Monday, February 17, 2020

પોલીસને શંકા હતી કે, તરૂણ સ્મશાનયાત્રામાં આવશે અને તરૂણને શંકા હતી કે, પોલીસ સ્મશાનયાત્રામાં આવશે


MIHIR BHATT 


follow me on : 
https://twitter.com/MihirBhatt99

(ભાગ-3

તરૂણને પકડવા હવે પોલીસ ધર્મના આશરે હતી. ક્રાઇમ બ્રાન્ચે ચર્ચમાં એક કાર્યક્રમનું આયોજન કરાવ્યું હતુ.  આ કાર્યક્રમમાં અન્નમાચાકો આવી પણ તેનો દીકરો તરૂણ સાથે નહોતો. પોલીસનો આ પ્લાન પણ નિષ્ફળ રહ્યો. પોલીસ સતત નિષ્ફળ સાબીત થઇ રહી હતી. જાણે કુદરત પોલીસની વિરૂધ્ધમાં હોય. પણ પોલીસ નિષ્ફળતાઓથી થાકીને આ ઓપરેશન છોડવા કોઇ પણ ભોગે તૈયાર નહોતી. ખાસ કરીને કિરણ ચૌધરી તરૂણને પકડવાનું ઓપરેશન અધુરુ છોડવા તૈયાર નહોતા. કહેવાય છે ને કે, અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો

આટઆટલા પ્રયાસો પછી પણ પોલીસ થાકી નહોતી. પોલીસે હજુ પણ દરરોજ અન્નમાચાકોના ફોન કોલ્સની ડિટેઇલ્સ તપાસવાનું ચાલુ રાખ્યુ હતુ. એક દિવસ મળસકે અન્નમાચાકો પર બેંગ્લોરથી એક ફોન આવ્યો. આ ફોન લગભગ પંદરેક મિનિટ ચાલ્યો. સવારે જ્યારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ઓફિસ પહોંચ્યા અને અન્નમાચાકોની ડિટેઇલ્સ જોઇ ત્યારે આ ઇનકમિંગ ફોન પર તેમની નજર પડી. કિરણ ચૌધરીને શંકા ગઇ કે, આટલી સવારે અન્નમાચાકોએ કોની સાથે વાત કરી? ફોન જે નંબર પરથી આવ્યો હતો તે નંબરની વિગતો કાઢી તો બેંગ્લોરની એક આઇટી કંપનીનો લેન્ડ લાઇન નંબર હતો. કિરણ ચૌધરીને શંકા ગઇ કે, એક આઈટી કંપનીમાંથી કોણ ફોન કરે? રોંગ નંબર હોય તો આટલી લાંબી વાત ન થાય. તાત્કાલીક તે આઈટી કંપનીમાં તપાસ કરાવી અને જે લેન્ડ લાઇનથી ફોન આવ્યો હતો તે અંગે પોલીસે તપાસ કરી. કંપની દ્વારા જવાબ આવ્યો કે, તેમની કંપનીમાં ૪૦૦ લોકો કામ કરે છે માટે લેન્ડલાઇન ફોન કોણે વાપર્યો હોય તે નક્કી ન કરી શકાય.

આ તપાસ શરૂઆતમાં એક તુક્કો હતી. એમ પણ આટલા પ્રયાસ પછી આ તપાસ ખુબ નાની હતી પણ તે તક પણ કિરણ ચૌધરીને છોડવી નહોતી. અમેરિકન બેઝ કંપની હોવાથી ક્રાઇમ બ્રાન્ચે તે કંપનીના અમેરિકા સ્થિત હેડ ક્વાર્ટરમાં મેઇલ કરીને વિગત માંગી કે, બેંગ્લોરમાં તેમની ઓફિસમાં કામ કરતા તમામ કર્મચારીઓની વિગતો આપો. અમેરિકી કંપનીએ બે દિવસમાં તમામ કર્મચારીઓનો નામ, ઉંમર, સરનામાં સહિતની વિગતો આપી. આ ૪૦૦ કર્મચારીઓમાંથી એક નામ પોલીસને મળ્યું ‘પ્રવિણ ભોટેલે’. જે અગાઉ પણ પોલીસની તપાસમાં સામે આવ્યું હતુ. અગાઉની તપાસમાં જ્યારે પ્રવિણ ભોટેલેની તપાસ કરી ત્યારે તે માત્ર પારિવારીક મિત્ર હોવાનું જ ક્રાઇમ બ્રાન્ચ જાણી શકી હતી. પણ એક પારિવારીક મિત્ર વહેલી સવારે ફોન કરે અને તે પણ આટલી લાંબી વાતચીત ચાલે તે વાત હવે ગળે નહોતી ઉતરતી. માટે પ્રવિણ ભોટેલેની તપાસ કરવી મહત્વની બની હતી. પ્રવિણનો મોબાઇલ નંબર અગાઉની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ પાસે હતો જ. હવે ક્રાઇમ બ્રાન્ચે પ્રવિણના નંબરથી તેના પરિવારની વિગતો એકઠી કરી. પોલીસને ખબર પડી કે, તે પરણિત છે અને નિશા નામની તેને પત્ની છે અને પરિવારમાં બે સંતાન પણ છે. પોલીસે પ્રવિણનો ફોટો ક્યારેય જોયો ન હતો. માટે હવે તેની સોસિયલ મીડિયા થકી પ્રોફાઇલ શોધવાનું શરૂ કર્યું.

પોલીસને આ તપાસમાં આશ્ચર્ય થયું કે, પ્રવિણે ક્યારેય સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કર્યો. તેની પત્નીની ફેસબૂક પ્રોફાઇલમાં પણ ક્યાંય પ્રવિણ સાથે તેનો ફોટો નથી. આવું કેવી રીતે બને..? હવે તો પ્રવિણને રૂબરૂ જ મળવું પડે! આવા મનોમન નિર્ધારથી કિરણ ચૌધરીએ ડીસીપી ભદ્રન પાસે બેંગ્લોર જવાની પરવાનગી લીધી. એક સામાન્ય વ્યક્તિની આટલી બધી ગુપ્તતાજોઇ કિરણ ચૌધરી મનોમન માની ચુક્યા હતા કે, માનો ન માનો આ જ તરૂણ છે. કિરણ ચૌધરી પોતાના ચાર કોન્સ્ટેબલ સાથે ખાનગી કારમાં બેંગ્લોર જવા નિકળ્યા ત્યારે તેમણે અમદાવાદ છોડતા પહેલા પેલા પત્રકારને પણ સવારે ફોન કર્યો.

હેલ્લોઉઠી ગયો? પત્રકારે કહ્યું ‘હા, બસ ત્રણ દિવસની રજા લીધી છે અને પરિવાર સાથે બહારગામ ફરવા નિકળું છું. ચૌધરીએ કહ્યું, ‘બે-ત્રણ દિવસમાં એક સારા સમાચાર આપીશ. બીજાની તો ખબર નથી પણ તું ખુશ થઇ જઇશ’. પત્રકારને તેમની આ વાત સાંભળતા જ જાણે મોઢા પર કુદરતી રીતે આવી ગયું…‘સજની કેસ ડિટેક્ટ?’ એક ભેદી હાસ્ય સાથે ચૌધરીએ કહ્યું, બે-ત્રણ દિવસ રાહ જો..’ પત્રકારે કહ્યું, ‘જો સજની મર્ડર કેસ ડિટેક્ટ હોય તો કહેજોપ્રેસ કોન્ફરન્સ ન કરી નાંખતા. નહીંતર હું બહાર જવાનું કેન્સલ કરી નાંખુ. તરૂણ પકડાયાનું બ્રેકિંગ મારે જ કરવું છે’. ચૌધરીએ કહ્યું, ના..ના તું ફરી આવ..તારી ગેરહાજરીમાં પ્રેસ કોન્ફરન્સ નહીં થાય. આખી વાતમાં ચૌધીરીએ ક્યાંય સજની કેસ કે તરૂણનો ઉલ્લેખ નહોતો કર્યો. પણ, જેમ ચૌધરીને વિશ્વાસ હતો કે, પ્રવિણ જ તરૂણ છે તેમ પત્રકારને પણ વિશ્વાસ હતો કે, કે.જી ચૌધરી તરૂણની જ વાત કરે છે. પત્રકાર માટે આ ખુશીના સમચાર હતા. તેણે તાત્કાલીક ડીસીપી ભદ્રનને ફોન કર્યો.

બીજી રીંગ વાગી અને ભદ્રને ફોન ઉપાડી લીધો. પત્રકારે કહ્યું, ‘સર, બડા ડિટેક્શન કરને જા રહે હો..’ ભદ્રન સમજી ગયા કે પત્રકાર શું કહેવા માંગે છે. તેમણે કહ્યું, ‘નહીં અભી દેર લગેગી’. પત્રકારે કહ્યું, ‘સર, ફેમિલી કે સાથ બહાર જા રહાં હું. અગર બરસો પુરાના કેસ ડિટેક્ટ કર રહે હો તો ટૂર કેન્સલ કરદુ’. ભદ્રન પણ જાણતા હતા કે, આ કેસ ડિટેક્ટ કરવાનું પ્રોત્સાહન અને વિગતો આ જ પત્રકારે આપી છે. માટે તેમણે પણ બંધમાં રમતા પુછ્યું ‘કિતને દીન બહાર હો?’ પત્રકારે કહ્યું, ‘તીન દીન’. ભદ્રને કહ્યું, ઠીક હે ઘુમ કર આ જાઓ..’

ચાર દિવસ પછી ફરી એક સવારે ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીનો ફોન આવ્યો..અધિકારીએ કહ્યું, સાહેબ પુછાવે છે કે, આવી ગયાં અમદાવાદ? પત્રકાર સમજી ગયો કે, સાહેબ એટલે દીપન ભદ્રનની વાત છે. પત્રકારે કહ્યું, હા, કાલે રાતે જ આવી ગયો. અધિકારીએ કહ્યું તો આવો ને ક્રાઇમ બ્રાન્ચ સાહેબ યાદ કરે છે. આ ફોન સવારે ૮ વાગ્યે આવ્યો હતો. સવાર સવારમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ વિશેષ કામ હોય તો જ બોલાવતા હોય તે જાણી પત્રકાર તાત્કાલીક તૈયાર થયો અને ક્રાઇમ બ્રાન્ચ નિકળવાની તૈયારી કરી રહ્યો હતો. દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ ચૌધરીનો ફોન આવ્યો અને કહ્યું, ‘તરૂણ અરેસ્ટેડ

૧૫ વર્ષ જૂના કેસમાં સજનીનો હત્યારો પકડાઇ ગયો હતો. પોલીસને જેટલી ખુશી હતી તેટલી જ ખુશી તે પત્રકારને પણ હતી. તે ૯ વાગતા પહેલાં ક્રાઇમ  બ્રાન્ચ પહોંચી ગયો. ક્રાઇમ બ્રાન્ચ ગાયકવાડ હવેલીમાં આવેલી છે. ત્યાં અંદર પ્રવેશ કરવા માટે બહાર પીઆરઓમાંથી અંદર કોને મળવાનું છે તે અધિકારી સાથે ફોન કરાવી મંજૂરી લેવાની હોય છે. પણ પત્રકાર જ્યારે ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યો ત્યારે તેના નામથી પહેલેથી જ સૂચના આપી દેવાઇ હતી. પોલીસકર્મીઓ પણ રોજની અવરજવરથી પત્રકારને ઓળખતા હતા. પીઆરઓ કેબીન સુધી પહોંચતા જ અંદર બેઠેલા પોલીસકર્મીએ કહ્યું, જાવ સાહેબ તમારી જ રાહ જોવે છે, સીધા ચૌધરી સાહેબની કેબીનમાં જ જજો.
પત્રકાર કે.જી ચૌધરીની કેબીનમાં પહોંચ્યો ત્યારે ત્યાં એક ફ્રેન્ચકટ દાઢી વાળો શખ્સ અદબવાળી ઉભો હતો. ચૌધરીએ બેસવાનું કહેતાની સાથે પત્રકારને કહ્યું, આ તરૂણ

પત્રકાર તેની સામે જોઇ રહ્યો. ચૌધરીએ કહ્યું તારા મનમાં કોઇ સવાલ હોય તો પુછી લે. પત્રકારને આખા રિપોર્ટીંગ દરમિયાન તે હોસ્પિટલમાંથી કેવી રીતે ભાગ્યો તે સવાલનો જવાબ તરૂણ પાસેથી જ જાણવો હતો. તરૂણે કહ્યું, ‘નાં હું હોસ્પિટલમાંથી નહીં, હોસ્પિટલથી રજા લઇને ઘરો ગયો પછી જતો રહ્યો હતો’. તરૂણ હવે પોલીસ કસ્ટડીમાં હતો અને તે સાચુ બોલે છે તેનો કોઇ ભરોસો નહતો.
ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભદ્રને પત્રકાર જે અખબારમાં નોકરી કરતો હતો તેના તંત્રી ને પણ ફોન કર્યો અને કહ્યું, ‘તમારા પત્રકારે અમારૂ ફોલોઅપ ના લીધુ હોત તો તરૂણ જિન્નરાજ ન પકડાયો હોત’. તે દિવસે તરૂણની ધરપકડ મીડિયા માટે હોટ ખબર હતી.

પણ હવે, પત્રકારોને એ જાણવું હતુ કે, તરૂણ આટલા સમય પોલીસથી કેવી રીતે છુપાતો રહ્યો?

આ એ સમય હતો જ્યારે જે.કે ભટ્ટ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર હતા. તેમણે તરૂણ પકડાયાની જ્યારે જાણ થઇ તે જ બપોરે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. જે.સી.પી જે.કે ભટ્ટ, ડી.સી.પી. દીપન ભદ્રન સહિત ક્રાઇમ બ્રાન્ચના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યાં. પ્રેસ રૂમ પણ પત્રકારો અને કેમેરામેનથી હકડેઠઠ ભરાઇ ગયો. પત્રકારોના જવાબ આપતા જે.કે ભટ્ટે કહ્યું, કે, તરૂણે કબૂલાત કરી છે કે, તેણે પત્નીની હત્યામાં પોતાની સંડોવણી છુપાવવા માંગતો હતો. માટે વિજય ચાર રસ્તા કેક લેવા જવાનું બહાનુ કર્યુ હતુ. તરૂણ કેક લેવાનું તરકટ કર્યુ તે પહેલાં તેણે સજનીની ગળુ દબાવી હત્યા કરી નાંખી હતી. તે કેક લેવાનું કહીને નિકળ્યો અને પાછો આવ્યો ત્યારે કોઇએ સજનીની હત્યા કરી હોવાનું કહી બૂમારાડ કરી હતી. ત્યાર  બાદ પોલીસને શંકા જતા તે બે દિવસ પછી ભાગ્યો હતો.

અમદાવાદથી ભાગીને તે પહેલાં કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યો. ત્યાંથી સુરત જતી ટ્રેનમાં ચડી ગયો. રાત્રે સુરત પહોંચીને તેણે પહેલો ફોન તેની પ્રેમિકાને કર્યો. જો કે, એક ફન્કશનમાં હતી. આ દરમિયાન તરૂણે તેને કહ્યું કે, ‘સજીની હવે આપણી વચ્ચે નહીં આવે’. તેની પ્રેમિકાને શંકા જતા જ તે સ્તબ્ધ બની. તેણે કહ્યું, તરૂણ આ તે કર્યું છે? તેમ કહી તેણે ફોન કાપી નાંખ્યો. તરૂણ અને તેની પ્રેમિકા વચ્ચેનો આ છેલ્લો ફોન કોલ્સ હતો. અને આ વાત એક લાખ ફોનની તપાસ દરમિયાન પોલીસ પણ જાણી ચુકી હતી.
તરૂણને હવે પત્ની પણ નહોતી અને પ્રેમિકા પણ જતી રહી. તેને હવે પોલીસ અને સમાજ બન્નેથી ભાગવાનું હતુ. તરૂણ સુરત રેલવે સ્ટેશનથી ફરી એક ટ્રેનમાં બેસીને બેંગ્લોર પહોંચી ગયો. બેંગ્લોર ઉતર્યા પછી ક્યાં જવું અને શું કરવું તેને સમજાતુ નહોતુ. તે અમદાવાદથી ભાગ્યો ત્યારે જ તેણે પત્ની સજનીના એટીએમથી રૂપિયા ઉપાડી લીધા હતા. માટે રૂપિયાની ખોટ નહતી. તે બંગ્લોર એરપોર્ટ પર ચા પીવા બેઠો અને અમદાવાદમાં તેની પત્નીની હત્યાના કોઇ સમાચાર છપાયાં હોય તો જાણવા એક અંગ્રેજી અખબાર ખરીદ્યું. તેના મનમાં સતત વિચારો ઘુમરીઓ ખાઈ રહ્યાં હતા. એક હાથમાં ચાનો કપ અને બીજા હાથે પકડેલા છાપા સાથે તે તંદ્રામાં સરી પડ્યો. તંદ્રા તુટી ત્યારે અંગ્રેજી છાપામાં છપાયેલી એક જાહેરખબરમાં તેનું ધ્યાન ગયુ. દિલ્હીના એક કોલ સેન્ટર માટે સારુ અંગ્રેજી જાણતા લોકોની જરૂર હતી. તરૂણ આ નોકરી મેળવવા માટે દિલ્હી પહોંચી ગયો. દિલ્હીની એક હોટલમાં રોકાઇને તૈયાર થયો અને જાહેરખબરમાં વાંચેલી જગ્યા પર ઇન્ટર્વ્યુ આપવા પહોંચ્યો. ઇન્ટર્વ્યુવરે જ્યારે તેનું નામ પુછ્યું ત્યારે તરૂણે એક જ ઝાટકે તેને પોતાનું નામ પ્રવિણ આપ્યું. હકિકતમાં પ્રવિણ ભોટેલે તેનો નાનપણનો મિત્ર હતો અને તે સાથે સ્કૂલમાં ભણ્યા હતા. પ્રવિણ હવે મધ્ય પ્રદેશમાં ખાનગી નોકરી કરતો હતો.
તરૂણે નાનપણના મિત્રના નામે ઇન્ટર્વ્યુ આપ્યુ અને ફાંકડા અંગ્રેજીના કારણે તે પાસ પણ થઇ ગયો. પણ, હવે તેની એક મુશ્કેલી એ હતી કે, તેણે જે કંપનીમાં ઇન્ટર્વ્યુ આપ્યું તે ઈન્ટરનેશનલ કંપની હતી. કંપનીએ તેને પાસ કર્યો પણ નોકરી આપતા પહેલાં તેના જરૂરી ડોક્યુમેન્ટ્સ માંગ્યા. તરૂણે હવે પ્રવિણ બની ગયો હતો. તેણે કહ્યું કે, તેના તમામ ડોક્યુમેન્ટ્સ તેના વતનમાં પડ્યાં છે. થોડા સમયમાં લાવીને જમા કરાવી દેશે. પ્રવિણ નામ ધારણ કરી ચુકેલા તરૂણને નોકરી મળી ગઇ પરંતુ બે મહિના થવા છતા તેણે ડોક્યુમેન્ટ જમા નહીં કરાવતા કંપનીએ તેને અલ્ટીમેટમ આપી દીધુ. તરૂણે તે નોકરી છોડી દીધી. પણ આ દરમિયાન તેને કંપનીમાંથી મળેલુ ફોટા સાથેનું પ્રવિણ ભોટેલે નામનું આઇકાર્ડ પોતાની પાસે રાખી લીધુ. તરૂણમાંથી પ્રવિણ બનેલા તરૂણનું આ સૌથી પહેલું ફોટાવાળુ ઓળખ કાર્ડ હતુ.
તરૂણે નોકરી છોડ્યા પછી પોતાના મિત્ર પ્રવિણ ભોટેલેનો ફોન કર્યો. તેને ડર હતો કે, પ્રવિણને કદાચ તેના કરતૂતોની જાણ થઇ ગઇ હશે, પણ એવું નહોતુ. પ્રવિણ સાથે વાત કરતા તરૂણને વિશ્વાસ આવી ગયો કે, મિત્ર પ્રવિણ સજનીના મોત અને પોતે કરેલી હત્યાથી વાકેફ નથી. તેણે ફોનમાં જ પ્રવિણને પોતે મળવા તેની પાસે આવી રહ્યો હોવાની વાત કરી. તરૂણ ભોપાલ ગયો અને ત્યાં પ્રવિણને મળ્યો. તરૂણે ભોપાલમાં જ રોકાઇને પ્રવિણને ધંધો કરવાનું દિવાસ્વપ્ન બતાવ્યું. તરૂણનો કન્વિન્સ પાવર મજબૂત હતો. પ્રવિણ તેની વાતોમાં આવી ગયો અને એક જ સપ્તાહમાં આઈટીનો નવો ધંધો શરૂ કરવાનું કામ ચાલુ થયું. પ્રવિણે રૂપિયાનું રોકાણ કર્યું હોય તેના જ નામે કંપની બનાવા તરૂણે તેને મનાવી લીધો, જ્યારે ધંધાનું હેન્ડલીંગ પોતે કરશે તેમ તેને સમજાવ્યું. કંપની બનાવાના નામે તરૂણે પ્રવિણના જન્મના દાખલાથી માંડીને ગ્રેજ્યુએટની ડીગ્રી સુધીના દસ્તાવેજો મેળવી લીધા. બે મહિના દરમિયન પ્રવિણના નામની ઓળખ ઉભી થાય તેવા તમામ દસ્તાવેજો મેળવીને તરૂણે ધંધામાં નુકશાની બતાવી.
તરૂણ ચબરાક હતો. તેને આશંકા હતી કે, અહીં આ રીતે રોકાઇ રહેવું હિતવાહ નથી. તેણે અત્યાર સુધીમાં પ્રવિણના તમામ ડોક્યુમેન્ટને સ્કેન કરી મેળવી લીધા હતા. આ ડોક્યુમેન્ટ લઇને તે પહેલા પૂણે ગયો. જ્યાં પ્રવિણ ભોટેલે નામની ઓળખ અને તેના ડોક્યુમેન્ટથી એક આઈટી કંપનીમાં નોકરી મેળવી. ત્રણ-ચાર વર્ષ દરમિયાન તેનું કામ જોઇ કંપનીએ તેને પ્રમોશન આપ્યું અને તે જ કંપનીમાં તે મેનેજર બની ગયો. બીજી તરફ તરૂણે આ સમયગાળા દરમિયાન પોતાના નામના તમામ દસ્તાવેજો ખરા બનાવી લીધા હતા. રેશનીંગ કાર્ડથી માંડીને ઇલેક્શન કાર્ડ અને પાસપોર્ટ પણ પ્રવિણના નામથી બનાવી લીધો હતો.

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને જ્યારે તરૂણે કહ્યું કે, તે પાસપોર્ટ બનાવીને બે વાર કંપનીના કામે અમેરિકા પણ જઇ આવ્યો છે ત્યારે ખુદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ આંચકો ખાઇ ગયા હતા.
તરૂણે પોલીસ સમક્ષ પોતાની કબૂલાત આગળ વધારતા કહ્યું કે, તેને પૂણેની કંપનીમાં સાથે નોકરી કરતી નિશા સાથે પ્રેમ થઇ ગયો. તેણે નિશાને કહ્યું હતુ કે, તે નાનો હતો ત્યારે એક રોડ અકસ્માતમાં તેણે આખો પરિવાર ગુમાવ્યો છે. મનસોરમાં તેના એક માસી રહે છે તેણે જ તેને મોટો કર્યો છે. નિશાએ પ્રવિણની વાત પોતાના પરિવારને કરી અને તેની સાથે પરિવારની મંજૂરીથી પ્રેમ લગ્ન પણ કર્યા. હવે બન્નેને પરિવાર આગળ વધારવાનો હતો. નિશા મૂળ કર્ણાટકની હોય બન્ને પૂણેની નોકરી છોડીને બેંગ્લોર સ્થાયી થયાં. ત્યાં તેમને સંતાનમાં એક દીકરી અને એક દીકરો પણ હતા. નિશાના માતા-પિતા પણ સાથે રહેતા હતા.

તરૂણે એ પણ કબૂલાત કરી કે, નિશા કે તેના પરિવારને ક્યારેય ખબર ન પડી કે તે પ્રવિણ નહીં તરૂણ છે. આ દરમિયાન ક્યારેક ક્યારેક તે નોકરીના કામે બહાર જવાનું છે કહીને તેની માતાને મળતો હતો. પરંતુ ક્યારેય તેના પિતાને મળ્યો નહોતો.
તરૂણે હવે જે કબૂલાત કરી તેનાથી પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઇ. તરૂણે કહ્યું કે, થોડા સમય પહેલાં તેની માતા અન્નમાચાકો તેના પિતા સાથે તેની મુલાકાત કરાવા માંગતી હતી. માટે તે કેરળના રીટ્રીટ સેન્ટર પહોંચી હતી. તેણે માતા સાથે મળીને પ્લાન કર્યો હતો કે, રીટ્રીટ સેન્ટરમાં ઓચીંતા જ તરૂણે તેના પિતા સામે આવી જવાનો પ્લાન હતો. જેથી બન્નેનો ભેટો થઇ જાય. તરૂણ કેરળ પહોંચ્યો અને પિતાને મળવાનો હતો ત્યાં જ તેના પિતાની તબિયત લથડી અને તેમને હોસ્પિટલ ખસેડાયા. માટે તે સજીનીના મોત બાદ ભાગ્યા પછી પહેલીવાર તેના પિતાને હોસ્પિટલમાં મળ્યો. તે આખી રાત પોતાના પિતા સાથે બેઠો અને વાતો કરી. પરોઢિયે તેના પિતાને આઇસ્ક્રિમ ખાવાની ઇચ્છા થઇ ત્યારે તેણે એક આઈસ્ક્રિમ પાર્લર ખોલાવીને તેમને આઇસ્ક્રિમ ખવડાવ્યો હતો. જો કે, સવારનો સૂરજ ઉગતા જ તેના પિતાની આંખો કાયમ માટે મીંચાઇ ગઇ. તે સમજી ગયો કે, પિતાના મોતના સમાચાર સાંભળીને પરિચિતો આવશે અને શક્ય છે કે, પોલીસ પણ તેને શોધતી સ્મશાનયાત્રામાં આવી જશે તો તે ઓળખાઇ જશે. માટે તે ત્યાંથી પણ ફરાર થઇ ગયો. આ એજ સમય હતો જ્યારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ડાઘુ બનીને અંતિમયાત્રામાં ગયા હતા. હકિકતમાં તરૂણ અને પોલીસ વચ્ચે માત્ર કલાકોનું જ અંતર રહ્યું હતુ.

આ કેસને સતત છ વર્ષ સુધી એક ઉપાસના માનીને તપાસ કરનારા કિરણ ચૌધરીએ પણ આ પ્રેસ કોન્ફરન્સ પછી કબુલ્યુ કે, તે જ્યારે તરૂણને રાતે લેવા તેની ઓફિસ પહોંચ્યા ત્યાં સુધી તેમને વિશ્વાસ નહતો કે, ત્યાં તરૂણ જ મળશે. પણ તેના મિત્રએ નિશાની આપી હતી કે, તરૂણની અનામીકા વળેલી છે. તેને જ્યારે મળીને હાથ મિલાવ્યો અને તેનો પહોંચો જોયો ત્યારે તેની અનામિકા વળેલી જોઇ અને નક્કી થઇ ગયું કે, આ જ તરૂણ છે, અને સજની હત્યા કેસ દોઢ દાયકા પછી ઉકેલાઇ ગયો.

 - સમાપ્ત.
##Gujarat #Ahmadabad #Mihirbhatt #Crimestory #Crimekahani #Suspense #Sajni #Murdercase #IPS #Himanshusukla #Deepanbhadran #Nirliptrai #kiranchaudhary #Ahmedabadcrimebranch #Part૩





7 comments:

  1. Congratulations....Dear Kiran Chuadhari...We salute to your hard work.....ou proud...🕵️🇮🇳💐

    ReplyDelete
  2. Congratulations kiran chaudhary sir 👍

    ReplyDelete
  3. Well done to entire police team & my dear journalist friend...

    ReplyDelete
  4. Great work
    Salute to intelligent police officers and journalist...

    ReplyDelete

આતંકના અંતનો આખરી નિર્ણય : ડાકૂને પકડવાનું ATSનું 11 મહિનાનું ઓપરેશન

રાતના ૭:૩૦ વાગ્યા હતા. મે મહિનાનો તાપ વરસાવી સૂર્યનારાયણ હજુ ક્ષિતિજથી ઓઝલ જ થયા હતા. જંગલના નિશાચરો પણ આળસ મરડી રહ્યાં હતાં. એક સામાન્ય દિવ...