Wednesday, February 12, 2020

ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. કિરણ ચૌધરીએ કહ્યું, કેમ છે તરૂણ? અને પ્રવીણ ધબકારો ચૂકી ગયો

MIHIR BHATT  (ભાગ-૧)
    રાતના દોઢ વાગ્યાનો સમય હતો. આઈ.ટી હબ ગણાતા બેંગ્લોરના રસ્તાઓ પર રાત્રી દરમિયાન કામ કરતા એકલ-દોકલ લોકોની અવર-જવર વચ્ચે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એક કોમર્શિયલ કોમ્પ્લેક્ષની લિફ્ટ પાસે પહોંચી. પી.આઈ કિરણ ચૌધરી અને ચારેક વિશ્વાસુ પોલીસ કોન્સ્ટેબલ લિફ્ટને બોલાવવા બટન દબાવી ઉભા રહ્યાં. પી.આઈ ચૌધરી સહિત પાંચેય પોલીસકર્મીઓના મોઢા પર એક ભેદી ગંભીરતા સાથે મૌન હતુ. મનમાં એક ભેદી ઉથલ-પાથલ પણ ચાલતી હતી. ટીમ લીડ કરી રહેલા પી.આઈ ચૌધરીના મનમાં ઉપર જઇને શું થશે? તે તરૂણ જ હશે કે નહીં? તેવા અનેક વિચારો વીજળી વેગે ફરી રહ્યાં હતા. વર્ષો પછી એક વિસરાયેલી ઘટના પરથી પડદો ઉંચકાવાનો હતો.

    લિફ્ટ આવી અને પાંચેય જણા અંદર સવાર થયા. કોન્સ્ટેબલે બીજા નંબરની સ્વિચ દબાવી. લિફ્ટમાંથી બીજા માળે બહાર નીકળતા જ ચૌધરી સહિતના સ્ટાફે એક બોર્ડ વાંચ્યુ અને રિસેપ્શન પર પહોંચ્યા. મૂળ અમેરિકન કંપની હોય રાત્રે ઓફિસ ધમધમતી હતા. રિસેપ્શન પર એક પુરૂષ રિસેપ્શનિસ્ટ પણ હાજર હતો. પોલીસકર્મી તેની સામે ટેબલ પર હાથ ટેકવી ઉભા રહ્યાં અને ઓળખ આપ્યા વગર કહ્યું, પ્રવિણ ભોટેલેને મળવું છે..! રિસેપ્સનિસ્ટે ઇન્ટરકોમ પર કોઇને ફોન કર્યો અને કન્નડ ભાષામાં કંઇ કહ્યું. થોડીવારમાં એક યુવક રિસેપ્શન પર આવ્યો. બહાર કોણ મળવા આવ્યું છે? એ આશ્ચર્ય સાથે પહેલાં તેણે રિસેપ્શનિસ્ટ સામે જોયું, તો રિસેપ્શનિસ્ટે પણ પોલીસની ઓળખ આપ્યા વગર ઉભેલા કે.જી ચૌધરી અને તેમના સ્ટાફ સામે મોઢાથી ઇશારો કર્યો. આ દ્રશ્ય તમામ પોલીસકર્મીઓ પણ જોઇ રહ્યાં હતા. પ્રવિણે કહ્યું, ‘યસ..આઇ એમ પ્રવિણ’. પી.આઈ કિરણ ચૌધરીએ હાથ મિલાવવા હાથ આગળ વધાર્યો. પ્રવિણે પણ હાથ લંબાવી કિરણ ચૌધરીના હાથમાં પોતાનો હાથ પોરવ્યો પી.આઈ ચૌધરીને જાણે વર્ષોથી આ એક ક્ષણની રાહ હતી. હાથમાં હાથ મળતાની સાથે જ કિરણ ચૌધરીએ તરત જ તેનો પંજો ફેરવીને તેનો પહોંચો (હથેળીને પાછળનો ભાગ) જોયો. ચૌધરીએ હાથ જોતા જ એક ઉંડો શ્વાસ લીધો અને કહ્યું, ‘કેમ છે તરૂણ?’ તરૂણ.! આ નામ સાંભળતા જ પ્રવિણ પણ ધબકારો ચૂકી ગયો અને જોડે ઉભેલા પોલીસકર્મીઓ સતર્ક થઇ ગયા!

     ચૌધરીએ પોતાની ઓળખ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આપતા કહ્યું ‘ચાલો’. તરૂણ પણ આખી ઘટના પળવારમાં સમજી ગયો કે તેને કેમ લઇ જવામાં આવી રહ્યો છે. તેને વર્ષોથી આ વાતનો જાણે અંદાજ હતો કે ક્યારેકને ક્યારેક પોલીસ તેને લેવા આવશે જતે  રિસેપ્શનિસ્ટ સામે પણ જોવા ન ઉભો રહ્યો અને ચાલવા લાગ્યો.

     સામાન્ય રીતે પોલીસ કોઇ આરોપીની ધરપકડ કરે તો નિયમ પ્રમાણે તેના ઘરે તો જાણ કરતી જ હોય છે. આ કેસમાં પણ લિફ્ટમાંથી નીચે ઉતરતા પી.આઈ ચૌધરીએ તરૂણને કહ્યું, ‘તારા ઘરે જાણ કરી દે’. તરૂણ બોલ્યો, ‘ના અત્યારે છોકરાઓ અને મારી વાઇફ સુતા હશે. અત્યારે વાત નથી કરવી સવારે કહી દઇશ’. પી.આઈ ચૌધરી પણ તેની સામે જોઇ રહ્યાં. ચૌધરી વિચાર કરી રહ્યાં હતા કે, ‘આટલા વર્ષોના પોલીસીંગમાં આટલો ચબરાક આરોપી નથી જોયો’. લિફ્ટ નીચે પહોંચી અને રોડની સામેની બાજુ પાર્ક કરેલી ખાનગી કારમાં પોલીસકર્મીઓ તરૂણને લઇને બેસી ગયા. ગાડી અમદાવાદ આવવા નીકળી ગઇ.

     આખી રાતની મુસાફરી દરમિયાન ગાડીમાં સૌ કોઇ લગભગ ચૂપ જ હતા. ગાડી સડસડાટ હાઇવે પર દોડી રહી હતી. સવારના સાત વાગવામાં થોડીવાર હતી. ચૌધરીએ કહ્યું, ‘ચા પાણી કરી લઇએ’. પોલીસની ખાનગી ગાડી હાઇવે પરની એક હોટલ આગળ ઉભી રહી. પોલીસકર્મીઓ તરૂણને લઇને ચા-પાણી કરવા નીચે ઉતર્યા. ચૌધરીએ ફરી તરૂણને કહ્યું, ‘તારા ઘરે જાણ કરી દે’. તરૂણ ગુમસૂમ હતો. ‘તેણે કહ્યું મારો ફોન આપો’. એક કોન્સ્ટેબલે તરૂણની અટકાયત સમયે કબજે કરેલો તેનો મોબાઇલ સ્વિચઓન કર્યો અને તેને આપ્યો. તરૂણને લઇને પોલીસકર્મીઓ હજુ હોટલ બહાર એક મોટા મેદાનમાં પાર્ક કરેલી ગાડી પાસે જ ઉભા હતા. ત્યાંથી જ તરૂણે ફોન લગાવ્યો. તરૂણની પત્ની નિશાએ ફોન ઉપાડતા કહ્યું, ‘ગૂડ મોર્નિગ પ્રવિણ’. પ્રવિણે કહ્યું, ‘મે તરૂણ બાત કર રહા હું’. સવાર-સવારમાં નિશા પતિની આ વિચિત્ર વાતથી થોડી અકળાઇ ગઇ. તેણે કહ્યું, ‘વોટ રબીશ યાર..’ તરૂણે કહ્યું, ‘હાં, મેરા સહી નામ તરૂણ હે. મુજે અહમદાબાદ પુલીસને પુરાને એક કેસમે ગીરફ્તાર કિયા હૈ. મુજે અહમદાબાદ લે જા રહે હે’. નિશાને હજુ તેના જીવનમાં આવનારી ઉથલપાથલનો અંદાજ નહોતો. તેની માટે આ સવાર જાણે પોતાના અને પરિવાર માટે સૂર્યાસ્ત સમાન બનવાની હતી. નિશાને ડૂમો ભરાઇ ગયો. તે પથારીમાં સુતી એક સાત વર્ષની દીકરી અને બીજા દસ વર્ષના દીકરા સામે જોઇ રહી. તેને સમજાઇ નહોતું રહ્યું કે તેનો પતિ આ શું કહી રહ્યો છે?. ફોનમાં વાત આગળ વધે તે પહેલાં તરૂણે ફોન કટ કરી નાંખ્યો અને કોન્સ્ટેબલને ફોન પાછો આપવા હાથ લંબાવ્યો.

    પોલીસકર્મીઓ પણ આ દ્રશ્ય જોઇ રહ્યાં હતા. તેમને પણ પોતાની ફરજ બજાવાની હતી. તરૂણને ફોન કરતા જોઇ સ્તબ્ધ બનેલા પોલીસકર્મીઓએ હવે એક ઝાટકે લાગણીઓ ખંખેરી અને તરૂણને હાથ પકડી રેસ્ટોરન્ટ તરફ ચાલવા લાગ્યા.

     આ ક્રાઇમ કહાનીમાં પ્રેમ છે, બેવફાઇ છે, ફિલ્મી કહાનીને પણ ધોબી પછડાટ આપે તેવા આરોપીના કાવાદાવા છે. એક તરફ પોલીસની ગંભીર ભૂલ છે, તો બીજી તરફ તે જ પોલીસના ધૈર્યની કસોટી છે. પત્રકારે યાદ કરાવેલી આ વિસરાયેલી મર્ડર મિસ્ટ્રીની ગજબની કહાની છે, જેમાં પોલીસે જાહેરમાં નહીં કબુલેલી તપાસની તે તમામ ખાનગી બાબતોનું વર્ણન છે જે પકડાયા પછી આજ સુધી ખુદ તરૂણ પણ નથી જાણી શક્યો કે તે કેવી રીતે પકડાયો..!

હિમાંશુ શુક્લા બોલ્યા…‘અચ્છા, તરૂણ અભીતક નહીં પકડા ગયાં..યે બાત કો તો દસ સાલ હો ગયે!’


   વાત, વર્ષ ૨૦૧૨ના ઉનાળાની એક બપોરની છે. સિનિયર પત્રકાર પ્રશાંત દયાળ, બંકીમ પટેલ અને ત્રીજો એક પત્રકાર અમદાવાદ ક્રાઇમબ્રાન્ચના ડીસીપી હિમાંશુ શુક્લાની ચેમ્બરમાં બેઠા હતાં. શહેરમાં એવી કોઇ મોટી ઘટના નહોતી પણ પત્રકારો અને પોલીસકર્મીઓને આ રીતે મળવાનો લગભગ રોજનો ક્રમ હોય છે. શહેરમાં બાકી રહી ગયેલા ગુનાઓની વાત ચાલતી હતી ત્યારે જ પેલા પત્રકારે કહ્યું, સાહેબ સજની મર્ડર કેસ જુવો ને! એનો આરોપી તરૂણ હજુ નથી પકડાયો. ડીસીપી હિમાંશુ શુક્લા નોર્મલ ટોનમાં જ બોલ્યા, ‘કયો કેસ?’ પત્રકારે કહ્યું, ‘૧૪ ફેબ્રુઆરી ૨૦૦૩માં બોપલના હિરા-પન્ના ફ્લેટમાં હત્યા થઇ હતી. પ્રેમિકા સાથે લગ્ન કરવા પતિએ જ પત્નીની હત્યા કરી એ પણ પ્રેમિકાને બતાવવા વેલેન્ટાઇન ડે પર જ હત્યા કરી હતી’. હિમાંશુ શુક્લા બોલ્યા…‘અચ્છા, તરૂણ અભીતક નહીં પકડા ગયાં..યે બાત કો તો દસ સાલ હો ગયે!’ તેમણે ત્રણેય પત્રકારોની હાજરીમાં જ બેલ માર્યો અને તેમનો ગનમેન અંદર આવ્યો. શુક્લાએ ગનમેનને કહ્યું, ‘કે.જી ને બોલાવશો..’ ડીસીપીનો હુકમ થતા જ કિરણ ચૌધરી હાથમાં એક ડાયરી અને પેન સાથે તેમની ચેમ્બરમાં આવ્યાં. આગળની ખુરશીમાં ત્રણેય પત્રકારો બેઠા હતા માટે કે.જી ચૌધરી ત્રણેયની ખુરશી પાછળ જ ઉભા રહ્યાં અને કહ્યું, ‘જી સર’. હિમાંશુ શુક્લાએ તેમની સામે જોતા કહ્યું, ‘કિરણ આ કોઇ સજની મર્ડર કેસ છે એનો આરોપી હજુ નથી પકડાયો આપણે લઇ લઇશું..?’ હિમાંશુ શુક્લાના કહેવાનો અર્થ હતો કે, આ કેસ ભલે અમદાવાદ ગ્રામ્યની હદમાં હોય પણ આપણે ડિટેક્ટ કરી નાંખવો જોઇએ. કિરણ ચૌધરી તેમની વાત સાંભળતા જ કહ્યું, ‘સાહેબ,આપણે પહેલાં આ કેસની તપાસ કરી છે પણ કંઇ મળ્યું નથી.’ પોલીસ અધિકારીઓ ઘણીવાર કોઇ વાત પોતાને પહેલેથી ખબર છે એવો દેખાડો કરવા વિશ્વાસથી વાત કરતા હોય છે. પત્રકારને લાગ્યું આ વખતે પણ કદાચ આવું જ હશે. આ એ સમય હતો જ્યારે કિરણ ચૌધરી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા. બસ આ વાત જાણે અહીં પતી ગઇ. પી.એસ.આઈ ચૌધરીએ કડક હાથે મુઠ્ઠીવાળી બે હાથ પાછળ ખેંચતા હિમાંશુ શુક્લાને સલામ ભરીને તેમની કેબીન બહાર નીકળી ગયા. સજનીની વાત કરનારા પત્રકારને લાગ્યું કે અહીં પણ કશું નહીં થાય. જે પત્રકારે સજની મર્ડર કેસની વાત હિમાંશુ શુક્લા સામે માંડી હતી તે સ્ટોરી જ્યારે તેણે પહેલીવાર વર્ષ ૨૦૦૭માં કરી ત્યારે તે સજનીના માતા-પિતાને મળ્યો હતો. તેમને રડતા જોયા હતા. ત્યારે મનમાં વિચાર કર્યો હતો કે, સજનીનો આરોપી તો પકડાવવો જ જોઇએ.


    પત્રકારે હિમાંશુ શુક્લાને વાત કરી તે પહેલા પાંચ વર્ષમાં ઘણા અધિકારીઓને વોન્ટેડ તરૂણને પકડવા વાત કરી હતી. કેટલાક અધિકારીઓએ દાવો પણ કર્યો હતો કે, તેમણે તપાસ કરી છે પણ કશું મળ્યુ નથી.

     વર્ષ ૨૦૧૨ની આ ઘટના બાદ પત્રકારના મનમાં સજની કેસ ફરી વાગોળાવા લાગ્યો હતો. ડિસેમ્બર ૨૦૧૨માં નિર્લિપ્ત રાયની અમદાવાદ ગ્રામ્યના પોલીસ વડાં તરીકે નિમણૂક થઇ. એક દિવસ મોકો મળ્યો ત્યારે પત્રકારે નિર્લિપ્ત રાયને પણ સજની મર્ડર કેસની વાત કરી. નિર્લિપ્ત રાયે વાત સાંભળતા જ હત્યા કેસમાં રસ દાખવ્યો અને પુછ્યું ‘ક્યાંથા વો કેસ?’

(ક્રમશ:)

12 comments:

  1. બહુ સુંદર આલેખન કર્યું છે, અભિનંદન

    ReplyDelete
  2. ઉત્કંઠા જગાવી ને ક્રમશઃ.... સરસ આલેખન.

    ReplyDelete
  3. Please don't write stories in part. Request to write full story please.

    ReplyDelete
  4. superb 👌👌
    bt intrest aayo ane ...!!!
    puri hot to maja aavti 👍👍

    ReplyDelete
  5. Superb Kiran and team.always feeling pride and proud to have Shukalasir as the most technocrat and genuine leader

    ReplyDelete

આતંકના અંતનો આખરી નિર્ણય : ડાકૂને પકડવાનું ATSનું 11 મહિનાનું ઓપરેશન

રાતના ૭:૩૦ વાગ્યા હતા. મે મહિનાનો તાપ વરસાવી સૂર્યનારાયણ હજુ ક્ષિતિજથી ઓઝલ જ થયા હતા. જંગલના નિશાચરો પણ આળસ મરડી રહ્યાં હતાં. એક સામાન્ય દિવ...