Thursday, February 13, 2020

પત્નીની હત્યા કરી તરૂણે ‘વેલેન્ટાઇન ડે’ પર પ્રેમિકાને લાશ ગિફ્ટ કરી? પોલીસ પણ ચોંકી ઊઠી


MIHIR BHATT 

follow me on : 

https://twitter.com/MihirBhatt99

(ભાગ-૨) 

વર્ષ ૨૦૧૨ની આ ઘટના બાદ પત્રકારના મનમાં સજની કેસ ફરી વાગોળાવા લાગ્યો હતો. ડિસેમ્બર ૨૦૧૨માં નિર્લિપ્ત રાયની અમદાવાદ ગ્રામ્યના પોલીસ વડાં તરીકે નિમણૂક થઇ. એક દિવસ મોકો મળ્યો ત્યારે પત્રકારે નિર્લિપ્ત રાયને પણ સજની મર્ડર કેસની વાત કરી. નિર્લિપ્ત રાયે વાત સાંભળતા જ હત્યા કેસમાં રસ દાખવ્યો અને પુછ્યું ‘ક્યાંથા વો કેસ?’

પત્રકારે કહ્યું – ‘ઘટના ૧૪ ફેબ્રુઆરી ૨૦૦૩ની એક સાંજે બોપલના હિરાપન્ના ફ્લેટના ત્રીજા માળે કોઈના જોજોથી રડવાનો આવજ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. અવાજની દિશા સાંભળી તે તરફ દોડ્યા ત્યારે ઘરના દરવાજા પાસે ઉભેલો તરૂજીન્નરાજ રડી રહ્યો હતો, રૂમમાં ડબલ બેડ પર તેની પત્ની સજની નિશ્ચેતન થઈ પડી હતી. પાડોશીઓએ શું થયું? પુછતા તરૂણે કહ્યું, કોઈએ મારી પત્નીને મારી નાંખી છે!આ સાંભળતા જ પાડોશીઓતો જાણે ધબકારો ચૂકી ગયા.

ઘટનાની જાણ કરવા કોઇએ અમદાવાદ ગ્રામ્ય પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને કહ્યું, બોપલના હિરા-પન્ના ફ્લેટમાં એક મહિલાની કોઈએ હત્યા કરી છે અને ઉચ્ચ અધિકારીઓ સહિત સરખેજ પોલીસ દોડી આવી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે, મૃતક સજની એક ખાનગી બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતી હતી, જ્યારે તેનો પતિ તરૂજીન્નરાજ મેમનગરની ડી.પી.એસ સ્કૂલમાં પી.ટીનો શિક્ષક હતો. પોલીસે સ્થળનું પંચનામુ કર્યુ અને સજનીના મૃતદેહને પી.એમ માટે મોકલી આપ્યો. પોલીસને આ બધુ પતાવતા સાંજ પડી ગઇ.

ફેબ્રુઆરીની ઠંડી હતી અને સાંજ પણ વહેલી ઢળી ગઈ હતી. ઘરમાં રોકકળ ચાલતી હતી માટે પોલીસે સજનીના પતિ તરૂણની વધુ પુછપરછ ન કરી. પરંતુ એફ.એસ.એલ અને સ્નિફર ડોગની મદદથી પોલીસે હત્યારા સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કરી દીધા. કેટલાક પોલીસ કર્મીઓ ફ્લેટના એક ખુણામાં બેસીને તરૂના ભાઇ અરૂણની ફરિયાદ નોંધી રહ્યાં હતા અને પોલીસના સ્નિફર ડોગ સજનીનો મૃતદેહ જે રૂમમાંથી મળ્યો તે રૂમમાંથી બહાર નીકળીને જે જગ્યાએ ફરિયાદ નોંધાઈ રહી હતી તે તરફ આવી રહ્યાં હતા.

સજનીનો મૃતદેહ મળ્યો ત્યારથી માંડીને પોલીસ ફરિયાદ નોંધાવાની શરૂઆત થઈ ત્યાં સુધી સજનીના પરિવારને હત્યા લૂંટના ઈરાદે થઈ હોવાની આશંકા હતી. બીજ તરફ બે પૈકી એક સ્નિફર ડોગ તરૂણ સામે ઉભુ રહી ગયું અને ભસવા લાગ્યું. પોલીસ અધિકારીઓ દાળમાં કંઈક કાળુ હોવાનું સમજી ગયા. પરંતુ ઘરમાં ચાલતી રોકકળ અને મજબૂત પુરાવા વગર તરૂણની પુછપરછ કરવી શક્ય ન હતી. પોલીસે ભારે ધીરજ અને ચાલાકી પૂર્વક સ્નિફર ડોગને ત્યાંથી ખસેડાવી લીધા. બે કલાક બાદ ફરિયાદ નોંધાવાની કામગીરી પૂર્ણ થઈ અને તરૂણ નવરો પડ્યો. પોલીસ હજુ પણ હિરા-પન્ના ફ્લેટ નીચે હાજર હતી.

મોડી રાતે કેટલાક પોલીસકર્મીઓએ તરૂણને નિવેદન નોંધવાનું છે તેમ કહી સરખેજ પોલીસ સ્ટેશન સાથે લઇ ગયા. સ્નિફર ડોગ તરૂણ સામે ભસ્યો હોવાથી પોલીસને તેના પર શંકા હતી પરંતુ પુરાવા એકાઠા કરવાના હતાં. કારણ, હાઈ પ્રોફાઈલ અને એડ્યુકેટેડ ફેમિલિ વિરૂધ્ધ કોઇ અણવિચાર્યુ અને ઉતાવળ્યું પગલું પોલીસને ભરવું નહોતુ.

મોડી રાતે સરખેજ પોલીસ સ્ટેશનમાં તરૂણનું નિવેદન શરૂ થયું. રૂણે પોલીસને જણાવ્યું કે, અમારા લગ્ન બે વર્ષ અગાઉ થયા હતા. અમારે કોઈ સંતાન નથી. આજે વેલેન્ટાઈન ડે હોઈ હું સજની માટે ગિફ્ટ લેવા બપોરે વિજય ચાર રસ્તા ગયો હતો. ગિફ્ટ લઈને પરત આવ્યો ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને ડબલ બેડ પર સજની નિશ્ચેતન પડી હતી. નિવેદન સમયે પોલીસે તરૂણના કપડાં અને હાથ પણ સુંઘ્યાં હતા. રૂણ પણ ચબરાક હતો, તેને અંદાજ આવી ગયો કે પહેલાં સ્નિફર ડોગ ભસ્યો છે અને હવે કપડાં અને હાથ સુંઘીને પોલીસ તપાસી રહી છે કે તે જ આરોપી છે કે કેમ?

પોલીસે તરૂણનું આ નિવેદન નોંધ્યું. નિવેદન સમયની તરૂણની બોડી લેંગ્વેજથી પોલીસને તરૂણ વિરૂધ્ધ શંકા વધુ મજબૂત બનવા લાગી હતી. બીજા દિવસે પી.એમનું પ્રાથમિક તારણ આવી ગયું અને સજનીની ગળુ ઘોંટીને હત્યા કરી હોવાનું ખુલ્યું. બસ પોલીસ માટે હવે હત્યારા સુધી પહોંચવા મજબૂત પુરાવાની જરૂર હતી. રૂણની બોડી લેંગ્વેજ સતત બદલાઈ રહી હતી, બીજી તરફ સ્નિફર ડોગ તેની સામે ભસ્યા હોઈ પોલીસને શંકા હતી જ ઉપરાંત તેના હાથમાંથી આવેલી પર્ફ્યુમની સુગંધ તરૂણ જ હત્યારો હોવાની ચાડી ખાતી હતી. પરંતુ પોલીસને જાણવું હતું કે,રૂણે હત્યા કેમ કરી? બીજા દિવસે તરૂણની થોડી કડક પુછપરછ અને મિત્રવર્તુળના નિવેદનમાં પોલીસને જાણવા મળ્યું કે, તેને એક રેડિયો સ્ટેશનની આર.જે સાથે પ્રેમ હતો. બન્ને લગ્ન કરવા માંગતા હતા.

તપાસ અધિકારીના મગજમાં વિજળી વેગે જાણે ચમકારો થયો કે, સજનીની હત્યા વેલેન્ટાઈન ડે પર જ થઈ છે. શું તરૂણે સજનીની હત્યા કરી તેની પ્રેમિકાને ગીફ્ટ તો નથી આપીને? રૂણને તાત્કલીક પોલીસ સ્ટેશન બોલાવાયો. બીજી તરફ ચબરાક તરૂણ પોલીસની કાર્યવાહી પર પણ નજર રાખી રહ્યો હતો. તે પોલીસ સ્ટેશન જવાને બદલે બોપલની એક હોસ્પિટલમાં બિમારીનું બહાનું કાઢી દાખલ થઈ ગયો. પોલીસ હવે લગભગ તરૂણની ધરપકડ કરવાની તૈયારીમાં જ હતી, પરંતુ તે હોસ્પિટલમાં ભર્તી થઈ ગયો હોવાનું જાણતા પોલીસે તેના પર વોચ ગોઠવી અને તત્કાલીન પી.એસ.આઈ એમ.એમ ઝાલાને સ્ટાફ સાથે હોસ્પિટલમાં તહેનાત કરાયા. પોલીસ પોતાના માટે જ ગોઠવાઈ હોવાનું જાણતો તરૂણ ધરપકડ થાય તે પહેલાં જ હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયો. પોલીસ વોર્ડની બહાર તહેનાત હતી તેમ છતાં તે ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસની તહેનાતી ભેદી હતી કે પોલીસની ભૂલ હતી તે બાબત આજે પણ અકબંધ છે. રૂણના ગુમ થતાંની સાથે જ પોલીસે આરોપી તરીકે ફરિયાદમાં તરૂણનું નામ નોંધી નાંખ્યું. તરૂણ બસ ત્યારથી ગુમ છે.’

પત્રકારે નિર્લિપ્ત રાયને એ પણ કહ્યું કે, સાહેબ, આ કેસમાં આરોપી તરૂણ વિરૂધ્ધ એલ..સી જાહેર કરાઇ છે. એટલું જ નહીં, સજનીના પિતા ઓ.પી ક્રિશ્નનને તો મૂળ કેરળનો તરૂણ પોતાના વતનમાં જ છુપાયો હોવાની શંકાથી તેની ખબર આપનારને એક લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. પરંતુ છેલ્લીવાર હોસ્પિટલમાં જાહેરમાં દેખાયેલા તરૂણને ત્યાર બાદ કોઈએ જોયો નથી’.

આ આખી ઘટના નિર્લિપ્ત રાય શાંતિથી સાંભળતા રહ્યાં અને કેસમાં તપાસ કરવાનું વચન આપ્યું.
નિર્લિપ્ત રાયે આ કેસમાં લગભગ એક વર્ષ સુધી તપાસ કરી અને આરોપી સુધી પહોંચવાના કરી શકાય એટલા પ્રયાસો કર્યા. પરંતુ તેમની પાસે આખા અમદાવાદ જિલ્લાના કાયદો અને વ્યવસ્થાનો ભાર હતો. માટે તે આ એક માત્ર કેસ પર ધ્યાન કેન્દ્રિત ન કરી શક્યા. છતાં તેમના પ્રયાસો ગ્રામ્ય પોલીસની સરખામણીએ મજબૂત હતા.

સમય વિતવા લાગ્યો. દેશમાં લોકસભાના ઇલેક્શન હતા. માટે સરકારી અમલો ઇલેક્શનની તૈયારીઓમાં લાગી ગયો હતો. આ તૈયારીઓમાં પોલીસ પણ બાકી ન રહી. આચાર સંહિતા લાગુ પડે તે પહેલા રાજ્યભરના પોલીસબેડામાં સાગમટે બદલીઓ આવી. ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. કિરણ ચૌધરની પણ સાબરકાંઠા બદલી થઇ ગઇ અને સજની મર્ડર કેસ જાણે વિસરાઇ ગયો.

સજની કેસ હવે બે વ્યક્તિના મનમાં જ જીવંત હતો. એક પત્રકાર અને બીજા કે.જી ચૌધરી. પત્રકારે સ્ટોરીના રીપોર્ટીંગ દરમિયાન સજનીના માતા-પિતાને રડતા જોયા હતા માટે આરોપી તરૂણ પકડાય તેવી તેની પ્રબળ ઇચ્છા હતી. જ્યારે કે.જી ચૌધરીએ મનોમન આ ચેલેન્જ સ્વિકારી લીધી હતી.
દેશમાં ઇલેક્શન પૂર્ણ થઇ ગયું, નરેન્દ્ર મોદીની સરકાર બની ગઇ. દેશભરમાં નવી સરકાર અને વડાપ્રધાન મોદીના ‘અચ્છેદીન આયેંગે’ના નારાની ચારેકોર ચર્ચા હતી ત્યારે તરૂણના ખરાબ દિવસોની શરૂઆત થવાની હતી. ફરી એકવાર રાજ્યના પોલીસબેડામાં બદલીઓનો ગંજીફો ચીપાયો અને કિરણ ચૌધરીની ફરી અમદાવાદમાં બદલી થઇ. પોલીસ કમિશનરે તેમના જુના અનુભવને જોતાં ફરી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં જ પોસ્ટીંગ આપ્યું. કિરણ ચૌધરી ફરી ક્રાઇમ બ્રાન્ચમાં આવ્યા ત્યારે તરૂણને પકડવાની નેમ લઇને આવ્યાં હતા.

ક્રાઇમ બ્રાન્ચમાં પણ ડીસીપી બદલાઇ ચુક્યા હતા. હિમાંશુ શુક્લાની જગ્યાએ આવેલા દીપન ભદ્રન ક્રાઇમ બ્રાન્ચના ઓપરેશનમાં સક્સેસ રહેવાનો રેસીયો જાળવવામાં સફળ રહ્યાં હતાં. દીપન ભદ્રનના આવતા જ તેમની આગેવાનીમાં સૌથી મોટુ ઓપરેશન વિશાલ ગોસ્વામી ગેંગને પકડવાનું સફળ રહ્યું હતુ. કે.જે ચૌધરીએ દીપન ભદ્રનને સજની મર્ડર કેસના આરોપીને પકડવાના ઓપરેશનની વાત કરી અને શરૂ થયું એક ગુપ્ત ઓપરેશન.

કિરણ ચૌધરીએ સૌથી પહેલાં તરૂણને પકડવા તેની વિગતો એકઠી કરવા લાગ્યા. તેમણે આ કેસને યાદ કરાવનારા પત્રકાર પાસેથી તેણે લખેલી સ્ટોરી અને બીજી વિગતો માંગી. સજનીના પરિવારના સભ્યોની વિગતો અને જે તે સમયે પોલીસે બનાવેલા તરૂણના અલગ અલગ ચહેરાના ફોટો પણ પત્રકારે મેઇલ કરી આપ્યાં.

તરૂણને પકડવાનું ઓપરેશન શરૂ થયું છે તે વાત હવે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી દીપન ભદ્રન, કે.જી ચૌધરી અને તેમના કેટલાક નક્કી કરેલા પોલીસકર્મી તથા એક પત્રકાર જાણતા હતા. કિરણ ચૌધરીએ પરિવારની વિગતો તો એકઠી કરી લીધી. તરૂણના પરિવારના તમામ સભ્યોના ફોન કોલ્સ ટ્રેસીંગ ઉપરાંત તેમના સીડીઆર પણ તપાસવાનું શરૂ કર્યું. ફોન કોલ્સમાંથી જે નંબર અને નામ શકમંદ લાગે તે નંબર વાળી વ્યક્તિની ખાનીગ રાહે તપાસ થવા લાગી. જે તે વ્યક્તિના કોલ ટ્રેસ કરવા ઉપરાંત તેમના સીડીઆર અને તે વ્યક્તિ જે ત્રાહિત વ્યક્તિ સાથે વાત કરે તેમની મોબાઇલ સર્વેલન્સથી તપાસ થવા લાગી. તરૂણ ક્યાંક કોઇકના સંપર્કમાં તો હોવો જ જોઇએ તેવી આશાએ આ ફોન કોલ્સની તપાસ થવા લાગી અને તપાસના આ પહેલાં જ પગથિયે એક હજારથી વધુ લોકોને તપાસાયા. જ્યાં જરૂર પડી ત્યાં પોલીસ પહોંચીને જે તે વ્યક્તિની ખાનગીમાં તપાસ કરી પણ તરૂણ ન મળ્યો.

પોલીસનું ફોન ટ્રેસીંગનું આ પહેલું ઓપરેશન ફેઇલ રહ્યું. સામાન્ય સંજોગોમાં પોલીસ આટલી મહેનત પછી તો આરોપી સુધી પહોંચી જ જતી હોય છે. પણ હજુ તરૂણ પોલીસથી બે ડગલા આગળ ચાલી રહ્યો હતો. ફોન ટ્રેસીંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે દેશના તમામ એરપોર્ટ અને પોર્ટ પરથી તપાસ કરાવી લીધી હતી કે, ૧૫ ફેબ્રુઆરી ૨૦૦૩ પછી તરૂણ વિદેશ તો નથી ભાગી ગયો ને?! પોલીસે આ તપાસ દરમિયાન જાણી લીધુ હતુ કે, તરૂણ ભારતમાં જ છે. પરંતુ, સવાસો કરોડની વસ્તી વાળા દેશમાં તરૂણને શોધવો કેવી રીતે? તે પોલીસ માટે લોઢાના ચણા ચાવવા જેવું સાબીત થઇ રહ્યું હતુ. જો કે, પોલીસકર્મીઓમાં ધીરજ સાથે તરૂણને પકડવાની મક્કમતા પણ હતી. કિરણ ચૌધરી અને ડીસીપી ભદ્રને આ મુદ્દે અનેકવાર મિટિંગ કરતા અને તરૂણ સુધી પહોંચવાની શક્યતાઓ તપાસતા. તેમની એક બેઠક દરમિયાન નક્કી થયું કે, તરૂણ જીવતો હશે અને ભારતમાં જ હશે તો તેના માતા-પિતાને તો મળવા આવશે જ. માટે તેના પરિવારની રોજે રોજની દિનચર્યા પર નજર રાખવી.

પોલીસ હવે તરૂણના માતા-પિતાના ફોનનું ફરી સર્વેલન્સ શરૂ કર્યું. તરૂણની માતા અન્નમાચાકો અને પિતા જીન્નરાજ કરૂણાકર એક દિવસ કેરળ ગયા હતા. સજનીના પરિવારે અગાઉ એવી ફરિયાદ પણ કરી હતી કે, તરૂણ તેમના મૂળ નેટીવ કેરળમાં ક્યાંય છુપાયો હોવો જોઇએ. પોલીસને અન્નમાચાકો અને કરૂણાકરના આ પ્રવાસથી પોલીસ એલર્ટ બની. વૃધ્ધ દંપતિ કેરળ પહોંચ્યું ત્યારે પણ પોલીસે તેમના ફોન સતત ટ્રેસ કર્યા. શંકા હતી કે, ત્યાં તે તરૂણને મળશે. પોલીસ કેરળમાં આ વૃધ્ધ દંપતિના સંપર્કમાં આવનારા લોકોના ફોન ટ્રેસ કરવા લાગી. આ દરમિયાન પોલીસને બે ફોનકોલ્સ એવા મળ્યા કે, જે અગાઉ અન્નમાચાકો મનસોર (મધ્યપ્રદેશ) તેમના ઘરે હોય ત્યારે પણ વાત કરતા હતા. આ બન્ને ફોન કોલ કરનારામાં એક પ્રવીણ ભોટેલે અને બીજો રાજશેખર (નામ બદલ્યં છે) હતા. બન્નેની અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી લીધી હતી. બન્ને અન્નમાચાકોના પરિવારીક મિત્રો હતા. આ તપાસ માત્ર કોલ ટ્રેસીંગથી થઇ હતી જે પોલીસની એક મોટી ભૂલ પણ સાબીત થવાની હતી અને ભવિષ્યના ઓપરેશન માટે બોધપાઠ પણ બનવાની હતી.

કેરળમાં પણ આ બન્ને વ્યક્તિના ફોનકોલ્સ અન્નમાચાકો પર આવતા હતા. દરમિયાન કોલ ટ્રેસીંગમાં ક્રાઇમ બ્રાન્ચને જાણવા મળ્યું કે, તરૂણના માતા-પિતા કેરળના એક રીટ્રીટ સેન્ટરમાં રોકાયા હતા ત્યાં કરૂણાકરની તબિયત લથડી છે. કરૂણાકરને કેરળની જ એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. પોલીસને લાગ્યું કે, પિતાના મોતના સમાચાર સાંભળીને તરૂણ ચોક્કસ અંતિમ વિધિમાં તો આવશે જ. કારણ તે કેરળમાં છુપાયાની આશંકા પણ પોલીસને હતી. પોલીસની થિયરી હતી કે, આટલા વર્ષે તરૂણને અંદાજ નહીં હોય કે, પોલીસ તેને હવે શોધતી હશે.

પી.આઇ ચૌધરીએ આ વાતની જાણ તાત્કાલીક ડીસીપી ભદ્રનને કરી અને કેરળ જવાની મંજુરી માંગવામાં આવી. પી.આઈ ચૌધરી સહિત પાંચેક પોલીસકર્મીઓ તેજ દિવસે ફ્લાઇટમાં કેરળ પહોંચ્યા અને સફેદ કપડામાં ‘ડાઘુ’ બનીને તરૂણના પિતાની અંતિમ વિધિમાં જોડાયાં. ખાનગીવેશમાં પહોંચેલી પોલીસે ત્યાં આવનારા તમામ લોકો પર નજર રાખવાનું શરૂ કર્યું. પોલીસને શંકા હતી કે, તરૂણે વેશ પલ્ટો કર્યો હશે માટે તેના જેવા લાગતા વ્યક્તિની વિશેષ તપાસ કરવી. અંતિમક્રિયા પૂર્ણ થઇ પણ પોલીસના આ ગુપ્ત ઓપરેશનનો અંત ન આવ્યો. પોલીસનું આ ઓપરેશન પણ નિષ્ફળ રહ્યું. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને ચાણક્યએ કહેલી વાત સમજાઇ ગઇ કે, ‘શિક્ષક સાધારણ નહીં હોતા’. આ શિક્ષક પણ કોઇ સામાન્ય આરોપી નથી.

સ્મશાન યાત્રામાં તરૂણને ઓળખીને પકડી પાડવાનું ઓપરેશન નિષ્ફળ રહેતા કે.જી ચૌધરીએ ફરી ડીસીપી દીપન ભદ્રન સાથે બેઠક કરી. બન્નેની ચર્ચા મોડી રાત સુધી ચાલી. નક્કી થયું કે, હવે તરૂણને પકડવા તેનાથી વધુ સ્માર્ટ રીતે તપાસ કરવી પડશે. બન્નેની વાતનો સાર નિકળ્યો કે, હવે આ કેસમાં તરૂણની પૂર્વ પ્રેમિકાનો સહારો લેવો પડશે. તેને વિશ્વાસમાં લઇને તરૂણની તપાસ કરવી પડશે. તરૂણની પૂર્વ પ્રેમિકાનો સંપર્ક કરવાનું નક્કી કર્યું. પરંતુ, પોલીસને એ પણ ડર હતો કે, તેની પાસે તરૂણની વાત કઢાવવી સહેલી નથી. કારણ એ પણ હતુ કે, કદાચ તે આજે પણ તે તરૂણના સંપર્કમાં હોય તો? વાત તરૂણ સુધી પહોંચતા વાર નહીં લાગે અને તે સતર્ક થઇ જશે. એ વાતે પોલીસને અટકાવી. પોલીસે તરૂણની પૂર્વ પ્રેમિકાની વોચ શરૂ કરી. તેના ફોનકોલ્સની તપાસ કરી લીધી પરંતુ તેમાં ક્યાંય તરૂણનો કોઇ પતો ન લાગ્યો. આ બધી તપાસ એક-એક બે-બે મહિનાની ચાલતી. પોલીસ ભારે ધીરજથી આગળ વધી રહી હતી. કારણ હવે તરૂણને શોધવો તે અધિકારીઓને મન પ્રતિષ્ઠાનો સવાલ હતો. 

તરૂણની પૂર્વ પ્રેમિકા હવે આ આખી બાબતથી અલગ હોવાની નિશ્ચિત થતા પોલીસે તરૂણના જૂના મિત્રોની શોધ શરૂ કરી. પોલીસને જાણવા મળ્યું કે, તરૂણનો એક નરેન્દ્ર નામનો મિત્ર છે. પોલીસે તેને શોધી કાઢ્યો અને તેની પાસે જઇ તરૂણની પુછપરછ શરૂ કરી. નરેન્દ્ર પાસેથી પોલીસને તરૂણની ખાસ કોઇ વિગત તો ન મળી પણ હાં, તેના શોખ, દેખાવ, વાત કરવાની સ્ટાઇલ તે ક્યાં હોઇ શકે છે? કોના સંપર્કમાં હોઇ શકે છે? કેવો દેખાતો હશે? તેને ઓળખવા માટેને કોઇ વિશેષ નિશાની? આવા અનેક મુદ્દે નરેન્દ્રની પુછપરછ કરાઇ. ત્યારે પોલીસને જાણવા મળ્યુ કે, તરૂણની અનામીકા કોઇ અકસ્માતના કારણે વળેલી છે. તેની તમામ આંગળીઓ સીધી કરે ત્યારે માત્ર અનામીકા જ વળેલી રહે છે. તરૂણ એક દાયકા પછી જેવો લાગતો હોય તેવો પણ તેની અનામીકાથી તેને ચોક્કસ ઓળખી લેવાશે.

ઇન્વેસ્ટિગેશનમાં સ્માર્ટ અધિકારીઓ ઘણીવાર નાની ક્લૂમાંથી મોટી સફળતા મેળવી લેતા હોય છે. દિલ્હીના પૂર્વ પોલીસ કમિશનર નિરજકુમારે પોતાની બૂક ‘ડાયલ ડી ફોર ડોન’માં ઉલ્લેખ કર્યો છે કે, અમદાવાદમાં વર્ષો પહેલા લતીફનો દબદબો હતો ત્યારે તેને દિલ્હીથી પકડવાનું ઓપરેશન સફળ રહ્યું હતુ. લતીફ જ્યારે પકડાયો ત્યારે તત્કાલીની ડીસીપી એ.કે. જાડેજા તેનો ફોન ટ્રેસ કરીને સાંભળી રહ્યાં હતા. દિલ્હીના કોનટ પ્લેસ નજીક એક એસ.ટી.ડી બૂથમાંથી કરાયેલા આ ફોનમાં લતીફ અને સામે વાળી વ્યક્તિ બન્ને એક બીજાના નામ વગર વાત કરી રહ્યાં હતા. પરંતુ જાડેજાને લતીફની વાત કરવાની સ્ટાઇલ ખબર હતી. લતીફ વાત કરતો હોય ત્યારે વારંવાર ‘એસા ક્યાં?’ બોલતો હતો. આ ફોન ટ્રેસીંગમાં પણ લતીફ એકવાર બોલ્યો કે ‘ઐસા ક્યાં?’ અને તે ઓળખાઇ ગયો.

ક્રાઇમ બ્રાન્ચ માટે પણ આ વળેલી અનામીકા જેવી નાની ક્લૂ જ સફળતા અપાવાની હતી પરંતુ તે માટે સવાસો કરડોની જનતા વળા દેશમાં એક કાવાદાવા ભરેલુ ગુપ્ત ઓપરેશન ચલાવાનું હજુ બાકી હતુ.
ક્રાઇમ બ્રાન્ચે તમામ નાની-નાની વિગતોની નોંધ સાથે તરૂણની ફાઇલ તૈયાર કરવાનું શરૂ કર્યું. ક્રાઇમ બ્રાન્ચે નક્કી કર્યું કે, હવે તરૂણને પકડવા તેના ઘરમાં ઘુસવું પડશે. કોઇ આરોપીને ઘરમાં ઘુસીને પકડવા જેટલું આ કામ સહેલું ન હતુ. ઘરમાં ઘુસવાનું ઓપરેશન પાર પાડવા તત્કાલીન પી.એસ.આઈ કે.આઈ જાડેજા અને વાયરલેસ પી.એસ.આઈ કે.પી પટેલ મનસોર પહોંચ્યા. બન્નેએ થોડા દિવસ રોકાણ કર્યું અને વિગતો એકઠી કરી કે, અન્નમાચાકો એકલાં જ રહે છે અને તેમના ઘરનો ઉપરનો માળ ભાડે આપવાનો છે. આ વિગતો મળતા જ કિરણ ચૌધરીએ પોતાના વિશ્વાસુ ચારેક કોન્સ્ટેબલને તૈયાર કર્યા. આ ચારેય કોન્સ્ટેબલ ઉમરમાં નાના દેખાતા હોવા જરૂરી હતી. માટે એવા જ કોન્સ્ટેબલની પસંદગી કરાઇ. ચારેય મનસોર પહોંચ્યા અને અન્નમાચાકો રહેતી હતી તે વિસ્તારમાં જાણી જોઇને મકાન ભાડે લેવાનું નાટક શરૂ કર્યું. સ્થાનિક દલાલોને મળ્યાં અને સોસાયટીઓમાં જઇને ભાડાંના મકાન માટે પૃચ્છા કરવા લાગ્યા. પોલીસની આ ચાલ સફળ રહી. અન્નમાચાકોનું જ ઘર સોસાયટીના એક આગેવાને બતાવ્યું. પોલીસકર્મીઓએ પોતાની ઓળખ સેલ્સમેન તરીકેની આપી અને માર્કેટીંગના કામથી બહારગામ આવવા જવાનું રહેતું હોવાનું કહી મકાન ભાડે લીધુ. હવે પોલીસકર્મીઓ તરૂણની માતાના ઘરે જ ઉપરના માળે ભાડે રહેવા પહોંચી ગયા.

મહિનાઓ સુધી બહાર રહેવું પોલીસકર્મીઓ માટે શક્ય ન હતુ. ઉપરાંત રાજ્ય સરકારનો ગૃહવિભાગ પણ મહિનાઓ સુધી કોન્સ્ટેબલોને બીજા રાજ્યમાં રહેવાની પરવાનગી આપે તેમ ન હતો. માટે બે-ત્રણ દિવસ કોન્સ્ટેબલ રોકાય અને તે પાછા આવી જાય. તેમની જગ્યાએ બીજા કોન્સ્ટેબલ જતા રહે. આમ કોન્સ્ટેબલોએ અન્નમાચાકો સાથે ઘરોબો વધાર્યો. પોલીસકર્મીઓ સતત છ મહિના સુધી અન્નમાચાકોના ઘરે ભાડે રહ્યાં.

પોલીસની આ ચાલ સફળ રહી પણ સંપૂર્ણ નહીં. પોલીસકર્મીઓ તરૂણની માતા અન્નમાચાકો સાથે ઘરોબો કેળવવા અવારનવાર તેમની સાથે વાત કરતા. તેમના કોઇ કામ હોય તો પણ કરી આપતા.  એકવાર અન્નમાચાકોએ એક કોન્સ્ટેબલ સાથે વાત કરતા કહ્યું કે, તેમને બે દિકરા છે. એક અમદાવાદ રહે છે, બીજો દક્ષીણ ભારતમાં રહે છે. પોલીસને અમદાવાદ વાળા દિકરાની ખબર હતી પહેલીવાર એક દાયકા પછી તરૂણ જીવતો હોવાનું અને તે દક્ષીણ ભારતમાં હોવાનું પોલીસને આડકતરી રીતે જાણવા મળ્યું. પોલીસે હવે દક્ષીણ ભારતમાંથી અન્નમાચાકો સાથે ફોન પર વાત કરનારા લોકોની ફરીથી તપાસ શરૂ કરી.

પોલીસના આ તમામ પ્રયાસોને છ વર્ષ વિતી ગયા હતા. અત્યાર સુધીમાં પોલીસે માત્ર તરૂણને પકડવા એક લાખથી વધુ ફોનકોલ્સના સીડીઆર તપાસી ચુકી હતી. આ એક લાખ કોલ ડિેટેઇલ્સમાંથી સૌથી વધુ ડિટેઇલ્સ પી.એસ.આઈ કૃપેશ પટેલે તપાસી હતી.  

પોલીસે ભાડે રહેતી હતી ત્યારે એ પણ જાણી લીધુ હતુ કે, અન્નમાચાકો હવે ક્રિશ્ચિયન ધર્મમાં વધુ શ્રધ્ધા ધરાવા લાગી છે. અવારનવાર ચર્ચમાં જતી અને પાદરીઓના પ્રવચન સાંભળતી હતી. પોલીસે હજુ વધુ એક ‘અખતરો’ કરવાનો હતો. કારણ આટલા વર્ષોની મહેનતથી બીજો દીકરો દક્ષીણ ભારતમાં હોવાનું જાણી ચુક્યા બાદ ક્રાઇમ બ્રાન્ચને પાછી પાની નહોતી કરવી. ક્રાઈમ બ્રાન્ચમાં ફરી એક પ્લાન ઘડાયો. કે.જી ચૌધરી અને બે પી.એસ.આઈ મનસોર પહોંચ્યા. ત્યાં તેમણે અન્નમાચાકો જતી હતી તે ચર્ચના પાદરીનો સંપર્ક કર્યો અને પોતાની ઓળખ આપી. પોલીસે કહ્યું કે, તે એક એવા આરોપીને શોધી રહી છે જેણે પોતાની પત્નીની એ પણ પ્રેમના દિવસે જ હત્યા કરી છે. માનવતા ખાતર તેમને મદદ કરવામાં આવે. પાદરીએ માનવતાની વાત આવતાં જ પોલીસને શક્ય મદદ કરવા તૈયાર થયા. પાદરીને કહેવામાં આવ્યું કે, આગામી રવિવારે ચર્ચામાં એક કાર્યક્રમ ગોઠવવામાં આવે અને ચર્ચામાં રેગ્યુલર આવતા લોકોને કહેવામાં આવે કે તે પોતાના સહપરિવાર સાથે આવે. જો કોઇ બહારગામ રહેતું હોય તો ત્યાંથી પણ પોતાના પરિવારના સભ્યોને બોલાવીને કાર્યક્રમમાં હાજર રહે. પાદરીએ પણ સત્યનો સાથ આપવા કાર્યક્રમનું આયોજન કર્યું. પોલીસકર્મીઓ પણ તે કાર્યક્રમમાં હાજર રહ્યાં. એક આરોપીને પકડવા પોલીસ હવે ધર્મના આશરે હતી...


(ક્રમશ:)



#Gujarat #Ahmadabad #Mihirbhatt #Crimestory #Crimekahani #Suspense #Sajni #Murdercase #IPS #Himanshusukla #Deepanbhadran #Nirliptrai #kiranchaudhary #Ahmedabadcrimebranch #Part2

9 comments:

આતંકના અંતનો આખરી નિર્ણય : ડાકૂને પકડવાનું ATSનું 11 મહિનાનું ઓપરેશન

રાતના ૭:૩૦ વાગ્યા હતા. મે મહિનાનો તાપ વરસાવી સૂર્યનારાયણ હજુ ક્ષિતિજથી ઓઝલ જ થયા હતા. જંગલના નિશાચરો પણ આળસ મરડી રહ્યાં હતાં. એક સામાન્ય દિવ...