇટ એક સાથે જંગલમાં દેખાય તો ચબરાક આરોપીઓ એલર્ટ થઇ જાય તે નક્કી હતું. આરોપીઓ એક બકરાને વધેરીને મિજબાની માણવાના છે એવી ચોક્કસ બાતમી હતી. માટે પોલીસ આ મિજબાની શરૂ થવાની રાહ જોઇ રહી હતી. રાત્રે ૯ વાગ્યે એક સાથે ત્રાટકવાનો નિર્ણય કરાયો. વાડીને પહેલાં ચારેય બાજુથી ઘેરી લઇ એક સાથે ડ્રેગન લાઇટની ફ્લેશ પાડીને માઇકમાં જાહેરાત કરવી કે, ‘પોલીસે તમને ચારેય બાજુથી ઘેરી લીધા છે’. ચારેય બાજુથી લાઇટો જોઇ આરોપીઓ સમજી જશે કે તે ઘેરાઇ ગયા છે અને તાબે થઇ જશે..! 

ફિલ્મી પ્લોટ જેવો લાગતો ફુલપ્રૂફ પ્લાન તૈયાર થયો અને ટૂ વ્હીલર પર પોલીસ નીકળી. ડીઆઈજી પણ એક ભરેલા હથિયાર સાથે ટૂ વ્હીલર પર ટીમને લીડ કરવા આગળ રહ્યાં. જુસબ અને તેના ભાઇ સલીમ સાન, અમીન સાન અને રહીમ જે વાડીમાં હતા ત્યાંથી દોઢ કિલોમીટર દૂર પોલીસે પોતાના ટૂ વ્હીલર મૂકી દીધા. હવે વાડીને ચારેય બાજુથી ઘેરી લેવા અલગ અલગ ગ્રૂપ બનાવાયા અને વાડી સુધી ચાલતા જવાનું નક્કી થયું. પોલીસે વાડીને ઘેરી લીધી અને લાઇટ કરતાની સાથે જ વાડીમાં હાજર જુસબ અને તેના ભાઇઓએ ફાયરિંગ કર્યા, નાસભાગ મચી ગઇ. અંધારામાં ચારેય બાજુ ગોઠવાયેલી પોલીસે પણ વળતા જવાબમાં હવામાં ફાયરિંગ શરૂ કર્યા અને જંગલ ધાણીફુટ ગોળીબારના ધડાકાઓથી ધણધણી ઊઠ્યુ. નાસભાગ વચ્ચે પોલીસે રહીમ અને સલીમને પકડી પાડ્યા. જો કે, પોલીસને આશ્ચર્ય અને આઘાતજનક આંચકો તો ત્યારે લાગ્યો જ્યારે જાણવા મળ્યું કે, જુસબ પોલીસના ‘ચક્રવ્યૂહ’ને ભેદીને ફરાર થઇ ગયો. 

ફુલપ્રૂફ પ્લાન હોવા છતાં ઓપરેશન નિષ્ફળ રહ્યું! આ ઓપરેશન હતુ જૂનાગઢના જંગલમાં આતંક મચાવતા કુખ્યાત જુસબ ઉર્ફ જુસો અલ્લારખા સંધીને પકડવાનું. ઓપરેશનને લીડ કરી રહ્યાં હતા ATSનાં ડીઆઈજી હિમાંશુ શુક્લા. તેમની ટીમમાં ઓપરેશન સમયે અનેક દમદાર અધિકારીઓ હતા જેણે ભૂતકાળમાં જીવના જોખમે માત્ર ગુજરાતમાં નહીં પણ ગુજરાતની બહાર પણ સ્થાનિક પોલીસની મદદ વગર અનેક ઓપરેશન સફળતાથી પાર પાડ્યા હતા. ઓપરેશન નિષ્ફળ રહેતા જ હિમાંશુ શુક્લા સમસમી ઊઠ્યા. જુસબ ફરાર હતો પણ તેના પકડાયેલા ભાઇઓની પોલીસકર્મીઓ હજુ જગ્યા પર જ ધોલધપાટ અને પટ્ટાના જોરે પૂછપરછ કરી રહ્યાં હતા. જુસબ ફરાર થતા પોલીસકર્મીઓમાં સર્જાયેલી હડબડાટની સ્થિતિ વચ્ચે પણ હિમાંશુ શુક્લા શાંત ઊભા હતા. બન્ને હાથ ખીસામાં નાખી તંદ્રામાં સરી પડેલા હિમાંશુ શુક્લાએ ઉંડો શ્વાસ ભર્યો અને નિર્ણય કર્યો…. ‘જબ તક તોડેગે નહીં…તબ તક છોડેગે નહીં…!’ 

સૌરાષ્ટ્ર, બહુ ઓછા લોકો જાણે છે કે વર્ષો પહેલા સૌરાષ્ટ્રને અલગ રાજ્યનો દરજ્જો આપવાની માગ પણ ઊઠી હતી. પણ એ માગને કોઇ વધુ સમર્થન મળ્યું નહીં. હા, પણ એટલું ચોક્કસ છે કે, સો-રાષ્ટ્રો જેટલી વિભિન્નતા અહીં એકલા સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. 

‘મીઠી ભાષા, માયાળુ લોકો, હાવજની ડણક ને દરિયાકાંઠો. માં ખોડિયારથી માંડીને સોમનાથ દાદો…જ્યાં રાજા બન્યો ‘તો મોરલીવાળો..! 

સૌરાષ્ટ્ર પોતાની અંદર એક વિશેષતા તો ધરાવે જ છે, પરંતુ તેમાં આવેલુ ગીરનું જંગલ પોતાની અંદર અનેક એવી વાર્તાઓ સંગ્રહ કરીને બેઠું છે કે જેની વાતો કરતા આજે પણ લોકસાહિત્યકારો થાકતા નથી. આ જ સૌરાષ્ટ્રના એવા કેટલાય બહારવટિયા થઇ ગયા જેની ખાનદાનીના દાખલા આજે પણ યાદ કરાય છે. પણ, ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’ જેવા કેટલાક એવા પણ ડાકુ થઇ ગયા જેમણે અહીંની ખમીરવંતી પ્રજા માટે નીચા જોણુ કર્યું. 

લગભગ ચાર દાયકા જૂની વાત છે, ગીર જંગલમાં આવેલા સેમરડી ગામની સીમમાંથી કેટલાક સિંહોના મૃતદેહ દાટી દીધેલા મળી આવ્યાં. તપાસમાં તમામ સિંહના શિકાર થયાનો ઘટસ્ફોટ થયો. જેના પગલે પ્રકૃતિપ્રેમીઓએ ઉહાપોહ મચાવેલો અને સમાચાર માધ્યમોએ ખૂબ લડાવી લડાવીને એ ઘટના જનતા સમક્ષ રજૂ કરેલી. આ ઘટનાએ એટલું ગંભીર રૂપ ધારણ કર્યું હતુ કે, બીબીસી લંડનના પત્રકારે તો જગ્યા પર જઇ વીડિયો સાથે સમાચાર લીધા અને પ્રસિધ્ધ કર્યા હતા. જેથી સમગ્ર વિશ્વમાં જબરદસ્ત પડઘા પડ્યા. એશિયાટિક લાયનના એકમાત્ર ઘર ગણાતા ગીરમાં સાવજના શિકારની ઘટનાએ ના માત્ર રાજ્ય સરકાર, પરંતુ કેન્દ્રની સરકારને પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધી હતી. 

સિંહના શિકાર માટે વનતંત્રની અણઆવડત અને બેદરકારી તો છતી થયેલી. પરંતુ આ સિંહનો શિકાર કરનાર મુખ્ય સુત્રધાર અને સેમરડી ગામના હમાલ હસનને પોલીસ પકડી નહીં શકવાના કારણે પોલીસ પર પણ માછલાં ધોવાવા લાગ્યા હતા. જેમ દક્ષિણ ભારતમાં તામિલનાડુ, કર્ણાટક અને કેરલના જંગલોમાં જે આંતરરાષ્ટ્રીય ચંદનચોર વિરપ્પનને તે સમયે ત્યાંની સરકારો પકડી શકતી નહતી તેમ ગુજરાતના ગીરના જંગલમાંથી શિકારી હમાલ હસનને અમરેલી અને જૂનાગઢ જિલ્લાનું વનતંત્ર પકડી શકતુ ન હતું. હમાલ હસન (જેને મીડિયાએ ‘ગીરનો વિરપ્પન’નું બીરૂદ આપ્યું હતુ) તે એકલો હથિયાર વગર ધારીના દલખાણીયા, ખાંભાના ગીદરડી, કોડીનારના ઘાટવડના જંગલોમાં તેમજ વિસાવદર, ગીરગઢડા, અને તાલાળાના જંગલોમાં છુપાતો ફરતો. (તે સમયે) ૪૫૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા ગીરનાં જંગલનો તે ભોમિયો હતો. વનતંત્ર તેને પકડવામાં વામણુ સાબિત થતુ હતું. રાજય સરકારે ગીરના જંગલને ફરતે આવેલા પોલીસમથકોને પણ ખાસ હુકમ કરીને હમાલ હસનને પકડવા માટે આદેશો આપેલા તેમ છતાં તે પકડાતો નહતો. તે સમયે રાજ્ય સરકારે તત્કાલીન રાજય પોલીસ વડા પી.કે દત્તાને આ શિકારીને પકડી પાડવા તાકીદ કરી હતી.

ડીજીપી દત્તાએ હમાલને પકડવા જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં સફળતાપૂર્વક ફરજ બજાવી ગયેલા અધિકારીઓને એકઠા કર્યા. દત્તાએ તે સમયે વનવિભાગના અધિકારીઓની આગેવાનીમાં દોઢ હજાર જેટલા પોલીસજવાનો જેમાં પોલીસ, એસ.આર.પી.નો પણ સમાવેશ થતો હતો તે બધાને એકઠા કર્યા. ઉપરાંત વનવિભાગના કર્મચારીઓને બોલાવી ‘ઓપરેશન હમાલ હસન’ શરૂ કર્યુ. દોઢ હજારથી વધુ સુરક્ષાકર્મીઓએ જંગલ વિભાગના કર્મચારીઓ સાથે મળીને જંગલ ફેંદવાનું શરૂ કર્યું. આ ઓપરેશનનું સુપરવિઝન જાતે પોલીસ દળના વડા દત્તા કરતા હતા. તે આ ઓપરેશન દરમિયાન એરફોર્સના હેલિકોપ્ટરમાં બેસીને જંગલના સર્ચમાં નીકળ્યા હતા. અફસોસ, શરૂઆતમાં આ ઓપરેશન પણ નિષ્ફળ રહ્યું હતુ. 

આ મહાઅભિયાન પૂરું થયા પછી થોડા જ દિવસમાં કોડીનારના એક પત્રકારે ગીરના જંગલમાં જઈ હમાલ હસનનો ઈન્ટરવ્યુ કર્યો. ઇન્ટર્વ્યુ પ્રસિધ્ધ થતાં જ વનતંત્ર તો ઠીક પણ પોલીસદળ ઉપર પણ માછલાં ધોવાવા લાગ્યા કે એક માત્ર પત્રકારને આ ગુનેગારની ભાળ મળતી હોય તો આવા હજારોની સંખ્યા વાળા તંત્રને કેમ નહીં? પરંતુ, પોલીસે તેને પકડી પાડવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. પોલીસે હમાલની એક પ્રેમિકાની પણ રેકી કરી હતી. જેના ઘરે હમાલ ક્યારેક આવતો હોવાની બાતમી હતી. મહિનાઓ બાદ એક દિવસ હમાલ હસન ખાંભાના ગીદરડીના જંગલમાંથી અમરેલી પોલીસના હાથે ‘ઊંઘતા’ ઝડપાઇ ગયો. ત્યારબાદ કોડીનાર પોલીસ હમાલને એક હત્યા કેસની તપાસમાં ટ્રાન્સફર વોરંટથી લઇ ગઇ હતી. જ્યાં કોડીનારના ઘાટવડના જંગલમાં હમાલે પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને અથડામણમાં ઠાર મરાયો હતો. આ સમયે ત્યાંના પોલીસ અધિકારી હતા જી.જી ઝાલા. 

વર્ષો બાદ હમાલને યાદ કરાવતો વધુ એક ડાકુ જુસબ અલ્લારખા ઊગી નીકળ્યો. જુસબ વિરુધ્ધ જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ જિલ્લા અને એટીએસ સહિત પોલીસ સ્ટેશનોમાં કુલ ૨૪ ગુના નોંધાયા હતા. જેમાં રાજકોટ ગ્રામ્યના ભાડલા પોલીસ સ્ટેશન, જુનાગઢ શહેરના ‘એ’ ડિવિઝન અને તાલુકા ઉપરાંત અમદાવાદ જિલ્લાના બાવળા અને રાજકોટ ગ્રામ્યના પાટણવાવ પોલીસ સ્ટેશન મળી કુલ પાંચ હત્યાના ગુના, જ્યારે એટીએસ સહિત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં હથિયારધારાના ૧૨ કેસ અને હત્યાના પ્રયાસ તથા મારામારી અને ધમકી આપવાના કુલ ૫ કેસ નોંધાયેલા હતા. જ્યારે ચોરી અને ધાડના પણ ગુના તેની વિરુધ્ધ હતા. જુસબની ક્રાઇમ કુંડળી આટલી મોટી થઇ ત્યાં સુધી પોલીસે તેના વિરુધ્ધ ભેદી સંજોગો કહો, કે પછી આળસ, તેને પકડવા કોઇ ખાસ લક્ષ્ય રાખ્યુ નહોતું. પરંતુ પાપનો ઘડો એક દિવસ તો ભરાવાનો હતો…! જુસબ ગંભીર ગુનાઓ આચરતો જતો હતો અને પોલીસને તેને પકડવામાં રસ નહોતો. આ વાતનો અંદાજ પણ તેને આવી ગયો હતો. જુસબ હવે વધુ ગંભીર ગુના આચરતા પણ ખચકાતો નહીં. જુસબ બંદૂક જેવા હથિયાર રાખતો અને પોલીસ પર હુમલા પણ કરી દેતો. તેના જ કારણે તેને પકડવા મસમોટા પોલીસ સ્ટાફ, કારતૂસ ભરેલા વેપન અને બૂલેટપ્રૂફ જેકેટની પોલીસને જરૂર પડી હતી. જુસબે હવે સોપારી લેવાની પણ શરૂ કરી દીધી હતી અને આ તેની જિંદગીની મોટી ભૂલ સાબિત થવાની હતી. 

વર્ષ ૨૦૧૮માં એક દિવસ ધોરાજી તાલુકાના ભાડેર ગામે જમીન વિવાદમાં પંદર દિવસમાં બે હત્યાથી સનસનાટી મચી ગઇ. વંથલી તાલુકાના રવની ગામના મુસા ઇબ્રાહીમની જમીન પ્રકરણમાં હત્યા થઇ હતી. મુસા ઇબ્રાહીમની હત્યાનો બદલો લેવા ભાડેરના જીવણભાઇ સાંગાણી નામના ૫૦ વર્ષના ખેડૂતનું અપહરણ કરી જુસબ અલ્લારખા અને તેની ગેંગે હત્યા કરી નાંખી. જીવણભાઇની હત્યા ગોળી મારીને કરાઇ હતી. આ હત્યાથી સમગ્ર ધોરાજી પંથકમાં તંગદિલી ફેલાઇ અને મૃતક જીવણભાઇના પરિવારે પોલીસ રક્ષણની માગણી કરવામાં આવી હોવા છતાં રક્ષણ આપવામાં આવ્યું ન હોવાથી હત્યા થયાના આક્ષેપ સાથે ધોરાજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તટસ્થ તપાસની માગ કરી હતી. આ સમયે જિલ્લા પોલીસ વડા અંતરીપ સૂદ હતા. તેમણે પાટણવાવના પી.એસ.આઇ. ગોહિલની તાત્કાલીક બદલી કરી તપાસ ધોરાજી સીપીઆઇ રાવતને સોપી દીધી. 

ભાડેરમાં જમીન વિવાદના કારણે પંદર દિવસમાં થયેલી બે હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડતા આરોપીઓને ઝડપી લેવા રાજકોટ રૂરલ અને જૂનાગઢ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ, પ્રજામાં ભારોભાર રોષ હતો. રાજકોટવાસીઓએ તેમના સ્થાનિક આગેવાન અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીને મળીને રજૂઆત કરી. વિજયભાઇએ પણ રાજકોટ જિલ્લામાં થયેલી બે હત્યા અંગે ગંભીરતાથી નોંધ લીધી અને તત્કાલીન રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાને જાણ કરી ‘જુસબને ઝેર’ કરવા સૂચના આપી. મુખ્યમંત્રીની ગંભીરતાને કળી ગયેલા રાજ્ય પોલીસ વડાએ સ્થાનિક પોલીસ કે રેન્જ આઈ.જીને જાણ કરવાની જગ્યાએ એક પત્ર ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડના ડીઆઈજી હિમાંશુ શુક્લાના નામે લખ્યો. આ પત્ર પોલીસકર્મીના હાથે તાત્કાલીક એટીએસ કચેરી પહોંચાડવા એક પોલીસ કોન્સ્ટેબલને રવાના કરાયો હતો.

હિમાંશુ શુક્લા છારોડી સ્થિત એટીએસ કચેરીમાં તેમની ચેમ્બરમાં બેઠા હતા ત્યાં તેમની ચેમ્બરના લાકડાના દરવાજા પર ટકોર થઇ. ટકોર સાંભળતા જ હિમાંશુ શુક્લાએ દરવાજા તરફ માથું ઊંચક્યું અને એક કોન્સ્ટેબલ સાદા કપડામાં પ્રવેશ્યો. તેણે બન્ને હાથની મુઠ્ઠીવાળી હાથ પાછળ ખેંચતા પગપછાડી સલામ કરી. (જ્યારે પોલીસકર્મીએ કેપ (ટોપી) ન પહેરી હોય ત્યારે તે પોતાના ઉપરી અધિકારીને હાથની બે મુઠ્ઠી વાળી બન્ને હાથ સીધા રાખી પાછળ ખેંચતા અને છાતી ફુલાવી સેલ્યુટ કરતા હોય છે) હિમાંશુ શુક્લા કાંઇ બોલે તે પહેલાં જ કોન્સ્ટેબલે એક બંધ કવર તેમના ટેબલ પર મૂક્યું અને પરત તે જ ઢબે સલામ કરતા પાછો ફર્યો. હિમાંશુ શુક્લાએ કવર ખોલ્યું તો અંદરથી ડીજીપીએ લખેલો પત્ર નીકળ્યો. જેમાં જુસબ અલ્લારખાની ભાડેરમાં થયેલી હત્યા કેસમાં ધરપકડ કરવા સૂચના આપવામાં આવી હતી. ક્ષણભર માટે તો હત્યા કેસમાં આરોપીને પકડવાની જવાબદારી એટીએસને કેમ સોંપાય છે? એવા અનેક સવાલ હિમાંશુ શુક્લાના મનમાં ફરી વળ્યાં. કારણ એટીએસ પાસે ગુજરાતને આતંકવાદથી મુક્ત રાખવાની વિશેષ જવાબદારીનું કામ હોય છે. ઉપરાંત, હત્યા જેવા ગુનામાં સ્થાનિક પોલીસ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ જેવી અલાયદી પોલીસ એજન્સીઓ પણ કામ કરતી હોય છે. પરંતુ, પત્ર ખુદ રાજ્ય પોલીસ વડાએ લખ્યો છે તો નક્કી કોઇ ગંભીર બાબત હશે તેમ માની લીધુ. પત્રમાં જુસબ મુદ્દે તેમને (ડીજીપીને) રૂબરૂ મળવા માટે પણ સૂચના અપાઇ હતી. બીજા જ દિવસે હિમાંશુ શુક્લા ડીજીપી શિવાનંદ ઝાને મળ્યા અને જાણવા મળ્યું કે, મુખ્યમંત્રી જુસબને લઇને ગંભીર છે અને તેના આતંકને નેસ્તનાબૂદ કરવા હુકમ કર્યો છે.

હિમાંશુ શુક્લા વાતની ગંભીરતા સમજી ગયા. તે ઓફિસ પરત આવતા હતા ત્યારે જ રસ્તામાં નક્કી કરી લીધુ હતુ કે, આ ઓપરેશનની જવાબદારી એટીએસ પી.આઈ જીગ્નેશ અગ્રાવતને આપવી. કારણ પી.આઈ અગ્રાવત એટીએસ આવ્યાં તે પહેલા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યા હતા. તેમના સૌરાષ્ટ્રના સ્થાનિક નેટવર્કથી ડીઆઈજી હિમાંશુ શુક્લા વાકેફ હતા. હિમાંશુ શુક્લાને નજીકથી ઓળખનારા લોકો માને છે કે, તેમનામાં કામ લેવાની ગજબની આવડત છે. એટલું જ નહીં, કયું કામ કોને સોંપવું અને કોણ કામને સફળતાથી પાર પાડી શકશે તેવી તેમની અદ્ભુત આકલન શક્તિ છે. બીજી તરફ અગ્રાવતને એટીએસમાં આવ્યાંને થોડો જ સમય થયો હતો. જો મહત્વની જવાબદારી તેમને સોંપાય તો પોતાની પૂરી તાકાતથી નિભાવી જશે તેવા વિચારે જુસબના ઓપરેશનની જવાબદારી પી.આઈ અગ્રાવતને સોંપાઇ. 

પી.આઈ. જીગ્નેશ અગ્રાવતે જુસબની શોધ શરૂ કરી તેના થોડા દિવસ પહેલાં જ નવી ક્રેટા કાર લીધી હતી. આ કાર માંડ ૫૦૦ કિલોમીટર પણ ફરી નહોતી. સતત ૧૧ મહિના સુધી અગ્રાવત લગભગ દર સપ્તાહે પોતાની ક્રેટા કાર લઇને એકલા ગીરના જંગલમાં જુસબની શોધ માટે જતા. બાતમીદારોને મળતા અને અલગ અલગ નેસમાં રોકાતા. સતત ૧૧ મહિનામાં તેમની કાર સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ફરીને ૧૧ હજાર કિલોમીટરે આંબી ગઇ હતી. 

પી.આઈ અગ્રાવતને જ્યારે બોટાદના જંગલમાં જુસબની અવર-જવરની બાતમી મળી ત્યારે તે દસ-દસ દિવસ સુધી જંગલમાં માલધારી કે ખેડૂત બનીને કોઇના ખેતરની ઓરડીઓમાં રોકાતા અને બાતમી મેળવતા. તેમની મહિનાઓની મહેનત રંગ લાવી અને અને તેમને જુસબની માહિતી મળી કે, ડૂંગરાળ વિસ્તારની એક વાડીમાં તે લગભગ અવર જવર કરે છે અને આવવા જવા માટે ઘોડો રાખે છે. અગ્રાવતે આ વાડી શોધી લીધી. હવે રેકી કરવા માટે તેમણે નજીકની એક વાડીમાં રહેતા ખેડૂતના ઘરે ગયા અને પોતાની ઓળખ પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે આપી. સરકારી કામથી આવ્યો હોવાનું કહી તે ખેડૂતની વાડીમાં રોકાયા. તેમની પાસે સામાનમાં એક પ્લાસ્ટિકની બેગ માત્ર હતી. ખેડૂતને મન તેમાં ‘માસ્તર’નો સામાન હતો પરંતુ હકીકતમાં તેમાં એક રિવોલ્વર અને બાયનોક્યૂલર હતા. જેનાથી સતત જુસબના ડંગા પર વોચ રખાતી હતી. ખેડૂતોએ શિક્ષક બનીને આવેલા મહેમાનની આગતા સ્વાગતા કરી અને તેમના ગંદા થઇ ગયેલા કપડાં જોઇ પોતાના દીકરાના કપડાં પહેરવા આપી દીધા હતા. પણ છુપા વેશમાં એક પોલીસ અધિકારી સતત પોતાના કામમાં અડગ હતા. તે વાડીમાં રાતોની રાતો જાગતા રહેતા અને સામેના ડંગા (વાડીમાં બનેલી એક નાની ઓરડી) પર નજર રાખતા. 

પી.આઈ અગ્રાવતની સાથે સાથે ડીવાયએસ.પી ભાવેશ રોજીયા અને પી.આઈ આર.આઇ જાડેજા પણ તપાસમાં જોડાયા હતાં. પહેલું ઓપરેશન નિષ્ફળ રહ્યું ત્યારે જુસબ ભાગીને ધ્રાંગધ્રા પાસે ગેડિયા ગામ નજીક રોકાયો હોવાની માહિતી પોલીસ ઇન્સ્પેક્ટર આર.આઈ જાડેજાને મળી હતી. પી.આઈ જાડેજાએ ગેડિયા ગામ નજીક પોતાના બાતમીદારોનું નેટવર્ક ઉભુ કર્યું ત્યારે જાણવા મળ્યુ કે, અકબર ડફેર જુસબની મદદ કરી રહ્યો છે. પોલીસે અકબર ડફેર પર વોચ રાખવાની શરૂ કરી. ઉપરાંત ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ ગોઠવ્યું. તેમાં નવો ઘટસ્ફોટ એ થયો કે, એક મહિલા સાથે જુસબને નજીકના સંબંધ છે. તે પણ મહિલા પણ ડફેરો સાથે જોડાયેલી છે. પોલીસે હવે જુસબ માટે આ ‘નબળી કડી’ની તપાસ શરૂ કરી. પી.આઈ જાડેજાને માહિતી મળી હતી કે, ઘણીવાર રાતે જુસબ આ મહિલાને મળવા આવે છે. જોગાનુંજોગ કહીએ તો ચાર દાયકા પહેલાં પકડાયેલો ડાકુ હમાલ હસન પણ એક મહિલાના કારણે જ પોલીસ રડારમાં આવ્યો હતો. 

બીજી તરફ પી.આઈ અગ્રાવતે પણ તેમનું સ્થાનિક નેટવર્ક ગોઠવી રાખ્યુ હતુ. ક્યાંક પોલીસ અધિકારી તરીકે બાતમીદારોને સક્રિય કર્યા હતા તો ક્યાંક શિક્ષક તરીકે ઓળખ આપી બનાવેલા સંબંધોથી જુસબની રહેવાની જગ્યાઓના સરનામાં મેળવી લીધા હતા. બીજી તરફ જુસબ એટલો ચબરાક હતો કે, તે પકડાઇ જવાના ડરે મોબાઇલ ફોન પણ રાખતો નહીં જેથી પોલીસ ટેક્નિકલ સર્વેલન્સમાં તો સફળ થાય તેવી કોઇ શક્યતા જ નહોતી. એટીએસની આબરૂ અને પોલીસવડાથી માંડીને મુખ્ય પ્રધાને મૂકેલા વિશ્વાસનો દારોમદાર હવે માત્ર પી.આઈ અગ્રાવત પર હોવાનું તે ખુદ અનુભવી રહ્યાં હતા. બીજી તરફ હિમાંશુ શુક્લાથી માંડીને ડીવાય એસ.પી કે.કે પટેલ અને ભાવેશ રોજીયાને પણ અગ્રાવતની મહેનત પર વિશ્વાસ આવી ગયો હતો. તે પી.આઈ અગ્રાવતને જ્યાં જોઇએ અને જેવી જોઇએ તેવી મદદ કરતા હતા. 

પી.આઈ આર.આઈ જાડેજા અને અગ્રાવતના નેટવર્કથી જ જુસબની ઘણી બધી વિગતો એટીએસને મળી હતી. પી.આઈ અગ્રાવત અનુભવથી એટલું જાણતા હતા કે, તે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવી ચૂક્યા છે. પરંતુ એટીએસમાં ઘણ અધિકારીઓ અને કર્મચારીઓ એવા છે કે, તે જંગલની ભૂગોળથી વાકેફ નથી. માટે તેમણે રેકી કરવાની સાથે સેટેલાઇટ ઇમેજથી એવા ડીજિટલ મેપ પણ બનાવ્યાં હતા કે, ગમે ત્યારે ઓપરેશન માટે ફોર્સ બોલાવાની થાય તો કોઇ પણ સુરક્ષાકર્મી જુસબનાં ડંગા સુધી આસાનીથી પહોંચી શકે. કહેવાય છે કે, સિનિયર પી.આઈ જાડેજા પાસે એટીએસના બીજા ઓપરેશનની પણ જવાબદારી રહેતી હતી. પરંતુ, પી.આઈ અગ્રાવતનું આ ૧૧ મહિનાનુ એક માત્ર લક્ષ્ય જુસબ જ હતો અને તે માટે તે સતત પ્રયત્નશીલ પણ હતા. છેલ્લે જ્યારે જુસબ અને તેના ભાઇઓ રવની ગામ નજીકની વાડીમાં બકરાની મીજબાની કરવાના છે તેવી પાક્કી બાતમી પણ તેમના જ નેટવર્કથી એટીએસ સુધી પહોંચી હતી. જો કે, તે દિવસે જુસબના નસીબ જોર કરી ગયા અને ઓપરેશન નિષ્ફળ રહ્યું હતું. 

નિષ્ફળ રહેલા ઓપરેશનથી પોલીસ ટીમ પરત આવી ગઇ હતી. આ ઓપરેશનની જાણ પોલીસવિભાગ અને ગૃહ વિભાગમાં બહુ ઓછા લોકોને ખબર હતી. એટલે બહુ હોબાળો કે ચર્ચા ક્યાંય થઇ નહીં. પણ સ્વભાવથી વિપરીત પરિસ્થિતિ સર્જાતા હિમાંશુ શુક્લા સમસમી ગયા હતા. તે હવે કોઇ પણ ભોગે જુસબને જેલના સળિયા પાછળ ધકેલવા માંગતા હતા. જો કે, તેમના મનમાં ચાલતી ગડમથલ ક્યારેય તેમના ચહેરા પર દેખાવા દેતા નહોતા. પરંતુ તેમના સ્વભાવથી વાકેફ તાબાના અધિકારીઓ પર તેમના મૌનનું દબાણ વધુ હતુ. સૌથી વધુ જવાબદારીનો ભાર અગ્રાવત અનુભવતા હતા. કારણ ૧૧ મહિના થઇ ગયા હતા, એક-બે ઓપરેશન નિષ્ફળ ગયા હતા. આખી એટીએસની આબરૂ હવે તેમના હાથમાં હતી. 

ઓપરેશન નિષ્ફળ ગયાને એકાદ અઠવાડિયું થયું હશે. શનિવારની રાત હતી અને એટીએસનો સ્ટાફ સાતેક વાગ્યે ઘરે જવા લાગ્યો. આઠ વાગ્યા સુધીમાં તો લગભગ સ્ટાફ રવાના થઇ ગયો હતો. દરવાજે માત્ર કમાન્ડો હાજર હતા જ્યારે કચેરીની અંદર ડીઆઈજી હિમાંશુ શુક્લા, ડીવાયએસ.પી ભાવેશ રોજીયા અને ડિવાયએસ.પી કે.કે પટેલ. એ પણ પોતપોતાની ચેમ્બરમાં પોતાનું બાકી કામ પતાવી રહ્યાં હતા. આ દિવસે પી.આઈ અગ્રાવત પણ વહેલા નીકળ્યા હતા. કારણ સવારે ઘરેથી નીકળતા પહેલા ૪ વર્ષની દીકરીને તેમણે પ્રોમિસ કર્યુ હતુ કે, તે સાંજે વહેલા ઘરે આવશે અને બહાર ફરવા લઇ જશે. પી.આઈ અગ્રાવત રાતે ૮.૩૦ વાગ્યે પત્ની અને દીકરીને લઇને વૈષ્ણવદેવી સર્કલ નજીક એક રેસ્ટોરન્ટમાં જમવા પહોંચ્યા હતા. એ રેસ્ટોરન્ટથી તેમની એટીએસ કચેરી વચ્ચેનું અંતર માંડ એક કિલોમીટર પણ નહોતું. હજુ પરિવારે જમવાનું માંડ શરૂ કર્યું હતુ ત્યાં તો પી.આઈ અગ્રાવતના મોબાઇલમાં રિંગ વાગી. અગ્રાવતે મોબાઇલનું કવર ખોલ્યું અને સ્ક્રીન પર બાતમીદારનું નામ જોયું. અગ્રાવતે હજુ તો બીજી રિંગ વાગે તે પહેલા ફોન ઉપાડી લીધો. સામે છેડેથી બોલતા બાતમીદારે કહ્યું, ‘સાહેબ લૂંગી આવી ગયો છે’. બાતમીદાર જુસબને લૂંગી કહેતો હતો. અગ્રાવતે પુછ્યું, ‘ક્યાં છે?’ બાતમીદારે કહ્યું, બે વાડી છોડીને એક ખેતરમાં સુતો છે. અગ્રાવતે ફરી ખાતરી કરી, ‘ખરેખર એ જ છે..?’ બાતમીદારે કહ્યું, ‘હા, સાહેબ પાક્કુ એ જ ખેતરમાં ખાટલો ઢાળીને આડો પડ્યો છે અને રાતે ત્યાં જ સુવાનો છે.’

બાતમીદાર વિશ્વાસુ હતો એટલે તેની બાતમી ખોટી તો નથી જ તેવો વિશ્વાસ અગ્રાવતને આવી ગયો. જુસબને પકડવાનું દબાણ એ હદે હતું કે, તેની બાતમી મળતા જ અગ્રાવતના શરીરમાંથી એક લખલખુ પસાર થઇ ગયું. તેમના હ્રદયના ધબકારા વધી ગયા હોય તેવું અનુભવી રહ્યાં હતાં. જ્યારે મન થનગનવા લાગ્યું અને એક વિચાર ફરી વળ્યો કે, ‘હવે નહીં છોડું..!’ તેમણે ફોન મૂકતા જ પત્ની સામે જોઇને કહ્યું, ‘થોડી ઉતાવળ રાખવી પડશે, મારે જવું પડશે’. પોલીસ પરિવારો આવી ઘટનાઓથી ટેવાઇ ગયા હોય છે. અગ્રાવતના પત્ની પણ સમજી ગયા કે કોઇ ઇમરજન્સી છે. પરિવાર ઉતાવળથી જમ્યો અને ગાડીમાં ગોઠવાયો. અગ્રાવત ફુલ સ્પીડમાં કાર પોતાના ઘર તરફ હંકારી ગયા અને પરિવારને ઘર બહાર જ ઉતારી ઓફિસ જવાનું કહી નીકળી ગયા.

૯.૨૦ થવા આવી હતી. હજુ પણ હિમાંશુ શુક્લા, ભાવેશ રોજીયા અને કે.કે પટેલ પોતાની ચેમ્બરમાં હાજર હતા. અગ્રાવત ઓફિસ પહોંચ્યા અને પ્રોટોકોલ પ્રમાણે સીધા ડીવાયએસ.પી રોજીયા પાસે પહોંચ્યા. ભારે વિશ્વાસ અને ઉત્સાહ સાથે ચેમ્બરમાં ઘૂસતા જ અગ્રાવત બોલ્યા, સાહેબ જુસબનું લોકેશન મળી ગયું છે. રોજીયા બોલ્યા, ક્યાં? અગ્રાવતે વિસ્તાર અને વાડી સમજાવ્યાં. રોજીયા પણ અનુભવી અધિકારી એટલે એક વખત ફરી તેમણે અગ્રાવત સામે શંકા માટે નહીં પણ વિશ્વાસ બેવડો કરવા પુછ્યું, બાતમી પાક્કી છે ને? અગ્રાવતે કહ્યું, સાહેબ સો ટકા. બન્ને ઉતાવળથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી હિમાંશુ શુક્લાની ઓફિસ તરફ નીકળ્યાં. શુક્લા કોમ્પ્યુટર પર કામ કરી રહ્યાં હતા. બન્ને અધિકારીને સાથે જોઇ તે પણ ક્ષણ વાર તેમની સામે જોઇ રહ્યાં. ડીવાયએસ.પી રોજીયા બોલ્યા, ‘સાહેબ જુસબનું લોકેશન મળ્યું છે’. આટલું કહેતા તેમણે અગ્રાવત તરફ ઇશારો કર્યો. શુક્લાએ પૂછ્યું ‘કેસે પતા ચલા?’ અગ્રાવત બોલ્યા, સાહેબ બાતમીદારનો ફોન હતો. શુક્લાએ પણ ખાતરી કરી..‘ઇન્ફર્મેશન પક્કી હૈ?’ અગ્રાવત જાણતા હતા બાતમી પાક્કી છે પણ સવારે સ્થળ પર પહોંચે તે પહેલાં જુસબ ભાગી જાય તો ભોંઠા પડવું પડે. ઉપરાંત થોડા દિવસ પહેલાં જ એક મોટું ઓપરેશન નિષ્ફળ રહ્યું હતું. એટલે અગ્રાવતે કહ્યું, સાહેબ બાતમી પાક્કી છે, પણ સવાર સુધી તે જતો રહે તો કહેવાય નહીં. હિમાંશુ શુક્લાનો એક પ્લસ પોઇન્ટ એ છે કે, તે પોતાના વિશ્વાસુ વ્યક્તિ પર ભરોસો પુરો કરે અને એટલે જ એ અધિકારીઓ પણ તેમનો ભરોસો તૂટે તેવી ભૂલ ભૂલથી પણ નથી કરતા. 

શુક્લાને લાગ્યું કે, બાતમી પાક્કી છે એટલે તાત્કાલીક કોઇ પણ વિચાર કર્યા વગર તેમણે બેલ માર્યો અને પ્યૂનને બોલાવ્યો. પ્યૂન આવતા જ તેમણે આદેશ આપ્યો કે, ‘એટીએસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલીક ઓફિસ બોલાવો…બને એટલા ઝડપી’. આ કામ એટીએસના પી.એસ.ઓ.ને સોંપાયુ અને બધાને ફોન થવા લાગ્યા. 

૧૦.૧૫ વાગ્યે એટીએસનો કોન્ફરન્સ રૂમ તમામ સ્ટાફથી ભરાઇ ગયો. ડીઆઈજી હિમાંશુ શુક્લાએ પી.આઈ અગ્રાવતને પ્રોજેક્ટર પર ગૂગલ મેપમાં લોકેશન અને રસ્તા સમજાવવા કહ્યું. કારણ, અગ્રાવત ૧૧ મહિના જુસબને પકડવા આ વિસ્તારના ડૂંગરા ખુંદ્યા હતા. જંગલના રસ્તા અને ખેતરો, નદી-નાળા તેમને ખબર હતી. બાતમીદારે કહેલી જગ્યા, ત્યાંથી નજીકનું સેન્ટર બધું જ પોલીસકર્મીઓને સમજાવતા પોણો કલાક થયો. ત્યાં સુધીમાં ઓપરેશનની બીજી તૈયારીઓ જેવી કે, તમામના હથિયાર, બૂલેટપ્રૂફ જેકેટ, ફરી એકવાર ટેસ્ટર, ડ્રેગન લાઇટ, પારલે-જી બિસ્કીટ અને તાર કાપવાના કટર સહિતની વસ્તુઓ ભેગી કરી લેવાઇ. એટીએસની લગભગ તમામ ૩૯ જેટલી ગાડીઓ જુસબના ઓપરેશનમાં સૌરાષ્ટ્ર તરફ નીકળવા લાગી. લગભગ પોણા બાર વાગ્યા સુધીમાં તો પોલીસની સરકારી અને ખાનગી ગાડીઓ બગોદરા હાઇવે પર પૂરપાટ ઝડપે ચડી ગઇ હતી. 

આ વાતના સાડા ત્રણ કલાક પછી પાળિયાદ નજીક તમામ ગાડીઓ એકઠી થઇ અને હવે પ્લાન બન્યો કે કેવી રીતે જુસબને ઘેરી લેવો. અગ્રાવત ટીમને લીડ કરી રહ્યાં હતા. માટે તેમની ટીમ સ્થળ સુધી આસાનીથી પહોંચી શકે તેમ હતી પરંતુ બીજી ટીમને રસ્તો બતાવનારૂં કોણ? આ એક પ્રશ્ન હતો. હિમાંશુ શુક્લાએ પુછ્યુ, ‘બાતમીદાર સાથ આયેગા?’. અગ્રાવતે કહ્યું, ‘સાહેબ છેક સુધી જોડે લઇ જવો શક્ય નથી. એ દૂર ઊભો રહેશે’. હિમાંશુ શુક્લાએ શંકા વ્યક્ત કરી કે આ જોખમ ન લેવાય. તેમણે અગ્રાવતને કહ્યું, બીજો કોઇ રસ્તો? અગ્રાવતે કહ્યું, ‘સાહેબ, હું જસદણમાં હતો ત્યારે મારો એક વિશ્વાસુ અને બાહોશ પોલીસકર્મી હતો જીતુ એની મદદ લેવાય, તે ટીમને લઇ જશે’. શુક્લાએ મંજૂરી આપતા જ અગ્રાવતે મધરાતે તેને ફોન કર્યો. અગ્રાવતે કહ્યુ, ‘તારા સિનિયર અધિકારીઓની ચિંતા ના કરતો, તેમને એટીએસના ડીઆઈજી જાણ કરી દેશે’. જીતુએ પણ ઓપરેશનમાં સાથે આવવા તાત્કાલીક હા પાડી દીધી. હવે, બે ટીમ તૈયાર કરી દેવાઇ. બીજી ટીમને કોન્સ્ટેબલ જીતુ પી.આઈ અગ્રાવતે સમજાવેલા ખેતર સુધી દોરી જવાનો હતો. જેને ડીવાયએસ.પી કે.કે પટેલ લીડ કરી રહ્યાં હતા. જ્યારે પહેલી ટીમ જેમાં ડીઆઈજી હિમાંશુ શુક્લા અને ડીવાયએસ.પી ભાવેશ રોજીયા પી.આઈ અગ્રાવત સાથે રહ્યાં. પાળિયાદથી કાફલો બોટાદ નજીક દેવગઢના ટેકરીઓવાળા વિસ્તાર તરફ આગળ વધ્યો. આ સમયે પી.આઈ અગ્રાવતની ક્રેટા કારમાં હિમાંશુ શુક્લા અને ભાવેશ રોજીયા સવાર હતા.

બાતમીદારે આપેલા લોકેશન સુધી પહોંચતા લગભગ પરોઢ થવા આવ્યું હતુ. પાળિયાદ પહોંચ્યા ત્યારે પણ પી.આઈ અગ્રાવતે બાતમીદારને ફોન કરી જુસબ ત્યાં જ છે કે કેમ? તેની એકવાર ખાતરી કરી લીધી હતી. બાતમીદાર પણ આખી રાત વોચમાં જાગતો રહ્યો હતો. બાતમીદારે રાતે હા પાડતા જ પોલીસ વધુ એલર્ટ સાથે આગળ વધવા લાગી. જે ખેતરમાં જુસબ સુતો હતો ત્યાંથી ચારેક ખેતર દૂર પોલીસે ગાડીઓ મૂકી દીધી અને ત્યાંથી આગળ ચાલીને જવાનું નક્કી થયું. તમામ પોલીસકર્મીઓએ બૂલેટપ્રૂફ જેકેટ પહેર્યા હતા અને હાથમાં ભરેલી બંદૂકો હતી. જુસબ દૂર એક ખાટલામાં સૂતો દેખાયો કે હિમાંશુ શુક્લા બન્ને હાથ પહોળા કરી છાના ડગલે આગળ વધી રહેલી પોલીસફોર્સને રોકી. સાહેબનો ઇશારો જોઇ સૌ કોઇ ઊભા રહી ગયા અને તેમની સામે જોવા લાગ્યા. હિમાંશુ શુક્લાએ જુસબના આતંકનો કાયમી અંત લાવવા એક ‘આખરી નિર્ણય’ કર્યો. તેમણે ટીમમાં સાથે આવેલી મહિલા પી.એસ.આઈ. સંતોક ઓડેદરા, શકુંતલા મલ, નિતમિકા ગોહિલ અને અરૂણા ગામેતીને આગળ કર્યા. સાથે સલાહ પણ આપી કે, ‘એના આતંકની સાથે એના મોભાને પણ ધૂળધાણી કરવાનો છે!’. ટીમ હવે બે ખેતર દૂર ખાટલામાં સૂતેલા જુસબ સુધી ઉતાવળે આગળ વધવા લાગી. અરૂણોદય થઇ ચુક્યો હતો અને જુસબ જે ખેતરમાં સૂતો હતો તેને અડીને આવેલા ખેતરમાં કેટલાક માલધારીઓ પોતાના ઢોર ચરાવવા પહોંચી ગયા હતા. ગોવાળીયાઓની નજર પોલીસ કાફલા પર પડી. પરંતુ એકેય પોલીસકર્મી ખાખી વર્દીમાં નહોતો, માટે તેમને આટલા લોકો સવાર સવારમાં આમ સંતાઇને તેમના ખેતર બાજુ કેમ આવે છે? તે વિચારથી તે સ્તબ્ધ બની ગયા. એક માલધારીની નજર પી.આઈ અગ્રાવત પર પડી. તે બોલી ઉઠ્યો, ‘અલા માસ્તર તમે…?’ ત્યાં તો પી.આઈ અગ્રાવત સ્થિતિ કળી ગયા અને માલધારીને રિવોલ્વર બતાવી કહ્યું, ‘સોરી ભાઇ ચૂપ, કાંઇ બોલતા નહીં, નહીંતર આ સગી નહીં થાય...ઓપરેશનનું ક્લાઇમેક્સ હતું અને હવે કોઇ ભૂલ થાય તો પોલીસનું નાક કપાય તેમ હતું. માટે પી.આઈ અગ્રાવતે માલધારીને માત્ર ડરાવવા માટે જ ગન બતાવી હતી. માલધારી જેને માસ્તર સમજતો હતો તેનું આવું વર્તન જોઇ હેબતાઇ ગયો અને બે-ત્રણ ગોવાળિયાઓને નજીકની એક ઓરડીમાં જતા રહેવા કહેવાયું. પોલીસકર્મીઓ બીલ્લી પગે આગળ વધ્યા અને જૂસબના ખાટલા સુધી પહોંચી ગયા. ભેદી હલચલથી જુસબની આંખ ખુલી ત્યાં તો તેની કલ્પના બહારનું દ્રશ્ય હતું. એ કાંઇ સમજે તે પહેલા બંદૂકના બટ (બંદૂકનો પાછળનો ભાગ) અને લાફા પડવા લાગ્યા. પુરૂષ પોલીસકર્મીઓને બસ ઊભા ઊભા દ્રશ્યો જોવાના હતા. મહિલાઓના હાથે લાફા પડતા જ જુસબ ગભરાઇને ખાટલામાં બેઠો તો થયો પણ માનસિક રીતે ભાંગી પડ્યો. આસપાસ પોલીસના કાફલાને જોઇ એ ચૂપ રહ્યો અને જમીન પર બેસાડી મહિલાઓના હાથે તેને હાથકડી પહેરાવડાવી. તેના આતંકનો અંત લાવવા મહિલા પોલીસના હાથે તેની સત્તાવાર ધરપકડના આખરી નિર્ણયે આખી ઘટનાને માત્ર જંગલ પુરતી સીમિત ન રહેવા દઇ દેશભરના મીડિયામાં સ્થાન અપાવ્યું. જુસબ ૧૧ મહિનાની મહેનત બાદ સાવ સામાન્ય રીતે ઝડપાઇ ગયો. સવારનો સમય હતો જુસબના પકડાઇ જવાથી પોલીસકર્મીઓ ખુશ હતા પણ હિમાંશુ શુક્લા તેમના અંદાજમાં બન્ને હાથ ખીસામાં નાંખીને સવારની એ સુખદ ઘટનાને માણી રહ્યાં હતા. તે જાણતા હતા કે, ભલે જુસબને પકડવામાં મહેનત કરવી પડી પણ તે આટલી જ આસાનીથી પકડાવાનો હતો. ‘સાધારણ બાબત જ સૌથી અસાધારણ હોય છે અને બુધ્ધિશાળી લોકો જ તેમને જોઇ શકે છે’(-પાઓલો કોએલોની ધી એલ્કેમિસ્ટ બૂકમાંથી). હિમાંશુ શુક્લાએ અગ્રાવતને ખભે હાથ મૂકીને અભિનંદન આપ્યાં. ડીઆઈજી શુક્લાએ પોલીસકર્મીઓની ભીડમાં જીતુ નામના તે કોન્સ્ટેબલને પણ શોધ્યો જે રાત્રે પોલીસ ટીમને બાતમીવાળી જગ્યા સુધી મૂકવા આવ્યો હતો. પરંતુ તેનુ કામ પોલીસટીમને સ્થળ સુધી મૂકી પાછા જતા રહેવાનું હતુ તેથી તે નીકળી ગયો હતો. હિમાંશુ શુક્લાએ પી.આઈ. અગ્રાવત પાસે તેનો નંબર માંગ્યો અને ત્યાંથી જ પોતાના ફોનથી જીતુને ફોન કરતા કહ્યું‘ડીઆઈજી એટીએસ હિમાંશુ શુક્લા બોલ રહા હું….જીતુ થેન્ક્યુ વેરી મચ…’એક કોન્સ્ટેબલના નાનામાં નાના કામની પણ કદર કરતા જોઇ હાજર પોલીસ સ્ટાફને પણ પોતાના લીડર પર માન થવું વ્યાજબી હતું. બીજી તરફ જુસબને જમીન પર બેસાડી ચારેય મહિલા પી.એસ.આઈઓએ તેની સામે ગન તાકી એક ફોટો પડાવ્યો હતો તે ફોટો જુસબના આતંકના અંત માટે ધાર્યુ કામ કરી ગયો અને મીડિયામાં પણ ચર્ચાસ્પદ રહ્યો હતો. 

આ સત્ય ઘટના પર આગામી દિવસમાં એક હિન્દી ફિલ્મ પણ બનવા જઇ રહી છે. 


No comments:

Post a Comment

આતંકના અંતનો આખરી નિર્ણય : ડાકૂને પકડવાનું ATSનું 11 મહિનાનું ઓપરેશન

રાતના ૭:૩૦ વાગ્યા હતા. મે મહિનાનો તાપ વરસાવી સૂર્યનારાયણ હજુ ક્ષિતિજથી ઓઝલ જ થયા હતા. જંગલના નિશાચરો પણ આળસ મરડી રહ્યાં હતાં. એક સામાન્ય દિવ...